Home Blog Page 4694

લાલ કિલ્લા પરથી PM મોદીએ ચીન-પાકિસ્તાનને ચેતવણી આપી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 74માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી ચીનને ચેતવતાં કહ્યું હતું કે LOCથી માંડીને LAC સુધી દેશ તરફ જેકોઈ પણ આંખ ઉઠાવશે, એને દેશની સેના એની ભાષામાં જવાબ આપશે.દેશની સુરક્ષાનું સન્માન અમારા માટે પ્રથમ છે. આ સંકલ્પ માટે અમારા વીર જવાન શું કરી શકે છે? દેશ શું કરી શકે છે એ લદ્દાખમાં વિશ્વએ જોયું છે.  તેમણે પાકિસ્તાનને પણ આતંકવાદ મુદ્દે ચેતવણી આપી હતી.

  ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી

અમારા પડોશી દેશોની સાથે, એ અમારાથી જમીનથી જોડાયેલા હોય કે સમુદ્રથી- પરસ્પર સંબંધોને અમે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની ભાગીદારીથી જોડાયેલા રહીએ છીએ. તેમનું આ નિવેદન ગયા જૂનમાં લદ્દાખમાં થયેલી ઘટનાને જોતાં મહત્ત્વનું છે. લદ્દાખમાં સૈનિકો સાથે ચીન સાથે અથડામણ પછી આ પહેલો પ્રસંગ છે કે તેમણે LACનો ઉલ્લેખ કર્યો હોય. જોકે આ પહેલાં પણ તેમણે લદ્દાખમાં જઈને ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી.

તેમણે કહ્યું હતું કે 21મી સદીના આ દાયકામાં હવે ભારત નવી નીતિરીતિની સાથે આગળ વધી રહ્યું છે. હવે સાધારણ કામથી નહીં ચાલે. આપણી નીતિ, પ્રક્રિયા, ઉત્પાદન-બધું સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ, ત્યારે આપણ એક ભારત-શ્રેષ્ઠનું સપનું સાકાર કરી શકીશું. ભારતે અસાધારણ સમયમાં અસંભવને સંભવ કર્યું છે. આ જ ઇચ્છાશક્તિ સાથે પ્રત્યેક ભારતીયએ આગળ વધવાનું છે. વર્ષ 2022માં અમારી સ્વતંત્ર્યતાનાં 75 વર્ષનું પર્વ છે.

15-16 જૂનની રાતે ચીનની સેના સાથે અથડામણ

15 અને 16 જૂને ચીનની સેના સાથે ભારતીય સેનિકોની અથડામણમાં 20 જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીનના પણ આશરે 50 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા. આ ઘટના પછી બંને દેશોની વચ્ચે કેટલાય સ્તરે વાટાઘાટ થઈ ચૂકી છે, પણ ચીનની નિયતિ સાફ નથી દેખાતી.

 

 

 

વાહ ભાઈ વાહ! ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦

કોરોનાના 65,000 નવા કેસ, 996નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી કુલ કેસોની સંખ્યા 25 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 65,002 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 996 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 25,26,192 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 49,036 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 18,08,936 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,68,220 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 26.45 ટકા છે અને મૃત્યુદર 1.94 ટકા છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.

કોરોના વેક્સિન પર કામ જારી

વડા પ્રધાને આજે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે કોરોના વાઇરસની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન ટેસ્ટિંગના તબક્કામાં છે. વૈજ્ઞાનિકોને લીલી ઝંડી મળશે. દેશ આ વેક્સિનનું મોટા પાયે ઉત્પાદનની પણ તૈયારી છે. દેશના દરેક જરૂરતમંદ  સુધી વેક્સિન પહોંચાડવાની રૂપરેખા તૈયાર છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

કોરોનાની મહામારી વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી

અમદાવાદઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આઝાદીના પર્વ  નિમિત્તે ધ્વજ વંદનના સિવાયના કાર્યક્રમો મર્યાદિત કરી દીધા હતા. એક તરફ કોરોના કાળ બીજી તરફ વરસાદી વાતાવરણમાં ખૂબ જ ઓછી સંખ્યામાં સંસ્થાઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય પર્વે પેન , કિ- ચેઇન, ગાડી, કપડાં પર પ્રદર્શિત કરી શકાય એવા નાના-મોટા ધ્વજનું વેચાણ થઇ રહ્યું છે.

શહેરની કેટલીક શાળાઓએ આ કપરા કાળમાં વિદ્યાર્થીઓ વગર સંચાલકો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં સાદગીપૂર્વક ધ્વજ વંદનનો કાર્યક્રમ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન ‘કોરોનાથી આત્મનિર્ભરતા સુધી’

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી 74મા સ્વતંત્રતાના દિવસ સતત સાતમી વાર દેશને સંબોધન કર્યું હતું. તેમણે શરૂઆત સ્વતંત્રતાસેનાનીઓને નમન કરતાં કરી હતી. તેમણે કોરોના વોરિયર્સને નમન કરતાં કહ્યું હતું કે આ કોરોના કાળમાં કેટલાય પરિવાર પ્રભાવિત થયા છે.તેમણે ભાષણમાં સ્વતંત્રતા સંગ્રામથી માંડીને કોરોના સંકટ અને આત્મનિર્ભર ભારત સુધી આહવાન કર્યું હતું.

4000 લોકો આમંત્રિત

વડા પ્રધાને આ પહેલાં રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. કોરોના રોગચાળા વચ્ચે લાલ કિલ્લા પર આયોજિત થનારા સ્વાતંત્ર્ય સમારંભમાં 4000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યઆ હતા, જેમાં અધિકારી, રાજદ્વારીઓ અને પત્રકારો સહિત અનેક મહાનુભાવો સામેલ હતા. આ સમારંભ માટે સુરક્ષાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું.

જેણે આંખ દેખાડી, એને જવાબ મળ્યો

વડા પ્રધાને લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતાં પાકિસ્તાન અને ચીનને ઠમઠોર્યું હતું. તેમણે કહ્યું હતું કે LOCથી માંડીને LAC સુધી જેણે આંખ બતાવી સેનાના જવાનો એની ભાષામાં જવાબ આપ્યો હતો.

કોરોના વેક્સિન પર કામ જારી

તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન ટેસ્ટિંગના તબક્કામાં છે. વૈજ્ઞાનિકોને લીલી ઝંડી મળશે. દેશ આ વેક્સિનનું મોટા પાયે ઉત્પાદનની પણ તૈયારી છે. દેશના દરેક જરૂરતમંદ  સુધી વેક્સિન પહોંચાડવાની રૂપરેખા તૈયાર છે.  

વડા પ્રધાન મોદીના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ હતા.

  • વડા પ્રધાને લાલ કિલ્લા પર બધા અતિથિઓનું સ્વાગત કર્યું હતું. આ વખતે વડા પ્રધાનનું ભાષણ 1.30 કલાક ચાલ્યું હતું.
  • ભારતે અસાધારણ સમયમાં અસંભવને સંભવ કર્યું છે.
  • દેશમાં 1300 જેટલા ટાપુઓ છે. એમાંથી કેટલાક ટાપુના વિકાસની યોજના શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.આગામી 1000 દિવસમાં લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડી દેવામાં આવશે.
  • સાઇબર સ્પેસ પર અમારી નિર્ભરતા સતત વધતી રહેશે
  • અમે નક્કી કર્યું છે કે છ લાખથી વધુ ગામડાંને ઓપ્ટલ ફાઇબર પહોંચાડવામાં આવશે. જોકે દોઢ લાખ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચી ચૂક્યું છે.
  • ગામોની ડિજિટલ ઇન્ડિયામાં ભાગીદારી અનિવાર્ય બની ગઈ છે.
  • દેશની પ્રગતિમાં નવી શિક્ષણ નીતિની મહત્ત્વની ભૂમિકા
  • ઇનોવેશન પર ભાર આપવો બહુ જરૂરી છે.
  • કો-ઓપરેટિવ બેન્કોને રિઝર્વ બેન્કથી જોડીને તેમના નાણાં સુરક્ષિત કર્યાં છે.
  • 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું છે.
  • નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજના પર 110 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
  • મેક ઇન ઇન્ડિયાની સાથે હવે મેક ફોર વર્લ્ડ માટે કામ કરવાનું છે.
  • કોરોનાના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મની ભાવનાની સાથે જીવનની પરવા કર્યા વિના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી, 24 કલાક અવિરત કામ કરી રહ્યા છે.
  • તેમણે કહ્યું હતું કે વિસ્તારવાદી વિચારધારાએ કેટલાક દેશોને ગુલામ જ નથી બનાવ્યા, ભીષણ યુદ્ધો અને ભયાનકતાની વચ્ચે છોડી દીધા છે, પણ ભારતે આઝાદીના જંગમાં ક્યારેય ઓછપ નથી આવવા દીધી.
  • આત્મનિર્ભર ભારતની ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે ક્યાં સુધી દેશમાંથી ગયેલા કાચા માલ, ફિનિશ્ડ પ્રોડક્ટ બનીને ભારત પરત ફરશે. આપણી કૃષિ વ્યવસ્થા હજી ગણી પછાત છે. આત્મનિર્ભર ભારતનો અર્થ આયાતમાં ઘટાડો કરવાનો નહીં, પણ અમારી ક્ષમતા, અમારી રચનાત્મકતા અને અમારી કુશળતા વધારવાની છે.
  • કેટલાક મહિના પહેલા N-95 માસ્ક, PPE કિટ, વેન્ટિલેટર વિદેશી આયાત થતી હતી, આજે ભારત પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યો છે અને અન્ય દેશોની મદદ માટે આ બધાં ઉત્પાદનોની સહાય કરી રહ્યો છે.
  • દેશમાં ગરીબોના જનધન ખાતાંઓમાં હજારો-લાખો કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર થયા છે
  • ખેડૂતાની સુવિધા માટે APMC એક્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
  • વન નેશન-વન ટેક્સ ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કાયદા, બેન્કોના મર્જર કરવામાં આવ્યાં છે. FDIમાં બધા રેકોર્ડ તૂટ્યા છે. હાલમાં FDIમાં 18 ટકાનો વધારો થયો છે.
  • હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં Silosને ખતમ કરવાનો યુગ આવી ગયો છે. આ માટે દેશમાં Multi-Modal Connectivity Infrastructureને જોડવાની એક બહુ મોટી યોજના તૈયાર કરવામાં આવી છે.
  • આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે सामर्थ्य्मूलं स्वातन्त्र्यं, श्रममूलं च वैभवम्।। કોઈ સમાજ, કોઈ પણ રાષ્ટ્રની સ્વતંત્ર્યતાનો સ્રોત એનું સામર્થ્ય હોય છે. એનો વૈભવ, ઉન્નતિ પ્રગતિનો સ્રોત એની શ્રમ શક્તિ હોય છે.
  • ખેડૂતો અને ગ્રામીણ ઉદ્યોગને સશક્ત કરવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે કિસાન ઉત્પાદકક સંઘ બનાવવાના પ્રયાસો કર્યા છે. એ ઇકોનોમિક બુસ્ટરનું કામ કરશે.
  • જળજીવન મિશન હેઠળ હવે પ્રતિ દિન એક લાખથી વધુ ઘરોમાં પાણીનાં કનેક્શનને જોડવાની સફળતા મળી રહી છે.
  • દેશમાં મહિલાઓ અન્ડરગ્રાઉન્ડ કોલસાની ખાણોમાં કામ કરી રહી છે. તેઓ લડાકુ વિમાનોથી આકાશને આંબી રહી છે. દેશમાં 40 કરોડ જનધન ખાતાં ખૂલ્યાં છે, તેમાં આશરે 22 લાખ કરોડ ખાતાં મહિલાઓનાં છે. છેલ્લા ત્રણ મહિનામાં મહિલાઓનાં ખાતાંઓમાં આશરે 30,000 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.    
  • તેમણે સંબોધન પૂરું કર્યા પછી NCC કેડેટ્સનું અભિવાદન કર્યું હતું.

 

 

 

 

 

૧૫ ઓગસ્ટ ૨૦૨૦


૧૫ ઓગસ્ટ ૨૦૨૦

યૂએઈમાં IPL-2020 ભ્રષ્ટાચાર-મુક્ત વાતાવરણમાં રમાશેઃ BCCI

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર-વિરોધી એકમના પ્રમુખ અજિત સિંહે કહ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી ટુર્નામેન્ટ માટે કોઈ ખાસ (ભ્રષ્ટાચાર માટે) પગલાં લેવામાં નથી આવ્યાં. IPLની 13મી ટુર્નામેન્ટ મૂળ માર્ચમાં આયોજિત કરવામાં આવી હતી, પણ કોવિડ-19 રોગચાળાને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે હવે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાવાની છે.

IPL માટે વિશેષ ઉપાય નથી

શું IPL-13ની મેચો સૌથી સુરક્ષિત વાતાવરણમાં રમાડવામાં આવી રહી છે, ત્યારે તેમણે કહ્યું હતું કે આ વખતની સ્પર્ધા સુરક્ષિત વાતાવરણમાં રમાઈ રહી છે.

સૌથી સુરક્ષિત વાતાવરણ

આ પહેલાં ACUના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ એ નથી કહી શકતું કે IPLની મેચો  સૌથી સુરક્ષિત વાતાવરણમાં રમાવાની છે, પણ ભ્રષ્ટાચારવિરોધી દ્રષ્ટિકોણથી રમાવાની છે, કેમ કે ટીમો, સહયોગી કર્મચારીઓ અને બહારના લોકો વચ્ચે કોઈ વાતચીત નથી થવાની.

IPL ટુર્નામેન્ટ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત

આ મોસમમાં IPL ટુર્નામેન્ટ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત થવાની છે અને એમાં કોઈ ગડબડ નથી થવાની, એમ તેમણે કહ્યું હતું.

IPL-13 ટુર્નામેન્ટ 53 દિવસ માટે આયોજિત કરવામાં આવી છે, જે દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાવાની છે, જેના માટે ટીમો 20 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત પહોંચી રહી છે.

CM રૂપાણીનો સ્વાતંત્ર્ય દિને પ્રજાજોગ સંદેશ: ગુર્જર ગિરાને ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ

અમદાવાદઃ બ્રિટિશરોને ગાંધીજીના નેતૃત્વમાં સૌએ ચળવળ ચલાવીને દેશવટો આપેલો, પણ હવે સુરાજ્ય માટે આપણે આગળ વધવાનું છે. હવે આ કોરોનાને પણ દેશવટો આપવાનો છે. ‘હારશે કોરોના-જીતશે ગુજરાત’ એ મંત્ર સૌએ સાકાર કરવાનો છે. આજથી સાત દાયકા પૂર્વે આઝાદીનો જંગ જીતીને સ્વરાજ્ય મળ્યું. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ સ્વરાજ્ય અપાવ્યું. હવે નરેન્દ્રભાઈ-અમિતભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે,એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું.

 વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત

સુરાજ્યની દિશામાં વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. કોરોનાના સંક્રમણને કારણે આપણી વિકાસયાત્રા જરૂર ધીમી થોડીક પડી હશે, પરંતુ ‘ન રુકના હૈ…ન ઝૂકના હૈ… વિકાસ કી ઔર આગે હી આગે બઢના હૈ…’આપણો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.  

કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત

કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોને સરકારે જગતના તાત ગણીને હંમેશાં એમના હિતને પ્રાધાન્ય આપેલું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદથી નુકસાન થશે તો સરકાર આ બધા ખેડૂતોની ચિંતા કરીને વળતર આપશે.

1,51,053 ચેકડેમ બનાવ્યા

૧૯૬૧થી ૨૦૦૦ સુધી ૪૦ વર્ષમાં માત્ર ૧૮ હજાર ૩૫૬ ચેકડેમ બન્યા હતા અને ૨૦૦૦થી ૨૦૨૦ સુધીમાં નવા એક લાખ એકાવન હજાર ત્રેપન ચેકડેમ બનાવ્યા છે. આપણે પાણીનો સંગ્રહ વધારવા સુજલામ્ સુફલામ્ યોજનામાં ગુજરાતે ઇતિહાસ રચ્યો છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2020

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની દિશામાં તાજેતરમાં જ આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2020 ગુજરાતનું એક વધુ નવું આગવું કદમ છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ૩૩૩ ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં FDIમાં 240 ટકાનો વધારો થયો છે.

રિકવરી રેટ 77 ટકા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય, પોતાના ઘરે પાછા જાય. ગુજરાતનો રિકવરી રેટ ૭૭ ટકા સુધી પહોંચાડ્યો છે. ચાર અક્ષરનો શબ્દ ‘ગુજરાત’ વિકાસ શબ્દનો પર્યાય બની ગયો છે. વિકાસ એ જ ગુજરાતની ઓળખ છે.

કોરોના વોરિયર્સઃ ફરજ સાથે દેશભાવનાનાં દર્શન…

કોરોના વાઈરસ બીમારીના ફેલાવા વચ્ચે 14 ઓગસ્ટ, શુક્રવારે દેશના 74મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુંબઈના ગોરેગાંવ ઉપનગરના અમૃતવન કોમ્પલેક્સમાં માનવ સેમ્પલ્સની તબીબી ચકાસણી કરવા ગયેલી મુંબઈ મહાનગરપાલિકાની મહિલા આરોગ્યકર્મીઓએ થોડીક મિનિટો ફાળવીને હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને પોઝ આપ્યાં હતાં. એમની સાથે એક ટ્રાફિક મહિલા પોલીસકર્મી પણ જોડાયાં હતાં. આમ તેમણે એમની કાર્યનિષ્ઠા અને દેશભાવના બંને ગુણ પ્રદર્શિત કર્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

કેડિલા ફાર્મા, અક્ષય ફાઉન્ડેશન તરફથી 38 સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન

અમદાવાદઃ કેડિલા ફાર્મા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે મળીને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 38 સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા 10,863 વિદ્યાર્થીઓને અમર્યાદિત મધ્યાહન ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરી છે. કંપની અને ફાઉન્ડેશને મળીને 3000 વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી રહે એ હેતુથી જુલાઈ અને ઓગસ્ટમાં આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓની કિટનું વિતરણ કર્યું છે.

આર્થિક હાલત ધરાવતા પરિવારોનાં બાળકો

કેડિલા ફાર્મા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન લાંબા સમયથી સંબંધ ધરાવે છે. દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી હજારો પરિવારોને વિપરીત અસર થઈ છે. આ બાળકો નબળી આર્થિક હાલત ધરાવતા પરિવારોનાં બાળકો છે. તેમના શિક્ષણ ઉપરાંત આરોગ્યને પણ આ કારણે વિપરીત અસર થઈ છે. આ પરિવારનાં બાળકો પૌષ્ટિક મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે, એમ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાયારામ દાસાએ જણાવ્યું હતું.

તમામ લોકોની સંભાળ લેવાની ખાતરી

કંપનીના કોર્પોરેટ સામાજિક જવાબદારી વિભાગના વડા બી.વી. સુરેશ જણાવ્યું હતું કે સમાજના લોકોની કાળજી લઈને અમે તમામ લોકોની સંભાળ લેવાની ખાતરી આપી છે. આ પ્રયાસ કલેક્ટર ઓફિસ, શિક્ષણ વિભાગ અને વિવિધ ગામની સ્થાથિક પંચાયતો ઉપરાંત અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે.   અત્યાર સુધીમાં અમે કપ્તાનપુરા, મોટી ભોયણ 1 અને 2, ભીમાસણ ગામને આવરી લીધાં છે અને આગામી મહિનાઓમાં ગાંધીનગર અને ભરૂચનાં ગામો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.

ચીજવસ્તુઓની કિટનું વિતરણ

આવશ્યક ચીજવસ્તુઓની કિટમાં કરિયાણાની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે (તુવેર દાળ, દેશી ચણા, કપાસિયા તેલ, મરચું, હળદર, ધાણાજીરું, રાઇ, મીઠુ, ગોળ, સીંગચણા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર મારફતે ઘઉં અને ચોખાના વિતરણ ઉપરાંત આ કિટનુ વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ વખતે સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કોવિડ-19થી કઈ રીતે બચવું એ અંગે સ્થાનિક ભાષામાં છપાયેલી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

કંપની સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓમાં હંમેશાં સક્રિય

કંપની કોર્પોરેટ સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓમાં હંમેશાં સક્રિય રહી છે. જૂનમાં કંપનીએ  લોકડાઉનથી અસર પામેલા  લોકોને 5,000 કિટ, સેનેટાઈઝર અને માસ્કનુ વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત અંકલેશ્વર જીલ્લામાં હાંસોટ ખાતે આવેલા કાકા-બા હૉસ્પિટલ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી રહી છે. કંપની શિક્ષણ માટેની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. આ ઉપરાંત કંપનીએ વીતેલા વર્ષોમાં 80,000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે.