Home Blog Page 4619

જોન્સન એન્ડ જોન્સને પણ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું

વોશિંગ્ટનઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દર્દીઓની સંખ્યા 71 લાખને પાર પહોંચી છે. કોરોના વેક્સિન વિકસિત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સને હાલમાં કોરોનાની વેક્સિનનું પરીક્ષણ અટકાવી દીધું છે. આ  પરીક્ષણમાં ભાગ લઈ રહેલો શખસ કોઈક રીતે બીમાર થયા પછી પરીક્ષણને અટકાવવામાં આવ્યું છે.

કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બધી કોવિડ-19 વેક્સિનનું ક્લિનિકલ પરીક્ષણ  હંગામી રીતે અટકાવી દેવામાં આવ્યું છે. કંપનીએ એનું કારણ પરીક્ષણ દરમ્યાન ભાગ લઈ રહેલી વ્યક્તિ બીમાર પડી હોવાનું જણાવ્યું હતું.

કંપનીએ હાલમાં આ વેક્સિનના છેલ્લા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું હતું. કંપનીએ ત્યારે કહ્યું હતું કે આના હેઠળ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચિલી, કોલમ્બિયા અને મેક્સિકો અને પેરુમાં 60,000 લોકો પર વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે. કંપનીએ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું એ ન્યૂઝ એક મોટો ઝટકો છે. આ પહેલાં એસ્ટ્રાઝેનકાની વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોરોનાની વેક્સિન બનાવવાની રેસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાની વેક્સિન સૌથી આગળ ચાલી રહી હતી, પણ પાછલા દિવસોમાં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ છઠ્ઠી સપ્ટેમ્બરે ત્રીજા તબક્કામાં પરીક્ષણ અટકાવવામાં આવ્યું હતું. જોકે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાની વેક્સિનનું બ્રિટન અને ભારતમાં ફરીથી પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા અથવા અન્ય દેશો પાસેથી કંપનીને હજી ફરીથી પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી નથી મળી.

 

 

 

 

 

ગુજરાતી સુગમસંગીતનાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદીબેન મુનશીનું નિધન

મુંબઈઃ ગુજરાતી ભાષાના ગીત – સંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરાતનાં ‘કોકીલ કંઠી’ તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું મુંબઈમાં નિધન થયું છે. એ 93 વર્ષનાં હતાં. ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યે એમણે આખરી શ્વાસ લીધો હતો.

કૌમુદીબેને એમનાં સ્વર વડે ગુજરાતી સુગમ-ભક્તિ સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. એમણે ઠુમરી, ગઝલ વગેરે માટે જાણીતાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસેથી તાલીમ મેળવી હતી. ઠુમરી ગાવામાં નિપુણતા પ્રાપ્ત કરનાર કૌમુદીબેન બહુ જૂજ ગુજરાતી ગાયકોમાંના એક હતાં.

કૌમુદીબહેન મુનશી જાણીતાં સંગીતકાર, ગીતકાર સ્વ. નીનૂ મઝુમદારના પત્ની હતાં અને ગાયક ઉદય મઝુમદારના માતા હતાં.

1929ની 3 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલાં કૌમુદીબેને ગુજરાતી ભાષામાં ગાયેલાં ભજન અને ગરબા એટલાં જ લોકપ્રિય થયાં છે.

એમણે પોતાની કારકિર્દી હિન્દી અને રાજસ્થાની ગીતો ગાઈને કરી હતી. 21 વર્ષની વયે મુંબઈમાં સ્થાયી થયાં બાદ એમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

મૂળ ગુજરાતના વડનગરનાં હતાં, પણ એમનાં જન્મના અનેક દાયકાઓ પૂર્વે એમનાં પૂર્વજ બનારસમાં સ્થાયી થયા હતા. તેથી કૌમુદીબેન હિન્દીભાષામાં નિપુણ બન્યાં હતાં.

એમનાં માતા અનુબેન જાણીતા ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈનાં બહેન હતાં.

પારિવારિક મિત્ર નીનુ મઝુમદાર સાથે 1954માં કૌમુદી મુનશીનાં લગ્ન થયાં હતાં.

કૌમુદીબેને ગાયેલાં અમુક ખૂબ જાણીતા ગીતો, ભજન, ગરબા છેઃ

કિને કાંકરી મોહે મારી રે, ચોર્યાસી રંગનો સાથિયો, ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ, હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું, તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ.

દંતકથાસમાન શાસ્ત્રીય ગાયિકા કૌમુદીબેનનાં નિધનના સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ કરીને એમને શબ્દાંજલિ અર્પણ કરી છે.

કૌમુદીબહેનને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એમણે દુ:ખ સાથે શોકની લાગણી વ્યકત કરી છે.

શ્રદ્ધાંજલિ આપતા રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમુદીબહેને પોતાનાં મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે.

રૂપાણીએ સ્વ. કૌમુદીબહેનના આત્માને પરમશાંતિની પ્રાર્થના સાથે સદ્દગતના પરિવારજનોને આ દુ:ખ સહન કરવા ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના પણ કરી છે.

અંબા રમવા આવશે પણ લક્ષ્મીના પગલાં નહીં પડે…

છે આનંદ અને ઉત્સાહનું પર્વ, પણ દિલોદિમાગમાં હજુ કોરોનાનો ડર છવાયેલો છે. દિલ ઢોલીડાના ઢોલના તાલે નાચવા થનગને છે, પણ દિમાગ એ ટોળામાં ભળવાની ના પાડે છે. પહેલીવાર જ્યારે ગુજરાતીઓના આ સૌથી વધુ પ્રિય તહેવારની ઉજવણી સામે રોક લાગી છે ત્યારે એવું નથી કે ફક્ત ખેલૈયાઓના દિલ જ ઘવાયા છે. આર્થિક ઘસરકો તો આ તહેવાર સાથે સંકળાયેલા કલાકારો અને વેપારીઓથી માંડીને સૌને લાગ્યો છે.

નવરાત્રિના એ આર્થિક પાસાં પર એક નજર નાખીએ…

——————————————————–

એક…..બે…..ત્રણ……આંખને ચકાચૌંધ કરી નાંખે એવી લાઈટસ, બાજુમાં ઊભેલી વ્યક્તિ પણ શું બોલે એ સંભળાય નહીં એવો બુલંદ ધ્વનિ, છેલ્લા બે ત્રણ મહિનામાં જેનો ટ્રેન્ડ હોય એવા લયથી ધબકતાં ગીતો-પરંપરાગત ગરબા કે જૂની, પણ ધમાલ મચી જાય એવી રચના… ગણતરી થાય એક… બે… અને દસ ગણાય કે ડ્રમ પર સ્ટીક, ઢોલક પર દાંડી અને કી બોર્ડ પર આંગળી પડે અને આખા ગુજરાતમાં શરૂ થાય વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્યોત્સવ-નવરાત્રિ. અર્વાચીન ગરબા-રાસનું ગુજરાતને છેલ્લા ત્રણ દાયકાથી ઘેલું લાગ્યું છે. નોરતાં આમ પર્વ શક્તિ ઉપાસનાનું. પરંતુ એક બહુ મોટો વર્ગ આ નવ દિવસ-નવરાત ગરબે ઘૂમે. યુવાનો આખું વર્ષ આ નૃત્યપર્વની રાહ જોતા હોય. સાથે સાથે વ્યાવસાયિક રીતે આ ઉત્સવ સાથે સંકળાયેલા હોય એ સૌને પણ આ ઉત્સવની પ્રતીક્ષા રહે.

કોરોનાના અસુરે આખી દુનિયાને ફરતી અટકાવી દીધી છે અને એટલે આ વર્ષે ગરબાના ચક્કર પણ મોટા ભાગે બંધ રહેશે. ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં રાસ-ગરબાના ઘણા ખરા આયોજન આ વર્ષે બંધ છે. ચિત્રલેખા એ જ્યારે આ અંગે થોડા ઊંડા ઉતરીને વિગતો મેળવી ત્યારે ખબર પડી કે આ વર્ષે ખેલૈયાઓ જ નહીં ફરે એવું નથી, હજારો લોકોના હાથમાં કરોડો રૂપિયા પણ આ વર્ષે નહીં ફરે.

રાજકોટથી શરૂઆત કરીએ તો અહીં આધુનિક ગરબા-રાસના સૌથી મોટા આયોજક એવા સહિયર અને સરગમ ક્લબ દ્વારા તો સરકાર નિર્ણય કરે એ પહેલાં જ જાહેર થઈ હતું કે એ લોકો રાસોત્સવ નહીં યોજે. એક-બે આયોજકે ટોકન ફી લેવાનું શરુ કરી દીધું હતું. પરંતુ મોટાભાગના સમજુ આયોજક તો આ વખતે માનતા હતા કે રાસ ગરબા શક્ય નથી.

જૂન-જૂલાઈથી રાસની તાલીમના વર્ગ અને ઓગસ્ટથી પરંપરાગત ગરબીની પ્રેક્ટિસ શરુ થઇ જાય એ પણ નથી થયાં એટલે એવું લાગતું હતું કે આ વખતે તો કલાકારથી લઈને અનેક લોકોને ખોટ જશે. જ્યારે નવરાત્રિને મંજૂરી આપવી કે નહીં એવી ગડમથલ ચાલતી હતી ત્યારે નાટ્ય નિર્માતા અભિલાષ ઘોડાએ કલાકારોની લાગણીને વાચા આપીને નિયમ પાલન સાથે આયોજનને મંજુરી આપવા માંગણી કરી હતી. એમની દલીલ સ્પષ્ટ હતી કે નાના કલાકારોની રોજી પર અત્યંત માઠી અસર પડી છે. નવરાત્રિ પણ નહીં થાય તો એમની સ્થિતિ વધારે બગડશે.

કલાકાર, આયોજકોની વાત તો પછી આવે. આર્થિક નુકસાનમાં સૌથી પહેલાં તો આવશે કેટલાંક સરકારી તંત્ર. માત્ર રાજકોટની વાત કરીએ તો અહીં રાસના ત્રીસ આયોજન દર વર્ષે થાય છે એમાંથી દસ મેદાન રાજકોટ મહાપાલિકાના છે. પ્રત્યેકનું દસ દિવસનું ભાડું 10 લાખ છે. કોર્પોરેશન આ વર્ષે એક કરોડ ગુમાવશે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની પ્રત્યેક આયોજન દીઠ વીજકનેક્શન-બીલ પેટે 4.50 લાખ રૂપિયા મેળવે છે. ત્રીસ સાઈટના થાય દોઢ કરોડ. આ વર્ષે એ આવક નહીં થાય.

આ તો હજી શરૂઆત છે. લઈ લો કેલ્ક્યુલેટર. હજી તો ઘણાં આંકડા માંડવાના છે. જૂન મહિનાથી રાજકોટમાં દાંડિયારાસની તાલીમના ક્લાસ શરુ થાય. એક મહિનાની ફી 500 થી 700 રૂપિયા. દરેક આયોજનમાં દર વર્ષે ઓછામાં ઓછા 5000 ખેલૈયા રમતા હોય એમાંથી 3000 તો ગરબી શીખવા જાય. સરવાળો થાય આશરે 90000 ખેલૈયા. મતલબ સાવ-દોઢ કરોડ રુપિયા તો આ તાલીમના થાય. દરેક રાસના સ્થળે મળીને કુલ 300 સિક્યોરિટી ગાર્ડ્ઝ કામ કરતા હોય એમને આ વખતે પૈસા નહીં મળે. રાસના જુદા જુદા સ્થળે મળીને એલઈડી અને બીજી લાઈટના પાંચેક કરોડ થતા હશે.

હવે સ્ટેજની વાત. રાસના સ્ટેજ પર સરેરાશ પંદર રિધમિસ્ટ હોય, કારણ કે સંગીતનો આખો મદાર એમના પર હોય. ડ્રમ-ઢોલક,તબલાં પર એ લોકો ધમાલ બોલાવતા હોય. સામાન્ય રિધમિસ્ટનો ચાર્જ 12000 ગણીએ અને આ ચાર્જ એક  લાખ સુધી પણ
પહોંચે. ઉપરાંત ગિટાર, સેક્સોફોન, ફ્લ્યુટ વગેરે વગાડનારા તો અલગ. આ વર્ષે એ બધા નવરાત્રિમાં નવરા રહેશે.

સાવ સામાન્ય ગાયક-ગાયિકા આ દસ દિવસના 50 હજારથી 60 હજાર રૂપિયા લે. ફિલ્મમાં પણ ગાઈ ચૂક્યા છે એવા એક બહુ જાણીતા ગઢવી ગાયકનો ચાર્જ 2015માં રુ. 35 લાખ હતો અને 2019માં આયોજકે એમને દસ દિવસના દોઢ કરોડ ચૂકવ્યા હતા! બીજા ગાયકો અને દરેક જગ્યાએ એક એક એન્કર આ બધાનો ખર્ચ પણ આમાં ઉમેરો.

ગુજરાતના 33 જિલ્લા છે, રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરાને બાદ કરીએ તો બાકીના જિલ્લામાં પંદર-સત્તર મોટા આયોજન થાય છે. સરેરાશ કુલ 300 આયોજન થાય. અહીં જેટલો ખર્ચ ગણ્યો એ તમામ ખર્ચ આ આયોજનમાં ઓછો-વત્તો થાય.

– અને હજી દસ દિવસના લગભગ 6 કરોડ રુપિયાનું સાઉન્ડ સિસ્ટમનું બિલ, મંડપનું 3 કરોડનું બિલ તો બાકી છે. રાજકોટમાં તો પ્રિ અને પોસ્ટ નવરાત્રિનો ટ્રેન્ડ છે. વેલકમ અને બાયબાય નવરાત્રિ તરીકે જાણીતા આવાં એક એક રાતના ગરબા વીસેક ઠેકાણે યોજાતાં હોય છે. આ એક દિવસ કે દસ દિવસ માટે પાર્ટી પ્લોટનું ભાડું, કેટરીંગ સર્વિસ આ બધો આંક લાખોમાં જાય અને કમનસીબે આ વર્ષે એ બધું બંધ છે.

આ પર્વમાં બ્યૂટીપાર્લરનો બિઝનેસ પણ ખાસ્સો વધી જાય. ડ્રેસ સાથે હવે સ્કિન અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ અનિવાર્ય બની ગઈ છે. ફેશિયલ, સ્કીન પોલિશિંગ, ફેસ હાઈલાઇટીંગ માટે અલગ અલગ પેકેજ. પાર્લરની વાર્ષિક આવકના 25 ટકા આવક તો આ ગાળામાં જ ઘણા પાર્લરધારકો મેળવી લેતા હોય છે.

15 વર્ષથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા રાજકોટનાં તૃપ્તિ જાની ચિત્રલેખા ને કહે છે નવરાત્રિ દરમિયાન ખેલૈયા ઉપરાંત ગાયક-ગાયિકા, એન્કર અને ખુદ ઓર્ગેનાઇઝર પણ સલૂન કે પાર્લરમાં આવે. લેટેસ્ટ ટ્રેન્ડ અનુસાર એમની માંગણી હોય અને એ સામે હોય અમારા પેકેજ. નવ દિવસનું બાળકો માટેનું પેકેજ 5000 થી 15000 રૂપિયા. યુવાનો માટે એ 25000 સુધી પહોંચે.છોકરાઓ પણ નવરાત્રિમાં મેનીકયોર, હેરસાઈન અને મસાજ સહિતની ટ્રીટમેન્ટ કરાવે છે. નવરાત્રિ એવો તહેવાર છે જેની પહેલાં ઘણા નવા બ્યુટી પાર્લરનો આરંભ કરે. જન્માષ્ટમી પછી લોકો નવરાત્રિ માટેના બુકિંગ કરાવવા લાગે, પરંતુ આ વર્ષે પેકેજ બુકિંગની વાત તો દૂર રહી, ભાગ્યે જ કોઈ પાર્લરને પૂછપરછ માટે ફોન આવ્યો છે!

ઇમિટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીજ્ઞેશ પટેલ ચિત્રલેખાને કહે છે નવરાત્રિ અને લગ્નગાળો આ બિઝનેસ માટે અગત્યના ગણાય છે. અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈની જેમ આફ્રિકા, દુબઈ, ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાનમાં પણ રાજકોટથી ઈમિટેશન જવેલરી જાય. નવરાત્રિમાં ખાસ નવી ડિઝાઈન બને. આ વર્ષે બધું ઠપ છે.

ઇમિટેશનના અન્ય વેપારી અર્પણ વાછાણી કહે છે નવરાત્રિમાં કાનમાં પહેરવાની બુટી, ઝૂમર, બાલી, કંદોરો, બાજુબંધ, ફેન્સીમાળાની માંગ વધુ રહે. નવરાત્રિના તહેવાર પહેલાના પંદર દિવસ અમારી પાસે બપોરે જમવા માટેનો પણ સમય હોતો નથી. પરંતુ કોરોના વાઈરસની કઠણાઈ અમને નડી ગઈ.

નવરાત્રિ માટે ડ્રેસ ભાડે આપતા રાકેશ કડિયા કહે છે કે રાજકોટમાં ઘેરદાર ચણિયા-ચોળીની માંગ વધારે હોય છે. એક ડ્રેસ અમને 4500 રૂપિયામાં પડે. મારી પાસે એવા 600 જોડી ડ્રેસ છે. છ મહિનાથી બધો સ્ટોક એમને એમ પડ્યો છે. એવી આશા હતી કે નોરતાંમાં ખોટ સરભર થશે. હવે એ પણ શક્ય નથી એટલે મહિને 19000 રૂપિયાના ભાડાની દુકાન માલિકને પછી આપી નાની દુકાન ભાડે લઈ રહ્યો છું.

રાજકોટમાં ઝીલ એન્ટરટેન્મેન્ટ ઈવેન્ટ કંપની ચલાવતા તેજસ શિશાંગિયાએ અત્યાર સુધી સિત્તેર નવરાત્રિ ઉપરાંત 1000થી વધુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ ચિત્રલેખા ને કહે છે, આટલાં વર્ષોમાં કલાકારો માટે આ નવરાત્રી સૌથી ખરાબ જશે. અનેક લોકોએ વ્યવસાય બદલી નાંખ્યા. લૉકડાઉન દરમિયાન જેમણે ઉછીના પૈસા લેવા પડ્યા હતા એનવરાત્રી વખતે ચૂકવાઈ જવાની આશા હતી, પરંતુ હવે એ શક્ય નથી. કલાકાર કે લાઈટ-સાઉન્ડની જ વાત નથી, ફ્લેક્સ બેનર, પાસ કે બ્રોશર પ્રિન્ટ કરનારા લોકો પણ આ વર્ષે કંઇ કમાવાના નથી. હા, પ્રાચીન ગરબીમાં કદાચ થોડી આવક થઈ શકે.

પ્રાચીન ગરબી- શેરી કે ચોકમાં જે પરંપરાગત ગરબી થાય જેમાં મોટાભાગે બાળા-કન્યા રમે. છોકરાઓના રાસ હોય તો પણ અલગ હોય. રાજકોટમાં તો એવી ગરબી પણ સિત્તેર-એંસી વર્ષ જૂની છે. જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ આ પરંપરા હજી છે. આવા શેરી ગરબા જોવા માટે એક એક સ્થળે પાંચ-છ હજાર લોકો એકઠાં થાય છે. કદાચ ગરબીની મંજુરી મળે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે કોણ જોવા જશે અને કોણ પોતાની દીકરીને એમાં રાખશે એ પ્રશ્ન તો છે જ.

જન્માષ્ટમી અને ગણેશોત્સવ પછી હવે નવરાત્રિનું પણ આયોજન નથી. કોરોના માણસના ફેફસાં, આંખ, હ્રદય પર અસર કરે છે એ તો તબીબી વિજ્ઞાનનો વિષય છે. દેશના અર્થતંત્ર,શેરબજાર કે જીડીપી પર એની અસર પણ નિષ્ણાતોની ચર્ચામાં આવી જાય, પરંતુ અહીં તો સ્પષ્ટ છે કે આ ઉત્સવના અર્થતંત્રને કોરોનાએ સંપૂર્ણ સંક્રમિત કરી નાંખ્યું છે.

(જ્વલંત છાયા, જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)

(નવરાત્રિની પ્રતીકાત્મક તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

રાશિ ભવિષ્ય 13/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧૩ ઓક્ટોબર ૨૦૨૦

૧૩ ઓક્ટોબર ૨૦૨૦

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

 

શિયાળો ઠંડી ઋતુ છે. આરોગ્યપ્રદ ઋતુ પણ છે. આ ઋતુમાં ગોબરની ગુણવત્તા પણ સારી જોવા મળે છે. કદાચ ઠંડક છે એટલે થાપ્યા પછી એ સૂકાય છે, પણ ઝાઝું કોહવાતું નથી. આ છાણું નક્કર હોય છે. એન્જિનિયરીંગની ભાષામાં કહીએ તો એની કેલોરીફીકવેલ્યુ પણ સારી હોય છે. મારી માં આખા વરસ માટે શિયાળામાં થાપેલાં છાણાં ભરી લેતી ચૂલો સળગાવવા માટે. એવું પણ મનાય છે કે, શિયાળામાં ઘડેલી માટલીમાં પાણી સારૂં ઠરે છે.

બરાબર આ જ રીતે, જુવાનીમાં આપણી શક્તિ ખૂબ હોય છે. ખૂબ કામ કરીએ તો પણ થાક નથી લાગતો. થોડું વધારે કામ ખેંચવું હોય તો આરામથી ખેંચી શકાય છે. આ સમય છે કમાણી કરવાનો, પણ સાથોસાથ આગળ જતાં તાકાત ઘટશે, સામાજિક પ્રસંગો ઉકેલવા કે સાજે-માંદે નાણાંની જરૂર પડશે એ સમજીને જુવાનીમાં મહત્તમ બચત કરવાની વૃત્તિ રાખીએ, ઊડાઉ ન બનીએ તો આગળ જતાં મોટી ઉંમરે એ નાણું પણ શિયાળાના છાણાની માફક ખૂબ મોટી હૂંફ આપે છે. એટલે આ કહેવત આપણને જુવાનીથી બચત કરવાની ટેવ પાડવાની શીખ આપે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

પંચાંગ 13/10/2020

(મયંક રાવલ)

કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટઃ રૂ.10,000 એડવાન્સ મળશે

નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્રમાં માગને વેગ આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેટલાંક પગલાંની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે ફેસ્ટિવલ સ્કીમ લઈને આવી છે. જેના પગલે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા-દિવાળીના તહેવારોમાં રૂ. 10,000 એડવાન્સ મળશે.

LTC અને તહેવારો માટે એડવાન્સ રકમ આપવાથી રૂ. 36,000 કરોડની વધારાની ઉપભોક્તા માગ ઊભી થવાની શક્યતા છે. રાજ્યોને વધારાના મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર)થી રૂ. 37,000 કરોની ઉપભોક્તા માગ ઊભી થવાની સંભાવના છે. આ રીતે આવતા માર્ચ સુધી કુલ રૂ. 73,000 કરોડની ગ્રાહકોલક્ષી માગ ઊભી થવાની ધારણા છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે જો ખાનગી ક્ષેત્ર પણ કર્મચારીઓને રાહત આપશે તો અર્થતંત્રમાં કુલ માગ રૂ. એક લાખ કરોડને પાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના છ મહિના સુધી ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કર્મચારી રૂ. 10,000 એડવાન્સ લઈ શકશે. એના પર કોઈ વ્યાજ નહીં લેવામાં આવે. એને પ્રિપ્રેડ કાર્ડ દ્વારા લઈ શકાશે.

LTC 31 માર્ચ પહેલાં ખર્ચ કરવું પડશે

નાણાપ્રધાને કહ્યું હતું કે આનો લાભ લેવા માટે સરકારની કેટલીક ગાઇડલાઇન્સ છે. જે હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસિસ પર ત્રણ ગણો વધુ ખર્ચ કરવો પડશે. લીવ એન્કેશમેન્ટના બરાબર આ રકમ ખર્ચવાની રહેશે. આ ખર્ચ કર્મચારીએ 31 માર્ચ, 2021 પહેલાં એટલે કે ચાલુ નાણાં વર્ષમાં કરવાની રહેશે.

જો કર્મચારી 31 માર્ચ, 2021 પહેલાં આ યોજનાનો લાભ નહીં ઉઠાવે તો આ કાર્ડ એક્સપાયર થઈ જશે, એટલે કે એની વેલિડિટી ખતમ થઈ જશે.

ક્લેમ માટે GST ઇનવોઇસ

આનો લાભ લેનારા કર્મચારીઓએ 12 ટકા અથવા એના ઉપરના ટેક્સ સ્લેબની વસ્તુ અથવા સર્વિસિસ પર ખર્ચ કરવો પડશે. GST વેન્ડરથી માલસામાન લેવાનો અને ચુકવણી કરવાની રહેશે. વળી પેમેન્ટ ડિજિટલ પદ્ધતિથી કરવાનું રહેશે, જેથી ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન મળી શકે. ક્લેમ કર્યા પછી GST ઇનવોઇસ પણ આપવાનું રહેશે.

એડવાન્સ સ્કીમનો લાભ કેવી રીતે મળશે?

આ એક વનટાઇમ સ્કીમ છે, જેના હેઠળ કેન્દ્ર સરકારનો કોઈ પણ કર્મચારી રૂ. 10,000 એડવાન્સ લઈ શકશે. એ એડવાન્સ પ્રીપેડ રૂપે કાર્ડ દ્વારા લઈ શકાશે. આ એડવાન્સને 10 હપતામાં પરત કરવાની રહેશે. આ એડવાન્સ પર કર્મચારીએ કોઈ વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં.

સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ પર કેન્દ્ર સરકાર રૂ. 4000 કરોડ ખર્ચ થશે, જો રાજ્યો પણ આગળ આવશે તો રૂ. 8000 કરોડની વધારાની ઉપભોક્તા માગ ઊભી થશે.

રાજ્યોને રૂ. 12,000 કરોડની વ્યાજમુક્ત ઋણ 50 વર્ષ માટે

કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 12,000 કરોડનું વ્યાજમુક્ત ઋણ ઉપલબ્ધ કરાવશે. આ ઋણ 50 વર્ષના સમયગાળા માટે હશે અને કેપિટલ પ્રોજેક્ટો માટે આપવામાં આવશે. સીતારામને જણાવ્યું હતું કે રૂ. 12,000 કરોડની રકમમાંથી રૂ. 1600 કરોડ પૂર્વોત્તર રાજયોને અને રૂ. 900 કરોડ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આપવામાં આપવામાં આવશે. આ ઉપરાંત રૂ. 7500 કરોડની રકમ બાકીના રાજ્યોને આપવામાં આવશે.

આ ઉપરાંત રૂ. 2000 કરોડ એ રાજ્યોને આપવામાં આવશે, જેમણે પહેલાં સૂચવવામાં આવેલા સુધારાને પૂરા કરી લીધા હશે, એમ તેમણે કહ્યું હતું.

રિપબ્લિક TV, ટાઈમ્સ નાઉ સામે નિર્માતાઓનો કેસ

મુંબઈઃ અમુક ચોક્કસ પ્રકાશન ગૃહો દ્વારા બેજવાબદાર, બદનામીભર્યું રિપોર્ટિંગ કરવાનો આરોપ મૂકીને ટોચના 38 ફિલ્મ નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં સિવિલ કેસ કર્યો છે.

આ નિર્માતાઓમાં શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન, કરણ જોહરનો સમાવેશ થાય છે.

આ પ્રોડ્યુસરોએ રિપબ્લિક TV અને ટાઈમ્સ નાઉ સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો છે.

અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે તે આ બે ચેનલ તથા અજ્ઞાત પ્રતિવાદીઓને તેમજ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપે કે તેઓ પૂરા ફિલ્મ ઉદ્યોગ સામે તેમજ ફિલ્મ ઉદ્યોગના સભ્યો સામે બેજવાબદાર, અપમાનજનક અને બદનામીભરી ટકોર કરતા રોકે.

નિર્માતાઓએ કોર્ટને એવી પણ વિનંતી કરી છે કે તે ન્યૂઝ ચેનલોને બોલીવૂડની હસ્તીઓ સામે સમાંતર મિડિયા ટ્રાયલ ચલાવતા અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના અંગત જીવનમાં માથું મારતા અટકાવે.

આ કેસ આ ચાર જણ સામે કરવામાં આવ્યો છેઃ રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામી અને પ્રદીપ ભંડારી તથા ટાઈમ્સ નાઉનાં રાહુલ શિવશંકર અને નાવિકા કુમાર.

અરજદારોએ પ્રતિવાદીઓને પણ વિનંતી કરી છે કે તેઓ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ, 1994ના નિયમો અંતર્ગત પ્રોગ્રામ કોડની જોગવાઈઓનું પાલન કરે અને બોલીવૂડ વિરુદ્ધ એમણે પોસ્ટ કરેલી તમામ અપમાનજનક સામગ્રીને દૂર કરે.

છેલ્લા અમુક મહિનાઓમાં આ ટીવી ચેનલો દ્વારા સતત વાપરવામાં આવતા અમુક શબ્દો સામે અરજદારોએ વાંધો ઉઠાવ્યો છે.

અરજદારોએ એમના દાવામાં કહ્યું છે કે મુંબઈસ્થિત હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિશિષ્ટ અને માન્યતાપ્રાપ્ત વર્ગ છે. અનેક વર્ષોથી આ ઉદ્યોગ સરકારી તિજોરીને આવક કરાવી આપે છે, વિદેશમાં ફિલ્મ રિલીઝ કરીને અને પર્યટન વગેરે મારફત દેશને ફોરેન એક્સચેન્જ કમાવી આપે છે અને એ રોજગારની તકો પણ ઊભી કરે છે. બીજા અનેક ઉદ્યોગો પણ આ ઉદ્યોગ પર નિર્ભર રહે છે.

ફરિયાદીઓની યાદીઃ

પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા

એસોસિએશન ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ

કાઉન્સિલ ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ

સ્ક્રીનરાઈટર્સ એસોસિએશન

આમિર ખાન પ્રોડક્શન્સ

એડ-લેબ્સ મૂવીઝ

અજય દેવગન ફિલ્મ્સ

આંદોલન ફિલ્મ્સ

અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક

અરબાઝ ખાન પ્રોડક્શન્સ

આશુતોષ ગોવારીકર પ્રોડક્શન્સ

બીએસકે નેટવર્ક એન્ડ એન્ટરટેનમેન્ટ

કેપ ઓફ ગુડ ફિલ્મ્સ

ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ

ધર્મા પ્રોડક્શન્સ

એમે એન્ટરટેનમેન્ટ એન્ડ મોશન પિક્ચર્સ

એક્સેલ એન્ટરટેનમેન્ટ

ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ

પ્રોડક્શન ઓફ હોપ

કબીર ખાન ફિલ્મ્સ

લવ મૂવીઝ

મેગ્યૂફિન પિક્ચર્સ

નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ

વન ઈન્ડિયા સ્ટોરીઝ

આરએસ એન્ટરટેનમેન્ટ

રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ

રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ

રિલાયન્સ બિગ એન્ટરટેનમેન્ટ

રીલ લાઈફ પ્રોડક્શન્સ

રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ

રોય કપૂર પ્રોડક્શન્સ

સલમાન ખાન વેન્ચર્સ

સોહેલ ખાન પ્રોડક્શન્સ

વિનોદ ચોપરા

વિશાલ ભારદ્વાજ

યશરાજ ફિલ્મ્સ

બેબી ટાઈગર ડિજિટલ

જ્યારે કૃણાલ બર્થડે-બોય હાર્દિક પર ગુસ્સે થયો

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની મેચો હંમેશાં તીવ્ર રસાકસીવાળી રહેતી હોય છે. આનો તાજો પુરાવો ગઈ કાલની મેચમાં મળ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કૃણાલ પંડ્યા એના નાના ભાઈ હાર્દિક પર ભડકી ગયો હતો. ગઈ કાલે હાર્દિક પંડ્યાનો જન્મદિવસ હતો. એ 27 વર્ષનો થયો.

ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. એમાં ભલે ગયા વર્ષની ચેમ્પિયન્સ મુંબઈ ટીમ પાંચ-વિકેટથી જીતી ગઈ હતી, પણ એક તબક્કે કૃણાલનો પિત્તો એના સગા ભાઈની એક ભૂલને કારણે ગયો હતો.

તે ઘટના દિલ્હીના દાવની 7મી ઓવરમાં બની હતી.

ડાબોડી સ્પિનર કૃણાલ બોલિંગ કરતો હતો. દિલ્હીનો કેપ્ટન શ્રેયસ ઐયર રન લેવા માટે દોડ્યો હતો અને એને રનઆઉટ કરવાની તક જોતાં હાર્દિકે બોલરના છેડે થ્રો કર્યો હતો. પરંતુ એ થ્રો ખરાબ હતો. કૃણાલ એને પકડી શક્યો નહોતો અને એને બેક કરવા માટે પણ કોઈ ફિલ્ડર નહોતો. પરિણામે બેટ્સમેનોને ઓવરથ્રોનો એક વધુ રન મળી ગયો હતો. એને કારણે કૃણાલને ગુસ્સો ચડ્યો હતો.

એ છબરડો થયા બાદ હાર્દિક એના ભાઈને કોઈક ખુલાસો કરતો હોવાનું ટીવી રીપ્લેમાં જોવા મળ્યું હતું. એનું કહેવું હતું કે એક ફિલ્ડર પાછળ હતો અને એણે ઓવરથ્રો ટાળવા માટે તરત જ પાછળ પહોંચી જવું જોઈતું હતું.

હાર્દિકના હાવભાવ પરથી જણાયું હતું કે એના ભાઈએ એને ઠપકો આપ્યો હતો એ તેને ગમ્યું નહોતું.

પંડ્યા ભાઈઓ મેદાનમાં એકબીજા પર ગુસ્સે ભરાયા હોય એવું આ કદાચ પહેલી જ વાર જોવા મળ્યું.

તે મેચ આખરે તો મુંબઈ જીતી ગયું હતું. દિલ્હી કેપિટલ્સે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.4 ઓવરમાં 5 વિકેટના ભોગે 166 રન કરીને મેચ જીતી લીધી હતી.

કૃણાલે બોલિંગમાં બે વિકેટ લીધી હતી અને એક કેચ પકડ્યો હતો.

બેટિંગમાં, હાર્દિક પંડ્યા ઝીરો પર આઉટ થયો હતો. જ્યારે કૃણાલ 12 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

મુંબઈના વિકેટકીપર-ઓપનર ક્વિન્ટન ડી કોકને 53 રનના દાવ બદલ પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

આ વખતની સ્પર્ધા હાર્દિક પંડ્યા માટે નિરાશાજનક રહી છે. એ બેટિંગમાં ખાસ ઝળકી શક્યો નથી.

મુંબઈ ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તેની અને દિલ્હી ટીમ વચ્ચે રસાકસી છે. બંને ટીમ 7-7 મેચોમાં 5-5 મેચ જીતી ચૂકી છે અને 10-10 પોઈન્ટ છે. મુંબઈ નેટ રનરેટને કારણે પહેલા નંબર પર છે. મુંબઈનો નેટ રનરેટ છે +1.327 જ્યારે દિલ્હીનો છે, +1.038

કૃણાલ-હાર્દિક વચ્ચે નારાજગીની ક્ષણોવાળો વિડિયો જુઓ…