કેડિલા ફાર્મા, અક્ષય ફાઉન્ડેશન તરફથી 38 સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન

અમદાવાદઃ કેડિલા ફાર્મા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે મળીને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 38 સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા 10,863 વિદ્યાર્થીઓને અમર્યાદિત મધ્યાહન ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરી છે. કંપની અને ફાઉન્ડેશને મળીને 3000 વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી રહે એ હેતુથી જુલાઈ અને ઓગસ્ટમાં આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓની કિટનું વિતરણ કર્યું છે.

આર્થિક હાલત ધરાવતા પરિવારોનાં બાળકો

કેડિલા ફાર્મા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન લાંબા સમયથી સંબંધ ધરાવે છે. દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી હજારો પરિવારોને વિપરીત અસર થઈ છે. આ બાળકો નબળી આર્થિક હાલત ધરાવતા પરિવારોનાં બાળકો છે. તેમના શિક્ષણ ઉપરાંત આરોગ્યને પણ આ કારણે વિપરીત અસર થઈ છે. આ પરિવારનાં બાળકો પૌષ્ટિક મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે, એમ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાયારામ દાસાએ જણાવ્યું હતું.

તમામ લોકોની સંભાળ લેવાની ખાતરી

કંપનીના કોર્પોરેટ સામાજિક જવાબદારી વિભાગના વડા બી.વી. સુરેશ જણાવ્યું હતું કે સમાજના લોકોની કાળજી લઈને અમે તમામ લોકોની સંભાળ લેવાની ખાતરી આપી છે. આ પ્રયાસ કલેક્ટર ઓફિસ, શિક્ષણ વિભાગ અને વિવિધ ગામની સ્થાથિક પંચાયતો ઉપરાંત અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે.   અત્યાર સુધીમાં અમે કપ્તાનપુરા, મોટી ભોયણ 1 અને 2, ભીમાસણ ગામને આવરી લીધાં છે અને આગામી મહિનાઓમાં ગાંધીનગર અને ભરૂચનાં ગામો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.

ચીજવસ્તુઓની કિટનું વિતરણ

આવશ્યક ચીજવસ્તુઓની કિટમાં કરિયાણાની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે (તુવેર દાળ, દેશી ચણા, કપાસિયા તેલ, મરચું, હળદર, ધાણાજીરું, રાઇ, મીઠુ, ગોળ, સીંગચણા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર મારફતે ઘઉં અને ચોખાના વિતરણ ઉપરાંત આ કિટનુ વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ વખતે સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કોવિડ-19થી કઈ રીતે બચવું એ અંગે સ્થાનિક ભાષામાં છપાયેલી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

કંપની સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓમાં હંમેશાં સક્રિય

કંપની કોર્પોરેટ સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓમાં હંમેશાં સક્રિય રહી છે. જૂનમાં કંપનીએ  લોકડાઉનથી અસર પામેલા  લોકોને 5,000 કિટ, સેનેટાઈઝર અને માસ્કનુ વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત અંકલેશ્વર જીલ્લામાં હાંસોટ ખાતે આવેલા કાકા-બા હૉસ્પિટલ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી રહી છે. કંપની શિક્ષણ માટેની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. આ ઉપરાંત કંપનીએ વીતેલા વર્ષોમાં 80,000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]