કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટઃ રૂ.10,000 એડવાન્સ મળશે

નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્રમાં માગને વેગ આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેટલાંક પગલાંની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે ફેસ્ટિવલ સ્કીમ લઈને આવી છે. જેના પગલે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા-દિવાળીના તહેવારોમાં રૂ. 10,000 એડવાન્સ મળશે.

LTC અને તહેવારો માટે એડવાન્સ રકમ આપવાથી રૂ. 36,000 કરોડની વધારાની ઉપભોક્તા માગ ઊભી થવાની શક્યતા છે. રાજ્યોને વધારાના મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર)થી રૂ. 37,000 કરોની ઉપભોક્તા માગ ઊભી થવાની સંભાવના છે. આ રીતે આવતા માર્ચ સુધી કુલ રૂ. 73,000 કરોડની ગ્રાહકોલક્ષી માગ ઊભી થવાની ધારણા છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે જો ખાનગી ક્ષેત્ર પણ કર્મચારીઓને રાહત આપશે તો અર્થતંત્રમાં કુલ માગ રૂ. એક લાખ કરોડને પાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના છ મહિના સુધી ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કર્મચારી રૂ. 10,000 એડવાન્સ લઈ શકશે. એના પર કોઈ વ્યાજ નહીં લેવામાં આવે. એને પ્રિપ્રેડ કાર્ડ દ્વારા લઈ શકાશે.

LTC 31 માર્ચ પહેલાં ખર્ચ કરવું પડશે

નાણાપ્રધાને કહ્યું હતું કે આનો લાભ લેવા માટે સરકારની કેટલીક ગાઇડલાઇન્સ છે. જે હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસિસ પર ત્રણ ગણો વધુ ખર્ચ કરવો પડશે. લીવ એન્કેશમેન્ટના બરાબર આ રકમ ખર્ચવાની રહેશે. આ ખર્ચ કર્મચારીએ 31 માર્ચ, 2021 પહેલાં એટલે કે ચાલુ નાણાં વર્ષમાં કરવાની રહેશે.

જો કર્મચારી 31 માર્ચ, 2021 પહેલાં આ યોજનાનો લાભ નહીં ઉઠાવે તો આ કાર્ડ એક્સપાયર થઈ જશે, એટલે કે એની વેલિડિટી ખતમ થઈ જશે.

ક્લેમ માટે GST ઇનવોઇસ

આનો લાભ લેનારા કર્મચારીઓએ 12 ટકા અથવા એના ઉપરના ટેક્સ સ્લેબની વસ્તુ અથવા સર્વિસિસ પર ખર્ચ કરવો પડશે. GST વેન્ડરથી માલસામાન લેવાનો અને ચુકવણી કરવાની રહેશે. વળી પેમેન્ટ ડિજિટલ પદ્ધતિથી કરવાનું રહેશે, જેથી ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન મળી શકે. ક્લેમ કર્યા પછી GST ઇનવોઇસ પણ આપવાનું રહેશે.

એડવાન્સ સ્કીમનો લાભ કેવી રીતે મળશે?

આ એક વનટાઇમ સ્કીમ છે, જેના હેઠળ કેન્દ્ર સરકારનો કોઈ પણ કર્મચારી રૂ. 10,000 એડવાન્સ લઈ શકશે. એ એડવાન્સ પ્રીપેડ રૂપે કાર્ડ દ્વારા લઈ શકાશે. આ એડવાન્સને 10 હપતામાં પરત કરવાની રહેશે. આ એડવાન્સ પર કર્મચારીએ કોઈ વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં.

સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ પર કેન્દ્ર સરકાર રૂ. 4000 કરોડ ખર્ચ થશે, જો રાજ્યો પણ આગળ આવશે તો રૂ. 8000 કરોડની વધારાની ઉપભોક્તા માગ ઊભી થશે.

રાજ્યોને રૂ. 12,000 કરોડની વ્યાજમુક્ત ઋણ 50 વર્ષ માટે

કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 12,000 કરોડનું વ્યાજમુક્ત ઋણ ઉપલબ્ધ કરાવશે. આ ઋણ 50 વર્ષના સમયગાળા માટે હશે અને કેપિટલ પ્રોજેક્ટો માટે આપવામાં આવશે. સીતારામને જણાવ્યું હતું કે રૂ. 12,000 કરોડની રકમમાંથી રૂ. 1600 કરોડ પૂર્વોત્તર રાજયોને અને રૂ. 900 કરોડ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આપવામાં આપવામાં આવશે. આ ઉપરાંત રૂ. 7500 કરોડની રકમ બાકીના રાજ્યોને આપવામાં આવશે.

આ ઉપરાંત રૂ. 2000 કરોડ એ રાજ્યોને આપવામાં આવશે, જેમણે પહેલાં સૂચવવામાં આવેલા સુધારાને પૂરા કરી લીધા હશે, એમ તેમણે કહ્યું હતું.