લોકોના અભિપ્રાય પ્રમાણે મારી જાતને એટલી બદલી, કે હવે…

એક જામફળ કહે છે, એક દિવસ એક વ્યક્તિએ કહ્યું કે તેને કેળાં નો સ્વાદ પસંદ છે, એટલે મેં મારી જાતને કેળાં માં બદલી. પણ થોડા સમય પછી તે વ્યક્તિને નારંગી પસંદ આવવા લાગી, તો મેં મારી જાતને નારંગીમાં પરિવર્તિત કરી. તેણે કહ્યું કે નારંગી ખાટી છે અને હવે તેને સફરજન પસંદ છે, તો મેં પણ સફરજન બનવાનું નક્કી કર્યું અને ત્યાં તો તરત જ તેણે દ્રાક્ષની શોધખોળ કરવાનું શરૂ કર્યું. લોકોના અભિપ્રાય પ્રમાણે મેં મારી જાતને એટલી બધી વખત બદલી, કે હવે મને જ મારું મૂળ સ્વરૂપ યાદ નથી. આના કરતાં મેં મારું મૂળ સ્વરૂપ જાળવી રાખીને જેને જામફળ પસંદ છે તે વ્યક્તિની પ્રતીક્ષા કરી હોત તો સારું હતું!

કોઈ એક ગ્રુપ તમારો સ્વીકાર નથી કરતું તે કારણસર તમારે સ્વયંને બદલવાની જરૂર નથી. જગત તમારા માટે કોઈ પણ નિર્ણય કેમ ન કરે, તમે તમારી વિશિષ્ટતા જાળવી રાખો. પોતાની જાતને હમેશા સન્માન આપો. બીજા પાસેથી સ્વીકૃતિ મેળવવાની અપેક્ષામાં તમારાં આત્મ સન્માન નો ભોગ ન આપો. કોઈ સંબંધને જીતવાના પ્રયાસ કરવામાં જુઓ કે તમારાં સાચાં અને મૂળભૂત સ્વરૂપનું બલિદાન તો તમે નથી આપી રહ્યાં? કારણ ભવિષ્યમાં તમને ચોક્કસ પસ્તાવો થશે કે સ્વીકૃતિની ક્ષણિક ઝંખનામાં, તમારી સ્વર્ણિમ વિશિષ્ટતા તમે ખોઈ દીધી છે! મહાત્મા ગાંધીજી નો પણ કેટલા બધા એ અસ્વીકાર કર્યો હતો!

તો જાણો કે જે એક ચોક્કસ ગ્રુપ તમને સ્વીકારતું નથી, તે તમારા માટે બન્યું જ નથી. તમારા માટે તમારું અનુપમ વિશ્વ સર્જાઇ ચૂક્યું છે, જ્યાં માત્ર તમે જ સમ્રાટ/સામ્રાજ્ઞી છો. એ વિશ્વને શોધો. વાસ્તવમાં એ વિશ્વ જે તમારા માટે બન્યું છે તે તમને શોધી કાઢશે!

પાણી જે કાર્ય કરી શકશે તે ગેસોલીન નહીં કરી શકે અને જે તાંબું કરી શકશે તે સોનું નહીં કરી શકે. કીડી હળવી છે એટલે તે ગતિ કરી શકે છે અને વૃક્ષ ભારે છે તો તે પૃથ્વી સાથે, મૂળ વડે  જોડાઈને સ્થિર રહી શકે છે.

અહી પ્રત્યેક સર્જન વિશિષ્ટ છે, પ્રત્યેક વ્યક્તિ અનન્ય ભૂમિકા નિભાવે છે. અને પ્રત્યેક વ્યક્તિનું અસ્તિત્વ વિશિષ્ટ હેતુ માટે છે. આ પૃથ્વી પર મારે જે કરવાનું છે તે હું જ કરી શકીશ અને તમારે જે કરવાનું છે તે માત્ર અને માત્ર તમે જ કરી શકશો. વિશ્વમાં કૃષ્ણની જરૂર હતી ત્યારે તેમનું અવતરણ થયું, જીસસની જરૂર હતી ત્યારે જીસસ પૃથ્વી પર આવ્યા, મહાત્મા ગાંધી કે જે. આર. ડી. ટાટા ની વિશ્વને જરૂર હતી તો તેમનો જન્મ થયો. એ જ રીતે વિશ્વને તમારી જરૂર છે અને એટલે જ તમે પણ એક વિશિષ્ટ હેતુથી પૃથ્વી પર આવ્યા છો. સમગ્ર બ્રહ્માંડમાં, ભૂતકાળમાં ન તો કોઈ તમારા જેવું થયું હતું અને અનંત સમય સુધી ન તો કોઈ તમારા જેવું થવાનું છે. પ્રકૃતિ તમને એટલો બધો પ્રેમ કરે છે કે તમને ઘડ્યા પછી અન્ય કોઈ તમારા જેવુ બને નહીં તેનું સતત ધ્યાન રાખે છે.

આત્મવિશ્વાસ જગાવો! એ માત્ર તમે જ કરી શકશો, તમારા માટે અન્ય કોઈ એ નહીં કરી શકે. તમારી જાત પર નિર્બળતાનું લેબલ ન લગાવો. પરમાત્મા તમને સતત કહી રહ્યા છે, તમે સુંદર છો, તેજસ્વી છો, વિશિષ્ટ છો અને માટે જ પરમાત્માને અતિ પ્રિય છો. ક્યારેય એમ ન કહો કે હું પ્રગતિ કરવા સક્ષમ નથી. કહો કે હું વિશિષ્ટ છું, કઈં પણ કરી શકવાનું સામર્થ્ય ધરાવું છું, અને જુઓ કે તમે ઉત્સાહ, ઉર્જા અને આનંદથી છલકાઈ ગયા છો!

તમે શુદ્ધ છો. અનુપમ છો. અનન્ય છો. વિશ્વ માટે વિસ્મયપૂર્ણ છો. તમારી વિશિષ્ટતા ઉત્સવ સમાન છે. પૃથ્વી પર સ્વયંના આવિર્ભાવ નો નિરંતર ઉત્સવ ઉજવો. પરમાત્મા તમને અત્યંત પ્રેમ કરે છે, એ સત્ય હમેશા યાદ રાખો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]