Home Blog Page 38

વાનખેડેમાં MIની ESA મેચ: ૨૦,૦૦૦થી વધુ બાળકો સાથે નીતા અંબાણીની ઉજવણી

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમ ખાતે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સની વાર્ષિક ‘એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ’ (ESA) મેચ યોજાઈ હતી. રિલાયન્સ ફાઉન્ડેશન અને મુંબઈ ઈન્ડિયન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ખાસ મેચ દરમિયાન આખું સ્ટેડિયમ ૨૦,૦૦૦થી વધુ બાળકોના ઉત્સાહ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર સ્ટેડિયમ જાણે ‘બ્લુ સમંદર’માં ફેરવાઈ ગયું હતું.નીતા મુકેશ અંબાણીના વિઝન હેઠળ શરૂ કરાયેલી આ પહેલમાં મહારાષ્ટ્રભરમાંથી આવેલા વંચિત, પ્રજ્ઞાચક્ષુ (વિઝ્યુઅલી ઈમ્પેરડ) અને દિવ્યાંગ બાળકોએ સ્ટેડિયમમાં લાઈવ મેચની મજા માણી હતી.

“બાળકો ઘણી બધી સુંદર યાદો લઈને ઘરે પાછા ફરે તેવી આશા” – નીતા અંબાણી

બાળકોના અદભુત ઉત્સાહ વિશે વાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “સૌથી પહેલા તો બાળકોના ચહેરા પરનો આનંદ જુઓ. અહીંનો ઉત્સાહ અનુભવવો એ ખૂબ જ અદભુત છે. મુંબઈ ઈન્ડિયન્સ પરિવાર માટે આ ખૂબ જ અમૂલ્ય દિવસ છે. અમે ૧૬ વર્ષ પહેલાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ESAની શરૂઆત કરી હતી અને સમાનતા તથા સર્વસમાવેશકતા (inclusion) હંમેશા અમારી વિચારધારાનો હિસ્સો રહ્યા છે.”

આ વર્ષે પ્રથમ વખત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડના ૧૦૦ પ્રજ્ઞાચક્ષુ બાળકો પણ ‘હિયરિંગ બડીઝ’ (સાંભળવામાં મદદ કરતા સાથીદારો) સાથે મેચ જોવા આવ્યા હતા. આ અંગે એક જૂની યાદ તાજી કરતા નીતા અંબાણીએ કહ્યું, “હું છેલ્લા ૨૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે કામ કરી રહી છું. આ આઈ.પી.એલ. સીઝન શરૂ થઈ તે પહેલાં બાળકોએ મને વિનંતી કરી હતી કે, શું અમે મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા આવી શકીએ? અમે ક્યારેય સ્ટેડિયમ નથી જોયું અને અમારે લાઈવ મેચનો રોમાંચ અનુભવવો છે.’ એટલે જ આજે આ ૧૦૦ બાળકો અહીં હાજર છે. મને આશા છે કે તેઓ અહીંથી જીવનભર યાદ રહે તેવી સ્મૃતિઓ લઈને જશે.”

ભારતને ઓલિમ્પિક સુધી લઈ જવાનું એક અબજ ભારતીયોનું સપનું

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનના રમતગમતના વ્યાપક વિઝન વિશે વાત કરતા ઉમેર્યું કે, “અમે રમતગમત અને શિક્ષણની વિવિધ પહેલો દ્વારા ભારતના ૨૮ રાજ્યોના ૨.૯ કરોડ (૨૯ મિલિયન)થી વધુ બાળકો સુધી પહોંચ્યા છીએ. અમે ૫ વર્ષની નાની ઉંમરથી લઈને ગ્લોબલ સ્ટેજ સુધીના બાળકોને કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને પ્રેક્ટિસની સુવિધાઓ આપીએ છીએ. અમારું અને દેશના એક અબજ લોકોનું સમાન સપનું છે કે એક દિવસ ભારત પોતાના દેશમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરે.”

આયોજનની મુખ્ય વિગતો

  • બાળકોની સહભાગિતા: મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો જેવા કે સતારા, નાસિક, ઇગતપુરી અને વલસાડ સહિતની ૪૦થી વધુ પ્રખ્યાત એનજીઓ (NGO) ભાગીદારોના બાળકો આ મેચના સાક્ષી બન્યા હતા. જેમાં ૨૦૦થી વધુ દિવ્યાંગ અને ૧૦૦ પ્રજ્ઞાચક્ષુ બાળકો સામેલ હતા.

  • વાહનવ્યવહાર: બાળકોને સુરક્ષિત લાવવા અને લઈ જવા માટે ૫૫૦થી વધુ બેસ્ટ (BEST) બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • સ્વયંસેવકો અને સ્ટાફ: સમગ્ર ઈવેન્ટને સફળ બનાવવા માટે રિલાયન્સ, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ અને એનજીઓ તરફથી ૨,૪૦૦થી વધુ સ્વયંસેવકો અને ૧૦૦થી વધુ મેડિકલ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. બાળકો માટે ૯૨,૦૦૦ ફૂડ બોક્સની વ્યવસ્થા કરાઈ હતી.

  • પોલીસ બંદોબસ્ત: ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા મુંબઈ પોલીસના ૫૫૦ ટ્રાફિક ઓફિસર્સ અને ૪૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ એશિયામાં શાંતિની અપેક્ષાએ સેન્સેક્સમાં 1074 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ ઘરેલુ શેરબજારમાં સપ્તાહના પ્રારંભે જોરદાર તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને અમેરિકા-ઈરાન વચ્ચે સંભવિત સમજૂતીની આશાઓ વચ્ચે રોકાણકારોમાં વિશ્વાસ વધતાં બજારમાં લેવાલીનો માહોલ રહ્યો હતો.મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી તઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકા-ઈરાન વાતચીતથી આશા વધી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન સાથેની ચર્ચા સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જોકે તેમણે એ પણ કહ્યું કે ચર્ચાને ઉતાવળમાં આગળ નહીં વધારવામાં આવે, કારણ કે સમય અમેરિકા માટે અનુકૂળ છે. આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં નવી આશા જાગી છે.

કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો

અમેરિકા-ઈરાન સંભવિત સમજૂતીની આશાઓની અસરે ઓઇલના બજાર પર પણ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. મે વાયદા કરાર 5.49 ટકા ઘટીને પ્રતિ બેરલ 97.86 ડોલર પર પહોંચી ગયો. માનવામાં આવે છે કે જો તણાવમાં ઘટાડો થશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે સપ્લાયમાં વિક્ષેપ થવાનો ખતરો પણ ઓછો થશે. સ્થાનિક શેરબજારમા ઇન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો ઉછાળો આવ્યો જ્યારે નિફ્ટી પણ 24,000ને પાર થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે  સેન્સેક્સ 1073 પોઇન્ટ ઊછળી 76,488 અને નિફ્ટી 50 312 પોઇન્ટ ઊછળી 24,031ના મથાળે બંધ આવ્યો હતો. 

 રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો

BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો. BSE પર કુલ 4531 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2785 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1535 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 211 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 154 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 51 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 12 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 14 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

પદ્મ પુરસ્કારોથી સન્માનિત થઈ દેશની 131 વિભૂતિઓ

ભારત સરકાર દ્વારા દર વર્ષે અપાતા સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મ પુરસ્કારો’ (Padma Awards 2026) ના વિતરણની ભવ્ય વિધિ નવી દિલ્હી ખાતે સંપન્ન થઈ છે. સોમવારે રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, ચિકિત્સા, વિજ્ઞાન, રમતગમત અને જાહેર સેવા જેવા ક્ષેત્રોમાં દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરનારી 131 મહાન હસ્તીઓને સત્તાવાર રીતે સન્માનિત કર્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026 માં આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા છે. આ વર્ષના પુરસ્કારોની વિશેષતા એ છે કે તેમાં સામાન્ય જનજીવનમાંથી આવતા પાયાના સમાજસેવકોથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર રમતવીરો અને કલાકારોનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 131 પુરસ્કારો આપવામાં આવ્યા છે, જેમાં 5 પદ્મ વિભૂષણ (દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન), 13 પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

પદ્મ વિભૂષણ: સિનેમા અને ન્યાયતંત્રના દિગ્ગજોને સલામ

દેશના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’ માટે આ વર્ષે 5 એવી હસ્તીઓની પસંદગી કરવામાં આવી હતી જેમણે પોતાના ક્ષેત્રમાં શિખરો સર કર્યા છે. હિંદી સિનેમાના ‘હીમેન’ તરીકે જાણીતા દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોપરાંત કલા ક્ષેત્રે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ કે. ટી. થામસ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી. એસ. અચ્યુતાનંદન (મરણોપરાંત) ને જાહેર જીવનમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપવા બદલ આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મ ભૂષણ: સંગીત, રાજકારણ અને ઉદ્યોગ જગતની હસ્તીઓ ચમકી

સામાજિક અને વ્યાપારી ક્ષેત્રે મોટું યોગદાન આપનાર 13 મહાનુભાવોને આ વખતે ‘પદ્મ ભૂષણ’ એવોર્ડ આપવામાં આવ્યો છે. બોલિવૂડની સુપ્રસિદ્ધ ગાયિકા અલકા યાજ્ઞિક અને સાઉથ સિનેમાના સુપરસ્ટાર મમુટીને કલા ક્ષેત્રે આ સન્માન મળ્યું છે. રાજકારણ અને જાહેર જીવનની વાત કરીએ તો ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારી અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોપરાંત) ના નામો આ યાદીમાં અગ્રેસર છે. આ સાથે જ પ્રખ્યાત ઉદ્યોગપતિ ઉદય કોટકને વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમજ એડવર્ટાઈઝિંગ ગુરુ પીયૂષ પાંડેને (મરણોપરાંત) કલા ક્ષેત્રે પદ્મ ભૂષણ આપીને સરાહના કરવામાં આવી છે.

પદ્મશ્રી: ક્રિકેટના કિંગ રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને એવોર્ડ

દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માટે આ વર્ષે 113 પ્રતિભાઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં રમતગમત ક્ષેત્રે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ટી-20 વર્લ્ડ કપ વિજેતા રોહિત શર્મા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ભુલ્લર અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારના નામ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. કલા જગતમાંથી લોકપ્રિય અભિનેતા આર. માધવન (માધવન રંગનાથન) અને જાણીતા કોમેડિયન અને કલાકાર સતીશ શાહ (મરણોપરાંત) ને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ સાહિત્ય ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન માટે પદ્મશ્રી એનાયત કરાયો છે.

પદ્મ પુરસ્કારો વિજેતાઓની સંપૂર્ણ અને સત્તાવાર યાદી (Complete List)

પદ્મ વિભૂષણ વિજેતાઓ (05):

  • ધર્મેન્દ્ર સિંહ દેઓલ (મરણોપરાંત) – કલા
  • કે. ટી. થામસ – પબ્લિક લાઈફ (જાહેર જીવન)
  • એન. રાજમ – કલા
  • પી. નારાયણન – સાહિત્ય અને શિક્ષણ
  • વી. એસ. અચ્યુતાનંદન (મરણોપરાંત) – પબ્લિક લાઈફ (જાહેર જીવન)

પદ્મ ભૂષણ વિજેતાઓ (13):

  • અલકા યાજ્ઞિક – કલા
  • ભગતસિંહ કોશ્યારી – પબ્લિક લાઈફ
  • કલ્લીપટ્ટી રામાસામી પલાનીસ્વામી – ચિકિત્સા (મેડિસિન)
  • મમુટી – કલા
  • ડૉ. નોરી દત્તાત્રેયુડુ – ચિકિત્સા
  • પીયૂષ પાંડે (મરણોપરાંત) – કલા
  • એસ. કે. એમ. માઈલાનંદન – સામાજિક કાર્ય
  • શતાવધાની આર. ગણેશ – સાહિત્ય
  • શિબુ સોરેન (મરણોપરાંત) – પબ્લિક Lાઈફ
  • ઉદય કોટક – વ્યાપાર અને ઉદ્યોગ
  • વી. કે. મલ્હોત્રા (મરણોપરાંત) – પબ્લિક લાઈફ
  • વેલ્લાપલ્લી નટેસન – પબ્લિક લાઈફ
  • વિજય અમૃતરાજ – રમતગમત

પદ્મશ્રી વિજેતાઓ (113):

એ. ઈ. મુથુનાયગમ, અનિલ કુમાર રસ્તોગી, અંકે ગૌડા, આર્મિડા ફર્નાન્ડિસ, અરવિંદ વૈદ્ય, અશોક ખાડે, અશોક કુમાર સિંહ, અશોક કુમાર હલદાર, બલદેવ સિંહ, ભગવાનદાસ રાયકરવાર, ભારત સિંહ ભારતી, ભિકલ્યા લડક્યા ધિન્ડા, બિશ્વા બંધુ (મરણોપરાંત), બ્રિજલાલ ભટ્ટ, બુદ્ધા રશ્મિ મણિ, ડૉ. બુધરી ટાટી, ચંદ્રમૌલી ગડ્ડામાનુગુ, ચરણ હેમ્બ્રમ, ચિરંજી લાલ યાદવ, દીપિકા રેડ્ડી, ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા, ગડ્ડે બાબુ રાજેન્દ્ર પ્રસાદ, ગફરુદ્દીન મેવાતી જોગી, ગંભીર સિંહ યોન્જોન, ગરિમેલ્લા બાલકૃષ્ણ પ્રસાદ (મરણોપરાંત), ગાયત્રી બાલસુબ્રમણિયન અને સુશ્રી રંજની બાલસુબ્રમણિયન (સંયુક્ત), ગોપાલ જી ત્રિવેદી, ગુડુરુ વેંકટ રાવ, એચ. વી. હાંડે, હાલી વાર, હરિ માધબ મુખોપાધ્યાય (મરણોપરાંત), હરિચરણ સૈકિયા, હરમનપ્રીત કૌર ભુલ્લર, ઇન્દરજીત સિંહ સિદ્ધુ, જનાર્દન બાપુરાવ બોથે, જોગેશ દેઉરી, જુઝર વાસી, જ્યોતિષ દેબનાથ, કે. પાજનીવેલ, કે. રામાસ્વામી, કે. વિજય કુમાર, કબીન્દ્ર પુરકાયસ્થ (મરણોપરાંત), કૈલાશ ચંદ્ર પંત, કલામંડલમ વિમલા મેનન, કેવલ કૃષ્ણ ઠાકુરાલ, ખેમ રાજ સુંદ્રિયાલ, કોલ્લકલ દેવકી અમ્મા જી, કૃષ્ણમૂર્તિ બાલસુબ્રમણિયન, કુમાર બોસ, કુમારસ્વામી થંગરાજ, પ્રો. (ડૉ.) લાર્સ-ક્રિશ્ચિયન કોખ, લ્યુડમિલા વિક્ટોરોવના ખોખલોવા, માધવન રંગનાથન (આર. માધવન), મગંતી મુરલી મોહન, મહેન્દ્ર કુમાર મિશ્રા, મહેન્દ્ર નાથ રોય, મમિડાલા જગદીશ કુમાર, મંગલા કપૂર, મીર હાજીભાઈ કાસમભાઈ, મોહન નાગર, નારાયણ વ્યાસ, નરેશ ચંદ્ર દેવ વર્મા, નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા, નૂરુદ્દીન અહેમદ, ઓથુવાર તિરુથાની સ્વામીનાથન, ડૉ. પદ્મા ગુરમેટ, પાલકોન્ડા વિજય આનંદ રેડ્ડી, પોખિલા લેકથેપી, ડૉ. પ્રભાકર બસવપ્રભુ કોરે, પ્રતીક શર્મા, પ્રવીણ કુમાર, પ્રેમ લાલ ગૌતમ, પ્રોસેનજીત ચેટર્જી, ડૉ. પુન્નિયામૂર્તિ નટેસન, આર. ક્રિષ્નન (મરણોપરાંત), આર. વી. એસ. મણિ, રબી લાલ ટુડુ, રઘુપત સિંહ (મરણોપરાંત), રઘુવીર તુકારામ ખેડકર, રાજસ્થપતિ કલિયપ્પા ગૌંડર, રાજેન્દ્ર પ્રસાદ, રામા રેડ્ડી મમિડી (મરણોપરાંત), રામમૂર્તિ શ્રીધર, રામચંદ્ર ગોડબોલે અને સુશ્રી સુનિતા ગોડબોલે (સંયુક્ત), રતિલાલ બોરીસાગર, રોહિત શર્મા, સગાંયુસાંગ એસ. પોંગેનર, સંત નિરંજન દાસ, શરત કુમાર પાત્ર, સરોજ મંડલ, સતીશ શાહ (મરણોપરાંત), સત્યનારાયણ નુવાલ, સવિતા પુનિયા, પ્રો. શફી શૌક, શશિ શેખર વેમ્પતિ, શ્રીરંગ દેવાબા લાડ, શુભા વેંકટેશ આયંગર, શ્યામ સુંદર, સિમાંચલ પાત્ર, સિવસંકરી, ડૉ. સુરેશ હનગાવડી, સ્વામી બ્રહ્મદેવ જી મહારાજ, ટી. ટી. જગન્નાથન (મરણોપરાંત), ટગા રામ ભીલ, તરુણ ભટ્ટાચાર્ય, ટેચી ગુબિન, થિરુવારૂર ભક્તવત્સલમ, તૃપ્તિ મુખર્જી, વેઝીનાથન કામકોટિ, વેમ્પટી કુટુમ્બ શાસ્ત્રી, વ્લાદિમેર મેસ્તવિરીશ્વિલી (મરણોપરાંત), યુમનામ જાત્રા સિંહ (મરણોપરાંત), એસ. જી. સુશીલમ્મા. આ તમામ પુરસ્કારો દેશના વિકાસ, કલાત્મક વારસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના પ્રભાવને મજબૂત બનાવનારી આ અદ્ભુત પ્રતિભાઓની મહેનત અને સમર્પણની સાક્ષી પૂરે છે.

ફ્યુઅલ, ફર્ટિલાઇઝર અને ફોરેક્સની વધતી કિંમત છતાં અર્થતંત્ર મજબૂતઃ FM

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને  જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, પરંતુ પશ્ચિમ એશિયાના સંકટને કારણે કાચા તેલ, ખાતર અને સોનાની ઊંચી કિંમતોને કારણે વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી રહ્યું છે. વડા પ્રધાન મોદી દ્વારા વિદેશી મુદ્રા બચાવવા કરવામાં આવેલી અપીલનું સમર્થન કરતાં સીતારામને કહ્યું હતું કે આ નિવેદનને વૈશ્વિક કોમોડિટી બજારમાં ઊથલપાથલ અને વધતી આયાત ખર્ચની પરિસ્થિતિમાં સમજવું જોઈએ.

મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની ઊંચી કિંમતોને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને કાચા તેલના ભાવ સતત બદલાઈ રહ્યા છે. છેલ્લા લગભગ 90 દિવસથી કિંમતોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારત હાલમાં આંતરરાષ્ટ્રીય ખાતર અને સોનાની કિંમતોમાં અચાનક થયેલા વધારાનો પણ સામનો કરી રહ્યું છે. આ ત્રણેય વસ્તુઓની ચુકવણી વિદેશી મુદ્રામાં જ કરવી પડે છે, કારણ કે ત્યાં રૂપિયા દ્વારા વેપાર થતો નથી.

3Fs ને સમજવું જરૂરી: નાણાપ્રધાન

તેમણે કહ્યું હતું કે કૃપા કરીને આ થ્રી Fs (Fuel, Fertiliser અને Foreign Exchange ના સંદર્ભને સમજો. તેમનો સંકેત આવશ્યક આયાત અને સોનાની ખરીદીના કારણે બાહ્ય ખાતા પર વધતા દબાણ તરફ હતો. નાણાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના આર્થિક પ્રભાવ અંગે ચિંતાઓ વધી રહી છે. તેમાં શિપિંગ માર્ગો પર જોખમ, માલવહન ખર્ચમાં વધારો અને ઊર્જા બજારમાં અવરોધની શક્યતાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું  હતું કે આ સંકટ માત્ર કૂટનીતિ નથી. વેપારીઓ અને સામાન્ય લોકો માટે તેનો અર્થ થઈ શકે છે – ઇંધણ ખર્ચમાં વધારો, માલ સપ્લાયમાં વિલંબ, મોંઘી શિપિંગ, કાચા માલની અછત, વર્કિંગ કેપિટલ પર દબાણ અને નિકાસ ઓર્ડરોમાં અનિશ્ચિતતા.

કર્ણાટકમાં મુખ્ય મંત્રી બદલાશે? સિદ્ધારમૈયાને દિલ્હીથી તેડું

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસની અંદર ફરી એક વાર મુખ્ય મંત્રી બદલાવાની ચર્ચાઓ તેજ બની છે. તેનું કારણ એ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી હવે નેતૃત્વ પરિવર્તન અંગે વિચારણા કરી રહી છે. જોકે હજી સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે દિલ્હી બોલાવ્યા છે, પરંતુ બેઠક કયા મુદ્દે છે તેની માહિતી તેમને આપવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે અટકળો તો ચાલતી જ રહે છે.

બીજી તરફ, કર્ણાટક કોંગ્રેસના બીજા મોટા નેતા અને ઉપ મુખ્ય મંત્રી ડીકે શિવકુમારે પણ સંયમિત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી બોલાવશે તો તેઓ પણ દિલ્હી જશે. એ સાથે જ નેતૃત્વ બદલવાના સવાલ પર તેમણે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. હકીકતમાં, 2023માં કોંગ્રેસની જીત બાદથી જ એવી ચર્ચા ચાલી રહી છે કે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે “રોટેશન CM” અંગે કોઈ આંતરિક સમજૂતી થઈ હતી. એટલે કે થોડા સમય પછી મુખ્ય મંત્રીપદ શિવકુમારને સોંપવામાં આવી શકે. જોકે કોંગ્રેસે ક્યારેય ખુલ્લેઆમ આવી કોઈ સમજૂતીને સ્વીકારી નથી. એ સમયે બંને નેતાઓએ મુખ્ય મંત્રી પદ માટે મજબૂત દાવેદારી રજૂ કરી હતી. સિદ્ધારમૈયાને લોકપ્રિય અને અનુભવી નેતા માનવામાં આવ્યા, જ્યારે શિવકુમારને સંગઠન સંભાળવા અને મુશ્કેલ સમયમાં કોંગ્રેસને એકજૂટ રાખવાનું શ્રેય મળ્યું. અંતે પાર્ટીએ સિદ્ધારમૈયાને મુખ્ય મંત્રી બનાવ્યા અને શિવકુમારને ઉપ મુખ્ય મંત્રીની જવાબદારી સોંપી.

હવે આ દિલ્હી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોંગ્રેસ કર્ણાટકમાં આંતરિક ખેંચતાણને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટક દક્ષિણ ભારતમાં કોંગ્રેસનું સૌથી મોટું રાજ્ય છે, તેથી પાર્ટી અહીં કોઈ પણ પ્રકારની રાજકીય અસ્થિરતા ઇચ્છતી નથી.વિપક્ષી ભાજપ સતત કોંગ્રેસ પર આંતરિક લડાઈ અને સત્તા માટેની ખેંચતાણના આરોપ લગાવતી રહી છે. બીજી તરફ, શિવકુમારના સમર્થકોનું કહેવું છે કે જો કોઈ સમજૂતી થઈ હતી, તો હવે તેમને તક આપવી જોઈએ.

નીટ પેપર લીક મામલે કોર્ટે કેન્દ્ર, NTA પાસે ‘સુપ્રીમ’ જવાબ માગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નીટ (NEET-UG) મામલે દાખલ થયેલી અરજીઓ પર કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલયને નોટિસ જારી કરી છે. આ ઉપરાંત આ મામલે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ખૂબ જ દુઃખદ છે કે તેમણે હજી સુધી કોઈ પાઠ શીખ્યો નથી. એ સાથે જ NTA પાસેથી પણ જવાબ માગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે NTAને સવાલ કર્યો છે કે કોર્ટના આદેશ પર બનાવવામાં આવેલી ‘મોનિટરિંગ કમિટી’નું શું થયું? તેનો રિપોર્ટ ક્યાં છે?NEET પેપર લીક બાદ દાખલ થયેલી અરજીઓમાં NTAને હટાવવાની, પરીક્ષાને કોમ્પ્યુટર આધારિત બનાવવાની અને કોર્ટની દેખરેખ હેઠળ ફરી પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે.

 કોર્ટની દેખરેખ હેઠળ કમિટી બનાવવાની માગ

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA)એ NEET-UG 2026ને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની સમગ્ર વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. એ સાથે જ આ કામ બીજી એજન્સીને સોંપવાની પણ માગ કરી છે. અરજદારોએ હવે સુપ્રીમ કોર્ટ પાસે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની માગ કરી છે. આ કમિટીમાં એક સાયબર સિક્યોરિટી નિષ્ણાત અને એક ફોરેન્સિક વૈજ્ઞાનિકને પણ સામેલ કરવાની વાત કરવામાં આવી છે.

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી સ્વતંત્ર પરીક્ષા સંસ્થા (NEIC) સત્તાવાર રીતે રચાઈ ન જાય, ત્યાં સુધી ન્યાયિક કમિટીની દેખરેખ હેઠળ NEET-UG 2026ની પુનઃપરીક્ષા લેવાય. અરજીમાં NEET-UG 2026નાં સેન્ટરવાઇઝ પરિણામો જાહેર કરવાની પણ માગ છે, જેથી કોઈ પણ અસામાન્ય પેટર્ન અથવા ગરબડી પારદર્શક રીતે સામે આવી શકે.

 ડિજિટલ લોકિંગ અને ઓનલાઇન પરીક્ષા

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે પેપર લીકના જોખમને સંપૂર્ણપણે ખતમ કરવા માટે પ્રશ્નપત્રોની ‘ડિજિટલ લોકિંગ’ કરવામાં આવે. એ ઉપરાંત પરીક્ષાને પેન-પેપર મોડની બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડલ પર ખસેડવામાં આવે.

 કોર્ટે જવાબ માગ્યો

અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે NTAને મોનિટરિંગ કમિટીની ભલામણોને લઈને હાલની સ્થિતિ દર્શાવતી એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપીએ છીએ. કોર્ટે વધુમાં કહ્યું હતું કે મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન પણ હાઇ પાવર કમિટીનાં સૂચનો અમલમાં મૂકવા માટે લેવાયેલાં પગલાં અંગે એફિડેવિટ દાખલ કરે.

નૌતપા આજથી શરૂઃ IMD દ્વારા અનેક રાજ્યો માટે હીટવેવનું એલર્ટ

નવી દિલ્હીઃ 25 મેથી શરૂ થયેલા નૌતપા સાથે દેશના અનેક ભાગોમાં ભયંકર ગરમી અને હીટવેવનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગ એટલે કે IMD એ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારત, મધ્ય ભારત અને કેટલાક અન્ય વિસ્તારોમાં લૂ ચાલવાની ચેતવણી આપી છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જ્યારે દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં થોડી રાહત મળવાની શક્યતા છે.IMD અનુસાર આ વખતે નૌતપા દરમિયાન અનેક શહેરોમાં તાપમાન 45થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ ચિંતાની બાબત એ છે કે હવે ફક્ત દિવસ જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેશે. એટલે લોકોને રાત્રે પણ ગરમીથી ખાસ રાહત નહીં મળે.

નૌતપો શું છે અને ગરમી કેમ વધી જાય છે

ભારતીય પરંપરામાં નૌતપા એ તે નવ દિવસનો સમય ગણાય છે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન વર્ષની સૌથી તીવ્ર ગરમી પડે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ દરમિયાન સૂર્યનાં કિરણો સીધી અસર કરે છે અને ધરતી ઝડપથી ગરમ થાય છે. જોકે આ વખતે હવામાન નિષ્ણાતો ફક્ત પરંપરાગત માન્યતાઓને કારણે નહીં, પરંતુ સતત વધી રહેલી હીટવેવ જેવી પરિસ્થિતિઓને લઈને પણ ચિંતિત છે.

IMD એ સ્પષ્ટ કહ્યું છે કે આગામી છથી સાત દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં લૂથી લઈને ગંભીર લૂ જેવી પરિસ્થિતિ બની રહેવાની શક્યતા છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ગરમી લોકો માટે સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. હવામાન વિભાગે દિલ્હી-NCR માટે યલો અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લખનૌ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને આગ્રા જેવાં શહેરોમાં પણ ગરમ પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે બહાર નીકળવું આરોગ્ય માટે જોખમી બની શકે છે.

આગામી સાત દિવસ શું કરવું અને શું ન કરવું

હવામાન વિભાગે લોકોને પૂરતું પાણી પીવા, હળવાં કપડાં પહેરવા અને ખાલી પેટે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને ORS અથવા લીંબુ પાણી જેવાં પીણાં લેવું ફાયદાકારક બની શકે છે.

12 દિવસોમાં ચોથી વાર પેટ્રોલ, ડીઝલ અને CNGની કિંમતોમાં ભાવવધારો

નવી દિલ્હીઃ મધ્ય-પૂર્વમાં વધતા તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉતાર-ચઢાવ અને ઊર્જા સંકટ (જેમ કે હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ) વચ્ચે ભારતીય ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલની મોંઘવારીનો વધુ એક મોટો આંચકો લાગ્યો છે. છેલ્લા 12 દિવસમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં ચોથી વખત વધારો નોંધાયો છે. સતત વધતા ભાવોને કારણે સામાન્ય લોકો, નોકરિયાત વર્ગ અને ટ્રાન્સપોર્ટર્સના માસિક બજેટ પર ભારે પ્રતિકૂળ અસર પડી છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા કરવામાં આવેલા તબક્કાવાર ભાવવધારા પછી દેશનાં અલગ-અલગ રાજ્યો અને મોટાં શહેરોમાં ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેને કારણે ઘરેલુ બજારમાં મોંઘવારી વધવાની ભીતિ ઊભી થઈ છે.

 12 દિવસમાં કેટલા વધ્યા પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ?

ઇન્ડિયન ઓઇલના આંકડા મુજબ 15 મેથી ઇંધણના ભાવમાં ફરી વધારો શરૂ થયો હતો. ત્યારથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને લગભગ રૂ. 7.5 પ્રતિ લિટરનો વધારો થયો છે. એ ઉપરાંત CNGના ભાવમાં પણ છેલ્લા 10 દિવસમાં રૂ. 4 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. આ ભાવવધારાની સીધી અસર ટૂ વ્હીલર અને કારના વાહનચાલકો પર તો પડી રહ્યો જ છે, પરંતુ ઓટો અને કેબ ચાલકોની રોજિંદી આવક પણ અસરગ્રસ્ત થઈ રહી છે.

 વૈશ્વિક બજારો પર અસર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે દેશની સરકારી ઓઇલ કંપનીઓ પર દબાણ વધ્યું છે અને તેની ભરપાઈ કરવા માટે ઇંધણના ભાવ વધારવામાં આવ્યા છે.

સરકાર પર વિરોધ પક્ષના હુમલા

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોને લઈને વિરોધ પક્ષે NDA સરકાર પર નિશાન સાધ્યું છે. વિરોધ પક્ષનો આરોપ છે કે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન ઇંધણના ભાવ વધારવામાં આવ્યા નહોતા, પરંતુ મે મહિનામાં ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી સતત ભાવ વધારીને સામાન્ય જનતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ભૂપેન્દ્ર પટેલ અને મનસુખ માંડવીયા વંદે ભારત ટ્રેનમાં સુરત પહોંચ્યા

સુરત: વૈશ્વિક ઇંધણ સંકટ (Fuel Crisis) અને ઊર્જા બચત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અપીલ કરી છે. જેને જીવનમાં ઉતારતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) એ ફરી એકવાર પોતાની સાદગીપૂર્ણ કાર્યશૈલીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.સુરત (Surat) ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધીનગરથી સુરત સુધી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન (Train) માં મુસાફરી કરીને આવ્યા હતા. કોઈ વિશેષ વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય મુસાફરોની જેમ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને બંને નેતાઓએ જનતા સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં ઊભી થયેલી વૈશ્વિક ઇંધણ કટોકટી વચ્ચે દેશવાસીઓને ઇંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહન અપનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. એવા સમયમાં મુખ્યમંત્રીની આ મુસાફરી માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ ઊર્જા બચત, સાદગી અને જવાબદાર જીવનશૈલીનો જીવંત સંદેશ બની રહી હતી.વંદે ભારત (Vande Bharat Train) જેવી આધુનિક ટ્રેનમાં સામાન્ય નાગરિકોની જેમ સફર કરીને બંને આગેવાનોએ બતાવ્યું કે જાહેર પરિવહન માત્ર સુવિધાજનક જ નહીં, પરંતુ રાષ્ટ્રહિતમાં જવાબદાર પસંદગી પણ બની શકે છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

સુરતમાં 1000 વિદ્યાર્થીઓ માટે અદ્યતન ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ શરૂ

સુરત: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurastra Patel Seva Samaj) દ્વારા વાલક પાટિયા ખાતે અદ્યતન ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.મણીબેન ચોક ખાતે નિર્માણ પામેલા આ ભવ્ય સંકુલમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ (students) માટે નિવાસ અને અભ્યાસની સુવિધા સાથે AI રિસર્ચ લેબ, આધુનિક લાઈબ્રેરી અને અદ્યતન શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandviya) અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા (Govindbhai Dholakiya) ના હસ્તે સ્વ. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજે ખેતીથી લઈને ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની મહેનતથી આગવી ઓળખ ઊભી કરી છે. સુરતને ડાયમંડ, ટેક્સ્ટાઈલ અને કન્સ્ટ્રક્શન હબ બનાવવામાં પણ પાટીદાર સાહસિકોનો મોટો ફાળો રહ્યો છે. શિક્ષણને પ્રાથમિકતા આપનાર સમાજ હંમેશાં પ્રગતિના નવા શિખરો સર કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પનો ઉલ્લેખ કરી પાણી, વીજળી, પેટ્રોલ અને સોનાના વિવેકપૂર્ણ ઉપયોગને જીવનશૈલી બનાવવાનો અનુરોધ કર્યો હતો.હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓ માટે જમનાબા ભવન આશીર્વાદરૂપ બનશે. અહીં વિદ્યાર્થીઓને ઘર જેવી સંસ્કારસભર વ્યવસ્થા મળશે. તેમણે મોબાઈલના વધતા પ્રભાવ વચ્ચે દાદા-દાદીઓને બાળકોને મેદાન અને મંદિર તરફ દોરી જવાની અપીલ પણ કરી હતી.મહિલા સુરક્ષાના મુદ્દે તેમણે કહ્યું કે કોઈ દીકરી મુશ્કેલીમાં ફસાય ત્યારે સમાજે ટીકા કરતાં તેને હિંમત અને સહયોગ આપવો જોઈએ. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે સમાજે પોલીસ અને સરકારને સાથ આપવો જરૂરી છે.મનસુખ માંડવીયાએ જમનાબા વિદ્યાર્થી ભવનને સંસ્કાર અને જ્ઞાનનું કેન્દ્ર ગણાવી જણાવ્યું કે જ્ઞાનશક્તિ અને સમાજશક્તિના સમન્વયથી સમાજના ઉત્થાનનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે.કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, પ્રફુલ પાનશેરિયા સહિત અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)