Home Blog Page 4635

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં અડવાણીસહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

લખનઉઃ 1992ની સાલમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનામાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 28 વર્ષ બાદ, આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એણે આ કેસના તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ – ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહનો પણ સમાવેશ થાય છે.

કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ સીબીઆઈ તપાસ એજન્સી આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં અને રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.

જજ એસ.કે. યાદવે કહ્યું કે આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરાયો નથી. નેતાઓએ તે સ્થળે લોકોના ટોળાને રોકવાની કોશિશ કરી હતી. મસ્જિદ ધ્વંસ ઘટના પૂર્વ નિયોજિત નહોતી.

આ 32 આરોપીઓએ બાબરી મસ્જિદ તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું એવો તેમની પર આરોપ મૂકાયો હતો, પણ ફરિયાદી પક્ષ તે સાબિત કરવામાં નિષ્ફળ જતાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે જ તમામને આજે નિર્દોષ જાહેર કરી દીધા છે.

અડવાણી અને જોશીએ નાદુરસ્ત તબિયત તથા ઉમા ભારતી અને કલ્યાણ સિંહે કોરોનાની બીમારીને કારણે આજની સુનાવણી લખનઉ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવી હતી.

કોર્ટની સુનાવણીમાં અડવાણી સહિતના મુખ્ય આરોપીઓ વિડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર રહ્યાં હતાં.

32માંના 26 આરોપીઓ આજે કોર્ટમાં હાજર રહ્યાં હતાં. એમાં સાધ્વી ઋતંભરા, સાક્ષી મહારાજ, વિનય કટિયાર અને ચંપતરાય બંસલનો સમાવેશ થાય છે.

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કુલ 49 જણ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એમાંના 17 જણ અવસાન પામ્યા છે. બાકીના 32 જણ હજી પણ આરોપી હતા. અવસાન પામેલા આરોપીઓમાં શિવસેનાના સ્થાપક પ્રમુખ બાલ ઠાકરે, અશોક સિંઘલ, મહંત અવૈદ્યનાથ, ગિરીરાજ કિશોર અને વિજયારાજે સિંધીયાનો સમાવેશ થાય છે.

ખટલા દરમિયાન સીબીઆઈ એજન્સીએ સીબીઆઈ કોર્ટમાં 351 સાક્ષીઓને તથા 600 દસ્તાવેજો રજૂ કર્યા હતા.

સીબીઆઈએ 1993ની 27 ઓગસ્ટથી આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આ મામલો 26 વર્ષ સુધી લટકતો રહ્યો હતો. 2017ની 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી એના જજની બદલી પણ કરી શકાશે નહીં.

કોરોનાના 80,472 નવા કેસ, 1179નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 62 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 80,472 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1179 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 62,25,764 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 97,497 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 51,87,825 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,40,441 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે.  રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.

15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને કોરોના

ICMRના બીજા સિરો સર્વે પ્રમાણે ઓગસ્ટ, 2020 સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના 15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવવાનો અંદાજ છે. આ સર્વે વધારે વસતિમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત થવાની આશંકા દર્શાવે છે. ICMRના બીજા સિરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.

ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું હતું કે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી 29,082 લોકો (10 વર્ષ અને તેનાથી વધારે ઉંમર) પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 6.6 ટકામાં સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવી ચૂક્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. 7.1 ટકા વયસ્ક વસતિ (18 વર્ષ અને તેનાથી વધારે) પણ તેની ચપેટમાં આવ્યા હોવાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રાશિ ભવિષ્ય 30/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે,


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

ટ્રમ્પ-બાઈડન વચ્ચે ઉગ્ર ડીબેટઃ ટ્રમ્પનો ભારત પર આક્ષેપ

વોશિંગ્ટનઃ અમેરિકામાં આવતા નવેમ્બરમાં દેશના પ્રમુખપદ માટે નવી ચૂંટણી યોજાવાની છે. રીપબ્લિકન પાર્ટી તરફથી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ એમના હરીફ તરીકે જો બાઈડનને પસંદ કર્યા છે. આ બંને ઉમેદવાર વચ્ચે ગઈ કાલે સાંજે પહેલી જ વાર જાહેરમાં ચર્ચા યોજવામાં આવી હતી. આ ડીબેટ 90-મિનિટ સુધી ચાલી હતી અને એમાં કોરોનાવાઈરસ રોગચાળો, જાતિવાદ અને હિંસા, અર્થતંત્ર, બંને ઉમેદવારના અત્યાર સુધીના રેકોર્ડ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.

વ્હાઈટ હાઉસ ખાતે આયોજિત ડીબેટમાં ફોક્સ ન્યૂઝ ચેનલના ક્રિસ વોલેસ મોડરેટર બન્યા હતા. કોરોના ચેપી બીમારી ફેલાઈ હોવાથી ટ્રમ્પ અને બાઈડને સ્ટેજ પર પ્રવેશ કર્યા બાદ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા, માત્ર સ્મિત કર્યું હતું.

બંને નેતાએ તમામ મુદ્દાઓની ચર્ચા પર એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કોવિડ-19 મહામારી વિશે પૂછતાં ટ્રમ્પે કહ્યું કે જો મારી જગ્યાએ બાઈડન અમેરિકાના પ્રમુખ હોત તો અમેરિકામાં ઘણા વધારે મૃત્યુ થયા હોત. તો એના જવાબમાં બાઈડને કહ્યું કે આ મહામારી સામે લડવા માટે ટ્રમ્પ પાસે કોઈ પ્લાન જ નથી.

અમેરિકામાં કોરોનાવાઈરસને કારણે અત્યાર સુધીમાં 70 લાખથી વધારે કેસો નોંધાયા છે અને આશરે બે લાખ જેટલા લોકોના મરણ નિપજ્યા છે.

અમેરિકામાં કોરોનાને કારણે થયેલા મોત વિશે ટ્રમ્પે કહ્યું કે ભારત, રશિયા અને ચીન કોરોનાને કારણે થયેલા મૃત્યુના આંકડા છુપાવી રહ્યા છે.

બંને નેતાએ ફેસ માસ્ક, કોરોના રસી અને શારીરિક સોશિયલ ડિસ્ટન્સિંગ મુદ્દાઓ પર એકબીજાની ઝાટકણી કાઢી હતી બાઈડને કહ્યું કે માસ્ક પહેરવા વિશે ટ્રમ્પ જરાય ગંભીર નથી. તો ટ્રમ્પે બાઈડનની મજાક ઉડાવતા કહ્યું કે બાઈડન તો 200 ફૂટ દૂર રહે છે અને તો પણ મોટું માસ્ક પહેરીને આવી જાય છે.

કાર્યક્રમના હોસ્ટ ક્રિસ વોલેસે ટ્રમ્પને પૂછ્યું કે તમે કોરોના મહામારી ફેલાઈ હોવા છતાં લોકોના ટોળાં ભેગા કરતી ચૂંટણી રેલીઓ શા માટે કરી હતી? તો જવાબમાં ટ્રમ્પે કહ્યું કે જો બાઈડન આટલા ટોળા ઊભા કરી શકતા હોત તો એ પણ આવું જ કરત.

ટ્રમ્પે કહ્યું મેં લાખો ડોલરનો ટેક્સ ભર્યો છે

અર્થવ્યવસ્થા વિશે ટ્રમ્પે કહ્યું કે લોકડાઉન પછી અમેરિકાની અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં વધારે ઝડપથી પાટા પર આવી રહી છે. મેં અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે સારી અર્થવ્યવસ્થા ઊભી કરી છે.

હોસ્ટ ક્રિસ વોલેસે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલનો હવાલો આપીને ટ્રમ્પને જ્યારે પૂછ્યું કે, ‘શું આ સાચું છે કે તમે 2016-17માં માત્ર 750 ડોલરનો જ ટેક્સ ભર્યો હતો?’ ત્યારે ટ્રમ્પે કહ્યું કે ‘મેં લાખો ડોલરનો ટેક્સ ભર્યો છે. એક વર્ષમાં મેં 3 કરોડ 80 લાખ ડોલર અને બીજા વર્ષમાં 2 કરોડ 70 લાખ ડોલરનો ટેક્સ ભર્યો હતો. એમણે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા હતા.

ભારતીય શ્રીમંતોની ટોપ-10 યાદીમાં પાંચ ગુજરાતીઓ

અમદાવાદઃ IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ગઈ કાલે ભારતીય શ્રીમંતોની જે યાદી બહાર પાડી છે, તેમાં ટોપ-10 ભારતીય શ્રીમંતોમાં પાંચ ગુજરાતી છે. આ ટોપ-10 શ્રીમંત ભારતીયોની કુલ સંપત્તિ રૂ. 17.02 લાખ કરોડ છે, જેમાંથી 63.65 ટકા એટલે કે રૂ. 10.83 લાખ કરોડ ગુજરાતીઓની સંપત્તિ છે. આ ઉપરાંત ગુજરાતમાં 49 લોકો એવા છે જેમની વેલ્થ રૂ. 1000 કરોડથી વધુ છે. રાજ્યમાં રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે, જયારે રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે, એમ હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લિમિટેડ (IIFL) વેલ્થની ઇન્ડિયા રિચ લિસ્ટ 2020ની યાદી કહે છે.

ટોપ 10 ભારતીય શ્રીમંતોમાં પાંચ ગુજરાતી

IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ભારતીય માલેતુજારોની જે યાદી બહાર પાડી છે, તેમાં ટોપ-10 ભારતીય શ્રીમંતોમાં પાંચ ગુજરાતી છે. આમાં સૌથી ઉપર રિલાયન્સના મુકેશ અંબાણી છે. તેઓ પ્રતિ કલાક 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મુકેશ અંબાણીની ખાનગી સંપત્તિ 2,77,700 કરોડથી વધીને 6,58,400 કરોડ થઈ ગઈ છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના MD અને અધ્યક્ષે સતત નવમા વર્ષે સૌથી શ્રીમંત ભારતીયનું ટાઇટલ જાળવી રાખ્યું છે, જેનો ઉલ્લેખ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 20202એ કર્યો છે. આ સિવાય આ યાદીમાં ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી પણ છે.

રાજ્યના શ્રીમંતોની સંપત્તિમાં 52 ટકાનો વધારો
આ અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં રાજ્યના શ્રીમંતોની સંપત્તિમાં ત્રણ ટકાથી 52 ટકા સુધીનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ એક વર્ષમાં  45,700 રૂપિયા કરોડનો વધારો થયો છે. તેવી જ રીતે પંકજ પટેલની વેલ્થ 52 ટકા વધી છે. ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા અને સમીર મહેતાની સંપત્તિમાં 38 ટકાનો વધારો થયો છે.

રાજ્યના ટોપ-20 શ્રીમંતોની યાદી

નામ સંપત્તિ (રૂ.) કંપની
ગૌતમ અદાણી 1.40 લાખ કરોડ અદાણી ગ્રુપ
કરસન પટેલ 33,800 કરોડ નિરમા
પંકજ પટેલ 33,700 કરોડ ઝાયડસ
સમીર મહેતા 21,900 કરોડ ટોરેન્ટ ફાર્મા
સુધીર મહેતા 21,900 કરોડ ટોરેન્ટ ફાર્મા
ભદ્રેશ શાહ 11,600 કરોડ AIA એન્જિનીયરીંગ
બિનીશ ચુડગર 10,600 કરોડ ઇન્ટાસ ફાર્મા
નિમિશ ચુડગર 10,600 કરોડ ઇન્ટાસ ફાર્મા
ઉર્મિશ ચુડગર 10,600 કરોડ ઇન્ટાસ ફાર્મા
સંદીપ એન્જિનિયર 9,500 કરોડ એસ્ટ્રલ સ્ટેરિટેક
હસમુખ ચુડગર 6,900 કરોડ એસ્ટ્રલ સ્ટેરિટેક
દર્શન પટેલ 5,400 કરોડ વિની કોસ્મેટિક
અચલ બકેરી 5,000 કરોડ સિમ્ફની
રાજીવ મોદી 4,800 કરોડ કેડિલા ફાર્મા
પ્રકાશ સંઘવી 3,600 કરોડ રત્નમણી મેટલ્સ
ભીખાભાઈ વિરાણી 3,300 કરોડ બાલાજી વેફર્સ
અમિત બક્ષી 3,000 કરોડ એરિસ લાઇફસાઇન્સ
કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ બાલાજી વેફર્સ
ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ બાલાજી વેફર્સ

 

શ્રીમંતોની યાદીમાં 12 નવા લોકોનો સમાવેશ

હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇનના ઇન્ડિયા રિચ લિસ્ટમાં રાજ્યના 12 નવા લોકોનો સમાવેશ થયો છે. આ યાદીમાં એસ્ટ્રલ સ્ટેરિટેક દુષ્યંત પટેલ, કોરોના રેમેડીઝના ક્રીતિકુમાર મહેતા, પારસ ફાર્માના ગિરિશ પટેલ સહિતનો સમાવેશ છે. આ તમામની કુલ સંપત્તિ રૂ. 15,700 કરોડ જેટલી થાય છે.

ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ શ્રીમંતો

આ યાદી મુજબ રાજ્યમાં રૂ. 1,000 કરોડથી વધુ વેલ્થ ધરાવતા કુલ 59 લોકો છે. આમાંથી 18 લોકો ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે સંકળાયેલા છે. જ્વેલરી સેક્ટરમાંથી 11 લોકો, ફૂડ અને બેવરેજીસ ક્ષેત્રમાંથી સાત અને કન્સ્ટ્રકશન અને એન્જિનિયરિંગ સેક્ટરમાંથી ચાર લોકોનો સમાવેશ થયો છે.

ક્યા શહેરમાં કેટલા શ્રીમંતો

દેશનાં કયાં શહેરોમાં કેટલા શ્રીમંતો રહે એ જોઈએ તો અમદાવાદમાં 38, સુરતમાં 11, રાજકોટમાં 7, વડોદરામાં 3, મુંબઈમાં 217, દિલ્હીમાં 128, બેંગલુરુમાં 67, હૈદરાબાદમાં 51, ચેન્નઈમાં 37, કોલકાતામાં 32 અને પુણેમાં 21 શ્રીમંતો રહે છે.

 

 

 

ભારતને ગ્લોબલ ફાઈનાન્સિયલ હબ બનાવવાનું BSEનું લક્ષ્ય

મુંબઈઃ દેશને આંતરરાષ્ટ્રીય નાણામથક બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની દિશામાં અત્યારે પીએમઓ કાર્યાલય સક્રિય બન્યું છે ત્યારે દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ એક આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બની રહેવાની સજ્જતા પ્રાપ્ત કરવા માટે કમર કસી છે. BSEએ દેશના ગિફ્ટ સિટી ખાતે આવેલા IFSCમાં વર્લ્ડ ક્લાસ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) સ્થાપ્યું છે, જેના પર વિદેશી ચલણમાં સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટનું ટ્રેડિંગ સતત વધી રહ્યું છે.

ઈન્ડિયા INX ગોલ્ડ બુલિયનના ટ્રેડિંગનો વિચાર કરી રહ્યું છે. સોનાની આયાત કરવામાં ભારતનો ક્રમ વિશ્વમાં બીજો છે. સરકારી અધિકારીઓ એવી પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે કે જેથી કોઈ પણ સ્થાનેથી IFSCમાં ટ્રેડિંગ થઈ શકે. સેન્સેક્સ 50માં વોલ્યુમ સતત વધી રહ્યું છે ત્યારે ભારત વૈશ્વિક નાણાકીય મથક તરીકે ઊભરે એવી શક્યતાઓ વધી ગઈ છે. ગિફ્ટ સિટીને પુનઃ ચેતનવંતુ કરવા  IFSC ઓથોરિટી (IFSCA)ના ચેરમેન પદે ઈંજેતી શ્રીનિવાસની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે.

ઈન્ડિયા INXના ડિરેક્ટર સમીર પાટીલના જણાવ્યા અનુસાર ઈન્ડિયા INXમાં ટર્નઓવર માર્ચ, 2020ના 24 અબજ ડોલરથી વધીને જુલાઈમાં 60.2 અબજ અને ઓગસ્ટ 2020માં 57.7 અબજ ડોલર થયું છે. આટલું ટર્નઓવર સિંગાપોરમાં તેની સમકક્ષ ઈન્ડેક્સની તુલનાએ 57 ટકાનો બજાર હિસ્સો દર્શાવે છે. એક્સચેન્જમાં 100થી અધિક પ્રોપ્રાઈટરી ટ્રેડર્સ સક્રિય છે અને અન્ય 40 ટ્રેડર્સ સક્રિય થવામાં છે.

પાટીલના જણાવ્યા પ્રમાણે IFSCમાં બેન્ક્સની બ્રાન્ચીસ, ડિપોઝિટરીઝ અને અન્ય ફાઈનાન્સિયલ ઈન્ટરમીડિયરીઝ સ્થાપવાની છૂટ છે. એ જ રીતની છૂટ જ્યારે સેબી દ્વારા વિદેશી બ્રોકર્સને બ્રાન્ચીસ સ્થાપવાની  આપવામાં આવશે ત્યારે વિદેશી બ્રોકર્સ અને રોકાણકારોની વધુ સામેલગીરી જોવા મળશે.

આઈએફએસસી ઝોનમાં શ્રેષ્ઠ વેરા માળખા સહિત ખર્ચની દ્દષ્ટિએ સ્પર્ધાત્મક દરે કામકાજ કરવાની સુવિધા છે. સિંગલ-વિન્ડો ક્લિયરન્સ, કંપની એક્ટની જોગવાઈઓમાં છૂટછાટ, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન, ઈંગ્લિશ લો આધારિત લિગલ સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્વતંત્ર નિયામક માળખું, વ્યાપક અને અધિક પ્રવાહી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને અંગ્રેજી ભાષામાં કામકાજ આદિ સુવિધાઓ ટ્રેડર્સને આકર્ષે છે. પાટીલ કહે છે કે તાજેતરની ઘટનાઓને કારણે ઈન્ડિયા આઈએનએક્સમાં હોંગ કોંગ જેવી વિદેશી માર્કેટ્સનો રસ વધ્યો છે. FPIsએ તેમનો અને ઈન્ડિયા આઈએનએક્સના નિયામકોનો સંપર્ક કર્યો છે અને  હોંગકોંગ જેવી માર્કેટ્સમાંથી તેમના મૂળ મથકને ગિફ્ટ સિટીમાં લાવવાનો રસ દર્શાવ્યો છે.

 

ટ્રેડર્સની દ્દષ્ટિએ બે મુખ્ય લાભ છે. એક તો કોઈ વેરા નહિ અને બીજો એક્સચેન્જ પર ટ્રેડ થતાં પ્રોડક્સ પર આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઓછું માર્જિન છે. ગિફ્ટ સિટીને એસઈઝેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે એટલે ત્યાં વેરા નથી. વધુમાં અત્યારે ઈન્ડિયા આઈએનએક્સનું નિયમન સેબી દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ નવા નિયામકની સ્થાપના કરવામાં આવી રહી છે, જે એક્સચેન્જના કામકાજ પર દેખરેખ રાખશે. કોઈ પણ કિસ્સામાં અત્યારે ઈન્ડિયા આઈએનએક્સ પર માર્જિન્સનાં ધોરણો સારાં છે. એક્સચેન્જમાં ટ્રેડ થતા પ્રત્યેક સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટનું મૂલ્ય આશરે 11,715ની આસપાસ છે તેના પરનું માર્જિન 9.50 ટકા પ્રમાણે આશરે 1,120 ડોલરનું થાય છે. બીજી તરફ તેને સમકક્ષ અન્ય એક્સચેન્જના કોન્ટ્રેક્ટ પર આશરે 15 ટકા માર્જિન લાગુ પડે છે.

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦

સફળતા પ્રાપ્ત કરવા શું કરવું?

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કોને નથી હોતી? પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ચાહે છે. શું સફળતા એ વ્યક્તિની સાથે ઘટતી એક અસાધારણ ઘટના છે? ના, સફળતા એ બાહ્ય જગતમાં ઘટતી કોઈ ઘટના નથી. સફળતા તો વ્યક્તિનાં મનોજગત અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ સાથે નિરંતર જોડાયેલી વૃત્તિ છે. કપરા સંજોગો સામે પણ બાથ ભીડી ને સફળ થવા માટે, કૌશલ્ય હોવું અત્યંત આવશ્યક છે.

૧. જો ધ્યાનપૂર્વક જોશો તો પ્રત્યેક વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના માંથી કંઈ ને કંઈ શીખવાનું ચોક્કસ મળે છે. દરેક પાસેથી શીખવાનો અભિગમ રાખો. જેમ કે એક જર્મન પાસેથી ચોકસાઈ, બ્રિટિશર પાસેથી સભ્ય વર્તાવ, અમેરિકન પાસેથી વ્યવસાય, જાપાનીઝ પાસેથી ટીમ વર્ક, અને એક ભારતીય પાસેથી માનવીય મૂલ્યો, આધ્યાત્મિકતા શીખવા મળે છે. તો, અવલોકન કરો, તટસ્થ રહો અને સતત શીખતા રહો.
૨. તમારી ક્ષમતાઓ નો વિકાસ કરો. સંકુચિતતા છોડી દો. હંમેશા સાનુકૂળ વાતાવરણમાં જ રહેવાની વૃત્તિ છોડો. પડકારોનો સામનો કરો. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને પોતાની અંદર સિંહ સમું શૌર્ય જગાડો. જુસ્સા સાથે ધ્યેય પ્રતિ આગળ વધો. પરંતુ અંદરથી શાંત અને વિરક્ત રહો. જયારે તમે તમારા સો પ્રતિશત આપીને કોઈ કાર્ય કરો છો અને પછી તેનાં ફળ પ્રત્યે વિરક્ત બનીને વિશ્રામ કરો છો, ત્યારે બ્રહ્માંડ વિપુલ પ્રમાણમાં તમને બધું જ આપે છે.
૩. ટીકાઓ, આલોચનાઓનો સ્મિત સાથે સ્વીકાર કરો. શાંત અને પ્રસન્ન રહો. કોઈ તમારી મજાક કરે ત્યારે દુઃખી થવાને બદલે તેને હળવાશથી લો. જો તમારામાં રમૂજ વૃત્તિ નથી, તો તમે સફળ થઇ શકતા નથી. ટીકા, આલોચના અને મજાક ને જો તમે હળવાશથી નહીં લો તો સંબંધો તૂટતા જશે, નકારાત્મક ભાવનાઓ ઘેરી વળશે અને તમારા ધ્યેયથી તમે વિચલિત થઇ જશો. માટે રમૂજ વૃત્તિ કેળવો.
૪. પોતાની અને અન્યની ભૂલોનો સ્વીકાર કરો. સંપૂર્ણતાનો વધુ પડતો દુરાગ્રહ, તમારી અંદર  ક્રોધ ઉત્પન્ન કરે છે. દરેક વ્યક્તિ પાસે પ્રવીણતાની, પૂર્ણતાની અપેક્ષા ન રાખો. લોકોની પ્રવૃત્તિઓ, કામ કરવાની પદ્ધતિ, વર્તન વગેરે પ્રત્યે કોઈ મત ન બાંધો, ન કોઈ નિર્ણય આપો. આમ કરવામાં તમે તમારી પોતાની અપૂર્ણતાઓ પ્રત્યે સભાન રહેતા નથી. અન્ય ને સતત સુધારવાનો પ્રયત્ન કરવામાં તમારી પોતાની જાતમાં સુધાર, આવશ્યક પરિવર્તન લાવવાનું તમે ચૂકી જાઓ છો. એ જ રીતે પોતાની ભૂલો પરત્વે પણ ઉદાર રહો. જાત ઉપર પણ દોષારોપણ ન કરો. પરંતુ એકની એક ભૂલ વારંવાર ન થાય તેની કાળજી રાખો. ભૂતકાળમાં જે બની ગયું તેને નિયતિ માનો અને જાણો કે ભવિષ્યનું ઘડતર તમારા પોતાના હાથમાં છે. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખો અને આગળ વધો.
૫.કઠિન પરિસ્થિતિમાં પણ ઉત્સાહથી છલકતા રહો. મીણબત્તીને ઉલટી કરીને પકડીએ તો પણ તેની જ્યોત તો ઉપરની તરફ જ જશે. એ જ રીતે વિપરીત સંજોગોમાં પણ તમારા ઉત્સાહ ને જાળવી રાખો. જાણો કે અગાઉ પણ ઘણી બધી વખત તમે સમસ્યાઓનો સામનો કર્યો છે, અને તેમાંથી બહાર આવી શક્યા છો. દુઃખી રહેવાના સો કારણો હોય છતાં પણ પ્રસન્નતા અને ઉત્સાહને ટકાવી રાખવાનો સજગતાપૂર્વક નિશ્ચય કરો અને મન ને સંતુલિત, કેન્દ્રિત તથા શાંત રાખવા યોગ, પ્રાણાયામ અને ધ્યાન નો તમારી દિનચર્યામાં સમાવેશ કરો.
ધ્યાન દ્વારા તમે અનંત પ્રાણ ઉર્જા મેળવો છો, જેના વડે દરેક અસંભવ લાગતાં કાર્યને તમે સંભવ કરી શકો છો. સફળતા એટલે સદૈવ પ્રસન્ન રહેવાની તમારી ક્ષમતા. કોઈ પણ પરિસ્થિતિ માં તમારા ચહેરા પરથી જો સ્મિત વિલાતું નથી તો તે સાચી સફળતા છે.

 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાગ 30/09/2020

(મયંક રાવળ)

મીરાબાઈ ચાનૂને ઓલિમ્પિક્સ માટે તાલીમ લેવા અમેરિકા મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આવતા વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ પૂર્વે ખાસ તાલીમ લેવા માટે અમેરિકા મોકલવાના પ્રસ્તાવને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંસ્થાએ મંજૂર રાખ્યો છે.

સંસ્થાએ મીરાબાઈની તાલીમ માટે રૂ. 40 લાખની રકમને મંજૂરી આપી છે.

આ ફંડ ‘ટાર્ગેટ ઓલિમ્પિક પોડીયમ સ્કીમ’ના ભાગરૂપે મંજૂર કરવામાં આવ્યું છે.

સંસ્થાએ જુદી જુદી છ રમતોના ખેલાડીઓની તાલીમ માટે કુલ રૂ. દોઢ કરોડ ફાળવ્યા છે.

કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રીજીજુનું કહેવું છે કે અમેરિકામાં વિશેષ તાલીમ મેળવવાથી ચાનૂને એની ઓલિમ્પિક્સની તૈયારીમાં સજ્જ બનવામાં સહાયતા મળશે.