સુપ્રીમ કોર્ટે પુરીમાં જગન્નાથ રથયાત્રા કાઢવાની શરતી મંજૂરી આપી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓડિશા રાજ્યના પુરી શહેરમાં 23 જૂન, મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે આજે શરતી મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ પહેલાં કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તેના ચુકાદા પર પુનર્વિચાર કરે એ માટેની અરજી નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટે તેને પગલે અનેક પાસાઓ પર ચર્ચા કરી હતી. આખરે કોર્ટે કેટલીક શરતો સાથે રથયાત્રા કાઢવાન મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કેટલી શરત સાથે રથયાત્રાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટમાં પુરીની ભગવાન જગન્નાથ રથયાત્રા મામલે સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું હતું કે રથયાત્રાને મંજૂરી આપવી જોઈએ અને ત્યાં કોરોનાને ધ્યાનમાં રાખીને નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લોકોની સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે અને આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કોર્ટ આખા ઓડિશામાં નહીં, બલકે માત્ર પુરીમાં જ રથયાત્રાની મંજૂરી આપે. અમે શંકરાચાર્ય તરફથી કરાયેલી ભલામણના આધારે આમ કહીએ છીએ જેઓ સર્વોચ્ચ ધાર્મિક ગુરુ છે.

રથયાત્રાની મંજૂરી આપવામાં આવે- SG

ઓડિશા સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે રથયાત્રા રાજ્યભરમાં નહીં યોજાય. ત્યાં કરફ્યુ લગાવવામાં આવે અને માત્ર સેવાદાર અને પૂજારી રથયાત્રામાં સામેલ થાય, જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ કહ્યું હતું કે અમે માત્ર પુરીના મામલે જ વાત કરી રહ્યા છીએ. સોલિસિટર જનરલે કહ્યું કે લોકોના આરોગ્યની સાથે બાંધછોડ કર્યા વગર મંદિર ટ્રસ્ટની સાથે મળીને સહકાર કરવામાં આવશે અને રથયાત્રા સંપન્ન કરવામાં આવશે.

માત્ર જવાબદાર લોકોને રથયાત્રામાં રાખવામાં આવે

અરજીકર્તાના વકીલ રંજિતકુમારે કહ્યું હતું કે અમે રથયાત્રામાં લોકોને સીમિત કરી શકીએ છીએ. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ યાત્રાને માઇક્રો મેનેજ કરી ન શકે, આ બાબત રાજ્ય સરકાર પર છોડીએ છીએ. અરજીકર્તા ઓરિસ્સા વિકાસ પરિષદ વતી રંજિતકુમારે કહ્યું હતું કે માત્ર જવાબદાર લોકોને રથયાત્રામાં રાખવામાં આવશે. બધાને મંજૂરી આપવામાં આવશે તો વધુ ભીડ થશે. ત્યારે સાલ્વેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ મામલામાં જવાબદારી નિભાવશે. રાજ્ય સરકાર આરોગ્ય મુદ્દે સલામતી ગાઇડલાન્સનું પાલન થાય એ જોશે. તમામ નિયમોનું સખતાઈથી પાલન થશે. તુષાર મહેતાએ કહ્યું હતું કે ગાઇડલાઇન્સનું સખતાઈથી પાલન કરવામાં આવશે.

ચીફ જસ્ટિસના સવાલ

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે તમે કઈ માર્ગદર્શિકાનું પાલન કરવાની વાત કરી રહ્યા છો? જવાબમાં મહેતાએ કહ્યું કે જનતાના આરોગ્યને લઈને બનાવવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન થશે. ચીફ જસ્ટિસે વળી સવાલ કર્યો હતો કે રથયાત્રાનું સંચાલન કોણ કરે છે? તો એના જવાબમાં મહેતાએ કહ્યું કે ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ રથયાત્રાનું સંચાલન કરે છે.

પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી

સોમવારે સવારે જ્યારે આ મામલે સુનાવણી શરૂ થઈ ત્યારે કેન્દ્ર સરકારે જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે ધાર્મિંક વિધિઓ પૂરી કરવા માટે મંજૂરી આપવામાં આવે. ભીડ નહીં થાય અને સંપૂર્ણ સાવધાની રાખવામાં આવશે. ઓડિશા સરકારએ પણ અરજીકર્તાની અપીલને સમર્થન કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે 18 જૂનના આદેશમાં બદલાવ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે પહેલાં મંજૂરી નહોતી આપી

18 જૂનના આદેશમાં સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં રથયાત્રા મંજૂરી નહોતી આપી અને 23 જૂને થનારી રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર બાદ આ આદેશ પર પુનર્વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સા વિકાસ સમિતિ વતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ઓરિક્સા સરકાર અને કેન્દ્ર સરકારે સમર્થન આપ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે આ મામલામાં ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશ આપ્યો હતો, એટલે આ મામલાને તેમની સમક્ષ મોકલવામાં આવે છે. ત્યાર બાદ આ મામલો ચીફ જસ્ટિસ સામે મોકલવામાં આવ્યો હતો.