સફળતા પ્રાપ્ત કરવા શું કરવું?

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કોને નથી હોતી? પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ચાહે છે. શું સફળતા એ વ્યક્તિની સાથે ઘટતી એક અસાધારણ ઘટના છે? ના, સફળતા એ બાહ્ય જગતમાં ઘટતી કોઈ ઘટના નથી. સફળતા તો વ્યક્તિનાં મનોજગત અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ સાથે નિરંતર જોડાયેલી વૃત્તિ છે. કપરા સંજોગો સામે પણ બાથ ભીડી ને સફળ થવા માટે, કૌશલ્ય હોવું અત્યંત આવશ્યક છે.

૧. જો ધ્યાનપૂર્વક જોશો તો પ્રત્યેક વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના માંથી કંઈ ને કંઈ શીખવાનું ચોક્કસ મળે છે. દરેક પાસેથી શીખવાનો અભિગમ રાખો. જેમ કે એક જર્મન પાસેથી ચોકસાઈ, બ્રિટિશર પાસેથી સભ્ય વર્તાવ, અમેરિકન પાસેથી વ્યવસાય, જાપાનીઝ પાસેથી ટીમ વર્ક, અને એક ભારતીય પાસેથી માનવીય મૂલ્યો, આધ્યાત્મિકતા શીખવા મળે છે. તો, અવલોકન કરો, તટસ્થ રહો અને સતત શીખતા રહો.
૨. તમારી ક્ષમતાઓ નો વિકાસ કરો. સંકુચિતતા છોડી દો. હંમેશા સાનુકૂળ વાતાવરણમાં જ રહેવાની વૃત્તિ છોડો. પડકારોનો સામનો કરો. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને પોતાની અંદર સિંહ સમું શૌર્ય જગાડો. જુસ્સા સાથે ધ્યેય પ્રતિ આગળ વધો. પરંતુ અંદરથી શાંત અને વિરક્ત રહો. જયારે તમે તમારા સો પ્રતિશત આપીને કોઈ કાર્ય કરો છો અને પછી તેનાં ફળ પ્રત્યે વિરક્ત બનીને વિશ્રામ કરો છો, ત્યારે બ્રહ્માંડ વિપુલ પ્રમાણમાં તમને બધું જ આપે છે.
૩. ટીકાઓ, આલોચનાઓનો સ્મિત સાથે સ્વીકાર કરો. શાંત અને પ્રસન્ન રહો. કોઈ તમારી મજાક કરે ત્યારે દુઃખી થવાને બદલે તેને હળવાશથી લો. જો તમારામાં રમૂજ વૃત્તિ નથી, તો તમે સફળ થઇ શકતા નથી. ટીકા, આલોચના અને મજાક ને જો તમે હળવાશથી નહીં લો તો સંબંધો તૂટતા જશે, નકારાત્મક ભાવનાઓ ઘેરી વળશે અને તમારા ધ્યેયથી તમે વિચલિત થઇ જશો. માટે રમૂજ વૃત્તિ કેળવો.
૪. પોતાની અને અન્યની ભૂલોનો સ્વીકાર કરો. સંપૂર્ણતાનો વધુ પડતો દુરાગ્રહ, તમારી અંદર  ક્રોધ ઉત્પન્ન કરે છે. દરેક વ્યક્તિ પાસે પ્રવીણતાની, પૂર્ણતાની અપેક્ષા ન રાખો. લોકોની પ્રવૃત્તિઓ, કામ કરવાની પદ્ધતિ, વર્તન વગેરે પ્રત્યે કોઈ મત ન બાંધો, ન કોઈ નિર્ણય આપો. આમ કરવામાં તમે તમારી પોતાની અપૂર્ણતાઓ પ્રત્યે સભાન રહેતા નથી. અન્ય ને સતત સુધારવાનો પ્રયત્ન કરવામાં તમારી પોતાની જાતમાં સુધાર, આવશ્યક પરિવર્તન લાવવાનું તમે ચૂકી જાઓ છો. એ જ રીતે પોતાની ભૂલો પરત્વે પણ ઉદાર રહો. જાત ઉપર પણ દોષારોપણ ન કરો. પરંતુ એકની એક ભૂલ વારંવાર ન થાય તેની કાળજી રાખો. ભૂતકાળમાં જે બની ગયું તેને નિયતિ માનો અને જાણો કે ભવિષ્યનું ઘડતર તમારા પોતાના હાથમાં છે. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખો અને આગળ વધો.
૫.કઠિન પરિસ્થિતિમાં પણ ઉત્સાહથી છલકતા રહો. મીણબત્તીને ઉલટી કરીને પકડીએ તો પણ તેની જ્યોત તો ઉપરની તરફ જ જશે. એ જ રીતે વિપરીત સંજોગોમાં પણ તમારા ઉત્સાહ ને જાળવી રાખો. જાણો કે અગાઉ પણ ઘણી બધી વખત તમે સમસ્યાઓનો સામનો કર્યો છે, અને તેમાંથી બહાર આવી શક્યા છો. દુઃખી રહેવાના સો કારણો હોય છતાં પણ પ્રસન્નતા અને ઉત્સાહને ટકાવી રાખવાનો સજગતાપૂર્વક નિશ્ચય કરો અને મન ને સંતુલિત, કેન્દ્રિત તથા શાંત રાખવા યોગ, પ્રાણાયામ અને ધ્યાન નો તમારી દિનચર્યામાં સમાવેશ કરો.
ધ્યાન દ્વારા તમે અનંત પ્રાણ ઉર્જા મેળવો છો, જેના વડે દરેક અસંભવ લાગતાં કાર્યને તમે સંભવ કરી શકો છો. સફળતા એટલે સદૈવ પ્રસન્ન રહેવાની તમારી ક્ષમતા. કોઈ પણ પરિસ્થિતિ માં તમારા ચહેરા પરથી જો સ્મિત વિલાતું નથી તો તે સાચી સફળતા છે.

 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)