મુંબઈઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ગલવાન ખીણવિસ્તારમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકોના મોતને લીધે ભારતમાં ચીનની વિરુદ્ધમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. લોકો ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનો આગ્રહ કરી રહ્યા છે. લોકલાગણીને માન આપીને મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો આંચકો આપ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સાથે વાતચીત કર્યા બાદ ચીનની ત્રણ કંપનીઓના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર હાલપૂરતો પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ફરી માર્ગદર્શિકા આવ્યા બાદ જ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેશે.
આ પ્રોજેક્ટ પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ
પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વેહિકલની મોટી ફેક્ટરીનો પ્રોજેક્ટ જે લગભગ 3500 હજાર કરોડ રૂપિયાનો છે. આ કંપની 1000 કરોડનું રોકાણ કરવાની હતી જેમાં 1500 લોકોને રોજગાર મળવાનો છે.
હેન્ગલી એન્જિનિયરિંગ- આ કંપની સાથે પુણેના તાલેગાંવમાં 250 કરોડના રોકાણનો કરાર થયો છે, જેમાં 150 થી વધુ લોકોને રોજગાર મળવાની સંભાવના છે.
ગ્રેટ વોલ મોટર્સ ઓટોમોબાઈલ- આ કંપનીએ સૌથી વધુ 3770 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની હતી જેમાં 2042 લોકોને રોજગાર મળવાની સંભાવના હતી.
મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસ પહેલા 12 MoU (Memorandum Of Understanding) પર સહીસિક્કા કર્યા હતા. તમામ 3 ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ હવે કામચલાઉ રીતે અટકાવી દેવામાં આવ્યા છે, જ્યારે 9 પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ રહેશે. તેમાં બીજા દેશોની કંપનીઓ પણ સામેલ છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત વિશેની જાણકારી માંગી હતી.
આ જ રીતે, ભારતીય રેલવેએ ચીનમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનની કેટલીક કંપનીઓની સાથે થયેલી સમજૂતી પણ રદ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, ભારત સરકાર સ્થાનિક પ્રોડક્ટ્સની નિકાસ વધારવાનો પ્રયાસોમાં લાગી ગઈ છે. તેમાં અલગ-અલગ દેશોમાં સ્થાનિક કંપનીઓ માટે નિકાસની તક શોધવા માટે 1500 પ્રોડક્ટની યાદી જાહેર કરી છે.
મુંબઈઃ લોકડાઉન હોવા છતાં અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં આવેલા માર્વે બીચ પર ગઈ કાલે નાહવા ગયેલા બે કિશોર ડૂબી ગયાની દુર્ઘટના સર્જાઈ છે. બંને છોકરા સગીર વયના હતા. એકનો મૃતદેહ આજે મળ્યો છે જ્યારે બીજાની શોધ ચાલુ છે.
ફાયર બ્રિગેડ અને પોલીસના જણાવ્યા મુજબ, મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારના આઝમી નગર મોહલ્લાના રહેવાસી છ છોકરા રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે ચાલતા ચાલતા માર્વે બીચ ગયા હતા. ત્યાં જઈને તેઓ નાહવા માટે દરિયામાં પડ્યા હતા.
એમાંના બે છોકરા દરિયામાં દૂર સુધી ગયા હતા, પણ પાણીના મોજાં એમને તાણી ગયા હતા.
અન્ય ચાર છોકરાએ ત્યારબાદ બૂમાબૂમ કરી હતી અને અમુક સ્થાનિક લોકો દોડતા આવ્યા હતા. ત્યારબાદ દુર્ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ડૂબકીમાર સહિતની બચાવ ટૂકડીએ ત્યારબાદ રાતે લગભગ 8 વાગ્યે 13 વર્ષના એક છોકરાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
16 વર્ષની વયના અન્ય છોકરાનો મૃતદેહ આજે સવારે મળ્યો હતો. અંધારાને કારણે બચાવ કામગીરી ગઈ કાલે રાતે સ્થગિત કરી દેવી પડી હતી.
અમદાવાદઃ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને આ વર્ષે કોરોના વાઇરસનું ગ્રહણ લાગેલું છે. ગુજરાત હાઇકોર્ટે શહેરમાં નીકળનારી રથયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ આ પહેલાં હાઇકોર્ટે એ જાણીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે રથયાત્રાના આયોજન અંગેની જવાબદારી લેવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ કેમ આનાકાની કરી અને જવાબદારી લેવામાં કેમ ઠાગાઠૈયા કર્યા.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ રથયાત્રા પર ફરમાવેલા મનાઇહુમને અનુલક્ષીને અને કોવિડ-19ના રોગચાળાને કારણે આ વર્ષે રથયાત્રાની કાઢવાની અને કોઈ પણ ધાર્મિક કે અન્ય પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવશે નહીં (હિતેષકુમાર વિઠ્ઠલભાઈ ચાવડા વિરુદ્ધ જગન્નાથ મંદિર ટ્રસ્ટ).
હાઈ કોર્ટે ખુલાસો માગ્યો
શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટે 18મી મેએ કરેલી રથયાત્રા કાઢવાના સંચાલન અંગેની અરજી પર સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય સમયે કેમ કોઈ નિર્ણય ના લઈ શકાયો એ વિશે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે ખુલાસો માગ્યો છે. જોકે ત્યાર બાદ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જો કોવિડ-19 રોગચાળા વચ્ચે રથયાત્રા યોજવામાં આવત તો સલામતીની ચિંતા હતી, કેમ કે આ રથયાત્રા ત્રણ કન્ટેનમેન્ટ ઝોન અને એક બફર કન્ટેનમેન્ટ ઝોનમાંથી પસાર થવાની હતી, જેમાં રોગચાળોનો ચેપ વધુ લોકોને લાગવાનો ડર હતો.
વળી, કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી. કે એક વાર રથયાત્રા નીકળે એ પછી યાત્રામાં જોડાતા દર્શનાથીઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું ઘણું મુશ્કેલ રહેશે અને રોગચાળો વધુ વકરવાનો ભય હતો.
રાજ્યમાં કોઈ જગ્યાએ રથયાત્રા નહીં નીકળે
ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે આ વર્ષે અમદાવાદ અને ગુજરાતના અન્ય કોઈ જિલ્લામાં રથયાત્રા કાઢવા દેવામાં આવશે નહીં. અમે ફરીથી નિર્દેશ આપીએ છીએ કે આ સમયગાળા દરમ્યાન રથયાત્રા કે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા દેવામાં નહીં આવે.
રાજ્યના સત્તાવાળાઓએ નિર્ણય લેવામાં અસમંજસતા કેમ દાખવી?
કોર્ટે રાજ્યના સત્તાવાળાઓને સવાલ કર્યો છે કે રથયાત્રા અંગેની અરજી તો એક મહિના પહેલાં થઈ હતી તોપણ તેમણે આ અંગે નિર્ણય લેવામાં અવઢવતાં કેમ રાખી? એમ કોર્ટે નોંધ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનરે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં નિષ્ક્રિયતા અંગે દાખવવા અંગે હાઇકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ચોક્કસ સમયગાળામાં રથયાત્રાના આયોજકો સાથે કેમ વાટાઘાટ ના કરવામાં આવી અને રથયાત્રાના ગણતરીના દિવસ પહેલાં અસમંજસતા ઊભી કરવામાં આવી. કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવવાની જવાબદારી ગૃહ વિભાગની છે, ત્યારે રથયાત્રા અંગે કેમ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું.
કોર્ટે સોગંદનામું દાખલ કરવા કર્યો આદેશ
આ પરિપ્રેક્ષ્યમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવને રથયાત્રાની અરજીના યોગ્ય સમયમાં નિકાલ નહીં કરવા બદલ સ્પષ્ટીકરણ માગતાં સોગંદનામા દાખલ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ બાબતમાં વધુમાં કહ્યું હતું કે છેલ્લા સમય સુધી નિર્ણય નહીં લઈને જેતે પક્ષકારોને કોર્ટમાં આવવા માટે મજબૂર થવું કેમ પડ્યું? એનો જવાબ આપો.
આ બાબતે અરજીકર્તા વતી સિનિયર વકીલ અનશિન દેસાઈને જુનિયર વકીલ નંદીશ ઠક્કર, એડવોકેટ સનત પંડ્યા અને વકીલ ઓમ કોટવાલએ કોર્ટમાં દલીલો કરવામાં મદદ કરી હતી.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સરકારી દાવાને તૈયાર કરનાર મનીષા લવકુમાર શાહ, તેમને મદદ કરનાર ડીએમ દેવનાની અને પબ્લિક પ્રોસીક્યૂટર મિતેશ અમીન હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હીમાં ગુજરાતીઓએ માતૃભાષા ગુજરાતીની પ્રવાહિતા વધારવા ડિજિટલ સંવાદથી જોડાવાની નવી પહેલ કરી છે. ‘મારી ભાષા ગુજરાતી’ વિષય પર ઓનલાઇન સભા રવિવાર, ૨૧ જૂન ૨૦૨૦ને સાંજે ૪થી ૫.૩૦ દરમિયાન વેબેક્ષ પ્લેટફોર્મ પર યોજાઈ ગઈ. વેબિનાર પ્રણાલીમાં લોકો વચ્ચે આત્મીય અને ભાવાત્મક લાગણીની આપલેનો આ એક નવો નોખો અને વિશિષ્ટ પ્રકારનો અનુભવ બની રહ્યો છે.
૧૦૦ મિનિટ પ્રોગ્રામ અંતર્ગત દસ વક્તાઓએ બાળપણમાં ભણેલાં યાદગાર કવિતા-ગીત રજૂ કરી સૌને પોતાના બાળપણની મધુર યાદોમાં સહેલગાહ કરાવી હતી.
દિલ્હીના ગુજરાતીઓ જગદીપ રાણા, મનોજ બારોટ, ડી.કે. શાહ, હિતેશ અંબાણી તથા અન્યોએ પોતાને ભણવામાં આવેલી કવિતાઓ ગાઈ સંભળાવી હતી. રાણાએ મેઘાણીના પ્રખ્યાત કાવ્ય ‘ચારણકન્યા’ની બહુ પ્રભાવશાળી રજૂઆત કરી જ્યારે બારોટે દુલા કાગની અમર વાણી ‘આવકારો મીઠો આપજે..’ ભાવમય બુલંદ સ્વરે સંભળાવી હતી.
અંબાણીએ કરસનદાસ માણેકની રચના ‘મને એ સમજાતું નથી..’ અને શાહે ‘મંગલ મંદિર ખોલો’ પ્રાર્થના ગીત ગાયું હતું.
રેણુકા બારોટે ‘જીવન અંજલિ થાજો..’ અને યુવા ગાયિકા હેતલ રાણાએ ધ્રુવ ભટ્ટની રચના ‘રસ્તામાં કોઈ મને ઓચિંતું મળે..’ સુરીલા સ્વરે રજૂ કરી સૌને ડોલાવ્યા હતા.
રાજેશ ઝોંસાએ ‘જળકમળ છાંડી જા..’ અને ભરૂચથી કીર્તિ પાઠકે ”તું રમવા આવ મજાની ખિસકોલી..’ કવિતાની સરસ રજૂઆત કરી હતી. અમદાવાદથી પત્રકાર રમેશ તન્નાએ ‘નરોત્તમ વાળંદની બાળકવિતા ‘હું ખાખી બાવો’ અને અનિતા તન્નાએ ‘ભોળી રે ભરવાડણ..’ કવિતા સાભિનય રજૂ કરી હતી. આ યુગલે દીપજ્યોત દર્શાવી સભાનો આરંભ કરાવ્યો હતો.
આ ઓનલાઇન સભામાં દિલ્હીના અગ્રણી ગુજરાતી મહાનુભાવો રમેશ મહેતા, વિરાટ શાહ, નિતીન આચાર્ય, સાધના બકુલ વ્યાસ, પ્રશાંત દોશી વગેરેએ હાજરી આપી પોતાના ઉદગાર વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમની પરિકલ્પના, આયોજન, સંયોજન અને સંચાલન ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. દિલ્હીના ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દિશામાં નવી રીતે કેડી કંડારતી આ શ્રેણીનો પહેલો કાર્યક્રમ ૧૪મી જૂને યોજાયો હતો અને રાજધાનીના ગુજરાતીઓનો તેને ભારે આવકાર મળ્યો હતો. આ કાર્યક્રમ-શ્રેણીને નિયમિત રાખવાની લોકચાહના સાંપડી રહી છે.
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે બે દિવસ અગાઉ જ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત ઘણા લોકો તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં.
મહત્વનું છે કે, તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં જેમાં તેમની હાર થઈ હતી. આવામાં મતદાન સમયે તેમ જ તેના પહેલાં રિસોર્ટમાં પણ ધારાસભ્યો સાથે ભરતસિંહ સંપર્કમાં હતાં જેને લઈને પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ડોક્ટર્સની સલાહ પ્રમાણે અન્ય નેતાઓને પણ આઈસોલેટ તેમ જ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નજીકથી તેમની સાથે સતત સંપર્કમાં હતાં. એટલું જ નહીં રાજ્યસભાની ચૂંટણી સમયે ભરતસિંહ કોંગ્રેસ સહિત અન્ય બીજા નેતાઓના સંપર્કમાં પણ આવ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના ગૃહમંત્રી પણ હાજર હતાં.
મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)એ ભાવના જોખમ અને એમાં વધઘટને ધ્યાનમાં રાખીને હાલમાં જ બદામના માસિક વાયદાના કોન્ટ્રાક્ટ શરૂ કર્યા છે, જે ભારતની સાથે દુનિયામાં આવા પ્રકારનાં સૌપ્રથમ કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ યુનિટ 1,000 કિલોગ્રામ છે. મહત્તમ ઓર્ડર સાઇઝ 20,000 કિલોગ્રામ છે, ડિલિવરીપાત્ર જથ્થો 1000 કિલોગ્રામ અને મુખ્ય ડિલિવરી કેન્દ્ર નવી મુંબઈ છે. બદામના કોન્ટ્રાક્ટ નવી મુંબઈ એપીએમસીના રેફરન્સ રેટ લેશે. ગુણવત્તાના ધોરણોમાં FSSAIના ધારાધોરણોનું પાલન કરવું પડશે, જેમાં સર્ટિફાઇડ ક્રેકઆઉટ ચોખ્ખી ખાદ્ય ઉપજને આધારે 70 ટકા રહેશે, જેમાં 68 ટકા ક્રેકઆઉટની મંજૂરી છે. ક્રેકઆઉટની ગણતરી ચોખ્ખી ખાદ્ય ઉપજદીઠ થશે.
આ પ્રમાણભૂત કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને મોટા આયાતકારો માટે અતિ અનુકૂળ છે, જેઓ તેમના ભાવ જોખમનું હેજિંગ કરી શકે છે. અન્ય કોમોડિટીઓની સરખામણીમાં બદામનું બજાર નાનું હોવા છતાં ભારત ઉપરાંત દુનિયાભરમાંથી વેપારીઓ, આયાતકારો અને ઉપભોક્તાઓ પાસેથી પુષ્કળ પૂછપરછો પ્રાપ્ત થઈ છે, કારણ કે દુનિયામાં આ પ્રથમ પ્રકારનો કોન્ટ્રાક્ટ છે. બીએસઈને ખાતરી છે કે, એના પ્લેટફોર્મ પર બદામના ભાવના બહોળા પ્રસારનો ઉપયોગ ફિઝિકલ માર્કેટમાં નાણાકીય વ્યવહારો માટે રેફરન્સ પ્રાઇસ તરીકે થશે. બીએસઈ ગોદામોની ક્ષમતા અને અન્ય સંલગ્ન માળખું ઊભું કરવા ફિઝિકલ બજારના વિવિધ ભાગીદારો સાથે જોડાણ પણ કરી રહ્યું છે, જે ગ્રેડિંગ, સોર્ટિંગ અને ક્વોલિટી સર્ટિફિકેશન વગેરે માટે આવશ્યક છે. હજુ 3 એક્સચેન્જ સહભાગીઓ સુધી પહોંચ્યા છે અને આ ઉત્પાદનોના લાભ વિશે જાગૃતિ લાવી રહ્યાં છે તથા ભવિષ્યમાં બહોળી ભાગીદારી માટે આતુર છે.
બીએસઈ કોમોડિટી બજારને વધારે વાઇબ્રન્ટ અને સર્વસમાવેશક બનાવવા આતુર છે, જેનાથી બજારના તમામ ભાગીદારો એટલે ઉત્પાદકોથી લઈને વેપારીઓ અને અંતિમ વપરાશકર્તાઓને લાભ થાય. ભાવમાં વધારાના જોખમ સામે હેજિંગની સુવિધા આપવા કોમોડિટી બજારોના ભાગીદારો માટે પોતાનું પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપરાંત એક્સચેન્જે તમામ ભાગીદારોને આ સુવિધા વાજબી ખર્ચ અને શ્રેષ્ઠ ટેકનોલોજી સોલ્યુશન સાથે પૂરી પાડી છે. બીએસઈએ વધારે વિશિષ્ટ અને ઇનોવેટિવ ઉત્પાદનો પ્રારંભ કરીને, બજારના ભાગીદારોને પ્રોડક્ટની વિસ્તૃત રેન્જ પ્રદાન કરવા જાગૃતિ અને સંશોધન સાથે કોમોડિટી બજાર વ્યવસ્થિત રીતે વિકસાવવાની યોજના બનાવી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,821 નવા કેસ સામે આવ્યા છે અને 445 લોકોનાં મોત થયાં છે. જોકે પાછલા 24 કલાકમાં 9440 લોકો આ બીમારીમાંથી ઠીક થયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,25,282 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 13,699 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,37,196 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,74,387એ પહોંચી છે. રિકવરી રેટ 55 ટકાને પાર થયો છે.
દરમ્યાન ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના શેલ્ટર હોમમાં 57 યુવતીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો છે. વળી, આ યુવતીઓમાંથી પાંચ યુવતીઓ ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે, એમ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 3870 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 3870 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,32,075 થઈ ગઈ છે, જેમાંથી 6170 લોકોનાં મોત થયાં છે.
વિશ્વમાં કોરોનાથી 90 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,70,698 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 90,45,457એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ લોકોને અપીલ કરી છે કે તેમણે ઓનલાઇન દ્વેષ ફેલાવનારાઓથી બચવું જોઈએ. ટાટાએ કહ્યું છે કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં એકબીજા પર નિશાન સાધવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. એને બદલે લોકોએ એકમેકને મદદ કરવી જોઈએ, કેમ કે આ વર્ષ દરેક જણ માટે બહુ પડકારજનક છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટમાં ટાટાએ કહ્યું હતું કે ઓનલાઇન સમુદાયમાં એકબીજાને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. લોકો આપસમાં એકબીજાને નીચાજોણું દેખાડવાના પ્રયાસો કરી રહ્યા છે, જે યોગ્ય નથી.
આ વર્ષ પડકારજનક
રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં કહ્યું છે કે આ વર્ષ દરેક વ્યક્તિ માટે પડકારજનક બની રહ્યું છે. સમયની માગ છે કે આપણે બધા એકજૂટ થઈએ. આ સમય આપસમાં લડવાનો નહીં, પણ ભાઈચારાનો છે. ટાટાએ એ પણ કહ્યું છે કે લોકોએ એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે. આપણે સમજ કેળવવી જોઈએ અને ધીરજ રાખવી પડશે.
કોરોના કાળમાં એકબીજા પ્રતિ વધુ ઉદાર બનવું
તેમણે કહ્યું હતું કે આ કોરોના કાળમાં એકબીજા પ્રતિ વધુ ઉદાર બનવું પડશે. તેમણે કહ્યું હતું કે મારી ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપસ્થિતિ સીમિત છે, પણ મને આશા છે કે લોકોમાં નફરતને બદલે સહયોગ અને સમર્થનની ભાવના જાગશે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજન પૂર્વકનુ જ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.