BSE પ્લેટફોર્મ પર વિશ્વમાં સૌપ્રથમ બદામ વાયદાના કોન્ટ્રાક્ટસનો પ્રારંભ

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)એ ભાવના જોખમ અને એમાં વધઘટને ધ્યાનમાં રાખીને હાલમાં જ બદામના માસિક વાયદાના કોન્ટ્રાક્ટ શરૂ કર્યા છે, જે ભારતની સાથે દુનિયામાં આવા પ્રકારનાં સૌપ્રથમ કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ યુનિટ 1,000 કિલોગ્રામ છે. મહત્તમ ઓર્ડર સાઇઝ 20,000 કિલોગ્રામ છે, ડિલિવરીપાત્ર જથ્થો 1000 કિલોગ્રામ અને મુખ્ય ડિલિવરી કેન્દ્ર નવી મુંબઈ છે. બદામના કોન્ટ્રાક્ટ નવી મુંબઈ એપીએમસીના રેફરન્સ રેટ લેશે. ગુણવત્તાના ધોરણોમાં FSSAIના ધારાધોરણોનું પાલન કરવું પડશે, જેમાં સર્ટિફાઇડ ક્રેકઆઉટ ચોખ્ખી ખાદ્ય ઉપજને આધારે 70 ટકા રહેશે, જેમાં 68 ટકા ક્રેકઆઉટની મંજૂરી છે. ક્રેકઆઉટની ગણતરી ચોખ્ખી ખાદ્ય ઉપજદીઠ થશે.

આ પ્રમાણભૂત કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને મોટા આયાતકારો માટે અતિ અનુકૂળ છે, જેઓ તેમના ભાવ જોખમનું હેજિંગ કરી શકે છે. અન્ય કોમોડિટીઓની સરખામણીમાં બદામનું બજાર નાનું હોવા છતાં ભારત ઉપરાંત દુનિયાભરમાંથી વેપારીઓ, આયાતકારો અને ઉપભોક્તાઓ પાસેથી પુષ્કળ પૂછપરછો પ્રાપ્ત થઈ છે, કારણ કે દુનિયામાં આ પ્રથમ પ્રકારનો કોન્ટ્રાક્ટ છે. બીએસઈને ખાતરી છે કે, એના પ્લેટફોર્મ પર બદામના ભાવના બહોળા પ્રસારનો ઉપયોગ ફિઝિકલ માર્કેટમાં નાણાકીય વ્યવહારો માટે રેફરન્સ પ્રાઇસ તરીકે થશે. બીએસઈ ગોદામોની ક્ષમતા અને અન્ય સંલગ્ન માળખું ઊભું કરવા ફિઝિકલ બજારના વિવિધ ભાગીદારો સાથે જોડાણ પણ કરી રહ્યું છે, જે ગ્રેડિંગ, સોર્ટિંગ અને ક્વોલિટી સર્ટિફિકેશન વગેરે માટે આવશ્યક છે. હજુ 3 એક્સચેન્જ સહભાગીઓ સુધી પહોંચ્યા છે અને આ ઉત્પાદનોના લાભ વિશે જાગૃતિ લાવી રહ્યાં છે તથા ભવિષ્યમાં બહોળી ભાગીદારી માટે આતુર છે.

બીએસઈ કોમોડિટી બજારને વધારે વાઇબ્રન્ટ અને સર્વસમાવેશક બનાવવા આતુર છે, જેનાથી બજારના તમામ ભાગીદારો એટલે ઉત્પાદકોથી લઈને વેપારીઓ અને અંતિમ વપરાશકર્તાઓને લાભ થાય. ભાવમાં વધારાના જોખમ સામે હેજિંગની સુવિધા આપવા કોમોડિટી બજારોના ભાગીદારો માટે પોતાનું પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપરાંત એક્સચેન્જે તમામ ભાગીદારોને આ સુવિધા વાજબી ખર્ચ અને શ્રેષ્ઠ ટેકનોલોજી સોલ્યુશન સાથે પૂરી પાડી છે. બીએસઈએ વધારે વિશિષ્ટ અને ઇનોવેટિવ ઉત્પાદનો પ્રારંભ કરીને, બજારના ભાગીદારોને પ્રોડક્ટની વિસ્તૃત રેન્જ પ્રદાન કરવા જાગૃતિ અને સંશોધન સાથે કોમોડિટી બજાર વ્યવસ્થિત રીતે વિકસાવવાની યોજના બનાવી છે.