આ બીસી આન્ટીને ઓળખી લો…

લોકડાઉનના સમયમાં સોશિયલ મિડીયામાં ખૂબ જ વાઇરલ થયેલી આ વિડીયો ક્લીપ તો તમે જોઇ જ હશે, જેમાં એક શિક્ષિકા ક્લાસમાં આયષ્યમાન ખુરાના અને સલમાન ખાનથી માંડીને સોનુ સૂદ સુધીના બોલીવુડના બધા હીરોની એટેન્ડન્સ લે છે. ‘ક્લાસ ઓફ હીરોઝ’ નામની આ વિડીયો ક્લીપે સોશિયલ મિડીયામાં એવી તો ધૂમ મચાવેલી કે ખુદ સોનુ સૂદે પણ એ ફની ક્લીપને પોતાના એકાઉન્ટ પરથી શેર કરેલી.

એ પછી તો આ ‘ક્યુટ શિક્ષિકા’એ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સની અને વિશ્વના દેશોની જીડીપીના મામલે ક્લાસમાં હાજરી લઇ નાખી એ બધી વિડીયો ક્લીપ્સ ય બધાને ખૂબ ગમી. શુધ્ધ હિન્દી ઉચ્ચારો સાથે સાંભળવા ગમે એવા અવાજમાં ક્લાસ એટેન્ડન્સના નામે વેધક કટાક્ષ કરીને ખડખડાટ હસાવતી આ ક્યુટ શિક્ષિકા આજકાલ સોશિયલ મિડીયામાં છવાયેલી રહે છે, સોશિયલ મિડીયા સેન્સેશન બની ચૂકી છે એ.

કોણ છે આ યુવતી?

સોશિયલ મિડીયામાં ‘બીસી આન્ટી’ નામે ઓળખાતી આ યુવતીનું નામ છે સ્નેહિલ દિક્ષિત-મહેરા. વર્ષ 2018 માં આવેલી વેબસિરિઝ અપહરણમાં ક્રિએટીવ ડિરેક્ટર તરીકે પરદા પાછળ કામ કરતાં કરતાં એ પરદા પર ફક્ત 17 સેકન્ડ માટે ચમકેલી અને આ 17 સેક્ન્ડની વિડીયો એ સમયે વાઇરલ થઇ એ ઘટનાએ જાણે સ્નેહિલ માટે કન્ટેન્ટ ક્રિએશનના દ્વાર ખોલી આપ્યાં. મિત્રોની સલાહ અને પતિદેવ રાહુલ મહેરાના પ્રોત્સાહનથી મુંબઇસ્થિત સ્નેહિલ દિક્ષિતે ‘બીસી આન્ટી’ નામે પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું. સીધી સાદી અને દેહાતી, પણ દિલની સાફ મહિલાના ગેટ-અપમાં ફિલ્મો અને વેબસિરિઝના રિવ્યૂથી માંડીને આપણી આસપાસની ઘટનાઓ પર કન્ટેન્ટ તૈયાર કરીને અપલોડ કરવાનું શરૂ કર્યું. એની પોસ્ટ હીટ થતી હઇ અને બીસી આન્ટી લોકપ્રિય બનતી ગઇ.

‘બીસી આન્ટી’ એવું નામ કેમ? જવાબમાં સ્નેહિલ કહે છે, ‘બીસી એટલે ભેરી ક્યુટ. અપહરણ સિરિઝમાં મારો આન્ટી તરીકેનો જે નાનકડો રોલ હતો એ આન્ટી ખૂબ નિર્દોષ, પણ એટલાં જ ક્યુટ એટલે મેં પણ ભેરી ક્યુટ આન્ટી એ નામે કન્ટેન્ટ ક્રિએટ કરવાનું શરૂ કર્યું.’

ભણી એન્જિનિયરીંગનું, પણ…

મૂળ ઉત્તર પ્રદેશના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી સ્નેહિલ આમ તો ભણી છે એન્જિનિયરીંગનું. પિતાજી ફોરેસ્ટ વિભાગમાં હતા એટલે એમની નોકરીના કારણે ઉછેર મધ્યપ્રદેશમાં થયો. બાળપણથી જ આસપાસના ઘટનાઓ વિશે વાંચવાનો, એનું તીવ્ર નિરિક્ષણ કરવાનો એને જબ્બર શોખ. બાળપણથી એની પેશન કાંઇક જૂદી હતી, પણ દરેક મધ્યમવર્ગીય ભારતીય પરિવારની માફક એના માતા-પિતાનો આગ્રહ હતો કે એ પહેલાં ભણીગણીને સારી ડીગ્રી મેળવે. સ્નેહિલ પણ એન્જિનિયરીંગનું ભણી. ફાઇનલ યરમાં જ ત્રિવેન્દ્રમમાં એક કોર્પોરેટ ફર્મમાં નોકરીનું નક્કી થઇ ગયેલું અને એ ત્રિવેન્દ્રમ જવાની જ હતી, પણ બેએક મહિનાનો સમય હતો એટલે એ પોતાના ભાઇને ત્યાં રોકાવા મુંબઇ આવી.

અહીં જ આવ્યો એની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ. પોતાની બાળપણની પેશન પૂરી કરવાની એને તક મળતી હતી એટલે એ ટી.વી. ચેનલ સીએનબીસી-આવાઝમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ. રોજના બસ્સો રૂપિયા મળતા, પણ એના કરતાં એના માટે કામની પેશન વધારે મહત્વની હતી.

સ્નેહિલ કહે છે, ‘ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે સ્ટોરી ટેલિંગ માટેની નેચરલ આવડત મારામાં છે. હું આ કામ સારી રીતે કરી શકું છું.’

બસ, પછી તો એ એક યા બીજા પ્રોડક્શન હાઉસ સાથે ફ્રીલાન્સ રાઇટર તરીકે જોડાતી ગઇ અને મુંબઇમાં જ સ્થાયી થઇને આ જ દિશામાં આગળ વધવાનું નક્કી થઇ ગયું. એનામાં છૂપાયેલી એક પરફોર્મર હવે બહાર આવી ચૂકી હતી.

વેધક, પણ સ્વચ્છ કટાક્ષ

સ્નેહિલ એના વિડીયોમાં બહુ વેધક કટાક્ષ કરે છે, પણ એમાં ક્યાંય ડંખ કે અશ્લીલતા નથી. સસ્તી લોકપ્રિયતા માટે અપશબ્દો કે ગલગલીયાં કરાવે એવું કન્ટેન્ટ એ પીરસતી નથી. સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ્સને વિદ્યાર્થી બતાવીને એ હાજરી લે છે ત્યારે ટીકટોક નામના વિદ્યાર્થીને ચાઇનીઝ એક્સચેન્જ સ્ટુડન્ટ દર્શાવી સચોટ કટાક્ષ કરે છે, જૂદાજૂદા દેશોના જીડીપીના ક્લાસની વિડીયોમાં એ પાકિસ્તાનને બેકબેન્ચર ય કહી દે છે. દેહાતી મહિલાના ગેટઅપમાં એ ફિલ્મો-વેબસિરિઝના રિવ્યૂ કરે છે એમાંય એનું ભોળપણ અને નિખાલસતા સહજ રીતે દેખાઇ આવે છે.

બાળપણથી જ કરંટ અફેર્સ પર ખૂબ વાંચતી આવી છે અને આસપાસની ઘટનાઓનું સૂક્ષ્મ નિરિક્ષણ કરવાની એની આદત છે એટલે કન્ટેન્ટ માટે એને આવું બધું કરવાની જરૂર પડતી નથી.

બનવું હતું ન્યુઝ એન્કર, પણ…

હાલ તો કન્ટેન્ટ ક્રિએશન ઉપરાંત હવે એ અપહરણ વેબસિરિઝ પાર્ટ-ટુમાં અભિનય પણ કરવાની છે, પરંતુ સ્નેહિલની બાળપણથી એક ઇચ્છા કાયમ રહી છે. એ છે ન્યુઝ એન્કર બનવાની. સ્કૂલમાં ભણતી ત્યારે અખબારો વાંચીને ઘરે મિરર સામે ઊભા ઊભા એ ન્યુઝ રિડીંગ કરતી. સીએનબીસી-આવાઝમાં ઇન્ટર્ન કરવા પાછળનો એક આશય એ પણ હતો. એના મનમાં હજુય તક મળે તો ન્યુઝ એન્કર બનવાની ઇચ્છા ખરી.

આમ પણ, એ સ્ટોરી ટેલિંગ સારી રીતે કરી શકે છે. સારી પરફોર્મર ય છે અને કરંટ અફેર્સનું નોલેજ તો એની પાસે કદાચ ટી.વી. ચેનલના આજકાલના ન્યુઝ એન્કર કરતાંય વધારે સારું છે!

ચિત્રલેખા.કોમ ની સ્નેહિલ સાથેની વિડીયો મુલાકાત જોવા માટે ક્લીક કરોઃ

 

(કેતન ત્રિવેદી)