મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને સંડોવતા મની લોન્ડરિંગના કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. એને સુશાંતના બેન્ક એકાઉન્ટ્સ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિના બેન્ક એકાઉન્ટ વચ્ચે કોઈ પ્રકારના મોટા સોદા થયા હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.
તે છતાં ED અધિકારીઓના ધ્યાનમાં રૂ. 15 કરોડનો એક સોદો આવ્યો છે જે વિશે સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. હવે EDના અધિકારીઓ ચેક કરશે કે સુશાંતના ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ્સ તથા અન્ય નાણાકીય સોદાઓ સુશાંત ઉપરાંત બીજું કોણ કરતું હતું.
તપાસનીશ અધિકારીઓ એ પણ ચેક કરશે કે સુશાંતના એકાઉન્ટમાંથી પૈસા બીજા કયા એકાઉન્ટમાં ગયા હતા અને કયા હેતુથી ગયા હતા.
સુશાંતના બેન્ક એકાઉન્ટ મારફત કરાયેલા પેમેન્ટના તમામ માધ્યમોનો અભ્યાસ કરવા માટે અધિકારીઓએ તમામ બેન્કિંગ સોદાઓની વિગતો મગાવી છે.
એક સૂત્રનું કહેવું છે કે સુશાંતના એકાઉન્ટમાંથી જે 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા એમાંના રૂ. 2 કરોડ 70 લાખની રકમ સુશાંતે કરવેરા પેટે ચૂકવી હતી.
સુશાંત અને રિયા એકબીજાનાં રિલેશનશિપમાં હતાં અને એકબીજા માટે પૈસા વાપરતાં હતાં, પરંતુ એકાઉન્ટમાં કોઈ મોટા સોદા નોંધાયા નથી.
ઈડી એજન્સીના અધિકારીઓ રિયા, એનાં ભાઈ શૌવિક ચક્રવર્તિના બેન્ક એકાઉન્ટની પણ ચકાસણી કરી રહ્યા છે. રિયા, શૌવિક અને સુશાંતે સાથે મળીને અમુક કંપનીઓની રચના કરી હતી. રિયા એમાંની વિવિડરેજ રિયાલ્ટિક્સની ડાયરેક્ટર હતી જ્યારે શૌવિક અને સુશાંત ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર હતા. આ ત્રણેય જણ કયા હેતુથી બિઝનેસ કરવા એકત્ર થયા એની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈ, 14 ઓગસ્ટ, 2020: ભારતના પ્રીમિયમ એક્સચેન્જ અને 6 માઇક્રોસેકન્ડની સ્પીડ સાથે વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ બનેલા BSEએ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (આઇ-હબ) (ગુજરાત સરકાર) સાથે સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે. આ એમઓયુનો ઉદ્દેશ વિઝિબિલિટી, બ્રાન્ડિંગ, વિશ્વસનિયતા વધારવા અને મૂલ્ય અનલોક કરવા જેવા વિવિધ ફાયદાઓની સાથે મૂડીભંડોળ ઊભું કરવામાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને સાથસહકાર આપવાનો છે.
આઇ-હબ (ગુજરાત સરકાર) એક વાઇબ્રન્ટ ઇન્ક્યુબેશન સેટઅપ છે, જેની સ્થાપના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી (એસએસઆઇપી) અંતર્ગત થઈ છે, જે રાજ્યમાં આર્થિક વૃદ્ધિ માટે પ્રેરકબળ તરીકે સ્ટાર્ટઅપ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી તેમને વૃદ્ધિને વેગ આપવા સાનુકૂળ ઇકોસિસ્ટમ મળે છે.
આ જોડાણ પર અંજુ શર્મા, આઇએએસ (પ્રિન્સિપલ સેક્રેટરી, હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને ચેરપર્સન આઇહબ)એ કહ્યું હતું કે, “અમે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે કામ કરવા પ્રતિબદ્ધ છીએ અને બીએસઈ સાથેનું જોડાણ સ્ટાર્ટઅપ્સને બીએસઈના ડેડિકેટેડ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પરથી મૂડીભંડોળ ઊભું કરવા માટે વધુ મદદરૂપ થશે.”
આ જોડાણ પર બીએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે, “સ્ટાર્ટઅપ્સના વિવિધ પડકારોમાંનો એક પડકાર ધિરાણની મર્યાદિત સુલભતા છે, જે ડેટ કેપિટલ પર એની નિર્ભરતામાં વધારો કરે છે. પરિણામે જટિલ મૂડીગત માળખું ઊભું થાય છે અને પર્યાપ્ત રોકડપ્રવાહ ઊભો થતો નથી. અમારું માનવું છે કે, આઇ-હબ (ગુજરાત સરકાર) સાથે આ જોડાણ દ્વારા અમે મૂડીભંડોળ ઊભું કરવા અને સફળતા મેળવવા સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડી શકીએ.”
બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું હતું કે, “અમે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ સાથે જોડાણ કરવા આતુર છીએ. આ પાર્ટનરશિપ અમને વધારે સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવામાં, તેમને જાણકારી આપવામાં અને બીએસઈ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર ફાયદાઓ પર કેટલાંક ફ્લેગશિપ પ્રોગ્રામ દ્વારા જાગૃતિ લાવવામાં મદદ મળશે. એનાથી ગુજરાત રાજ્યમાં સ્ટાર્ટઅપને વૃદ્ધિ કરવામાં અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે.”
અમદાવાદઃ રાજ્યભરમાં બારે મેઘ ખાંગા થયા છે. હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ એકસાથે બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી કરવામાં આવી હતી. જેથી રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના ઉંમરપાડામાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. વળી ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. આ સાથે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આણંદ, ગોંડલ અને આણંદમાં ભારે વરસાદ નોંધાયો છે. અનેક નદીઓ ગાંડીતૂર બની છે.
મુખ્ય પ્રધાન રૂપાણીએ તાગ મેળવ્યો
દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં ભારે વરસાદની નોંધાયો છે. જેથી આ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શહેરના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે. તેમણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડવાના આદેશ આપ્યા છે.
ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાશે
ઉકાઈ ડેમમાંથી હાલમાં 600 ક્યુસેક મીટર પાણી છોડાયું છે. હજી ડેમમાંથી તાપી નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયા છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 12 ઇંચ અને માંડવીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે તાપી જિલ્લાના સોનગઢમાં 9 ઇંચ, વ્યારા, ડોલવાણ અને ઉચ્છલ તાલુકાઓમાં છ-છ ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં 4 ઇંચ, માંડવીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલીના ગામડાઓમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચીક ખાડી પર પાણીની આવક ચાલુ રહેલાં ઉતારા, વધાવા અને કરચકા સહિતનાં ગામો સંપર્કવિહોણા થયાં છે.
સુરતમાં ગોડાદરા ખાડી બની ખતરો
સુરતમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. આ વરસાદી પાણી સાથે ખાડી ઓવરફ્લો થતાં સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોની હાલત કફોડી થઈ છે. કેટલીક નિર્માણાધીન બિલ્ડિંગોમાં પાણી ભરાતાં 50થી વધુ બાંધકામ મજૂરો અને વેપારીઓ ફસાયા હતા. જેને ફાયરબ્રિગ્રેડના જવાનોએ દોરડા અને બોટની મદદથી બહાર કાઢ્યા હતા. સુરતના પોલારિશ માર્કેટ પાસેથી 75 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આણંદમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદથી
છેલ્લા 24 કલાકમાં આણંદમાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડતાં જલબંબોળની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયાં છે. વરસાદને પગલે કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. રસ્તા પર પણ અનેક વાહનો પાણીમાં ફસાયા છે.
સુરેન્દ્રનગરના લખતરમાં સાડા આઠ ઇંચ વરસાદ
સુરેન્દ્રનગરના લખતરમાં 24 કલાકમાં સાડાઆઠ ઇંચ વરસાદ ખાબકતાં તાલુકાનાં અનેક ગામો પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે તાલુકાનાં પાંચ ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા. ગામમાં પ્રવેશ માટે બનાવવામાં આવેલા કોઝવે પર પાણી ફરી વળતાં આ ગામોના લોકો 24 કલાક સુધી ફસાયેલા રહ્યા છે. ભારે વરસાદને પગલે પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો છે. ખેડૂતોની હજારો વિઘા જમીન પર વરસાદના પાણી ફરી વળતાં પાક નિષ્ફળ જવાનો પણ ડર ફેલાયો છે. પાંચ ગામના સરપંચો મદદ માટે તંત્રની મદદ માગી રહ્યા છે.
સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક
સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક થઈ છે. પાણીની આવક થતાં ડેમની જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 28,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો થયો છે.
જૂનાગઢ જિલ્લાનાં 20 ગામોને એલર્ટ કરાયાં
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે બાટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 20થી વધુ ગામને એલર્ટ કરાયા છે. ગઈકાલથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે, જૂનાગઢ જિલ્લાના નદી અને નાળાઓ છલકાઈ ઊઠ્યા છે. આ ઉપરાંત મધુવંતી, આણંદપુર, હસનાપુર અને વિલિગડન ડેમ પણ છલકાયો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. એ જોતાં જિલ્લાની નાની-મોટી નદીઓના કાંઠે રહેનારાઓને સાવચેત કરી દેવાયા છે.
રાજ્યના 225 રસ્તા બંધ
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ રાજ્યના 225 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 18 સ્ટેટ હાઈવે, 207 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં બંધ કરાયેલા રસ્તાઓમાં સુરતના 6, વડોદરા, રાજકોટના 1-1 હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના 18 રસ્તાઓ અને પંચાયતના 207 રસ્તાઓ બંધ છે.
મુંબઈઃ અનૈતિક સંબંધ, રિલેશનશિપ્સ અને ખંડિત લગ્નજીવનના મુદ્દાઓને આધુનિક દ્રષ્ટિએ પ્રસ્તુત કરતી હિન્દી સિરિયલ ‘સાંસ’ 90ના દાયકામાં ટીવીના દર્શકોમાં લોકપ્રિય બની હતી. 1998ની એ સિરિયલે ટીવી પડદા પર કમબેક કર્યું છે. ‘ટાટા સ્કાય સિનિયર્સ’ ચેનલ પર આ શો ફરી પ્રસારિત કરાઈ રહ્યો છે.
આ શોનું લેખનકાર્ય અને દિગ્દર્શન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી નીના ગુપ્તાએ સંભાળ્યું છે. એમણે આ શોમાં મુખ્ય અભિનેત્રીનો રોલ પણ કર્યો છે. એમની સાથે આ શોમાં કંવલજીત સિંહ, કવિતા કપૂર, શગુફ્તા અલી, સુશ્મિતા દાન અને ભરત કપૂર જેવા અન્ય કલાકારો પણ છે.
90ના દાયકામાં આ શો એના સમયથી ઘણો આગળનો ગણાયો હતો. ભારતીય મહિલાની એક સ્થાપિત છાપને પડકારતી વાર્તા નીના ગુપ્તાનું સાહસી કદમ ગણાયું છે.
સિરિયલની વાર્તા કપૂર દંપતી – પ્રિયા (નીના ગુપ્તા) અને ગૌતમ (કંવલજીત સિંહ), એમના સગીર વયનાં બે સંતાનો – અકુલ અને મીઠીના આનંદભર્યા જીવન વિશેની છે. પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે ગૌતમને દોસ્તી થાય છે મનીષા (કવિતા કપૂર) સાથે. બંને જણ વચ્ચે અનૈતિક સંબંધ બંધાય છે અને ગૌતમ પ્રિયાને છોડી દે છે. બાદમાં એને મનીષા સાથે સમસ્યા ઊભી થાય છે. આવા સંજોગોમાં પ્રિયા પોતાની પહેચાન શોધવા મથે છે અને આખરે એ માટે લડી લે છે.
નીના ગુપ્તાએ પોતાનાં આ શોને ફરી નિહાળવા અને જૂની યાદને ફરી તાજી કરવાની પ્રશંસકોને સોશિયલ મિડિયા મારફત વિનંતી કરી છે અને સંદેશમાં લખ્યું છે કે, ”સાંસ’ પહેલા જોઈ હોય તો ફરી જુઓ, ન જોઈ હોય તો જોઈ લો અને ન જોવી હોય તો હું માત્ર એટલી જાણકારી આપું છું કે ટાટા સ્કાય નેટવર્ક પર ચેનલ નંબર 505 પર સોમવારથી શુક્રવાર બપોરે 12 વાગ્યે અને રાતે 9 વાગ્યે જુઓ ‘સાંસ”.
મોસ્કોઃ કોરોના વાઇરસને ખતમ કરવા માટે રશિયાએ બનાવેલી વેક્સિન પર હાલ અનેક દેશો સવાલ કરી રહ્યા છે. એનો વિરોધ કરનારા દેશોમાં અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જર્મની અને કેનેડા સામેલ છે. આ બધા દેશો મેડિકલ કારણોનો હવાલો આપીને કહી રહ્યા છે કે આ વેક્સિને ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી નથી કરી. આવામાં એનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે. તેમનું એ પણ કહેવું છે કે કોરોના વાઇસ અત્યાર સુધી આશરે સાડાસાત લાખ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. વિશ્વના અનેક દેશો આ રોગચાળાની દવા શોધવામાં વ્યસ્ત છે અને કેટલાક દેશોમાં એની ટ્રાયલ પણ ચાલી રહી છે. જેથી એ ટ્રાયલના તબક્કા પૂરા થશે એ પછી જે વેક્સિન સામે આવશે, એ વિશ્વાસપાત્ર હશે અને લોકોના જીવ બચાવી શકશે.
દવા અથવા વેક્સિનની તબક્કાવાર ટ્રાયલ
કોઈ પણ દવા અથવા વેક્સિનને બજારમાં ઉતારતાં પહેલાં એને તબક્કાવાર રીતે ટ્રાયલ કરવામાં આવે છે. આ ટ્રાયલ પ્રી-ક્લિનિકલ અને ક્લિનિકલ હોય છે. આ પ્રારંભમાં ઉંદરો અથવા અન્ય પ્રાણીઓ પર એનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જે ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવે છે, એ મહત્ત્વની હોય છે, એને ત્રીજા તબક્કાની ટ્રાયલ કહેવામાં આવે છે. આના પરિણામ મહદંશે સાચા હોય છે. સામાન્ય રીતે ત્રીજા તબક્કામાં દવા અથવા વેક્સિનની ટ્રાયલ 1000થી 3000 લોકો પર કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ભાગ લેતા લોકો અલગ-અલગ-ઉંમર, આદતો અને મેડિકલ હિસ્ટ્રીવાળા હોય છે. આમાં જે લોકો ભાગ લે છે, તેમનું નિયમિત ચેકઅપ કરીને દવા આપવામાં આવે છે. તેમનો દવા આપ્યા પછી દૈનિક ધોરણે તેમના ટેસ્ટ કરવામાં આવે છે અને પછી એ દવા આપવામાં આવે છે.
ત્રીજા તબક્કામાં દવા કે વેક્સિન પાસ તો ચોથો તબક્કો
જો ત્રીજા તબક્કાના ટ્રાયલમાં દવા અથવા વેક્સિન પાસ થઈ જાય તો એનો ચોથો તબક્કો શરૂ થાય છે, જેમાં દવા હજારો લોકો પર ટેસ્ટ કરવામાં આવે છે અને એનાથી મળેલા આંકડાઓનું વ્યાપક સ્તરે વિશ્લેષણ કરવામાં આવે છે. આ દરમ્યાન આનાથી થતી સાઇડ ઇફેક્ટ અને ડોક્ટરથી વિચાર-વિમર્શની વાત પણ સામે આવે છે. ચોથા તબક્કાનાં પરિણામો પછી કોઈ પણ દવા કે વેક્સિન અથવા ઇન્જેક્શનને બજારમાં ઉતારવાની મંજૂરી મળે છે.
કોરોના રોગચાળાની દવાનું નામ ‘સ્પુતનિક 5’
આને કારણે રશિયાની દવાની સાથે જે રીતના સવાલ કેટલાક દેશો ઊભા કરી રહ્યા છે એને નજરઅંદાજ કરવા કોઈ પણ દેશ માટે સરળ નથી. રશિયાએ કોરોના રોગચાળાથી બચવા જે દવા બનાવી છે એનું નામ ‘સ્પુતનિક 5’ (Sputnik V) આપ્યું છે. એનું નામ વિશ્વના પહેલા રશિયન ઉપગ્રહ પર રાખવામાં આવ્યું છે. આ દવાને મોસ્કોની ગામલ્યા ઇન્સ્ટિટ્યૂટે દેશના સંરક્ષણ મંત્રાલયના સહયોગથી તૈયાર કરી છે.
WHOએ પણ માગ્યા પુરાવા
રશિયાની વેક્સિન પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ માહિતી માગી છે. WHOનું કહેવું છે કે આ વેક્સિન મામલે જરૂરી માહિતી પૂરી પાડવામાં નથી આવી. સંસ્થાએ રશિયાની સરકાર વિશે તમામ રિસર્ચને જારી કરવા કહ્યું છે. આ ઉપરાંત WHOએ કહ્યું છે કે નિયામકીય મંજૂરી માટે ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરવામાં નથી આવી. એટલા માટે એનું ઉત્પાદન ન થવું જોઈએ. જોકે એ વેક્સિનના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ થઈ ચૂકી છે, પણ એ બહુ ઓછા સમયમાં પૂરી કરવામાં આવી છે.
અમદાવાદઃ એ અમારું કામ નથી. એવું કહેવાનું કેટલું સરળ છે? રસ્તા પર જતા હોઈએ અને અચાનક કોઈક સાઈન બોર્ડ ન દેખાય તો વિચાર આવે કે કોઈ એ ઉપાડી ગયું હશે? સરકારના નિયમોનું પાલન કરાવવા એમને ઘણી મહેનત પડે. આવી અનેક બાબતોથી સમજાય કે દેશપ્રેમ માત્ર અમુક દિવસે જ જાગે છે. કોરોના કાળમાં ડોકટરો પર જવાબદારી આવી જાય, યુદ્ધ ના ભણકારા વાગે અને સૈન્ય અને સરકાર થી લોકોની અપેક્ષા વધી જાય. એક સામાન્ય નાગરિક દેશ પ્રત્યેની નિષ્ઠા જગાવે એ ખૂબ જ જરૂરી છે.
સરહદો પરની સમસ્યાઓ સરકારે આવા વિકટ સમયમાં ખુબજ સુંદર રીતે ઉકેલવા પ્રયત્ન કર્યો. એ સરાહનીય છે. સરહદ પર સૈનિકો છે એટલે આપણે સુરક્ષિત છીએ. આખો દેશ જયારે ઘરમાં હતો ત્યારે કેમ કોઈ વિદેશીઓ આપણા સુધી પહોંચી ન શક્યા? આપણી સુરક્ષા માટે કેટલા બધા લોકો પોતાની ખુશીઓ કુરબાન કરે છે? આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સૈન્યની કામગીરીને બિરદાવવા ગુજરાતની ટીનેજર વિશ્વા રાવલે એક સુંદર ગીત બનાવ્યું છે. જેના શબ્દો છે,
જાગ ઉઠી હૈ સરહદે, જાગો દેશવાસીઓ.
સડકો પે મરને સે અચ્છા, દેશ પે જાન કુરબાન હો….
આ ગીત જાણીતા વાસ્તુ નિષ્ણાત મયંક રાવલે લખ્યું છે. જાણીતા ગાયિકા માયા દીપકે તેનું કમ્પોઝીસન કરી અને ગાયું છે. માયાબેનનું માનવું છે કે જેમ ચીન સાથેના યુદ્ધ પછી ‘એ મેરે વતન કે લોગો’એ જુવાળ ઉભો કર્યો હતો એવો જુવાળ આ ગીત થકી ઉભો થશે, જો દેશના લોકો એ માટે સહકાર આપશે તો.
ગીતના શબ્દો સમગ્ર દેશવાસીઓ માટે એક ખુબ સુંદર સંદેશ આપે છે. આ ગીતની વિડીઓનું ડાયરેક્શન અને એડિટીંગ વિશ્વા રાવલે કર્યું છે. સંગીત જીગ્નેશ રાવ, જીનય સોની અને અજય પટેલે આપ્યું છે. ગીતનું શુટીંગ સુરમ્ય ફાર્મ પર થયું છે. આ સ્વાતંત્ર દિવસે આ ગીતને સાર્થક કરીએ. સાચો દેશ પ્રેમ દેખાડીએ અને આપણા સૈન્ય અને આપણા પ્રધાનમંત્રીને દેશને આગળ લાવવામાં સહકાર આપીએ.
મુંબઈઃ હાઈકોર્ટે મુંબઈ શહેરમાં પૂજા કરવા માટે જૈન મંદિરો સહિત ધાર્મિક સ્થળોને ફરી ખોલવા દેવાની અરજીને નકારી કાઢી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસનો રોગચાળો નાબૂદ થયો નથી. તેથી મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો-મંદિરોને પૂજાપાઠ કરવા માટે ફરી ખોલવાની ના પાડી છે. આ મંદિરો ગયા માર્ચ મહિનાથી કોરોના-લોકડાઉન લાગુ કરાયું ત્યારથી બંધ કરી દેવામાં આવ્યા છે.
મુંબઈ હાઈકોર્ટે લોકોના જાન અને જાહેર આરોગ્ય પર માઠી અસર થઈ શકે એવું કારણ આપીને મંદિરો અને ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની માગણી કરતી બે પીટિશનને નકારી કાઢી છે.
એક પીટિશન જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ તથા બીજી અંકિત હીરજી નામના એક નાગરિકે નોંધાવી હતી.
બંનેની અરજીને નકારી કાઢી હાઈકોર્ટે કહ્યું કે, ભગવાન આપણી અંદર જ છે અને સર્વત્ર છે. અમે હાલને તબક્કે મંદિરો ફરી ખોલવાની પરવાનગી આપી શકીએ નહીં.
ન્યાયમૂર્તિઓ એસ.જે. કાથાવાલા અને માધવ જે. જામદારની બેન્ચે તેના ચુકાદામાં આમ જણાવ્યું. કોર્ટે તેમ પણ કહ્યું કે ખૂબ અનિચ્છા સાથે કોર્ટને આ પીટિશન નકારી કાઢવી પડી રહી છે.
બંને અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે હાલ જૈન સંપ્રદાયમાં પર્યૂષણનો મહિનો હોવાને કારણે જૈન મંદિરોમાં પૂજા કરવા દેવી જોઈએ.
પરંતુ, કોર્ટે અરજીઓને નકારી કાઢતા કહ્યું કે, હાલને તબક્કે સાચી સમજણ ધરાવનાર તમામ લોકોની એ ફરજ બને છે કે તેઓ પોતાની ધાર્મિક ફરજ, સમાજ પ્રત્યેની ફરજ અને શેષ માનવજાત પ્રત્યેની ફરજમાં સંતુલન જાળવે. આ સંદર્ભમાં અમે ફરી કહીએ છીએ કે ભગવાન આપણી અંદર જ છે અને ભગવાન સર્વત્ર છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે, કેમ કે સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે., જેથી કુલ કેસોની સંખ્યા 24 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 64,553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1007 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 24,61,190 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 48,040 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 17,51,555 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,61,595એ પહોંચી છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.
20 દેશોમાં બે લાખથી વધુ કેસ
વિશ્વમાં 20 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા, ઇટાલી, જર્મની અને બંગલાદેશ પણ સામેલ છે. વિશ્વમાં ભારત સૌથી સંક્રમિતોના મામલે ત્રીજા ક્રમે છે. જ્યારે સૌથી વધુના મામલે પાંચમા નંબરે છે.
વિશ્વમાં એક દિવસમાં 2.72 લાખ નવા કેસ
વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.72 લાખ નવા કેસ નોંધાયા છે અને 6361 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં 2.10 કરોડ લોકો કોરોનાથી સંકમિત થઈ ચૂક્યા છે અને 7.53 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે સરકારે દેશની બધી સ્કૂલોને 31 ઓગસ્ટ સુધી બંધ રાખી છે. 31 ઓગસ્ટ પછી પણ બંધ રાખવાનો અથવા ખોલવા પર સરકારે હાલમાં કોઈ નિર્ણય નથી લીધો. એક ન્યૂઝ એજન્સીએ કેન્દ્ર સરકાર વતી ન્યૂઝમાં એ દાવો કર્યો હતો કે સ્કૂલ ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ ન્યૂઝને સરકારે ખોટા જણાવ્યા છે. સરકારની ફેક્ટ ચેકની ટીમ અનુસાર આ સમાચાર સાચા નથી અને કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવા માટે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લીધો. સપ્ટેમ્બરથી સ્કૂલ ખૂલવાના દાવા પણ ખોટા
કેટલાક દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર સ્કૂલ અને કોલેજ ખોલવાને લઈને સંમત થઈ શકે છે. અને પહેલી સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવામાં આવે એવી શક્યતા છે. જોકે સરકારે એ વાતનું પણ ખંડન કરતાં કહ્યું હતું કે સ્કૂલ-કોલેજ ખોલવાની કોઈ સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. દેશમાં અનલોકનો આગામી તબક્કો એક સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઓગસ્ટના અંતમાં ગાઇડલાઇન જારી થવાની શક્યતા છે.
અમેરિકામાં 97,000 બાળકો કોરોના સંક્રમિત
સ્કૂલ-કોલેજને લઈને ભારતમાં નહીં, બલકે અમેરિકામાં પણ એક મોટો વર્ગ વિરોધમાં છે. અમેરિકામાં સોમવારે જારી થયેલા અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી અમેરિકામાં 97,000 બાળકો કોરોના સંક્રમિત છે. ત્યાર બાદ અમેરિકામાં સ્કૂલ ખોલવાનો પ્રસ્તાવ અટકાવી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પછી ભારતમાં શિક્ષણ વિભાગે વ્યૂહરચના બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.
આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.