Home Blog Page 4756

ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્વે 3 પાકિસ્તાની ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટરો – શાદાબ ખાન, હેરિસ રઉફ અને હૈદર અલીનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી પાકિસ્તાન ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થાય એ પહેલાં ટીમના ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટીમના ત્રણ ખેલાડી – હૈદર અલી, હેરિસ રઉફ અને શાદાબ ખાનના કોવિડ-19નાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે રાવલપિંડીમાં આ ખેલાડીઓની કોરોના તપાસ ન થઈ ત્યાં સુધી તેમનામાં કોવિડ-19નાં એક પણ લક્ષણો દેખાયા નહોતાં.

સેલ્ફ આઇસોલેશનમાં જવાની સલાહ

PCBની મેડિકલ પેનલે આ ત્રણ ખેલાડીઓ સાથે જે લોકો સંપર્કમાં આવ્યા છે, તેમને સેલ્ફ આઇસોલેશનમાં જવાની સલાહ આપી છે. આ ત્રણ ક્રિકેટરોમાંથી લેગ સ્પિનર શાદાબ એકમાત્ર સિનિયર ક્રિકેટર છે, જ્યારે રઉફે ફક્ત માત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે ઊંચું રેટિંગ ધરાવતા બેટ્સમેન હૈદર અલીને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પહેલી વાર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તમામ ખેલાડીઓના કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવ્યો

પાકિસ્તાન ટીમ આવતી 28 જૂને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાની છે. એ પૂર્વે ટીમના સભ્યોના કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઈમાદ વસિમ અને ઉસમાન શિનવારીનો પણ રાવલપિંડીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પણ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ આવતી કાલે એટલે કે 24 જૂને લાહોર જશે.

અન્ય ખેલાડીઓના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા

ક્લિફ ડીકોન, શોએબ મલિક અને વકાર યુનુસને બાદ કરતાં પાકિસ્તાનના અન્ય ખેલાડીઓ અને ટીમ અધિકારીઓનો સોમવારે કરાચી, લાહોર અને પેશાવર સ્થિત કેન્દ્રોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એમના રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે.

PCBએ 29 ખેલાડીઓની ટીમ માટે પસંદગી કરી

PCBએ 29 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે, તેમજ ચાર ખેલાડીઓને રિઝર્વ તરીકે પણ રાખ્યા છે – બિલાલ આસિફ, ઇમરાન બટ્ટ, મુસા ખાન અને મોહમ્મદ નવાઝ. PCBના ડોક્ટર સોહેલ સલીમે કહ્યું છે કે કોરોના રોગચાળા વચ્ચે ઇંગ્લેન્ડ ખાતેનો ક્રિકેટ પ્રવાસ એક મોટું જોખમ છે, પણ એ જોખમ લેવું જરૂરી છે.

શાહિદ આફ્રિદીનો કોરોનો વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ

આ પહેલાં જૂનના પ્રારંભમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન તૌફિક ઉમરનો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, પણ હાલ હવે તે સ્વસ્થ થઈ ગયો છે.

બાંગ્લાદેશના ત્રણ ખેલાડીના કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ

બાંગ્લાદેશના કેપ્ટન મુશરફ મુર્તુઝા તેમજ સાથી ખેલાડીઓ નઝમૂલ ઇસ્લામ અને નફીસ ઇકબાલનો કોવિડ-19નો ટેસ્ટ એ ગયા સપ્તાહે પોઝિટીવ આવ્યો હતો.

ભારતીય IT પ્રોફેશનલ્સને ટ્રમ્પનો આંચકોઃ H-1B વિઝા સસ્પેન્ડ કર્યા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સહિત વિદેશીઓને અપાયેલા અનેક રોજગાર વિઝા સ્થગિત રાખવા માટેની મુદત લંબાવી દીધી છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આને કારણે ભારત સહિત વિશ્વભરના ઈન્ફોર્મશન ટેક્નોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સને આંચકો લાગ્યો છે. આ સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકન શ્રમિકોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન આર્થિક સંકટને કારણે નોકરી ગુમાવનારા અમેરિકનોની મદદ માટે આ પગલું જરૂરી છે. આ સસ્પેન્શન 24 જૂનથી લાગુ થશે. અમેરિકામાં કામ કરવા માટે H-1B વીઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી પ્રોફેશનલ હોય છે. જેથી વિઝાના પ્રતિબંધથી સૌથી વધુ નુકસાન ભારતીયોને થશે તે નક્કી છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર પડશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન ધરાવતા 2.4 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. મહત્વનું છે કે, કોરોના વાઈરસના કારણે અમેરિકામાં બેરોજગારી દર ઊંચો જતો રહ્યો છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે.

શું હોય છે એચ-1બી વિઝા?

એચ-1બી વિઝા એક બિન-પ્રવાસી વિઝા છે. કોઈ પણ અન્ય દેશના કર્મચારીને અમેરિકામાં 6 વર્ષ કામ કરવાની મંજૂરી માટે આપવામાં આવે છે. અમેરિકામાં કાર્યરત કંપનીઓને આ વિઝા એવા કુશળ કર્મચારોઓને નોકરી પર રાખવા માટે આપવામાં આવે છે જેની અમેરિકામાં અછત હોય. આ વિઝાની કેટલીક શરતો પણ છે. જેમ કે આ વિઝા મેળવનાર વ્યક્તિ સ્નાતક હોવા ઉપરાંત કોઈ પણ એક ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત એચ-1બી વિઝા મેળવનાર કર્મચારીનો વાર્ષિક પગાર ઓછામાં ઓછો 60 હજાર ડોલર એટલે કે લગભગ 40 લાખ રૂપિયા હોવો જોઈએ.

આ વિઝાની એક ખાસિયત એ પણ છે કે, આ અન્ય દેશના લોકો માટે અમેરિકામાં સ્થાયી થવાનો રસ્તો પણ સરળ બનાવી દે છે. એચ-1બી વિઝા ધારક પાંચ વર્ષ પછી અમેરિકાની નાગરિકતા (ગ્રીન કાર્ડ) મેળવવા માટે અરજી કરી શકે છે. આ વિઝાની માંગ એટલી છે કે, એને દર વર્ષે લોટરી મારફતે ઈશ્યુ કરવામાં આવે છે. એચ-1બીનો સૌથી વધુ ઉપયોગ ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, અને ટેક મહિન્દ્રા જેવી 50થી વધુ ભારતીય આઈટી કંપનીઓ ઉપરાંત માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓ પણ કરે છે.

નીતા અંબાણીનો વિશ્વના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ

કોવિડ મહામારી દરમિયાન મદદરૂપ થવામાં આગેવાની લેનાર નીતા અંબાણીની સરાહના કરાઈ

અમેરિકાના ‘ટાઉન એન્ડ કન્ટ્રી’ મેગેઝિન દ્વારા જારી કરાયેલી યાદીમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન એકમાત્ર ભારતીય છે


મુંબઈઃ અમેરિકાના અગ્રગણ્ય મેગેઝિન ‘ટાઉન એન્ડ કન્ટ્રી’ના સમર ઇશ્યૂમાં નીતા અંબાણી અને એમની સેવાભાવી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકોની જિંદગીઓ બચાવવા અને લોકો માટે આશાનું કિરણ બનવા બદલ નીતા અંબાણીનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોને ભોજન પહોંચાડવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના નીતા અંબાણીના કાર્યો પર મેગેઝિને પ્રકાશ પાડ્યો છે. ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સમાવેશ કરાયો છે.

‘ટાઉન એન્ડ કન્ટ્રી’ અમેરિકાનું અગ્રગણ્ય લાઇફસ્ટાઇલ મેગેઝિન છે અને સતત 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું મેગેઝિન પણ છે. આ મેગેઝિન દર વર્ષે એક અંક એવા લોકો માટે સમર્પિત કરે છે જે લોકો પોતાના સમર્પણ, કૌશલ્ય અને વિશાળ હૃદયનો પરિચય આપીને માનવ સમાજ માટે ઉત્તમ કાર્યો અને દાન કરે છે. મેગેઝિને નોંધ્યું હતું કે, મહામારીના પગલે ઊભી થયેલી ઐતિહાસિક પરિસ્થિતિમાં આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે અને આ લોકોએ માણસોની જિંદગી અને આપણો આશાવાદ જીવંત રાખ્યો છે.

મેગેઝિને વધુમાં લખ્યું છે કે, આપણે અનેકવાર જોયું છે કે, ત્રાસવાદી હુમલો થાય કે, કોઈ ગોઝારી ઘટના કે કોઈ આઘાતજનક ઘટના બને ત્યારે આ લોકો ઉદાર હૃદય સાથે અત્યંત ઝડપથી અસરગ્રસ્તોની મદદે પહોંચી જાય છે. તેમની ચપળતા અને પ્રતિભાવ તેમને અનોખા દાનેશ્વરી બનાવે છે… અને આવા સમયે અને દરેક વિકટ પરિસ્થિતિઓમાં લોકો માટે તેમની આ દાનપ્રવૃત્તિ મહત્વનું પરિબળ બની રહે છે.

નીતા અંબાણી અને એમના ફાઉન્ડેશનના પ્રયાસોની સરાહના કરતાં મેગેઝિને નોંધ્યું છે કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ મહામારી સામે લડનાર લાખો યોદ્ધાઓ અને ગરીબોને ભોજન અને માસ્કનું વિતરણ કર્યું, ભારતની પહેલી કોવિડ-19 દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ યુદ્ધના ધોરણે ઊભી કરી અને ઇમજરન્સી ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું છે.”

આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા અંબાણીએ કહ્યું કે, “કટોકટીમાં હંમેશા તાત્કાલિક અને સમયસરના પગલાં, રાહત, સંસાધનો, ચપળતા અને સૌથી અગત્યની કરૂણાની જરૂર પડે છે. અમારા આટલા વર્ષોના અનુભવથી અમે ફાઉન્ડેશન તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કટોકટીમાં તાત્કાલિક, વિવિધતાપૂર્ણ શિસ્તબદ્ધ અને ગણતરીપૂર્વકના પગલાં લેવા માટે તૈયાર કર્યા છે જેનાથી અમારા પ્રયાસોનું ધાર્યું અને લાંબા ગાળાનું પરિણામ મળે. અમારી પહેલની વૈશ્વિક સ્તરે સરાહના થતાં અમે સંતુષ્ટ પણ છીએ અને વિનમ્ર પણ છીએ. પરોપકારની અમારી ભાવના અમારી સરકાર અને અમારા સમુદાયને જ્યારે જરૂર પડે ત્યારે આગળ આવવા માટે સમર્પિત છે.”

કોવિડ-19 મહામારીએ દેશમાં આરોગ્ય અને માનવતાના મોરચે જે કટોકટી ઊભી કરી છે તેની સામે લડવા માટે નીતા અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ફાઉન્ડેશને તેના ભરપૂર પ્રયાસો આદર્યા છે. માર્ચ મહિનાના માત્ર બે અઠવાડિયામાં મુંબઈમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને 100-પલંગની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી. માર્ચ મહિનાના અંત સુધી કોવિડના દર્દીઓને ભરતી કરવાનું શરૂ કરનારી આ હોસ્પિટલને એપ્રિલ મહિના સુધીમાં 220-પલંગની હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવામાં હતી.

લાખો લોકોની આજીવિકા જતી રહેતાં ઊભી થયેલી માનવીય કટોકટીને પહોંચી વળવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને સમગ્ર દેશમાં અન્ન સેવાના નેજા હેઠળ ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં 50 મિલિયન (પાંચ કરોડ) ભોજન પહોંચાડવામાં આવી ચૂક્યા છે અને આમ આ કાર્યક્રમ કોઈ કોર્પોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી મોટી પહેલ બની રહી છે.

રિલાયન્સ ફાઉન્ડેશને તેના વૈવિધ્યપૂર્ણ પ્રયાસોને જારી રાખતાં લોકો માટે ઓનલાઇન તબીબી સહાય, મુંબઈમાં કોવિડના દર્દીઓ માટે હોમ ક્વોરન્ટાઇન સુવિધા, ગ્રામીણ લોકોને સહાય, સમગ્ર દેશમાં પાલતુ તથા રસ્તે રખડતાં જાનવરો માટે ખોરાક અને તબીબી સહાય પહોંચાડવા સહિતના પગલાં લીધા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માસ્ક અને પીપીઈ કીટનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે અને દેશને મહામારી સામે લડવા માટે જરૂરી સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.

અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પ્રતિકાત્મક રથયાત્રા યોજાઈ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરમાં આજે સંકુલમાં જ રથ ફેરવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહંત દિલીપદાસજી અને ભક્તોની ઉપસ્થિતમાં પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાંથી રથયાત્રાને નગરમાં લઇ જવા માટે મંદિરના સત્તાવાળાઓ, પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓની બેઠક થઈ હતી. બેઠક બાદ નક્કી કરાયા મુજબ, મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તેમજ બલરામજીના રથને ફેરવવામાં આવ્યા હતા.

રથયાત્રા નિમિત્તે સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથ બહાર લઇ જવા કે નહીં એ બાબતની મીટિંગ ચાલતી હતી એ વેળાએ મંદિરની બહાર એસ.આર.પી, શહેર પોલીસ તેમજ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા વાહનોને સંકુલ બહાર આડા મૂકી દેવામાં આવ્યા હતા. પરિસરની બહાર આર.એ.એફ તેમજ ચેતક કમાન્ડોના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા.

સંકુલમાં રથયાત્રા ફેરવ્યા બાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. પરંતુે કેટલાક ભક્તોને ભગવાન પોતાના વિસ્તાર કે ઘર પાસેથી ન નીકળ્યા એના કારણે નિરાશ થઈ ગયા હતા.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોનાના નવા 14,933 કેસો, 312નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,933 નવા કેસ સામે આવ્યા છે અને 312 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,40,215 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 14,011 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,48,189 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,78,014એ પહોંચી છે. રિકવરી રેટ 56.37 ટકા થયો છે.  

કોરોના મામલે મહારાષ્ટ્ર નંબર વન

દેશમાં રાજ્યવાર કોરોનાના સૌથી વધુ કેસોને મામલે મહારાષ્ટ્ર પહેલા ક્રમાંકે છે. ત્યાર બાદ દિલ્હી અને ત્રીજા ક્રમે તામિલનાડુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 2721 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,35, 796 થઈ ગઈ છે, જેમાંથી 6283 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 91 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,92,1899 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 91,86,151એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

પંચાંગ 23/06/2020

ધાર્મિક લાગણી કરતાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધુ મહત્વની : હાઇકોર્ટ

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે ષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. જોકે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા સૌપ્રથમ વાર તૂટી છે. અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ગુજરાત હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજીઓ પણ ફગાવી દીધી હતી. જેથી આજે ભગવાન નગરચર્યા પર નહીં નીકળે અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવશે. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવશે નહીં. આ ઉપરાંત તમામ ધાર્મિક વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાશે નહીં.

હાઇકોર્ટે રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી

હાઇકોર્ટ આ વિશે જણાવતાં કહ્યું હતું કે કોરોના મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે. હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં, પરંતુ મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે. કોર્ટે માત્ર જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથને પ્રદક્ષિણા કરાવવાની મંજૂરી આપી હતી.

પુરીની અને અમદાવાદની રથયાત્રાની તુલના નહીં

હાઇકોર્ટે એ પણ નોંધ્યું હતું કે પુરી અને અમદાવાદ શહેર વચ્ચે કોઈ તુલના થઈ શકે નહીં કેમ કે પુરીમાં કોરોનાના કેસની સંખ્યા અમદાવાદના કેસોની સરખામણીએ ઓછી છે. આ ઉપરાંત પુરીની રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાને ફેરવીતોળ્યો એ માટે રથયાત્રાનું આયોજન કરવા અથવા નકારવા માટેના કોરોના જ એકમાત્ર કારણ તરીકે માનવામાં આવતું ન હતું. ખંડપીઠે કહ્યું હતું કે શા માટે સરકારનું વલણ બદલાયું? જો યાત્રા ન થાય તો ધાર્મિક શ્રદ્ધા તૂટી જાય એવું નથી. લોકોની ગેરહાજરીમાં યાત્રાનો અર્થ શો છે.

પુરીની જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો ફેરવ્યો

જોકે આ પહેલાં પુરીની જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાને ફેરવી તોળ્યો હતો અને પુરીની રથયાત્રા કાઢવા માટે શરતી મંજૂરી આપી હતી. પુરીની રથયાત્રાને મંજૂરી મળતાં ગુજરાત હાઇકોર્ટમાં પણ રથયાત્રાની મંજૂરી પર મૂકેલા સ્ટે ઓર્ડરને પડકારીને મંજૂરી માગવા માટે અરજીઓ કરવામાં આવી હતી, પણ મંગળવારે સવારે બે વાગ્યા સુધી સુનાવણી કરતાં હાઇકોર્ટે અમદાવાદની રથયાત્રા પર સ્ટેને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટ અગાઉના જ નિર્ણયને વળગી રહી રથયાત્રાને મંજૂરી નહોતી આપી.

અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા જોતાં રથયાત્રા કાઢવા માટે મનાઈ ફરમાવાઈ

સુપ્રીમ કોર્ટની શરતી મંજૂરીને પગલે ગુજરાત સરકારે સોમવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાના અગાઉના આદેશમાં ફેરફાર કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, પણ કોર્ટે એના જૂના આદેશને વળગી રહી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના એડવોકેટ જનરલને હાઇકોર્ટનો સંપર્ક કરીને રથયાત્રા કાઢવા માટેની મંજૂરી માટે હાઇકોર્ટને વિનંતી કરવા માટે કહ્યું હતું. જોકે હાઇકોર્ટે અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા જોતાં રથયાત્રા કાઢવા માટે મનાઈ ફરમાવી હતી.

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 23/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે, મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગ ક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે, નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાય કે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે, બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ, વીમા, મેનેજમેન્ટ, સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

અમ્રિતા રાવે તેનાં ભાડૂતો પાસેથી ભાડું લેવાનું જતું કર્યું

મુંબઈઃ ‘ઈશ્ક વિશ્ક’, ‘મસ્તી’, ‘શિખર’, ‘વિવાહ’, ‘જોલી એલએલબી’, ‘સિંઘ સાબ ધ ગ્રેટ’, ‘સત્યાગ્રહ’ જેવી હિન્દી ફિલ્મો અને અમુક તેલુગુ ફિલ્મોમાં ચમકી ગયેલી અભિનેત્રી અમ્રિતા રાવે તેનાં ભાડૂતો પાસેથી માર્ચથી જુલાઈ મહિનાઓ સુધીનું ભાડું જતું કરવાનો નિર્ણય લીધો છે. અમ્રિતા મુંબઈમાં જન્મી છે અને અહીં જ ઉછરી છે.

અમ્રિતાનું કહેવું છે કે તેના ભાડૂતો કોરોના વાઈરસને કારણે લોકડાઉનમાં ફસાઈ ગયા છે અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે તેથી પોતે એમની પાસેથી પાંચ મહિનાનું ભાડું નહીં લે.

અમ્રિતા છેલ્લે ‘ઠાકરે’ ફિલ્મમાં જોવા મળી હતી. એમાં તેણે શિવસેનાના સ્થાપક પ્રમુખ સ્વ. બાલ ઠાકરેના પત્ની મીનાતાઈ ઠાકરેનો રોલ કર્યો હતો. ઠાકરેનો રોલ નવાઝુદ્દીન સિદ્દિકીએ કર્યો હતો.

અમ્રિતાનું કહેવું છે કે, મારા અમુક ભાડૂતો અભિનય અને સિનેમેટોગ્રાફી જેવા ફ્રીલાન્સ વ્યવસાયોમાં છે. આવા વ્યવસાયોમાં માસિક આવકની કોઈ ગેરન્ટી હોતી નથી. કોરોના વાઈરસની બીમારી આપણા સહુ માટે ગંભીર છે. મારા ભાડૂતોએ એમના પરિવારજનો સાથે ઘરમાં જ સુરક્ષિત રહેવાનું પસંદ કર્યું છે. આ પરિસ્થિતિને સમજીને મારે એમને મારાથી શ્રેષ્ઠ રીતે મદદરૂપ થવું જોઈએ એવું મારું માનવું છે.

અમ્રિતાએ જોકે એમ પણ કહ્યું છે કે જે ભાડૂતો ભાડાના ફ્લેટ્સમાં રહેતા હોય અને જેમની નોકરીઓ છૂટી ગઈ ન હોય, એમણે ભાડું ચૂકવવામાંથી છટકી જવા લોકડાઉનને હાથો બનાવવો ન જોઈએ અને એમના માલિકોને બિનજરૂરી રીતે પરેશાન કરવા ન જોઈએ. આજકાલ લોકડાઉનમાં આવું દૂષણ ખૂબ વધી રહ્યું છે.

અમ્રિતા જાણીતા રેડિયો જોકી RJ અનમોલને પરણી છે.

સુપ્રીમ કોર્ટે પુરીમાં જગન્નાથ રથયાત્રા કાઢવાની શરતી મંજૂરી આપી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓડિશા રાજ્યના પુરી શહેરમાં 23 જૂન, મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે આજે શરતી મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ પહેલાં કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તેના ચુકાદા પર પુનર્વિચાર કરે એ માટેની અરજી નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટે તેને પગલે અનેક પાસાઓ પર ચર્ચા કરી હતી. આખરે કોર્ટે કેટલીક શરતો સાથે રથયાત્રા કાઢવાન મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કેટલી શરત સાથે રથયાત્રાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટમાં પુરીની ભગવાન જગન્નાથ રથયાત્રા મામલે સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું હતું કે રથયાત્રાને મંજૂરી આપવી જોઈએ અને ત્યાં કોરોનાને ધ્યાનમાં રાખીને નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લોકોની સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે અને આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કોર્ટ આખા ઓડિશામાં નહીં, બલકે માત્ર પુરીમાં જ રથયાત્રાની મંજૂરી આપે. અમે શંકરાચાર્ય તરફથી કરાયેલી ભલામણના આધારે આમ કહીએ છીએ જેઓ સર્વોચ્ચ ધાર્મિક ગુરુ છે.

રથયાત્રાની મંજૂરી આપવામાં આવે- SG

ઓડિશા સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે રથયાત્રા રાજ્યભરમાં નહીં યોજાય. ત્યાં કરફ્યુ લગાવવામાં આવે અને માત્ર સેવાદાર અને પૂજારી રથયાત્રામાં સામેલ થાય, જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ કહ્યું હતું કે અમે માત્ર પુરીના મામલે જ વાત કરી રહ્યા છીએ. સોલિસિટર જનરલે કહ્યું કે લોકોના આરોગ્યની સાથે બાંધછોડ કર્યા વગર મંદિર ટ્રસ્ટની સાથે મળીને સહકાર કરવામાં આવશે અને રથયાત્રા સંપન્ન કરવામાં આવશે.

માત્ર જવાબદાર લોકોને રથયાત્રામાં રાખવામાં આવે

અરજીકર્તાના વકીલ રંજિતકુમારે કહ્યું હતું કે અમે રથયાત્રામાં લોકોને સીમિત કરી શકીએ છીએ. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ યાત્રાને માઇક્રો મેનેજ કરી ન શકે, આ બાબત રાજ્ય સરકાર પર છોડીએ છીએ. અરજીકર્તા ઓરિસ્સા વિકાસ પરિષદ વતી રંજિતકુમારે કહ્યું હતું કે માત્ર જવાબદાર લોકોને રથયાત્રામાં રાખવામાં આવશે. બધાને મંજૂરી આપવામાં આવશે તો વધુ ભીડ થશે. ત્યારે સાલ્વેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ મામલામાં જવાબદારી નિભાવશે. રાજ્ય સરકાર આરોગ્ય મુદ્દે સલામતી ગાઇડલાન્સનું પાલન થાય એ જોશે. તમામ નિયમોનું સખતાઈથી પાલન થશે. તુષાર મહેતાએ કહ્યું હતું કે ગાઇડલાઇન્સનું સખતાઈથી પાલન કરવામાં આવશે.

ચીફ જસ્ટિસના સવાલ

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે તમે કઈ માર્ગદર્શિકાનું પાલન કરવાની વાત કરી રહ્યા છો? જવાબમાં મહેતાએ કહ્યું કે જનતાના આરોગ્યને લઈને બનાવવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન થશે. ચીફ જસ્ટિસે વળી સવાલ કર્યો હતો કે રથયાત્રાનું સંચાલન કોણ કરે છે? તો એના જવાબમાં મહેતાએ કહ્યું કે ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ રથયાત્રાનું સંચાલન કરે છે.

પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી

સોમવારે સવારે જ્યારે આ મામલે સુનાવણી શરૂ થઈ ત્યારે કેન્દ્ર સરકારે જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે ધાર્મિંક વિધિઓ પૂરી કરવા માટે મંજૂરી આપવામાં આવે. ભીડ નહીં થાય અને સંપૂર્ણ સાવધાની રાખવામાં આવશે. ઓડિશા સરકારએ પણ અરજીકર્તાની અપીલને સમર્થન કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે 18 જૂનના આદેશમાં બદલાવ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે પહેલાં મંજૂરી નહોતી આપી

18 જૂનના આદેશમાં સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં રથયાત્રા મંજૂરી નહોતી આપી અને 23 જૂને થનારી રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર બાદ આ આદેશ પર પુનર્વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સા વિકાસ સમિતિ વતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ઓરિક્સા સરકાર અને કેન્દ્ર સરકારે સમર્થન આપ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે આ મામલામાં ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશ આપ્યો હતો, એટલે આ મામલાને તેમની સમક્ષ મોકલવામાં આવે છે. ત્યાર બાદ આ મામલો ચીફ જસ્ટિસ સામે મોકલવામાં આવ્યો હતો.