ભારતને ગ્લોબલ ફાઈનાન્સિયલ હબ બનાવવાનું BSEનું લક્ષ્ય

મુંબઈઃ દેશને આંતરરાષ્ટ્રીય નાણામથક બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની દિશામાં અત્યારે પીએમઓ કાર્યાલય સક્રિય બન્યું છે ત્યારે દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ એક આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બની રહેવાની સજ્જતા પ્રાપ્ત કરવા માટે કમર કસી છે. BSEએ દેશના ગિફ્ટ સિટી ખાતે આવેલા IFSCમાં વર્લ્ડ ક્લાસ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) સ્થાપ્યું છે, જેના પર વિદેશી ચલણમાં સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટનું ટ્રેડિંગ સતત વધી રહ્યું છે.

ઈન્ડિયા INX ગોલ્ડ બુલિયનના ટ્રેડિંગનો વિચાર કરી રહ્યું છે. સોનાની આયાત કરવામાં ભારતનો ક્રમ વિશ્વમાં બીજો છે. સરકારી અધિકારીઓ એવી પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે કે જેથી કોઈ પણ સ્થાનેથી IFSCમાં ટ્રેડિંગ થઈ શકે. સેન્સેક્સ 50માં વોલ્યુમ સતત વધી રહ્યું છે ત્યારે ભારત વૈશ્વિક નાણાકીય મથક તરીકે ઊભરે એવી શક્યતાઓ વધી ગઈ છે. ગિફ્ટ સિટીને પુનઃ ચેતનવંતુ કરવા  IFSC ઓથોરિટી (IFSCA)ના ચેરમેન પદે ઈંજેતી શ્રીનિવાસની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે.

ઈન્ડિયા INXના ડિરેક્ટર સમીર પાટીલના જણાવ્યા અનુસાર ઈન્ડિયા INXમાં ટર્નઓવર માર્ચ, 2020ના 24 અબજ ડોલરથી વધીને જુલાઈમાં 60.2 અબજ અને ઓગસ્ટ 2020માં 57.7 અબજ ડોલર થયું છે. આટલું ટર્નઓવર સિંગાપોરમાં તેની સમકક્ષ ઈન્ડેક્સની તુલનાએ 57 ટકાનો બજાર હિસ્સો દર્શાવે છે. એક્સચેન્જમાં 100થી અધિક પ્રોપ્રાઈટરી ટ્રેડર્સ સક્રિય છે અને અન્ય 40 ટ્રેડર્સ સક્રિય થવામાં છે.

પાટીલના જણાવ્યા પ્રમાણે IFSCમાં બેન્ક્સની બ્રાન્ચીસ, ડિપોઝિટરીઝ અને અન્ય ફાઈનાન્સિયલ ઈન્ટરમીડિયરીઝ સ્થાપવાની છૂટ છે. એ જ રીતની છૂટ જ્યારે સેબી દ્વારા વિદેશી બ્રોકર્સને બ્રાન્ચીસ સ્થાપવાની  આપવામાં આવશે ત્યારે વિદેશી બ્રોકર્સ અને રોકાણકારોની વધુ સામેલગીરી જોવા મળશે.

આઈએફએસસી ઝોનમાં શ્રેષ્ઠ વેરા માળખા સહિત ખર્ચની દ્દષ્ટિએ સ્પર્ધાત્મક દરે કામકાજ કરવાની સુવિધા છે. સિંગલ-વિન્ડો ક્લિયરન્સ, કંપની એક્ટની જોગવાઈઓમાં છૂટછાટ, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન, ઈંગ્લિશ લો આધારિત લિગલ સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્વતંત્ર નિયામક માળખું, વ્યાપક અને અધિક પ્રવાહી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને અંગ્રેજી ભાષામાં કામકાજ આદિ સુવિધાઓ ટ્રેડર્સને આકર્ષે છે. પાટીલ કહે છે કે તાજેતરની ઘટનાઓને કારણે ઈન્ડિયા આઈએનએક્સમાં હોંગ કોંગ જેવી વિદેશી માર્કેટ્સનો રસ વધ્યો છે. FPIsએ તેમનો અને ઈન્ડિયા આઈએનએક્સના નિયામકોનો સંપર્ક કર્યો છે અને  હોંગકોંગ જેવી માર્કેટ્સમાંથી તેમના મૂળ મથકને ગિફ્ટ સિટીમાં લાવવાનો રસ દર્શાવ્યો છે.

 

ટ્રેડર્સની દ્દષ્ટિએ બે મુખ્ય લાભ છે. એક તો કોઈ વેરા નહિ અને બીજો એક્સચેન્જ પર ટ્રેડ થતાં પ્રોડક્સ પર આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઓછું માર્જિન છે. ગિફ્ટ સિટીને એસઈઝેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે એટલે ત્યાં વેરા નથી. વધુમાં અત્યારે ઈન્ડિયા આઈએનએક્સનું નિયમન સેબી દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ નવા નિયામકની સ્થાપના કરવામાં આવી રહી છે, જે એક્સચેન્જના કામકાજ પર દેખરેખ રાખશે. કોઈ પણ કિસ્સામાં અત્યારે ઈન્ડિયા આઈએનએક્સ પર માર્જિન્સનાં ધોરણો સારાં છે. એક્સચેન્જમાં ટ્રેડ થતા પ્રત્યેક સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટનું મૂલ્ય આશરે 11,715ની આસપાસ છે તેના પરનું માર્જિન 9.50 ટકા પ્રમાણે આશરે 1,120 ડોલરનું થાય છે. બીજી તરફ તેને સમકક્ષ અન્ય એક્સચેન્જના કોન્ટ્રેક્ટ પર આશરે 15 ટકા માર્જિન લાગુ પડે છે.