અંબા રમવા આવશે પણ લક્ષ્મીના પગલાં નહીં પડે…

છે આનંદ અને ઉત્સાહનું પર્વ, પણ દિલોદિમાગમાં હજુ કોરોનાનો ડર છવાયેલો છે. દિલ ઢોલીડાના ઢોલના તાલે નાચવા થનગને છે, પણ દિમાગ એ ટોળામાં ભળવાની ના પાડે છે. પહેલીવાર જ્યારે ગુજરાતીઓના આ સૌથી વધુ પ્રિય તહેવારની ઉજવણી સામે રોક લાગી છે ત્યારે એવું નથી કે ફક્ત ખેલૈયાઓના દિલ જ ઘવાયા છે. આર્થિક ઘસરકો તો આ તહેવાર સાથે સંકળાયેલા કલાકારો અને વેપારીઓથી માંડીને સૌને લાગ્યો છે.

નવરાત્રિના એ આર્થિક પાસાં પર એક નજર નાખીએ…

——————————————————–

એક…..બે…..ત્રણ……આંખને ચકાચૌંધ કરી નાંખે એવી લાઈટસ, બાજુમાં ઊભેલી વ્યક્તિ પણ શું બોલે એ સંભળાય નહીં એવો બુલંદ ધ્વનિ, છેલ્લા બે ત્રણ મહિનામાં જેનો ટ્રેન્ડ હોય એવા લયથી ધબકતાં ગીતો-પરંપરાગત ગરબા કે જૂની, પણ ધમાલ મચી જાય એવી રચના… ગણતરી થાય એક… બે… અને દસ ગણાય કે ડ્રમ પર સ્ટીક, ઢોલક પર દાંડી અને કી બોર્ડ પર આંગળી પડે અને આખા ગુજરાતમાં શરૂ થાય વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્યોત્સવ-નવરાત્રિ. અર્વાચીન ગરબા-રાસનું ગુજરાતને છેલ્લા ત્રણ દાયકાથી ઘેલું લાગ્યું છે. નોરતાં આમ પર્વ શક્તિ ઉપાસનાનું. પરંતુ એક બહુ મોટો વર્ગ આ નવ દિવસ-નવરાત ગરબે ઘૂમે. યુવાનો આખું વર્ષ આ નૃત્યપર્વની રાહ જોતા હોય. સાથે સાથે વ્યાવસાયિક રીતે આ ઉત્સવ સાથે સંકળાયેલા હોય એ સૌને પણ આ ઉત્સવની પ્રતીક્ષા રહે.

કોરોનાના અસુરે આખી દુનિયાને ફરતી અટકાવી દીધી છે અને એટલે આ વર્ષે ગરબાના ચક્કર પણ મોટા ભાગે બંધ રહેશે. ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં રાસ-ગરબાના ઘણા ખરા આયોજન આ વર્ષે બંધ છે. ચિત્રલેખા એ જ્યારે આ અંગે થોડા ઊંડા ઉતરીને વિગતો મેળવી ત્યારે ખબર પડી કે આ વર્ષે ખેલૈયાઓ જ નહીં ફરે એવું નથી, હજારો લોકોના હાથમાં કરોડો રૂપિયા પણ આ વર્ષે નહીં ફરે.

રાજકોટથી શરૂઆત કરીએ તો અહીં આધુનિક ગરબા-રાસના સૌથી મોટા આયોજક એવા સહિયર અને સરગમ ક્લબ દ્વારા તો સરકાર નિર્ણય કરે એ પહેલાં જ જાહેર થઈ હતું કે એ લોકો રાસોત્સવ નહીં યોજે. એક-બે આયોજકે ટોકન ફી લેવાનું શરુ કરી દીધું હતું. પરંતુ મોટાભાગના સમજુ આયોજક તો આ વખતે માનતા હતા કે રાસ ગરબા શક્ય નથી.

જૂન-જૂલાઈથી રાસની તાલીમના વર્ગ અને ઓગસ્ટથી પરંપરાગત ગરબીની પ્રેક્ટિસ શરુ થઇ જાય એ પણ નથી થયાં એટલે એવું લાગતું હતું કે આ વખતે તો કલાકારથી લઈને અનેક લોકોને ખોટ જશે. જ્યારે નવરાત્રિને મંજૂરી આપવી કે નહીં એવી ગડમથલ ચાલતી હતી ત્યારે નાટ્ય નિર્માતા અભિલાષ ઘોડાએ કલાકારોની લાગણીને વાચા આપીને નિયમ પાલન સાથે આયોજનને મંજુરી આપવા માંગણી કરી હતી. એમની દલીલ સ્પષ્ટ હતી કે નાના કલાકારોની રોજી પર અત્યંત માઠી અસર પડી છે. નવરાત્રિ પણ નહીં થાય તો એમની સ્થિતિ વધારે બગડશે.

કલાકાર, આયોજકોની વાત તો પછી આવે. આર્થિક નુકસાનમાં સૌથી પહેલાં તો આવશે કેટલાંક સરકારી તંત્ર. માત્ર રાજકોટની વાત કરીએ તો અહીં રાસના ત્રીસ આયોજન દર વર્ષે થાય છે એમાંથી દસ મેદાન રાજકોટ મહાપાલિકાના છે. પ્રત્યેકનું દસ દિવસનું ભાડું 10 લાખ છે. કોર્પોરેશન આ વર્ષે એક કરોડ ગુમાવશે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની પ્રત્યેક આયોજન દીઠ વીજકનેક્શન-બીલ પેટે 4.50 લાખ રૂપિયા મેળવે છે. ત્રીસ સાઈટના થાય દોઢ કરોડ. આ વર્ષે એ આવક નહીં થાય.

આ તો હજી શરૂઆત છે. લઈ લો કેલ્ક્યુલેટર. હજી તો ઘણાં આંકડા માંડવાના છે. જૂન મહિનાથી રાજકોટમાં દાંડિયારાસની તાલીમના ક્લાસ શરુ થાય. એક મહિનાની ફી 500 થી 700 રૂપિયા. દરેક આયોજનમાં દર વર્ષે ઓછામાં ઓછા 5000 ખેલૈયા રમતા હોય એમાંથી 3000 તો ગરબી શીખવા જાય. સરવાળો થાય આશરે 90000 ખેલૈયા. મતલબ સાવ-દોઢ કરોડ રુપિયા તો આ તાલીમના થાય. દરેક રાસના સ્થળે મળીને કુલ 300 સિક્યોરિટી ગાર્ડ્ઝ કામ કરતા હોય એમને આ વખતે પૈસા નહીં મળે. રાસના જુદા જુદા સ્થળે મળીને એલઈડી અને બીજી લાઈટના પાંચેક કરોડ થતા હશે.

હવે સ્ટેજની વાત. રાસના સ્ટેજ પર સરેરાશ પંદર રિધમિસ્ટ હોય, કારણ કે સંગીતનો આખો મદાર એમના પર હોય. ડ્રમ-ઢોલક,તબલાં પર એ લોકો ધમાલ બોલાવતા હોય. સામાન્ય રિધમિસ્ટનો ચાર્જ 12000 ગણીએ અને આ ચાર્જ એક  લાખ સુધી પણ
પહોંચે. ઉપરાંત ગિટાર, સેક્સોફોન, ફ્લ્યુટ વગેરે વગાડનારા તો અલગ. આ વર્ષે એ બધા નવરાત્રિમાં નવરા રહેશે.

સાવ સામાન્ય ગાયક-ગાયિકા આ દસ દિવસના 50 હજારથી 60 હજાર રૂપિયા લે. ફિલ્મમાં પણ ગાઈ ચૂક્યા છે એવા એક બહુ જાણીતા ગઢવી ગાયકનો ચાર્જ 2015માં રુ. 35 લાખ હતો અને 2019માં આયોજકે એમને દસ દિવસના દોઢ કરોડ ચૂકવ્યા હતા! બીજા ગાયકો અને દરેક જગ્યાએ એક એક એન્કર આ બધાનો ખર્ચ પણ આમાં ઉમેરો.

ગુજરાતના 33 જિલ્લા છે, રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરાને બાદ કરીએ તો બાકીના જિલ્લામાં પંદર-સત્તર મોટા આયોજન થાય છે. સરેરાશ કુલ 300 આયોજન થાય. અહીં જેટલો ખર્ચ ગણ્યો એ તમામ ખર્ચ આ આયોજનમાં ઓછો-વત્તો થાય.

– અને હજી દસ દિવસના લગભગ 6 કરોડ રુપિયાનું સાઉન્ડ સિસ્ટમનું બિલ, મંડપનું 3 કરોડનું બિલ તો બાકી છે. રાજકોટમાં તો પ્રિ અને પોસ્ટ નવરાત્રિનો ટ્રેન્ડ છે. વેલકમ અને બાયબાય નવરાત્રિ તરીકે જાણીતા આવાં એક એક રાતના ગરબા વીસેક ઠેકાણે યોજાતાં હોય છે. આ એક દિવસ કે દસ દિવસ માટે પાર્ટી પ્લોટનું ભાડું, કેટરીંગ સર્વિસ આ બધો આંક લાખોમાં જાય અને કમનસીબે આ વર્ષે એ બધું બંધ છે.

આ પર્વમાં બ્યૂટીપાર્લરનો બિઝનેસ પણ ખાસ્સો વધી જાય. ડ્રેસ સાથે હવે સ્કિન અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ અનિવાર્ય બની ગઈ છે. ફેશિયલ, સ્કીન પોલિશિંગ, ફેસ હાઈલાઇટીંગ માટે અલગ અલગ પેકેજ. પાર્લરની વાર્ષિક આવકના 25 ટકા આવક તો આ ગાળામાં જ ઘણા પાર્લરધારકો મેળવી લેતા હોય છે.

15 વર્ષથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા રાજકોટનાં તૃપ્તિ જાની ચિત્રલેખા ને કહે છે નવરાત્રિ દરમિયાન ખેલૈયા ઉપરાંત ગાયક-ગાયિકા, એન્કર અને ખુદ ઓર્ગેનાઇઝર પણ સલૂન કે પાર્લરમાં આવે. લેટેસ્ટ ટ્રેન્ડ અનુસાર એમની માંગણી હોય અને એ સામે હોય અમારા પેકેજ. નવ દિવસનું બાળકો માટેનું પેકેજ 5000 થી 15000 રૂપિયા. યુવાનો માટે એ 25000 સુધી પહોંચે.છોકરાઓ પણ નવરાત્રિમાં મેનીકયોર, હેરસાઈન અને મસાજ સહિતની ટ્રીટમેન્ટ કરાવે છે. નવરાત્રિ એવો તહેવાર છે જેની પહેલાં ઘણા નવા બ્યુટી પાર્લરનો આરંભ કરે. જન્માષ્ટમી પછી લોકો નવરાત્રિ માટેના બુકિંગ કરાવવા લાગે, પરંતુ આ વર્ષે પેકેજ બુકિંગની વાત તો દૂર રહી, ભાગ્યે જ કોઈ પાર્લરને પૂછપરછ માટે ફોન આવ્યો છે!

ઇમિટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીજ્ઞેશ પટેલ ચિત્રલેખાને કહે છે નવરાત્રિ અને લગ્નગાળો આ બિઝનેસ માટે અગત્યના ગણાય છે. અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈની જેમ આફ્રિકા, દુબઈ, ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાનમાં પણ રાજકોટથી ઈમિટેશન જવેલરી જાય. નવરાત્રિમાં ખાસ નવી ડિઝાઈન બને. આ વર્ષે બધું ઠપ છે.

ઇમિટેશનના અન્ય વેપારી અર્પણ વાછાણી કહે છે નવરાત્રિમાં કાનમાં પહેરવાની બુટી, ઝૂમર, બાલી, કંદોરો, બાજુબંધ, ફેન્સીમાળાની માંગ વધુ રહે. નવરાત્રિના તહેવાર પહેલાના પંદર દિવસ અમારી પાસે બપોરે જમવા માટેનો પણ સમય હોતો નથી. પરંતુ કોરોના વાઈરસની કઠણાઈ અમને નડી ગઈ.

નવરાત્રિ માટે ડ્રેસ ભાડે આપતા રાકેશ કડિયા કહે છે કે રાજકોટમાં ઘેરદાર ચણિયા-ચોળીની માંગ વધારે હોય છે. એક ડ્રેસ અમને 4500 રૂપિયામાં પડે. મારી પાસે એવા 600 જોડી ડ્રેસ છે. છ મહિનાથી બધો સ્ટોક એમને એમ પડ્યો છે. એવી આશા હતી કે નોરતાંમાં ખોટ સરભર થશે. હવે એ પણ શક્ય નથી એટલે મહિને 19000 રૂપિયાના ભાડાની દુકાન માલિકને પછી આપી નાની દુકાન ભાડે લઈ રહ્યો છું.

રાજકોટમાં ઝીલ એન્ટરટેન્મેન્ટ ઈવેન્ટ કંપની ચલાવતા તેજસ શિશાંગિયાએ અત્યાર સુધી સિત્તેર નવરાત્રિ ઉપરાંત 1000થી વધુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ ચિત્રલેખા ને કહે છે, આટલાં વર્ષોમાં કલાકારો માટે આ નવરાત્રી સૌથી ખરાબ જશે. અનેક લોકોએ વ્યવસાય બદલી નાંખ્યા. લૉકડાઉન દરમિયાન જેમણે ઉછીના પૈસા લેવા પડ્યા હતા એનવરાત્રી વખતે ચૂકવાઈ જવાની આશા હતી, પરંતુ હવે એ શક્ય નથી. કલાકાર કે લાઈટ-સાઉન્ડની જ વાત નથી, ફ્લેક્સ બેનર, પાસ કે બ્રોશર પ્રિન્ટ કરનારા લોકો પણ આ વર્ષે કંઇ કમાવાના નથી. હા, પ્રાચીન ગરબીમાં કદાચ થોડી આવક થઈ શકે.

પ્રાચીન ગરબી- શેરી કે ચોકમાં જે પરંપરાગત ગરબી થાય જેમાં મોટાભાગે બાળા-કન્યા રમે. છોકરાઓના રાસ હોય તો પણ અલગ હોય. રાજકોટમાં તો એવી ગરબી પણ સિત્તેર-એંસી વર્ષ જૂની છે. જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ આ પરંપરા હજી છે. આવા શેરી ગરબા જોવા માટે એક એક સ્થળે પાંચ-છ હજાર લોકો એકઠાં થાય છે. કદાચ ગરબીની મંજુરી મળે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે કોણ જોવા જશે અને કોણ પોતાની દીકરીને એમાં રાખશે એ પ્રશ્ન તો છે જ.

જન્માષ્ટમી અને ગણેશોત્સવ પછી હવે નવરાત્રિનું પણ આયોજન નથી. કોરોના માણસના ફેફસાં, આંખ, હ્રદય પર અસર કરે છે એ તો તબીબી વિજ્ઞાનનો વિષય છે. દેશના અર્થતંત્ર,શેરબજાર કે જીડીપી પર એની અસર પણ નિષ્ણાતોની ચર્ચામાં આવી જાય, પરંતુ અહીં તો સ્પષ્ટ છે કે આ ઉત્સવના અર્થતંત્રને કોરોનાએ સંપૂર્ણ સંક્રમિત કરી નાંખ્યું છે.

(જ્વલંત છાયા, જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)

(નવરાત્રિની પ્રતીકાત્મક તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]