Home Blog Page 4618

BSE: દૈનિક ટર્નઓવરનો રેકોર્ડ સર્જાયો

મુંબઈઃ છેલ્લા ત્રણ મહિનાની રેકોર્ડ બ્રેકિંગ ઘટનામાં બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સમાં તાજેતરમાં રૂ.2,00,390 કરોડના દૈનિક ટ્રેડિંગ ટર્નઓવરનો વિક્રમ સર્જાયો હતો. ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સતત કામકાજ વધી રહ્યું છે. છેલ્લે 9 ઓક્ટોબર, 2020ના રોજ રૂ.1,84,655 કરોડનું  સર્વોચ્ચ દૈનિક ટર્નઓવર થયું હતું.

આ પ્રસંગે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે BSE 50 કોન્ટ્રેક્ટ્સમાં વધી રહેલી ટ્રેડરોની સામેલગીરીને પગલે બજારમાં વધુ લિક્વિડિટી રહે છે. આ દર્શાવે છે કે આ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડર્સ, વ્યક્તિગત રોકાણકારો અને હેજરોને કિંમતની દૃષ્ટિએ જોખમના વ્યવસ્થાપનની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે.

જે સહભાગીઓ તેમના ઈક્વિટીના જોખમને હળવું કરવા માગે છે તેમના માટે સોમવારની સમાપ્તિ ધરાવતા સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સ આદર્શ સાધન છે. અતિ જોખમી વધઘટના સમયમાં સેન્સેક્સ 50 હેજિંગ માટેનું શ્રેષ્ઠ સાધન છે.

BSE ઈન્ડેક્સ ઓપ્શન્સના ટ્રેડિંગ માટે BSEનું પ્લેટફોર્મ ખર્ચની દૃષ્ટિએ ઉત્તમ  છે, કારણ કે રૂ.10 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન પર બીએસઈ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લેતું નથી. જેમ વધુ એક્સપોઝર એમ વધુ બચત. આથી રોકાણકારો અને વેપારીઓ ભાવની મોટી વધઘટ સામે પોતાની પોઝિશનને રક્ષી શકે છે અને ટ્રાન્ઝેક્શનના ખર્ચમાં પણ બચત કરી શકે છે.  બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અત્યારે ટ્રેડિંગ પર કોઈ ચાર્જ લાગતો નથી. સાથે સાથે શ્રેષ્ટ માળખાકીય સવલત, કો-લોકેશન સર્વિસીસ, લીઝ લાઈન અને ફ્રન્ટ એન્ડ સોફ્ટવેરનો લાભ મળે છે.

મંદિરો ફરી ખોલવાના મામલે ઠાકરે-ગવર્નર વચ્ચે પત્ર-યુદ્ધ

મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે ગઈ 23 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને પગલે રાજ્યમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિત ધાર્મિક સ્થાનોને બંધ રાખવામાં આવ્યા છે. રાજ્યપાલ કોશ્યારીએ પત્ર લખીને ઠાકરેને સવાલ કર્યો છે કે, તમે તો હિન્દુત્વના પ્રખર હિમાયતી છો, તો આમ બિનસાંપ્રદાયિક કેમ બની ગયા? આ શબ્દ સામે તમને જ ભૂતકાળમાં ચીડ હતી.

કોશ્યારીએ એવો પણ નિર્દેશ કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ અયોધ્યાની મુલાકાત લઈને ભગવાન રામ પ્રતિ એમની ભક્તિનું જાહેરમાં પ્રદર્શન કર્યું હતું અને બાદમાં ગઈ 1 જુલાઈએ પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલ અને માતા રૂકમિણીનાં મંદિરમાં જઈને પૂજા પણ કરી હતી.

કોશ્યારીને આ પત્રનો કડક રીતે જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યપાલે હિન્દુત્વ વિશે જે ઉલ્લેખ કર્યો છે એ તદ્દન સાચો છે. તે છતાં મારે હિન્દુત્વ વિશે કોઈની પાસેથી સર્ટિફિકેટની જરૂર નથી, કે મારે એ કોઈની પાસેથી શીખવાની પણ જરૂર નથી. જે લોકો મારા રાજ્ય અને એના પાટનગર (મુંબઈ)ને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર સાથે સરખાવે એમને ઉષ્માભર્યો આવકાર આપે એ લોકો મારા હિન્દુત્વમાં બંધબેસતા નથી.

ઠાકરેના બિનસાંપ્રદાયિક પ્રમાણપત્ર અંગે રાજ્યપાલે કરેલી કમેન્ટ્સનો વળતો જવાબ આપતા શિવસેના પ્રમુખ ઠાકરેએ એમને જ સવાલ પૂછ્યો છે કે, તમે શું એમ કહેવા માગો છો કે માત્ર મંદિરોના ઉદઘાટન કરવા એ જ હિન્દુત્વ છે અને એમને બંધ રાખવા એ બિનસાંપ્રદાયિકતા છે? તમે ગવર્નર તરીકે બંધારણના નામે શપથ ગ્રહણ કર્યા હતા અને એ જ બંધારણનો પાયાનો સિદ્ધાંત બિનસાંપ્રદાયિકતા છે, એ શું તમે કબૂલતા નથી?

કોશ્યારીએ એમના પત્રમાં ઠાકરેની ટીકા કરતા એમ જણાવ્યું છે કે, તમે 1 જૂને એમ કહેલું કે તમે લોકડાઉનને કચરાપેટીમાં ફેંકી દઈશું, પણ ચાર મહિના પછી તમે જ ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવા પરના પ્રતિબંધને લંબાવ્યો છે.

આના જવાબમાં ઠાકરેએ કહ્યું કે, અમારી (મહાવિકાસ આઘાડી) સરકારનું પ્રથમ કર્તવ્ય લોકોના જાનનું રક્ષણ કરવાનું છે. જેમ લોકડાઉન અચાનક લાગુ કરી દેવાનું પગલું ખોટું હતું, તેમ લોકડાઉનને અચાનક હટાવી લેવું એ યોગ્ય ન કહેવાય, એમ કરવાથી કોરોના વાઈરસના ફેલાવાને છૂટો દોર મળી જાય.

33મી પુણ્યતિથિએ મનમોજીલા કિશોરકુમારની યાદ

ચલતે ચલતે, મેરે યે ગીત યાદ રખના

કભી અલવિદા ના કહના, કભી અલવિદા ના કહના.

*****

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર

કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં.

*****

રૂક જાના નહીં, તૂ કહી હાર કે

કાંટો પે ચલ કે મિલેંગે સાયેં બહાર કે

ઓ રાહી ઓ રાહી.


બોલીવૂડના દિગ્ગજ પાર્શ્વગાયક અને એક્ટર કિશોરકુમારને લોકો આજે પણ યાદ કરે છે. તેમના દરેક ગીતો લોકપ્રિય થયા છે. તેમણે ફિલ્મની દરેક કલા પર હાથ અજમાવ્યો હતો અને એમાં સફળ સાબિત થયા હતા. કિશોરકુમારને લોકો તેમના બિનધાસ્ત વ્યક્તિત્વ માટે પણ ખાસ યાદ કરે છે. ફિલ્મસેટથી માંડીને ખાનગી જિંદગીમાં તેઓ બહુ મનમોજી વ્યક્તિ હતા. આજે કિશોરકુમારની 33મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમના કેટલાક યાદગાર પ્રસંગો વિશે જાણીએ.

ફિલ્મ સેટ પર કિશોરકુમારની મસ્તી

એક ઇન્ટરવ્યુ દરમ્યાન કિશોરકુમારના પુત્ર અમિતકુમારે જણાવ્યું હતું કે એક વાર જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું થયું અને યુનિટના લોકો તેમની પાસે પૈસા માગવા આવ્યા ત્યારે કિશોરકુમારે કહ્યું, આટલો બધો ખર્ચો કેમ થઈ ગયો? આટલો ખર્ચો તો ન થવો જોઈએ. શું સમજે છે ડિરેક્ટર? જો હું પ્રોડ્યૂસર છું તો ચાલો, ભગાડો આ ડિરેક્ટરને –કે જે આટલો બધો ખર્ચ કરી રહ્યો છે. કોણ છે ડિરેક્ટર? આ સવાલના જવાબમાં લોકોએ કહ્યું કે તમે જ તો છો ડિરેક્ટર- એ સાંભળીને તેમણે કહ્યું, અરે, ડિરેક્ટર તો હું જ છું.

 મસૂરી ફરવા જવાની યોજના

કિશોરકુમારને અલગ-અલગ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદવાનો શોખ હતો. એક વાર તેઓ બજારમાં અમસ્તા જ ગયા હતા, ત્યાં અચાનક એક દુકાનમાં એમની નજર મસૂરની દાળ પર પડી અને તેમણે તરત જ મસૂરી હિલસ્ટેશન ફરવા જવાની યોજના બનાવી લીધી હતી.

ખુદનો ઇન્ટરવ્યુ લેવા ઇચ્છતા હતા કિશોરકુમાર

રેડિયોના જાણીતા બ્રોડકાસ્ટર અમીન સાયાનીએ એક વાર BBCને જણાવ્યું હતું કે કિશોરકુમાર બહુ મજાના અને શરારતી વ્યક્તિ હતા. એક વાર કિશોરકુમારે અમીન સાયાનીને એ શરતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કે તેઓ પોતે જ પોતાનો ઇન્ટરવ્યુ લેશે. ત્યાર પછી અમીન સાયાનીને આપેલા એક અન્ય ઇન્ટરવ્યુમાં કિશોરકુમારે સંગીતકાર એસ.ડી. બર્મન સાથે પોતાની પહેલી મુલાકાતની નકલ કરીને બતાવી હતી.

કિશોર સાવ બાળક જેવા હતા

રુમા ઘોષ, મધુબાલા અને યોગિતા બાલી પછી કિશોરકુમારે લીના ચંદાવરકરની સાથે ચોથા લગ્ન કર્યાં હતાં. એક ઇન્ટરવ્યુમાં લીનાએ જણાવ્યું હતું કે કિશોર એકદમ મસ્તીખોર બાળક જેવા હતા. ક્યારેક-ક્યારેક વરસાદને જોઈને એટલા ખુશ થઈ જતા કે જાણે એને પહેલી જ વાર જોઈ રહ્યા હોય. લોકોને આશ્ચર્યચકિત કરવામાં એમને બહુ મજા આવતી હતી.

ચોકીદારને ડરાવ્યો

એક ઇન્ટરવ્યુમાં લીના ચંદાવરકરે જણાવ્યું હતું કે એક વાર કિશોર વિદેશથી અનેક પ્રકારના ચહેરાના માસ્ક લાવ્યા હતા. એક વાર તો તેમણે મોઢા ઉપર માસ્ક પહેરીને અમારાં ઘરના ચોકીદારને પણ ડરાવી દીધો હતો.

 

લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ અમને માન્ય નથીઃ ચીન

બીજિંગઃ ચીન લદાખને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્વીકારતું નથી. ભારતે એને ગેરકાયદેસર રીતે સ્થાપિત કરી દીધો છે. એવી જ રીતે અરૂણાચલ પ્રદેશને પણ અમે ભારતના રાજ્ય તરીકે સ્વીકારતા નથી. આવું ચોંકાવનારું વિધાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજીયાને કર્યું છે.

ભારતે ચીન સાથેની સરહદ નજીક પોતાની તરફના ભગોમાં 44 નવા પૂલ બાંધ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેનું લોકાર્પણ કર્યું છે. એને કારણે ચીન ભડક્યું છે. લદાખમાં ભારત દ્વારા હાથ ધરાતા માળખાકીય વિકાસકાર્યો સામે ચીનને વાંધો છે.

ઝાઓ લિજીયાનનું કહેવું છે કે ભારત દ્વારા કરાતા માળખાકીય બાંધકામો જ બંને દેશ વચ્ચે સરહદીય તંગદિલીનું મૂળ કારણ છે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શનિવારે 9.02 કિ.મી. લાંબી ટનલનું ઉદઘાટન કર્યું હતું. આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલી અને લદાખના લેહને જોડે છે.

રાજનાથ સિંહે લદાખમાં 8 અને અરૂણાચલ પ્રદેશમાં 8 નવા બંધાયેલા બ્રિજનું ઉદઘાટન કર્યું એ પણ ચીનને ગમ્યું નથી. એ વિશે પ્રત્યાઘાત આપવાનું કહેવાયું તો લિજીયાને કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે ચીન લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્ય રાખતું નથી. ભારતે લદાખ અને અરૂણાચલ પ્રદેશને ગેરકાયદેસર રીતે પોતાના સ્થાપિત કરી દીધા છે. આ બે સ્થળે માળખાકીય વિકાસકાર્યો હાથ ધરાય એની સામે અમારો વિરોધ છે. અમે ભારતને વિનંતી કરીએ છીએ કે તે આ બાબતમાં અમારી વચ્ચે થયેલી સર્વસંમતિનો અમલ કરે અને પરિસ્થિતિ બગડે એવા પગલાં ન લે.

દશેરાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ફરી ખુલ્લું મૂકાશે

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારક આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાની આજુબાજુનાં સ્થળો પણ મુલાકાતીઓ, પર્યટકો માટે ફરી ખુલ્લા મૂકાશે. આ માટે વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરદાર પટેલના સ્મારકને ૨૪ માર્ચથી કોરોનાને કારણે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

કોરોના ગાઈડલાઈન્સનું પાલન

સાત મહિના બાદ ૨૫મી ઓક્ટોબર દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને ખુલ્લું મૂકવામાં આવશે. તંત્રે પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આવનારા પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. અહીં દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યાં જ વ્યુઇંગ ગેલેરીમાં માત્ર 500 લોકોને જ પ્રવેશ અપાશે. દર બે કલાકે માત્ર ઓનલાઇન ટિકિટ જ મળશે. વળી, અહીં ટિકિટ બારી પરથી ટિકિટ નહીં મળે.

વડા પ્રધાન 31 ઓક્ટોબરે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મતિથિ છે અને એ દિવસે વડા પ્રધાન મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે એકતા દિવસની ઉજવણી માટે આવવાના છે, જે માટે તંત્ર દ્વારા વડા પ્રધાન અને પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મધ્ય પ્રદેશના 14 પ્રધાનો સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના 14 પ્રધાનોની સામે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આ પ્રધાનો પર ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતાં તેમને પદથી દૂર કરવાની માગ કરી છે. મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર ત્રીજી નવેમ્બરે પેટા ચૂંટણી થવાની છે. આ બધા પ્રધાનો ભૂતપૂર્વ વિધાનસભ્યો છે અને પેટા-ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે આ બધા પ્રધાનો જીતવા માટે પોતાના પદ અને વર્ચસનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે. જોકે સત્તારૂઢ ભાજપ સરકારે બધા આરોપોથી ઇનકાર કરી દીધો છે. ભાજપ સરકારે કહ્યું છે કે તેમના ઉમેદવારોમાંથી કોઈએ પણ પદનો દુરુપયોગ નથી કર્યો અને ના તો આચારસંહિતાની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે.  આ 14 પ્રધાનોએ આ વર્ષના પ્રારંભમાં કોંગ્રેસ પાર્ટી અને પોતાની વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને એ પછી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. હવે આ પ્રધાનો રાજ્યમાં ત્રીજી નવેમ્બરે થનારી પેટા ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી

મધ્ય પ્રદેશ કોંગ્રેસ એકમે ગઈ કાલે આ પ્રધાનોની સામે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ સોંપી હતી. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ આરોપ કર્યો હતો કે શિવરાજ સિંહ ચૌહાણા આ પ્રધાનો મતદાતાઓને આકર્ષવા માટે પોતાના પદોનો દુપયોગ કરી રહ્યા છે. ખોટી યોજનાઓની ઘોષણા કરી રહ્યા છે. તેમના પ્રભાવનો ઉપયોગ કરીને ખોટેખોટો ફાઉન્ડેશનનો પાયો નાખવા સમારોહ કરી રહ્યા છે. આ પ્રધાનો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે આ પ્રધાનોના વિભાગોમાં અધિકારી સત્તારૂઢ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે, જેથી પાર્ટી માટે પ્રચાર કરી શકાય. સલુજાએ માગ કરી હતી કે આ પ્રધાનોને સ્વતંત્ર અને નિષ્પક્ષ પેટા ચૂંટણી માટે તત્કાળ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામાં આપી દેવાં જોઈએ.

મધ્ય પ્રદેશના ભાજપ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ બધા આરાપોને નિરાધાર બતાવતાં ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના આરોપ લગાડવા માનસિક રૂપે હેરાનગતિ કરવાની છે. હવે આ પ્રધાનો જનતાની અદાલતમાં છે અને જનતા તેમની કિસ્મતનો નિર્ણય કરશે.

બાંગ્લાદેશમાં બળાત્કારીઓને ફાંસીનો કાયદો અમલમાં

ઢાકાઃ બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ અબ્દુલ હમીદે બળાત્કારીઓ માટે આજીવન કારાવાસની સજાને વધારીને ફાંસી ફટકારતા એક વટહૂકમ પર આજે સહી કરી દીધી છે.

વડાં પ્રધાન શેખ હસીનાની આગેવાની હેઠળનાં પ્રધાનમંડળે ગઈ કાલે મહિલાઓ અને બાળકો પર અત્યાચાર પ્રતિબંધ કાયદામાં સુધારો મંજૂર કર્યો હતો. અગાઉના કાયદામાં બળાત્કારીઓને આજીવન જેલની સજાની જોગવાઈ હતી.

નોઆખલી શહેરમાં એક મહિલાની જાતીય સતામણી કરાતાં અને સિલ્હેટ શહેરની એમ.સી. કોલેજમાં એક અન્ય મહિલા પર બળાત્કાર કરાતાં બાંગલાદેશમાં ઠેરઠેર પ્રચંડ વિરોધ ઊભો થયો છે. પાટનગર ઢાકા શહેરના શાહબાગ ચોક ખાતે અનેક સંસ્થાઓ, સંગઠનોએ વિરોધ-દેખાવો કર્યા હતા.

બાંગ્લાદેશમાં છેલ્લા 16 વર્ષોમાં બળાત્કારના 4,541 કિસ્સા નોંધાયા છે. એમાંથી માત્ર 60 આરોપીઓને જ સજા આપવામાં આવી હતી.

આ જ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં બાંગ્લાદેશમાં ઓછામાં ઓછી 889 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, એવું માનવ અધિકારોના એક ગ્રુપનો દાવો છે.

આ જ સમયગાળા દરમિયાન બીજી 192 મહિલાઓ પર બળાત્કારના પ્રયાસો કરાયા હોવાના કે જાતીય સતામણી કરાઈ હોવાના બનાવો નોંધાયા છે. આમાં 9 કમનસીબ સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી.

માનવાધિકાર ચળવળકારોનું માનવું છે કે બળાત્કાર અને સ્ત્રીઓની જાતીય સતામણીના આનાથી પણ વધારે કેસો હશે, કારણ કે પીડિત સ્ત્રીઓ ડરને કારણે પોલીસમાં ફરિયાદ કરતી નથી.

ઓનલાઇન ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ 2019ને પહેલા વર્ષે દર્શકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. હવે  આ ફેસ્ટિવલ વર્ષ 2020માં એની બીજી આવૃત્તિ સાથે ફરી યોજવામાં આવી રહ્યો છે, પરંતુ  આ વર્ષે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં ફેસ્ટિવલ ઓનલાઇન યોજવામાં આવી રહ્યો છે. ફિલ્મનું સ્ક્રીનિંગ સત્તાવાર યુટ્યુબ ચેનલ પર થશે. આ વર્ષે આ ફેસ્ટિવલ 18 અને 19 ડિસેમ્બર, 2020એ પસંદ થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજવામાં આવશે. ગયા વર્ષે આ ફેસ્ટિવલમાં કુલ 40 ફિલ્મોમાંથી સાત ભાષાઓની 17 ફિલ્મોનું અમદાવાદમાં વિનામૂલ્યે સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું.

ફેસ્ટિવલના સ્ક્રિનિંગ તથા હરીફાઇ માટે ચાર કેટેગરી

આ ફેસ્ટિવલ તથા હરીફાઇ માટે કુલ ચાર કેટેગરી છે, જેમાં ચિલ્ર્ડ્રન ફીચર ફિલ્મ ( 41 મિનિટ કે તેથી વધુ), શોર્ટ ફિલ્મ (40 મિનિટ અથવા તેનાથી ઓછી) ડોક્યુમેન્ટરી ફિલ્મ (10થી 40 મિનિટ) તથા સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરી (પાંચથી 40 મિનિટ) રહેશે. કોઈ પણ દેશની કોઈ પણ ભાષામાં બનેલી ફિલ્મો હઈ શકે છે. આ વર્ષે ફેસ્ટિવલ માટે એન્ટ્રી ઓપન થતાની સાથે જ દેશભરમાંથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. ઇરાન, જર્મની, ચીન, ઇઝરાયેલ, અમેરિકા, કેનેડા, ઇટાલી, જાપાન, તુર્કી, યુનાઇટેડ કિંગડમ તથા દેશભરમાંથા નોંધપાત્ર એન્ટ્રીઝ આવી રહી છે.

 ફિલ્મો કેવી રીતે સબમિટ કરશો

વિશ્વમાં સૌથી ફિલ્મ ફેસ્ટિવલ હોસ્ટિંગ સાઇટ, ફિલ્મફ્રીવે પર AICFFમાં પસંદ થયેલી ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશેઆ એન્ટ્રી ફિલ્મફ્રીવે પર સબમિટ કરવાની રહેશેઃ  URL: https://filmfreeway.com/aicff  અને સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરીમાં કોઈ પણ સ્ટુડન્ટ વિનામૂલ્યે ફિલ્મ સબમિટ કરી શકશે.

 એવોર્ડ્સ માટેની વિવિધ કેટેગરી (ફીચર ફિલ્મ)

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ફિલ્મ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ એક્ટર, બેસ્ટ  ચાઇલ્ટ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ.

આ વર્ષે ફિલ્મ  ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સાયની તથા જ્યુરી સભ્યો તરીકે અભિનેત્રી-દિગ્દર્શક આરતી પટેલ અને આશિષ કક્કડ છે.

 

હૈદરાબાદઃ ગુજરાતીઓનો ‘ઓનલાઈન ગરબા શો’

હૈદરાબાદઃ ભારતના પ્રથમ વર્ચ્યુઅલ ગરબા શોનું હાલમાં જ હૈદરાબાદમાં વસતાં ગુજરાતી બીના મહેતાએ આયોજન કર્યું હતું. ‘ગરબાની રમઝટ’ શીર્ષક સાથે ગઈ પાંચ ઓક્ટોબરે યોજાઈ ગયેલા એ વર્ચ્યુઅલ લાઈવ ગરબાને ‘ઝૂમ’ અને એમની ‘યૂટ્યૂબ’ ચેનલ પર જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. પાંચ હજાર કરતાંય વધારે દર્શકોએ એનો લ્હાવો માણ્યો હતો.

હાલ કોરોના વાઈરસે સર્વત્ર ભરડો લીધો છે ત્યારે ખેલૈયાઓ એમની ગરબા ટેલેન્ટને પ્રદર્શિત કરી શકે અને ઘરમાં જ રહીને ગરબાનો આનંદ માણી શકે એ માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે બીના મહેતાએ આ વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું હતું જેને દેશ-વિદેશમાં વસતા ઘણા ગુજરાતી દર્શકોએ વખાણ્યો છે.

આ વર્ચ્યુઅલ ગરબા શોના જજ હતાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફર્સ સમીર તન્ના અને અર્ષ તન્ના તેમજ હૈદરાબાદસ્થિત સોશ્યલાઈટ ભાવના હેમાની.

આ વર્ચ્યુઅલ ગરબા શોમાં અંબા માતાની આરતી પણ કરવામાં આવી હતી અને વિજેતાઓને રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા હતા.

આ ઓનલાઇન સ્પર્ધામાં કુલ 51 એન્ટ્રી આવી હતી.

જેમાંથી સુરતના આયુષી અને અર્ષ દેસાઇને પ્રથમ ઇનામ, સુરતના જ ખુશી ઝવેરી અને મનીષ જાદવને દ્વિતિય ઇનામ અને વેણુ અને નિકી જોસેફને ત્રીજું ઇનામ મળ્યું હતું.

સમીર અને અર્ષ તન્નાએ જેમાં કોરિયોગ્રાફી કરી હતી તે ‘હેલ્લારો’ ફિલ્મના ગીત ‘વાગ્યો રે ઢોલ’ પર બીના મહેતાએ વિશેષ ગરબા નૃત્ય રજૂ કર્યું હતું અને એ રીતે મહેમાનોને આવકાર્યા હતા.

આ વખતે નવરાત્રિ ગ્રાઉન્ડ પર ન ઉજવી શકાય તો કાંઇ નહીં, ગુજરાતીઓ તો ઓનલાઇન પણ ગરબા ઉજવી શકે છે એ હૈદરાબાદના ગુજરાતીઓએ દેખાડી આપ્યું છે.

વડોદરાઃ વાત જ ન કરશો નવરાત્રિના બિઝનેસની…

વડોદરાઃ ગુજરાતના અનેક ગામ-શહેરના ગરબા કોઈકને કોઈ વિશેષતા ધરાવે છે. એમાંય વાત વડોદરાની હોય તો અહીંના નોખા ગરબાની ગૂંજ તો દૂર દૂર સુધી સંભળાય. શહેરના મસમોટા મેદાનમાં પચાસ હજાર જેટલા ખેલૈયા હિલોળે ચડ્યા હોય. એનાથીય મોટી સંખ્યામાં દર્શકો ગરબા જોવાની મઝા લૂંટતા હોય. આ ભવ્ય નજારો જોવા દેશ-વિદેશથી દર્શકો આવીને અહીં રોકાય. એ લોકો નવ રાત મનપસંદ મેદાનમાં ગરબા નિહાળવા સાંજથી નીકળી પડે. મધ્યાન્તર અને ગરબા પૂરા થાય કે ખાણી -પીણીના સ્ટોલ પર વાનગીઓનો સ્વાદ માણવાનો. એમાંય છેલ્લે નોરતે તો ઘરે પાછા જતા સવાર પડી જાય.

જો કે આ વર્ષે કોરોનાના નામનું ગ્રહણ ગરબાને નડ્યું છે. મોટા ભાગના આયોજકોએ જ નનૈયો ભણી દીધો છે. એનાથી તો ઘણાને જિંદગીની  એક નવરાત્રિ નકામી ગઈ એનો રંજ છે. નવરાત્રિના આડે હવે  આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી છે એમ છતાં શહેરની બજારમાં ગ્રાહકોની ચહલપહલ નથી. ખરેખર તો ત્રણ અઠવાડિયા પહેલા બજારમાં કીડિયારું ઉભરાય. વડોદરાની નવા બજાર, મંગલ બજાર, ઘડિયાળી પોળ , અલકાપુરી વગેરે વિસ્તારમાં ચાલવાની જગ્યા ન મળે. કેટલીક યુવતી એક સાથે પાંચ-સાત ચણીયા- ચોળી ખરીદી લે. એના મેચિંગમાં દાગીના અને મેકઅપનો સામાન તો કેમ ભૂલાય? ચાલુ વર્ષે એ બધું સ્વપ્ન લાગે છે. ખેલૈયા દુઃખી છે અને વેપારી લમણે હાથ દઈ બેઠા છે.

નવા બજારમાં ચણીયા-ચોળીની દુકાન ધરાવતા દીપકભાઈ શાહ ચિત્રલેખા ને કહે છે કે આ વર્ષે ધંધો નહીં થાય એ વાતની ખાતરી હતી. એટલા માટે આ વર્ષે ચણીયા-ચોળીનો સ્ટોક કર્યો નથી. સામાન્ય સંજોગોમાં પાંચ મહિના પહેલા ચણીયા-ચોળીની ડિઝાઈન અને રો મટીરીયલ કારીગરોને મોકલાવી દઈએ અને નવરાત્રિના મહિના પહેલા દુકાનમાં માલ આવવા લાગે. સેંકડો ચણીયા-ચોળી તો રાજકોટ, અમદાવાદ અને સ્થાનિક કારીગરો પાસેથી તૈયાર કરાવી ખરીદી લેતા. એ પણ વેચાઈ જશે એની ગેરેન્ટી સાથે!

દીપકભાઈ કહે છે કે ચણીયા-ચોળી વેચતા શહેરમાં દોઢસો થી બસો જેટલા નાના -મોટા વેપારી છે. એ ઉપરાંત, સિઝનલ ધંધો કરવાવાળા દોઢસો જેટલા વેપારી. એ લોકો સિઝનમાં રૂપિયા 60,000 થી એક લાખ ચૂકવી ભાડે દુકાન રાખે. રોડ સાઈડ પરના  નાના ધંધાવાળા તો અલગ. બધા ભેગા થઈ નવરાત્રીમાં અંદાજે દોઢસો કરોડનો ધંધો કરી લે. એમની સાથે ઈમિટેશન જવેલરીવાળા પણ આ સિઝનમાં લગભગ 40 કરોડનો ધંધો કરે. આ વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ શાહ ચિત્રલેખા ને કહે છે કે લોકડાઉન લાગુ થયું ત્યારથી ગંધ હતી કે આ નવરાત્રિ કોરી જશે. એ ધ્યાનમાં રાખી નવા દાગીનાનો ઓર્ડર આપ્યો જ નહોતો. અગાઉ તો અમુક યુવતી એક સાથે બે-ત્રણ હજારના દાગીના ઉભા ઉભા ખરીદી લે. એવાય પાછા રોજના 40થી 50 ગ્રાહક આવે. અત્યારે તો પાંચ રૂપિયાના ચાંલ્લાના પેકેટને વેચતા પરસેવો પડી જાય છે.

વડોદરામાં દસેક મેદાન પર સામુહિક ગરબા થાય. એ મેદાનોને રાજવી ઠાઠથી સજાવવામાં આવે. આ સજાવટ કરનારા ફરાસખાનાવાળા માત્ર નવરાત્રિમાં 50 કરોડનો ધંધો કરી લેતા. એ લોકો તો જાતે જ સમજી ગયા કે આ વખતે એક રૂપિયાનું કામ સુધ્ધાં મળવાનું નથી.

ઢોલ, નગારા, તબલા, રામઢોલ, નાલ, વગેરે વગર ગરબા શક્ય નથી. નવરાત્રિ પહેલાં ગાયકવૃંદ અને મંડળવાળા ઢોલ-નગારા વગેરે ખરીદે કે રીપેર કરાવે. શહેરમાં ઢોલ-નગારા વેચતા ચારેક જાણીતા ડબગર છે. ગુજરાત તબલા સ્ટોરવાળા અશોકભાઈ ડબગર ચિત્રલેખા ને કહે છે કે આજ દિન સુધી સમખાવા પૂરતું એક ઢોલ વેચાયું નથી. કોઈ તબલા રીપેર કરાવવા પણ આવ્યું નથી. આ નવરાત્રિએ તો અમારે બેકારીમાં મંજીરા જ વગાડવાના છે!

(ગોપાલ પંડયા-વડોદરા) 

(તસવીરોઃ ચિરાગ ભટ્ટ)