લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ અમને માન્ય નથીઃ ચીન

બીજિંગઃ ચીન લદાખને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્વીકારતું નથી. ભારતે એને ગેરકાયદેસર રીતે સ્થાપિત કરી દીધો છે. એવી જ રીતે અરૂણાચલ પ્રદેશને પણ અમે ભારતના રાજ્ય તરીકે સ્વીકારતા નથી. આવું ચોંકાવનારું વિધાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજીયાને કર્યું છે.

ભારતે ચીન સાથેની સરહદ નજીક પોતાની તરફના ભગોમાં 44 નવા પૂલ બાંધ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેનું લોકાર્પણ કર્યું છે. એને કારણે ચીન ભડક્યું છે. લદાખમાં ભારત દ્વારા હાથ ધરાતા માળખાકીય વિકાસકાર્યો સામે ચીનને વાંધો છે.

ઝાઓ લિજીયાનનું કહેવું છે કે ભારત દ્વારા કરાતા માળખાકીય બાંધકામો જ બંને દેશ વચ્ચે સરહદીય તંગદિલીનું મૂળ કારણ છે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શનિવારે 9.02 કિ.મી. લાંબી ટનલનું ઉદઘાટન કર્યું હતું. આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલી અને લદાખના લેહને જોડે છે.

રાજનાથ સિંહે લદાખમાં 8 અને અરૂણાચલ પ્રદેશમાં 8 નવા બંધાયેલા બ્રિજનું ઉદઘાટન કર્યું એ પણ ચીનને ગમ્યું નથી. એ વિશે પ્રત્યાઘાત આપવાનું કહેવાયું તો લિજીયાને કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે ચીન લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્ય રાખતું નથી. ભારતે લદાખ અને અરૂણાચલ પ્રદેશને ગેરકાયદેસર રીતે પોતાના સ્થાપિત કરી દીધા છે. આ બે સ્થળે માળખાકીય વિકાસકાર્યો હાથ ધરાય એની સામે અમારો વિરોધ છે. અમે ભારતને વિનંતી કરીએ છીએ કે તે આ બાબતમાં અમારી વચ્ચે થયેલી સર્વસંમતિનો અમલ કરે અને પરિસ્થિતિ બગડે એવા પગલાં ન લે.