ટ્રમ્પ-બાઈડન વચ્ચે ઉગ્ર ડીબેટઃ ટ્રમ્પનો ભારત પર આક્ષેપ

વોશિંગ્ટનઃ અમેરિકામાં આવતા નવેમ્બરમાં દેશના પ્રમુખપદ માટે નવી ચૂંટણી યોજાવાની છે. રીપબ્લિકન પાર્ટી તરફથી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ એમના હરીફ તરીકે જો બાઈડનને પસંદ કર્યા છે. આ બંને ઉમેદવાર વચ્ચે ગઈ કાલે સાંજે પહેલી જ વાર જાહેરમાં ચર્ચા યોજવામાં આવી હતી. આ ડીબેટ 90-મિનિટ સુધી ચાલી હતી અને એમાં કોરોનાવાઈરસ રોગચાળો, જાતિવાદ અને હિંસા, અર્થતંત્ર, બંને ઉમેદવારના અત્યાર સુધીના રેકોર્ડ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.

વ્હાઈટ હાઉસ ખાતે આયોજિત ડીબેટમાં ફોક્સ ન્યૂઝ ચેનલના ક્રિસ વોલેસ મોડરેટર બન્યા હતા. કોરોના ચેપી બીમારી ફેલાઈ હોવાથી ટ્રમ્પ અને બાઈડને સ્ટેજ પર પ્રવેશ કર્યા બાદ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા, માત્ર સ્મિત કર્યું હતું.

બંને નેતાએ તમામ મુદ્દાઓની ચર્ચા પર એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કોવિડ-19 મહામારી વિશે પૂછતાં ટ્રમ્પે કહ્યું કે જો મારી જગ્યાએ બાઈડન અમેરિકાના પ્રમુખ હોત તો અમેરિકામાં ઘણા વધારે મૃત્યુ થયા હોત. તો એના જવાબમાં બાઈડને કહ્યું કે આ મહામારી સામે લડવા માટે ટ્રમ્પ પાસે કોઈ પ્લાન જ નથી.

અમેરિકામાં કોરોનાવાઈરસને કારણે અત્યાર સુધીમાં 70 લાખથી વધારે કેસો નોંધાયા છે અને આશરે બે લાખ જેટલા લોકોના મરણ નિપજ્યા છે.

અમેરિકામાં કોરોનાને કારણે થયેલા મોત વિશે ટ્રમ્પે કહ્યું કે ભારત, રશિયા અને ચીન કોરોનાને કારણે થયેલા મૃત્યુના આંકડા છુપાવી રહ્યા છે.

બંને નેતાએ ફેસ માસ્ક, કોરોના રસી અને શારીરિક સોશિયલ ડિસ્ટન્સિંગ મુદ્દાઓ પર એકબીજાની ઝાટકણી કાઢી હતી બાઈડને કહ્યું કે માસ્ક પહેરવા વિશે ટ્રમ્પ જરાય ગંભીર નથી. તો ટ્રમ્પે બાઈડનની મજાક ઉડાવતા કહ્યું કે બાઈડન તો 200 ફૂટ દૂર રહે છે અને તો પણ મોટું માસ્ક પહેરીને આવી જાય છે.

કાર્યક્રમના હોસ્ટ ક્રિસ વોલેસે ટ્રમ્પને પૂછ્યું કે તમે કોરોના મહામારી ફેલાઈ હોવા છતાં લોકોના ટોળાં ભેગા કરતી ચૂંટણી રેલીઓ શા માટે કરી હતી? તો જવાબમાં ટ્રમ્પે કહ્યું કે જો બાઈડન આટલા ટોળા ઊભા કરી શકતા હોત તો એ પણ આવું જ કરત.

ટ્રમ્પે કહ્યું મેં લાખો ડોલરનો ટેક્સ ભર્યો છે

અર્થવ્યવસ્થા વિશે ટ્રમ્પે કહ્યું કે લોકડાઉન પછી અમેરિકાની અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં વધારે ઝડપથી પાટા પર આવી રહી છે. મેં અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે સારી અર્થવ્યવસ્થા ઊભી કરી છે.

હોસ્ટ ક્રિસ વોલેસે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલનો હવાલો આપીને ટ્રમ્પને જ્યારે પૂછ્યું કે, ‘શું આ સાચું છે કે તમે 2016-17માં માત્ર 750 ડોલરનો જ ટેક્સ ભર્યો હતો?’ ત્યારે ટ્રમ્પે કહ્યું કે ‘મેં લાખો ડોલરનો ટેક્સ ભર્યો છે. એક વર્ષમાં મેં 3 કરોડ 80 લાખ ડોલર અને બીજા વર્ષમાં 2 કરોડ 70 લાખ ડોલરનો ટેક્સ ભર્યો હતો. એમણે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]