રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ ચારેકોર જળબંબોળ… જળબંબોળ…

અમદાવાદઃ રાજ્યભરમાં બારે મેઘ ખાંગા થયા છે. હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ એકસાથે બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી કરવામાં આવી હતી. જેથી રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના ઉંમરપાડામાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. વળી ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. આ સાથે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આણંદ, ગોંડલ અને આણંદમાં ભારે વરસાદ નોંધાયો છે. અનેક નદીઓ ગાંડીતૂર બની છે.

મુખ્ય પ્રધાન રૂપાણીએ તાગ મેળવ્યો

દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં ભારે વરસાદની નોંધાયો છે. જેથી આ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શહેરના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે. તેમણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડવાના આદેશ આપ્યા છે.

ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાશે

ઉકાઈ ડેમમાંથી હાલમાં 600 ક્યુસેક મીટર પાણી છોડાયું છે. હજી ડેમમાંથી તાપી નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 12 ઇંચ અને માંડવીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે તાપી જિલ્લાના સોનગઢમાં 9 ઇંચ, વ્યારા, ડોલવાણ અને ઉચ્છલ તાલુકાઓમાં છ-છ ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં 4 ઇંચ, માંડવીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલીના ગામડાઓમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચીક ખાડી પર પાણીની આવક ચાલુ રહેલાં ઉતારા, વધાવા અને કરચકા સહિતનાં ગામો સંપર્કવિહોણા થયાં છે.

સુરતમાં ગોડાદરા ખાડી બની ખતરો

સુરતમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. આ વરસાદી પાણી સાથે ખાડી ઓવરફ્લો થતાં સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોની હાલત કફોડી થઈ છે. કેટલીક નિર્માણાધીન બિલ્ડિંગોમાં પાણી ભરાતાં 50થી વધુ બાંધકામ મજૂરો અને વેપારીઓ ફસાયા હતા. જેને ફાયરબ્રિગ્રેડના જવાનોએ દોરડા અને બોટની મદદથી બહાર કાઢ્યા હતા. સુરતના પોલારિશ માર્કેટ પાસેથી 75 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આણંદમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદથી

છેલ્લા 24 કલાકમાં આણંદમાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડતાં જલબંબોળની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયાં છે. વરસાદને પગલે કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. રસ્તા પર પણ અનેક વાહનો પાણીમાં ફસાયા છે.

સુરેન્દ્રનગરના લખતરમાં સાડા આઠ ઇંચ વરસાદ

સુરેન્દ્રનગરના લખતરમાં 24 કલાકમાં સાડાઆઠ ઇંચ વરસાદ ખાબકતાં તાલુકાનાં અનેક ગામો પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે તાલુકાનાં પાંચ ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા. ગામમાં પ્રવેશ માટે બનાવવામાં આવેલા કોઝવે પર પાણી ફરી વળતાં આ ગામોના લોકો 24 કલાક સુધી ફસાયેલા રહ્યા છે. ભારે વરસાદને પગલે પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો છે. ખેડૂતોની હજારો વિઘા જમીન પર વરસાદના પાણી ફરી વળતાં પાક નિષ્ફળ જવાનો પણ ડર ફેલાયો છે. પાંચ ગામના સરપંચો મદદ માટે તંત્રની મદદ માગી રહ્યા છે.

સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક

સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક થઈ છે. પાણીની આવક થતાં ડેમની જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 28,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો થયો છે.

જૂનાગઢ જિલ્લાનાં 20 ગામોને એલર્ટ કરાયાં

જૂનાગઢમાં ભારે વરસાદને કારણે બાટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 20થી વધુ ગામને એલર્ટ કરાયા છે. ગઈકાલથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે, જૂનાગઢ જિલ્લાના નદી અને નાળાઓ છલકાઈ ઊઠ્યા છે. આ ઉપરાંત મધુવંતી, આણંદપુર, હસનાપુર અને વિલિગડન ડેમ પણ છલકાયો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. એ જોતાં જિલ્લાની નાની-મોટી નદીઓના કાંઠે રહેનારાઓને સાવચેત કરી દેવાયા છે.

રાજ્યના 225 રસ્તા બંધ

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ રાજ્યના 225 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 18 સ્ટેટ હાઈવે, 207 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં બંધ કરાયેલા રસ્તાઓમાં સુરતના 6, વડોદરા, રાજકોટના 1-1 હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના 18 રસ્તાઓ અને પંચાયતના 207 રસ્તાઓ બંધ છે.