સોશિયલ મિડિયામાં એકબીજા પર નિશાન સાધવું યોગ્ય નથીઃ ટાટા

નવી દિલ્હીઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ લોકોને અપીલ કરી છે કે તેમણે ઓનલાઇન દ્વેષ ફેલાવનારાઓથી બચવું જોઈએ. ટાટાએ કહ્યું છે કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં એકબીજા પર નિશાન સાધવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. એને બદલે લોકોએ એકમેકને મદદ કરવી જોઈએ, કેમ કે આ વર્ષ દરેક જણ માટે બહુ પડકારજનક છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટમાં ટાટાએ કહ્યું હતું કે ઓનલાઇન સમુદાયમાં એકબીજાને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. લોકો આપસમાં એકબીજાને નીચાજોણું દેખાડવાના પ્રયાસો કરી રહ્યા છે, જે યોગ્ય નથી.

આ વર્ષ પડકારજનક

રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં કહ્યું છે કે આ વર્ષ દરેક વ્યક્તિ માટે પડકારજનક બની રહ્યું છે. સમયની માગ છે કે આપણે બધા એકજૂટ થઈએ. આ સમય આપસમાં લડવાનો નહીં, પણ ભાઈચારાનો છે. ટાટાએ એ પણ કહ્યું છે કે લોકોએ એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે. આપણે સમજ કેળવવી જોઈએ અને ધીરજ રાખવી પડશે.

 કોરોના કાળમાં એકબીજા પ્રતિ વધુ ઉદાર બનવું

તેમણે કહ્યું હતું કે આ કોરોના કાળમાં એકબીજા પ્રતિ વધુ ઉદાર બનવું પડશે. તેમણે કહ્યું હતું કે મારી ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપસ્થિતિ સીમિત છે, પણ મને આશા છે કે લોકોમાં નફરતને બદલે સહયોગ અને સમર્થનની ભાવના જાગશે.