એક સફળ લીડર બનવાનું સ્વપ્ન તમે જોયું છે?

કોઈ પણ કાર્ય પરિપૂર્ણ કરવા ટીમ કઈ રીતે બનાવવી અને એ ટીમનું સફળતાપૂર્વક કઈ રીતે સંચાલન કરવું તે માટે પ્રખર નેતૃત્વ શક્તિ હોવી અનિવાર્ય છે. એક શક્તિશાળી લીડરમાં કયા ગુણ હોવા જોઈએ?

તો સર્વ પ્રથમ એક પ્રાથમિક ગુણધર્મ વિષે હું કહીશ કે, પોતાનું નિયંત્રણ આખી ટીમ પર હોય, તેવો આગ્રહ એક સાચા લીડર એ કદાપિ રાખવો ન જોઈએ. નિયંત્રણ કરવાની વૃત્તિનો અભાવ, એ એક સાચા લીડર માટે આવશ્યક એવો સર્વ પ્રથમ ગુણ છે. નિદ્રાવસ્થા કે સ્વપ્નાવસ્થામાં તમારું નિયંત્રણ તમારી જાત પર હોય છે? તમારાં પોતાનાં શરીરનાં અંગોનાં સંચાલન ઉપર શું તમારો  કાબુ  હોય છે? હૃદય રક્તનું પરિવહન કરે છે અને શ્વસન તંત્ર આપમેળે તેનું કાર્ય કર્યા કરે છે. તમારા વિચારોનું તમે નિયમન કરી શકો છો ? નહીં, ને! તો જયારે તમે અનુભવ કરો છો કે જીવનની સર્વાધિક મહત્વપૂર્ણ બાબતો પર તમારું કોઈ જ નિયંત્રણ નથી, ત્યારે અન્ય લોકોને, કે ટીમ ને નિયંત્રિત કરી શકાય તે વિચાર ભ્રાંતિ પૂર્ણ છે. સમજી લો કે તમે કોઈને અંકુશમાં લઇ શકતા નથી. તે અસંભવ છે. આ સત્ય તમને વિશ્રાંત કરે છે. શાંત કરે છે.

ટીમ માટે ઉદાહરણરૂપ બનવું એ સફળ નેતૃત્વ માટેનો અગત્યનો ગુણધર્મ છે. લીડર હંમેશા કોઈ પણ કાર્ય કઈ રીતે થાય તે પહેલાં સ્વયં કરે છે અને પછી ટીમને શીખવે છે. તે કદાપિ કોઈને હુકમ કરતો નથી. એક સારો લીડર હંમેશા નવા લીડર્સ બનાવે છે. ટીમના સભ્યો માત્ર  પોતાના અનુયાયીઓ બનીને રહે તેવું તે ક્યારેય ઈચ્છતો નથી. પોતાની ટીમની એ સંભાળ લે છે. અન્ય વ્યક્તિની પરિસ્થિતિને તે પૂર્ણપણે સમજી શકે છે. અન્ય વ્યક્તિનાં સંજોગો સાથે સારૂપ્ય કેળવી શકવાની તેનામાં અદભુત ક્ષમતા હોય છે અને તેથી જ ટીમની અંદર જવાબદારીઓનું યોગ્ય વિતરણ તે કરી શકે છે.

દૂરદર્શીપણું એક લીડરનો આગવો ગુણધર્મ છે. લાંબા ગાળા માટે તે ધ્યેય સુનિશ્ચિત કરે છે, અને તેને પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાની યોજનાઓ બનાવે છે. પોતાની જરૂરિયાતો કરતાં પોતાની સંસ્થાની કે પોતાના રાષ્ટ્ર માટેની જરૂરિયાતો  તેને માટે વધુ અગત્યની હોય છે. સંસ્થાના કે રાષ્ટ્રનાં હિત માટે પોતાની ઈચ્છાઓનું તે સરળતાથી બલિદાન આપવા તત્પર હોય છે. લીડર હંમેશા પડકારોનો સ્વીકાર અને સજગતાપૂર્વક તેનો સામનો કરે છે. તે ડરતો નથી, ઉદ્વિગ્ન પણ થતો નથી. પ્રત્યેક સમસ્યાને તે અવસરમાં બદલે છે. કઠિન સમય દરમ્યાન તે સ્વસ્થ, કેન્દ્રિત અને નિશ્ચલ રહે છે.

પોતાનાં હૃદય અને મસ્તિષ્ક વચ્ચે સંતુલન સાધવાની કુશળતા એક લીડરમાં સ્વાભાવિકપણે જ હોય છે. કયા નિર્ણયો લેવામાં મસ્તિષ્કનો ઉપયોગ કરવો અને ક્યારે હૃદયની વાત સાંભળવી તે વિવેક એક લીડરમાં હોય છે. વ્યવસાયની બાબતમાં તે મસ્તિષ્કની સલાહ અનુસરે છે, પરંતુ સંબંધો અને જીવનના અન્ય ક્ષેત્રોમાં તે હૃદયને સાંભળે છે. બુદ્ધિમત્તા અને લાગણીશીલતા વચ્ચે સાયુજ્ય સાધીને તે યોગ્ય નિર્ણય કરતો હોય છે.  તેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હોય છે, અદ્દભૂત અવલોકનશક્તિ અને સુંદર અભિવ્યક્તિ એકે લીડરની મુખ્ય વિશેષતા હોય છે.

પોતાની સુવિધા અને સગવડતાને  એક સાચો લીડર ક્યારેય પ્રાથમિકતા આપતો નથી. તે જાણે છે કે સૃજનાત્મક્તા અને ગતિશીલતાનો આવિર્ભાવ કરવા માટે સુવિધા, સગવડ ભર્યાં વાતાવરણમાંથી બહાર નીકળવું પડશે. કમ્ફર્ટ ઝોનની બહાર જ કાર્ય સિદ્ધિ વસે છે. ધ્યેયની પ્રાપ્તિ આડે આવતાં સઘળાં આકર્ષણ, પ્રમાદ નો એક લીડર દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને વિજયી બને છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા એક જ પગલું ભરવાનું છે, અને તે અંગેનું શિસ્ત તેનામાં ભરપૂર હોય છે.

પદ અને સત્તાથી સન્માન પ્રાપ્ત થતું હોય છે. પણ સદ્દગુણોને કારણે જે સન્માન વ્યક્તિ મેળવે છે તે ચિરસ્થાયી અને અનોખું છે. આ સત્યને એક સાચો લીડર સુપેરે  જાણે છે. તેને ખબર છે કે સત્તા અને પદને કારણે મળતી પ્રતિષ્ઠા અલ્પજીવી હોય છે. પદ જતાંની સાથે પ્રતિષ્ઠાનો પણ અંત આવે છે. પરંતુ સ્વયંની કાર્યનિષ્ઠા, ટીમ પ્રત્યેનો અભિગમ અને સંચાલનની કુશળતા થકી જે સન્માન અને આદર પ્રાપ્ત થાય છે તે દીર્ઘજીવી છે. અને એટલે જ પોતાની ટીમ સાથે તેનું વર્તન સૌહાર્દપૂર્ણ હોય છે તથા સ્વ-અનુશાસન દ્વારા તેણે પોતાની કાર્ય શૈલીમાં કૌશલ્ય સાધ્યું હોય છે. તે પોતાને ટીમનો જ ભાગ સમજે છે. તે પોતાને અન્યની તુલનામાં મહાન સમજતો નથી. તેનામાં ઉદ્ધતાઈ અને મિથ્યાભિમાનનો સદંતર અભાવ હોય છે. તેનો વર્તાવ આત્મીયતા સભર હોય છે.

આજે ઘણી જગ્યાએ ઉગ્ર અને જિદ્દી વલણને લીડરશીપ સાથે સાંકળવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે લીડર આક્રમક હોવો જોઈએ, ઉગ્રતાપૂર્વકની વર્તણુક એક લીડર માટે સ્વાભાવિક માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ એક ખોટી માન્યતા છે. જે વ્યક્તિ સ્વયં સંતુલિત રહીને, અન્યનો તણાવ દૂર કરી શકે અને અન્યના ચહેરા પર સ્મિત લાવી શકે તે વાસ્તવમાં સાચો લીડર છે.

તો એક સાચો લીડર સત્યદર્શી, સમદર્શી, પ્રિયદર્શી, પારદર્શી અને દૂરદર્શી છે. આજીવન વિદ્યાર્થી છે. ભીતરથી શાંત પરંતુ તેની પ્રવૃત્તિ ગતિશીલ છે. તેનું પ્રત્યેક કાર્ય ઉત્સવપૂર્ણ, વિશ્રાંતિપૂર્ણ અને આત્મિયતાસભર છે. જીવન તેને માટે પ્રેમ, આનંદ અને ઉત્સાહનો અનુપમ સંગમ છે. તો સજગ બનો, એક ધ્યેય સ્વયં માટે અને એક ધ્યેય સમાજ માટે નિર્ધારિત કરો, નેતૃત્વ શક્તિ કેળવો અને જુઓ કે જીવન અતિ સરળ છે, જીવન એક ઉત્સવ છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]