Home Blog Page 4634

રાશિ ભવિષ્ય 01/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

૧ ઓક્ટોબર ૨૦૨૦

૧ ઓક્ટોબર ૨૦૨૦

જાણે કે દેવાળીયાની રાણી હોય…

ચોમાસામાં જ્યારે સેન્ચુરી વિસ્તારમાં જીપ સફારી બંધ થઇ જાય પણ દેવાળીયા આખુ વર્ષ સફારી માટે ખુલ્લુ હોય અને ચોમાસામાં તો દેવાળીયા સોળે કળાએ ખીલી ઉઠે. ગીરમાં દેવાળીયા જેવુ ઘાસ અને ઘાસીયા મેદાન કદાચ ક્યાય નહી હોય.

દેવાળીયાએ બધી બાજુથી ફેન્સ કરેલો વિસ્તાર છે પણ એક સિંહણ દર વર્ષે ચોમાસા આસપાસ આ ફેન્સ/જાળી માથી ક્યાંક કોઇ જગ્યાએથી પાર્ક બહારથી અંદર આવી જાય, બચ્ચા ને જન્મ આપે, બચ્ચા થોડા મોટા થાય ત્યાં સુધી રહે અને પછી જતી રહે, આવુ બે વારથી થાય છે એમ દેવાળીયાના ડ્રાઇવર જણાવે એટલે એક વર્ષે અમે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં દેવાળીયામા સતત 3 દિવસ સવારે 8 વાગ્યાની સફારી કરી અને ત્રીજા દિવસે આ સિંહણનો આવો પાણીના નાના તળાવ પાસે ફોટો મળ્યો. જે રીતે એ દેવાળીયામાં ઘાસમાં ફરી રહી હતી અમને થયું જાણે કે દેવાળીયાની રાણી હોય

(શ્રીનાથ શાહ)

પંચાગ 01/10/2020

(મયંક રાવલ)

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદઃ ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે નકારી

મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મામલે દાખલ કરાયેલી અરજીને સુનાવણી પછી સિવિલ કોર્ટે કાઢી નાખી હતી. સિવિલ જજ સિનિયર ડિવિઝન છાયા શર્માએ અરજીકર્તાઓએ બધી દલીલો અસ્વીકાર્ય કરી દીધી હતી. વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુશંકર જેને 57 પાનાંના દાવામાં 1968ના સમજૂતીને પડકાર આપ્યો હતો, જેને કોર્ટે ફગાવ્યો હતો.  

આ અરજીમાં 13.37 એકર જગ્યાની માલિકીનો હક અને ઇદગાહ હટાવવાની માગની સાથે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંસ્થાન, ઇદગાહ ટ્રસ્ટ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

ફરિયાદી પક્ષ દ્વારા વરિષ્ઠ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે અરજીની સુનાવણી માટે કોર્ટમાં રામ મંદિરથી સંબંધિત મામલે કોર્ટના નિર્ણયના પેરા 116નો હવાલો આપવામાં આવ્યો અને કહ્યું કે મંદિર નિર્માણની સંકલ્પના અમિટ અને કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર છે. સ્વ મદન મોહન માલવીય અને અન્યો દ્વારા લેવામાં આવેલો સંકલ્પ મંદિર નિર્માણ પછી પણ કાયમ છે.

કોર્ટની સુનાવણીમાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કટરા કેશવદેવ પ્રાંગણમાં ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવાથી સંબંધિત ઇતિહાસની સિલસિલાબંધ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનને શાહી ઈદગાહ મેનેજમેન્ટ સમિતિનો કોઈ પણ પ્રકારનો કોઈ હક જ નહોતો. એટલા માટે તેમના દ્વારા કરવામાં આવેલી કોઈ પણ સમજૂતી ગેરકાયદે છે, જેની સાથે ઈદગાહ નિર્માણ માટે કબજો કરેલી જમીન પર એનો કબજો ગેરકાયદે છે.

કૃષ્ણ સખીના રૂપમાં અરજીકર્તા રંજન અગ્નિહોત્રીની માગને ટેકો આપતાં સંપૂર્ણ જમીનનો કબજો શ્રીકૃષ્ણ વિરાજમાનને સોંપવાની તેમણે વિનંતી કરી હતી. જોકે કોર્ટે અરજીને કાઢી નાખી હતી.

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કોર્ટના ચુકાદાથી ભાજપ, હિન્દુવાદી સંગઠનોમાં આનંદ…

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર 15મી સદીમાં બાંધવામાં આવેલી બાબરી મસ્જિદને 1992ની 6 ડિસેમ્બરે તોડી પાડવામાં આવી હતી. તે કેસના 32 આરોપીઓને 30 સપ્ટેમ્બર, બુધવારે લખનઉમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આ આરોપીઓમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો ઉમા ભારતી અને મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહનો સમાવેશ થાય છે. ચુકાદાને પગલે કર્ણાટકના ચિકમગલૂરમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા હતા એની તસવીર.

નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને લાલકૃષ્ણ અડવાણી અને એમના પુત્રી પ્રતિભા.

32 આરોપીઓમાંના એક સાક્ષી મહારાજ લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે

32 આરોપીઓમાંના એક ધાર્મિક નેતા ધરમ દાસ લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે

લખનઉમાં ખુશી વ્યક્ત કરતા ભાજપના કાર્યકર્તાઓ

32 આરોપીઓમાંના એક રામવિલાસ વેદાંતી (ડાબેથી બીજા) લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે

આરોપીઓના વકીલ વિમલકુમાર શ્રીવાસ્તવ ચુકાદા બાદ જીતની નિશાની બતાવે છે

32 આરોપીઓમાંના એક સાધ્વી ઋતંભરા લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે

32 આરોપીઓમાંના એક જય ભગવાન ગોયલ લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે

નવી દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોકકુમાર (ડાબે)ને મિઠાઈ ખવડાવતા સહયોગી

મુરલી મનોહર જોશીને મિઠાઈ ખવડાવતા વકીલ

ચુકાદા બાદ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદની બહાર કડક સુરક્ષા જાપ્તો

અયોધ્યામાં બાબરી મસ્જિદની ફાઈલ તસવીર

ભારતના વેપારીઓની સહાયતા માટે દૂરદર્શન પર ગૂગલનો ‘નમસ્તે-ડિજિટલ’ શો

નવી દિલ્હીઃ કોરોના કાળમાં પડકારજનક આર્થિક વાતાવરણમાં નાના અને મધ્યમ કદના વેપાર-વ્યવસાયોને મદદ કરવા માટે દૂરદર્શનની સાથે ભાગીદારી કરીને ‘નમસ્તે ડિજિટલ’ નામે એક નવો શો રજૂ કરશે, એમ ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલએ જણાવ્યું છે. ‘નમસ્તે ડિજિટલ’ શો ભારતના નાના અને મધ્યમ કદના વેપાર-ધંધા (SMBs) માટે ઇન્ટરનેટ વિશે માહિતી આપવા અને વેપારનું વિસ્તરણ કરવામા માટે એક માસ મિડિયા કાર્યક્રમના રૂપે કામ કરશે, એમ ગૂગલે કહ્યું છે.

ગૂગલ ગૂગલ સર્ચ અને મેપ દ્વારા ગ્રાહકોને નાના વેપાર-ધંધાની શોધખોળ કરવા મદદ કરવા માટે નવા પ્રયાસોને આધારે નવી પહેલ કરવા સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ઝોહો અને પેમેન્ટ ગેટવે ઇન્સ્ટામોજોની સાથે ભાગીદારીમાં ડિજિટલ હાજરી વધારવા માટે વેપાર-વ્યવસાયનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વિવિધ વેપાર-ધંધાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ગૂગલ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડરો ડુન્ઝો અને સ્વિગી સાથે ઓન-બોર્ડિંગ પ્રક્રિયાને ઝડપી ટ્રેક કરવા માટે ભાગીદારી કરી છે. બંને ભાગીદારોએ નાના વેપારીઓને ઓનલાઇન ઓર્ડર સ્વીકારવા અને ડિલિવરી લોજિસ્ટિકને સક્ષમ કરવા માટે વધારાની સહાય કરવા માટે ગૂગલે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

નવી પહેલ હેઠળ નાના વેપારીઓ ઝોહો ઇન્વેન્ટરીનો ઉપયોગ કરીને બિઝનેસ વેબસાઇટ્સ બનાવી શકશે અને ઝોહો કોમર્સના માધ્યમથી 31 માર્ચ, 2021 સુધી મફતમાં ઓનલાઇન માલસામાન વેચી શકશે.

બીજી બાજુ, ઇન્સ્ટામોજો પ્રીમિયમ ઓનલાઇન સ્ટોર સોલ્યુશન માટે છ મહિના સુધી મફત સબસ્ક્રિપ્શન આપી રહી છે.

આ ઉપરાંત SMBs ઝીરો સાઇન-અપ ફી અને તત્કાળ રજિસ્ટ્રેશનની સાથે ડુન્ઝો 24×7 મર્ચન્ટ સપોર્ટનો લાભ ઉઠાવી શકે છે અને સ્વિગીના સાત દિવસોના ફાસ્ટ ટ્રેક ઓનબોર્ડિંગનો ઉપયોગ કરી શકે છે.

આ બધું દેશમાં SMBs માટે ‘ગ્રો વિથ ગૂગલ સ્મોલ બિઝનેસ’ હબ પર ઉપલબ્ધ હશે, જે આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી.

આજે ડિજિટલનો વપરાશ કરવાની જરૂર છે અને SMBsને ઝડપથી ડિજિટાઇઝ કરવા માટે આકરી મહેનત કરવામાં આવે છે. આપણે હાલના કોરોના કાળમાં નાના વેપાર-ધંધાને ટકાવી રાખવા માટે ડિજિટલ પરિવર્તિત કરવાની અને એમને વેપારની વસૂલી માટે સહાય કરવા માટે બધું કરવાની જરૂર છે, એમ ગૂગલ ઇન્ડિયાના કસ્ટમર સોલ્યુશન્સનાં ડિરેક્ટર શાલિની ગિરિશે કહ્યું હતું.

દેશમાં નાના અને મધ્યમ વેપાર-વ્યવસાયોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અને આપણે નાના વેપાર-ધંધાને ડિજિટલ થવામાં મદદ કરવાની આવશ્યકતા છે, જેથી અમે ઉદ્યોગના નેતાઓની સાથે ભાગીદારી કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

અહેવાલ અનુસાર નાના વેપાર-ધંધાવાળાઓને ગ્રાહક સંબંધી પડકારો સૌથી વધુ હોય છે. 92 ટકા વેપાર-ધંધાવાળાઓને ગ્રાહક સંબંધિતપડકારો, ઓછી માગ, આવકમાં નુકસાન, અને સ્થિર ખર્ચાની વચ્ચે અન્ય પડકારોનો પણ સામનો કરતા હોય છે.

નાના વેપાર-ધંધાવાળા વેપારીઓનો મદદ કરવાના હેતુથી ગૂગલ ઇન્ડિયા દેશની સ્થાનિક ભારતી ભાષાઓમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવા માટે નાના વેપારીઓને શીખવામાં મદદ કરવા માટેના પ્રયાસોમાં પણ મૂડીરોકાણ કરી રહી છે. આ પ્રયાયના ભાગરૂપે ગૂગલે ફિક્કી (ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ની સાથે મળીને કામ કરી રહી છે, જેણે પહેલાં જ સ્કિલ્ડ પ્રોગ્રામ હેઠળ 12 લાખ વ્યક્તિઓને તાલીમ આપી છે.

IPL2020: રાશિદ ખાને ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ સ્વર્ગીય માતા-પિતાને અર્પણ કર્યો

અબુધાબીઃ અહીં ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 સ્પર્ધાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સને પહેલો પરાજય ચાખવા મળ્યો. હૈદરાબાદની 15-રનથી થયેલી જીતનો હિરો બન્યો હતો લેગસ્પિનર રાશિદ ખાન.

રાશિદે 14 રન આપીને દિલ્હીની 3 વિકેટ ખેરવી હતી. એને તેના આ પરફોર્મન્સ બદલ મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

રાશિદ ખાને તેનો આ એવોર્ડ એના માતા-પિતાને સમર્પિત કર્યો છે.

અફઘાનિસ્તાનના 22 વર્ષીય રાશિદની માતાનું ગયા જૂન મહિનામાં જ નિધન થયું હતું જ્યારે એના પિતાનું 2018ના ડિસેમ્બરમાં નિધન થયું હતું.

રાશિદ ખાને ગઈ કાલે મેચ પૂરી થયા બાદ મેન ઓફ ધ મેચ સ્વીકારતા કહ્યું હતું કે, મારી માતા ક્રિકેટની સૌથી મોટી પ્રશંસક હતી. એ હંમેશાં મને રમતો જોતી હતી અને આનંદ લેતી હતી. જ્યારે પણ મને કોઈ પુરસ્કાર મળતો ત્યારે એ મારી સાથે ખૂબ વાતો કરતી હતી. એમની આ બાબતને હું હવે બહુ મિસ કરી રહ્યો છું. એમની યાદ હંમેશાં મારી સાથે જ રહેશે. છેલ્લું દોઢ વર્ષ મારે માટે બહુ જ કપરું બની રહ્યું.

રાશિદે વધુમાં કહ્યું કે હું ક્યારેય મેચમાં કોઈ પ્રકારના દબાણ સાથે રમતો નથી. હું કાયમ સારો દેખાવ કરવાનો જ પ્રયત્ન કરતો હોઉં છું. હું શાંત રહીને જ રમું છું. કેપ્ટને હંમેશાં મારી ટેલેન્ટમાં ભરોસો રાખ્યો છે અને મને મારી રીતે જ બોલિંગ કરવાની છૂટ આપી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે જોની બેરસ્ટો (53), કેપ્ટન ડેવિડ વોર્નર (45) અને કેન વિલિયમ્સન (41)ના યોગદાન સાથે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. ત્યારબાદ ટીમના બોલરોએ, ખાસ કરીને રાશિદ ખાને, દિલ્હી કેપિટલ્સનો દાવ 20 ઓવરમાં 7 વિકેટે 147 રન સુધી સીમિત રાખ્યો હતો. દિલ્હીના શિખર ધવને 34 અને રિષભ પંતે 28 રન કર્યા હતા.

ત્રણ મેચોમાં હૈદરાબાદની આ પહેલી જ જીત છે જ્યારે દિલ્હીની ત્રણ મેચોમાં આ પહેલી હાર છે.

રાશિદની 3 વિકેટ ઉપરાંત ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 25 રનમાં 2, ખલીલ એહમદ તથા ટી. નટરાજને એક-એક વિકેટ લીધી હતી.

(તસવીર સૌજન્યઃ આઈપીએલટી20.કોમ)

દીપિકા, શ્રદ્ધા, સારાને ક્લીન ચિટ આપી નથીઃ NCBની સ્પષ્ટતા

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસને સાંકળતા નશીલા પદાર્થોના સેવન-ગેરકાયદેસર ધંધાના સંબંધમાં પૂછપરછ કરીને બોલીવૂડની અભિનેત્રીઓ દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને પોતે ક્લીન ચિટ આપી છે એવા અહેવાલોને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ આજે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આવા અહેવાલોમાં સત્ય નથી અને તે હકીકતોથી વેગળા છે.

એનસીબીના અધિકારીએ કહ્યું કે દેશમાં કેફી દવાઓના સેવન વિરુદ્ધ કામગીરી બજાવતી અમારી સંસ્થાએ અત્યાર સુધી જેમની પૂછપરછ કરી એ તમામને ક્લીન ચિટ આપી છે એવા એક અખબારી અહેવાલ ખોટા છે.

એનસીબી એજન્સીએ ડ્રગ્સ સંબંધિત કેસમાં દીપિકા, એની ભૂતપૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા અન્યોને ક્લીન ચિટ આપી છે એવો દાવો એક અખબારી અહેવાલમાં કરવામાં આવ્યો હતો. એને પગલે તપાસ એજન્સીએ ઉપર મુજબ ખુલાસો કર્યો છે.

એનસીબી અધિકારીઓએ ગયા શનિવારે મુંબઈ ઓફિસમાં દીપિકા, શ્રદ્ધા અને કરિશ્માની કલાકો સુધી પૂછપરછ કરી હતી. ડ્રગ્સ વિશે ચર્ચા કરતી એમની કથિત ચેટ્સને મામલે એમની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબી અધિકારીઓએ ગયા શનિવારે જ સારા અલી ખાનની પણ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી.

સારા બોલીવૂડ કલાકારો – સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની પુુત્રી છે, શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે જ્યારે દીપિકા મહાન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની પુત્રી છે અને અભિનેતા રણવીર સિંહની પત્ની છે.

એનસીબીના અધિકારીઓએ એક અન્ય અભિનેત્રી રકુલપ્રીત સિંહની પણ આ જ કેસના સંબંધમાં ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ, એનસીબી અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, એમ ત્રણ કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે. સુશાંત સિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રાસ્થિત મોન્ટ બ્લાં સોસાયટીસ્થિત એના ડુપ્લેક્સ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

કોરોના કાળમાં લોકોએ કારમાં જ વેપાર-ધંધા શરૂ કર્યા

અમદાવાદઃ દેશમાં કોરોનાના પ્રવેશની સાથે જ સંક્રમણ અટકાવવા લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. જેનાથી અર્થતંત્ર  ખોરવાઈ ગયુ હતું. જેને કારણે અનેક વેપારીઓના વેપાર-ધંધા પ્રભાવિત થયા હતા. શહેરના જુદા-જુદા વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોએ દુકાનોનું ભાડું પણ નીકળતા માર્ગો પર વાહનો ઊભા રાખી વેપાર શરૂ કરી દીધો છે.

શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારોમાં જે સ્થળો પર બજાર ભરાય છે ત્યાં લકઝુરિયસ કારમાં લોકો માલ ભરીને વેચાણ કરતાં જોવા મળે છે. રોડ પરના ભરચક બજારમાં કે હાઇવે પરની મોકળાશવાળી જગ્યાઓ પર કારમાં વેપાર વધી રહ્યો છે. એક તરફ કારમી મોંઘવારી અને મંદી- બીજી તરફ, કોરોના અને લોકડાઉનથી પ્રભાવિત ઘણા વેપાર-ધંધા અનલોક પછી પણ બેઠા નથી થયા.

પોતાની દુકાન કે શોરૂમ ના હોય એવા લોકોને ભાડું પોસાતું નથી, એ કારણે તેમણે કારમાં જ વસ્તુઓ ભરી માર્ગો પર ઊભા રહી માલનું વેચાણ શરૂ કરી દીધું છે. ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિક સામાન, રેડીમેડ કપડાં, કટલરી, હોમ કેર અને હેલ્થ કેર જેવી અનેક ચીજ વસ્તુઓ કારમાં વેચાતી જોવા મળે છે.

કોરોનાના રોગચાળા, લોકડાઉનને કારણે શિક્ષણ, મનોરંજન સાથે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. એના કારણે રોજગારી માટે લોકોએ મોંઘી દુકાનોનાં ભાડાં ભરવાનું ત્યજી રસ્તાઓ પર કાર કે માલવાહક વાહનમાં માલસામાન ભરી વેચાણ શરૂ કરી દીધું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)