Home Blog Page 39

સુવિચાર – ૨૫ મે ૨૦૨૬

વિશ્વ ફૂટબોલ દિવસ, ગુજરાતમાં રમતને પ્રોત્સાહનની જરૂર

અમદાવાદ: ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે (Football) ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમેધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ના પ્રયત્નોએ દેશમાં આ રમતના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમ છતાં, ગુજરાત (Gujrat) જેવા રાજ્યોમાં ફૂટબૉલને હજુ પણ જરૂરી પ્રોત્સાહન મળવાનું બાકી છે.

ગુજરાત ઉદ્યોગસાહસિકો અને વૈશ્વિક વિચારધારાવાળા લોકોની ધરતી છે. તે તેના ઉદ્યોગસાહસિક સ્વભાવ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને સશક્ત રમતગમત સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશન (જી.એસ.એફ.એ.), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસ.એ.જી.), કેટલીક ફૂટબૉલ ક્લબો અને અકેડેમીઓ તથા થોડાં ઉદ્યોગસાહસિકોના ધરખમ પ્રયત્નો છતાં રાજ્યમાં ફૂટબૉલ હજુ પણ પાછળ છે. ક્રિકેટની જેમ ફૂટબૉલ પણ વૈશ્વિક સ્તરે અબજો ડોલરનો ઉદ્યોગ છે. રાજ્યમાં ફૂટબૉલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂર છે. આથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મેડિસિન અને ટૂરિઝમ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઉભી થઈ શકે છે.

ગ્રાસરૂટ સ્તરે ફૂટબૉલને વ્યવસ્થિત રીતે વિકસાવવાની જરૂર છે. ગુજરાતની શાળાઓ અને કોલેજો ઘણીવાર ક્રિકેટને પ્રાથમિકતા આપે છે, જેના કારણે ફૂટબૉલ માટે માળખાકીય સુવિધાઓ અને કોચિંગનો અભાવ રહે છે. સુવ્યવસ્થિત આંતર-શાળા લીગ, પ્રમાણિત કોચિંગ પ્રોગ્રામ અને સરળતાથી ઉપલબ્ધ મેદાનો ફૂટબોલમાં ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારી શકે છે. જી.એસ.એફ.એ. દ્વારા આ દિશામાં પગલાં લેવાયાં છે, પરંતુ તેની વ્યાપકતા અને સાતત્ય વધારવાની જરૂર છે.

અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરી કેન્દ્રોમાં રિક્રિએશનલ ફૂટબૉલ સંસ્કૃતિમાં વધારો જોવા મળ્યો છે—ટર્ફ ગ્રાઉન્ડ્સ, એમેચ્યોર લીગ્સ અને વીકએન્ડ ટૂર્નામેન્ટ્સ. આ સકારાત્મક સંકેત છે. પરંતુ ગ્રાસરૂટથી વ્યાવસાયિક સ્તર સુધીનો સ્પષ્ટ માર્ગ ન હોવાને કારણે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ અજાણ્યા રહી જાય છે. ગુજરાતમાં રાષ્ટ્રીય ફૂટબોલ સર્કિટમાં મજબૂત હાજરીનો અભાવ છે, જે યુવા ખેલાડીઓ માટે પ્રેરણા અને ઓળખ બંનેને મર્યાદિત કરે છે.

ફૂટબૉલ ક્ષેત્રે રોકાણ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. કોર્પોરેટ સ્પોન્સરશિપ્સ અને પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારી પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. જેમ ગુજરાતના ઉદ્યોગોએ ઔદ્યોગિક વિકાસને ગતિ આપી છે, તેમ તેઓ જી.એસ.એફ.એ.ના માળખામાં વિવિધ વય જૂથો માટે પુરુષો અને મહિલાઓના ટૂર્નામેન્ટ્સને સ્પોન્સર કરીને રમતના વિકાસમાં યોગદાન આપી શકે છે. આથી રાજ્ય સ્તરની ટીમો અને ક્લબોને રાષ્ટ્રીય સ્તરે નિયમિત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે અને પ્રતિભાઓ તેમજ ચાહકો બન્નેને તેનો લાભ મળશે.

તે જ રીતે, ચાહક સંસ્કૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ફૂટબૉલ ચાહક સમુદાયની ઊર્જા પર જીવંત રહે છે. સ્થાનિક ક્લબોને પ્રોત્સાહન આપવું, શહેર આધારિત લીગ મેચોનું આયોજન કરવું અને એક્ઝિબિશન મેચો યોજવી—આ બધાથી મજબૂત ચાહક વર્ગ વિકસાવી શકાય છે. અંગ્રેજી પ્રીમિયર લીગ જેવી વૈશ્વિક લીગના પ્રસારણ દ્વારા યુવાનોમાં રસ વધે છે. પડકાર એ છે કે આ સુષુપ્ત દર્શકોને સક્રિય ભાગીદારીમાં પરિવર્તિત કરવા.

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારનો ટેકો અને સહકાર પ્રેરક બળ તરીકે કામ કરી શકે છે. ફૂટબૉલ મેદાનો માટે જમીન ફાળવતી નીતિઓ, શિક્ષણમાં રમતગમતનો સમાવેશ અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતી નીતિઓ વિકાસને તેજ કરી શકે છે. ફૂટબૉલ માત્ર રમત નથી; તે ફિટનેસ, શિસ્ત, ટીમવર્ક અને સામાજિક એકતાનું સાધન છે.

ગુજરાત પાસે યુવા શક્તિ, સંસાધનો અને મહત્ત્વાકાંક્ષા બધું જ છે. હવે તેને દિશા અને પ્રતિબદ્ધતાની જરૂર છે. સંસ્થાઓ, ઉદ્યોગો અને સમુદાયોના સંયુક્ત પ્રયત્નોથી ગુજરાતમાં ફૂટબૉલ એક ગૌણ પ્રવૃત્તિમાંથી મુખ્ય પ્રવાહની રમતમાં પરિવર્તિત થઈ શકે છે. તક હકીકતમાં છે, હવે તે તક ઝડપવાનું કાર્ય કરવાની જરૂર છે.

(પરિમલ નથવાણી)

(લેખક રાજ્ય સભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ છે.)

૨૫ મે ૨૦૨૬

IPL 2026 પ્લેઓફનું ચિત્ર સંપૂર્ણ સાફ

દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2026 હવે તેના સૌથી રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. લીગ સ્ટેજની તમામ મેચો પૂર્ણ થયા બાદ પ્લેઓફ (Play-Off Round) નું ચિત્ર હવે સો ટકા સ્પષ્ટ થઈ ગયું છે. ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ એટલે કે સીઝનની 69th મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફની ચોથી અને છેલ્લી ટિકિટ પોતાના નામે કરી લીધી છે. રાજસ્થાન રોયલ્સે પોતાની અંતિમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 30 રનથી પરાજય આપીને 16 પોઈન્ટ્સ સાથે પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજસ્થાનની આ મહત્વપૂર્ણ જીતની સાથે જ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનું આ સીઝનનું સપનું રોળાઈ ગયું છે અને તેમનો સફર અહીં જ પૂરો થયો છે.

વાનખેડેમાં રાજસ્થાનનો રાજસી વિજય

મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે એટલે કે 24 May ના રોજ રમાયેલા ડબલ હેડરના પ્રથમ મુકાબલામાં જ પ્લેઓફના સમીકરણો નક્કી થઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સ માટે આ ‘કરો કે મરો’ જેવો મેચ હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને બોર્ડ પર 205 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દબાણ સહન ન કરી શકી અને નિયત ઓવરોમાં માત્ર 175 રન જ બનાવી શકી હતી. આ જીત રાજસ્થાનની આ સીઝનની 8th જીત હતી, જે તેમને સીધી અંતિમ ચારમાં લઈ ગઈ.

પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ: નેટ રનરેટ બન્યો કિંગ

લીગ સ્ટેજ સમાપ્ત થયા બાદ પોઈન્ટ્સ ટેબલમાં જોરદાર રસાકસી જોવા મળી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 18 પોઈન્ટ્સ સાથે ટેબલમાં ટોચના સ્થાને રહી છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના પણ 18-18 પોઈન્ટ્સ જ હતા, પરંતુ સારા નેટ રનરેટ (NRR) ના આધારે ગુજરાત ટાઈટન્સે બીજું સ્થાન મેળવ્યું છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજા ક્રમે ધકેલાયું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો છે.

પ્લેઓફનું સંપૂર્ણ ટાઈમટેબલ

નિયમો અનુસાર, પોઈન્ટ્સ ટેબલની ટોચની બે ટીમો એટલે કે બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે, જ્યારે ત્રીજા અને ચોથા નંબરની ટીમો એટલે કે હૈદરાબાદ અને રાજસ્થાન એલિમિનેટર મેચમાં આમને-સામને ટકરાશે.

આગામી હાઈ-વોલ્ટેજ મેચો ક્યારે અને ક્યાં રમાશે તેની વિગતો નીચે મુજબ છે:

ક્વોલિફાયર-1: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ (26 May, ધર્મશાલા)

એલિમિનેટર: સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (27 May, ન્યૂ ચંદીગઢ)

ક્વોલિફાયર-2: એલિમિનેટરની વિજેતા ટીમ વિરુદ્ધ ક્વોલિફાયર-1 માં હારેલી ટીમ (29 May, ન્યૂ ચંદીગઢ)

ફાઈનલ: ક્વોલિફાયર-1 ની વિજેતા ટીમ વિરુદ્ધ ક્વોલિફાયર-2 ની વિજેતા ટીમ (31 May, અમદાવાદ)

આ વર્ષે કરોડો ક્રિકેટ ચાહકોની નજર 31 May પર ટકેલી રહેશે, કારણ કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે આ સીઝનનો ભવ્ય ફાઈનલ મુકાબલો રમાશે.

યોગ અને પીનિયલ ગ્રંથિ: સ્થિરતા અને પરમાનંદ

સદગુરુ: જેમ જેમ વૈજ્ઞાનિકો માનવ મગજના અભ્યાસ માટે વધુ સારા સાધનોની શોધ કરે છે, તેમ એક વસ્તુ સ્પષ્ટ થઇ રહી છે કે મનુષ્યના મન વિષે આપણે હાલમાં જાણીએ છીએ તેનાં કરતા ઘણું વધારે જાણવાનું બાકી છે. યોગીક ફિસિઓલોજીનું એક પાસું જે આધુનિક ન્યુરોસાયન્સ સાથે બંધબેસે છે તે પીનિયલ ગ્રંથિ અથવા પીનિયલ ગ્લેન્ડ છે. આ ગ્રંથિ હંમેશા આગના ચક્ર સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. આજે જ્ઞાનતંતુઓનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો કહે છે કે પીનિયલ ગ્રંથિનો સ્ત્રાવ વ્યક્તિનની મનોસ્થિતિ (મૂડ) અને અનુભવોને નિયંત્રિત કરે છે.

તબીબી વિજ્ઞાન સ્પષ્ટ કરે છે કે રસાયણો સુખદ અને અણગમતા અનુભવ પેદા કરી શકે છે જે તમને ખુબ વાસ્તવિક લાગે છે. ખરેખર રીતે તો તમેજ આ બધાનું નિર્માણ તમારા પોતા માટે કરો છો. તફાવત એટલો છે કે તમે તેનું નિર્માણ બહારની સહાય સાથે કે તેના વગર કરી શકો છો. જો તમે અત્યારે એકદમથી પરમાનંદની સ્થિતિમાં આવી જાઓ તો તમે બહારની સહાયતા વગર તેનું નિર્માણ કરો છો. જો તમે બાહ્ય ઉત્તેજના વડે તેજ વસ્તુનું નિર્માણ કરો તો અનુભવ સમાન હોય શકે પરંતુ અંતિમ પરિણામ તમારા શરીર કે સિસ્ટમને નુકસાન પહોચાડી શકે છે. બેભાન અનુભવો ભલે કેટલા પણ મોટા હોય પરંતુ તે વ્યક્તિની વૃધ્ધિ અને પરિવર્તન માટે બિલકુલ મહત્વ ધરાવતા નથી.

યોગ ફિસિઓલોજીનું એક પાસું જે આધુનિક તબીબી વિજ્ઞાનમાં ગેરહાજર છે તે એ છે જે હું મારી અંદર સતત ચાલુ રાખું છું તેને “બિંદુ” કહેવાય છે. “બિંદુ”  એટલે એક નાનું ટપકું. તે પીનિયલ ગ્રંથિ પર એક વિશેષ સ્થળ છે. જો તમે બિંદુને સ્પર્શ કરો તો તે એક સ્ત્રાવ ઉત્પન્ન કરશે જે તમને પરમ આનંદિત કરશે. પરંતુ તે બિંદુ પાસે બીજું એક ટપકું છે જેમાં પણ સ્ત્રાવ છે, પરંતુ તે ઝેરી છે. જો તમે ખોટી બાજુના ટપકાને સ્પર્શ કરશો તો ઝેર તમારા આખા સિસ્ટમમાં ફરી વળશે. તે એવી રીતે ફેલાશે, કે કોઈ પણ કારણ વગર તમે દુઃખી થશો. ઘણાં લોકોએ પોતાની સાથે આમ કર્યું છે. તેઓ અયોગ્ય કામ કરીને જીવનમાં દુઃખી થયા છે.

યોગમાં સાધનાના પ્રારંભિક તબક્કાઓ સ્થિરતાને ધ્યાનમાં રાખીને મુકાયેલા છે, આનંદને નહીં. જો પરમ આનંદ સ્થિરતા પહેલાં આવે તો તમે પતન તરફ પ્રયાણ કરી રહ્યા છો. જો પરમ આનંદ સ્થિરતા પછી આવે તો તે ઉત્તમ છે. પરમ આનંદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાઓ ક્યારેય લખવામાં આવી નહોતી. તે ફક્ત અમુક વ્યક્તિઓની હાજરીને લીધે થાય છે, કારણકે તે ખુબ વ્યક્તિલક્ષી છે. તંત્રને લગતી કેટલીક પુસ્તકોમાં તેઓએ આ પ્રક્રિયા વિષે લખવાનો પ્રયાસ કર્યો છે જે મારા પ્રમાણે ખુબ બેજવાબદાર કહેવાય. ધારો કે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો જેના પ્રથમ બે પ્રકરણો તમારી જાતને સ્થિર કરવા માટે કેટલીક સરળ પદ્ધતિઓ દર્શાવે છે અને છેલ્લા પાંચ પ્રકરણો તમને પરમ આનંદના સ્તરો પર લઇ જવાની પદ્ધતિઓ દર્શાવે છે- તમે કયું કાર્ય કરશો? લોકો સ્થિરતા છોડીને પરમ આનંદ તરફ વળશે અને તેમ કરવાથી તેઓ તૂટી શકે છે.

એવી કોઈપણ બાબતની ક્યારેય અભિલાષા ન કરો જે તમારી ધારણામાં નથી. બસ તમારી સાધના કરો. તેથી જ પરંપરાઓ વિશ્વાસ પર આગ્રહ રાખે છે. જો તમને ખબર ન હોય કે છોડ કેવી રીતે ઉગે છે અને હું તમને એક બાજુ ગંદવાડ અને બીજી બાજુ એક સુંદર ફૂલ બતાવીને કહું કે “આ બન્ને વસ્તુઓ એક સરખી છે…” તો શું તમે મારો વિશ્વાસ કરશો? તેની માટે એક અલગ સ્તરના વિશ્વાસની જરૂર પડે છે. તેથી આપણે તે બધી વસ્તુઓ વિષે વાત નથી કરતા. કારણકે આ બધું તર્ક પર આધારીત નથી. અને આ જ કારણે એક ગુરુની જરૂર પડે છે કારણકે થોડું સમારકામ કરવું જરૂરી છે. થોડું સમારકામ કર્યા વિના તમે રેખાને પાર નહીં કરી શકો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

પંચાંગ 25/05/2026

હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ કરવા ઈરાનનો ઐતિહાસિક નિર્ણય

છેલ્લા કેટલાય મહિનાઓથી મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવના કારણે આખી દુનિયા પર આર્થિક મંદી અને તેલ કટોકટીના વાદળો ઘેરાયેલા હતા. આ ભયાનક વાતાવરણની વચ્ચે વૈશ્વિક બજાર અને આંતરરાષ્ટ્રીય શિપિંગ ઉદ્યોગ માટે એક અત્યંત રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાને એક બહુ મોટું એલાન કરતા જણાવ્યું છે કે તે આગામી 30 દિવસની અંદર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ એટલે કે હોર્મુઝની સામુદ્રધુની પરથી તમામ પ્રકારના સૈન્ય અને વ્યાપારી પ્રતિબંધો હટાવી લેશે. આ નિર્ણય બાદ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર જહાજોની અવરજવર યુદ્ધ શરૂ થવા પહેલાના સ્તરે સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અછત દૂર થશે.

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની આ સામુદ્રધુની સમગ્ર વિશ્વના વ્યાપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલ તેમજ ગેસની સપ્લાય માટે પૃથ્વીની મુખ્ય ‘લાઈફલાઈન’ (જીવાદોરી) ગણાય છે. તાજેતરના મહિનાઓમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે વધેલી સૈન્ય તનાતનીને કારણે આ રૂટ પરથી પસાર થતા માલવાહક જહાજોની સંખ્યા નહિવત થઈ ગઈ હતી. વૈશ્વિક તેલ કંપનીઓ અને મોટા જહાજ માલિકોને સમુદ્રમાં હુમલાઓ થવાનો સતત ડર સતાવી રહ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિને લીધે દુનિયાભરમાં ઈંધણની કૃત્રિમ અછત ઉભી થઈ હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આકાશે આંબી રહ્યા હતા. હવે આ રસ્તો ફરી સુરક્ષિત થતાં જ વિશ્વના શેરબજારો અને અર્થતંત્રોને એક નવું જીવનદાન મળશે.

‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મૃણાલનો સ્ટાઈલિશ અંદાજ

મુંબઈમાં ડેવિડ ધવનના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ હતી. વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પુજા હેગડે સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટે ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેઓના સ્ટાઇલિશ અંદાજે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.

‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ના સ્ટાર કાસ્ટે ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં શો ચોરી લીધો હતો. દરેકે પોતાના સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપ્યા હતાં.

વરુણ ધવન સફેદ ટી-શર્ટ, બ્લેક જેકેટમાં જોવા મળ્યો હતો. જેમાં તે ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો.

મૃણાલ ઠાકુર બ્લેક અને વ્હાઈટ ડ્રેસમાં સજ્જ હતી. પૂજા હેગડે યલો આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

વરુણ ધવને તેના પિતા અને દિગ્દર્શક ડેવિડ ધવન સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી.

(તસવીર: માનસ સોમપુરા)

2011ની વસતિ ગણતરી: કેવું હતું ભારત ?

સમયનું ચક્ર સતત ફરતું રહે છે, પરંતુ ઇતિહાસના કેટલાક પાના અને આંકડા સમયના વહેણ સાથે વધુ મહત્વના બની જાય છે. આવો જ એક ઐતિહાસિક દસ્તાવેજ એટલે વર્ષ 2011માં થયેલી ભારતની છેલ્લી સત્તાવાર જનગણના. વર્તમાન સમયમાં જ્યારે પહેલી જૂનથી દેશમાં નવી જનગણનાની પ્રક્રિયાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે દોઢ દાયકા પહેલાના એ આંકડાઓ તરફ નજર કરીએ તો ખબર પડે છે કે ભારત કેટલું વિશાળ, વૈવિધ્યસભર અને યુવાન રાષ્ટ્ર છે.

એ સમયે દેશના ખૂણે-ખૂણેથી એકત્ર કરાયેલી વિગતો માત્ર આંકડા નહોતા, પણ કરોડો ભારતીયોની જિંદગીનું પ્રતિબિંબ હતા, તો ચાલો જાણીએ છેલ્લી જનગણનાના કેટલાક રસપ્રદ ફેક્ટસ વિશે…

ભારતે વૈશ્વિક મંચ પર નવો રેકોર્ડ બનાવ્યો

જ્યારે 2011ના  મહા-સર્વેક્ષણના અંતિમ આંકડા જાહેર થયા ત્યારે સમગ્ર વિશ્વ ચોંકી ગયું હતું, કારણ કે ભારતે આશરે 121,08,54,977 એટલે કે 121.08 કરોડની વસ્તીનો આંકડો સ્પર્શ્યો હતો. આ કોઈ સામાન્ય સંખ્યા નહોતી, એ સમયે સમગ્ર વિશ્વની કુલ વસ્તીના આશરે 17.5 ટકા લોકો માત્ર ભારતમાં વસતા હતા. આ વિશાળ જનમેદનીમાં દેશના લિંગ ગુણોત્તર (Sex Ratio) પર નજર કરીએ તો દર એક હજાર પુરુષોએ 943 મહિલાઓનો આંકડો નોંધાયો હતો, જે સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં ચાલી રહેલા મંથનને દર્શાવતો હતો.

સ્ત્રી-પુરુષ વસ્તીનું રસપ્રદ ગણિત

સ્ત્રી-પુરુષનું ગણિત સમજીએ તો એમાં પુરુષોની વસ્તીનો હિસ્સો સહેજ વધારે હતો. દેશમાં કુલ પુરુષોની સંખ્યા 62,32,70,258  એટલે કે આશરે 62.32 કરોડ નોંધાઈ હતી, જે કુલ વસ્તીના 51.54 ટકા જેટલી થતી હતી. એની સામે દેશની અડધી આબાદી ગણાતી મહિલાઓની કુલ સંખ્યા 58,75,84,719 એટલે કે આશરે 58.75 કરોડ પર પહોંચી હતી, જે કુલ વસ્તીના 48.46 ટકા હિસ્સો ધરાવતી હતી.

બાળ જનગણના

કોઈપણ દેશનું ભવિષ્ય એના બાળકોના હાથમાં હોય છે અને 2011ની વસ્તી ગણતરીમાં આ ભવિષ્યની ઝલક પણ સ્પષ્ટ જોવા મળી હતી. દેશમાં 0થી 6 વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા 16.45 કરોડ નોંધાઈ હતી, જે એ સમયે દેશની કુલ વસ્તીના આશરે 13.6 ટકા જેટલી હતી. આ બાળ વસતીમાં જો વિભાજન કરીએ તો નાના ભૂલકાઓમાં છોકરાઓની સંખ્યા 8 કરોડ 57 લાખથી વધુ (8,57,52,254) અને છોકરીઓની સંખ્યા 7 કરોડ 87 લાખથી વધુ (7,87,62,999) હતી.

આ રાજ્યમાં સૌથી વધુ વસ્તી

આ વસ્તી ગણતરીનું સૌથી રસપ્રદ પ્રકરણ જો કોઈ હોય તો એ રાજ્યોના સ્તરે જોવા મળેલું વૈવિધ્ય હતું. ઉત્તર પ્રદેશ આ યાદીમાં સિંહફાળો ધરાવતું હતું એ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય બન્યું હતું. ઉત્તર પ્રદેશની કુલ વસ્તી 19,98,12,341 એટલે કે 19.98 કરોડ સુધી પહોંચી ગઈ હતી, જે દેશની કુલ વસ્તીના એકલા જ 16.51 ટકા જેટલી હતી. આ આંકડાની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જો ઉત્તર પ્રદેશ એક અલગ દેશ હોત, તો એ વસ્તીની દૃષ્ટિએ વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બની ગયો હોત. આ યાદીમાં આશરે 11.23 કરોડની વસ્તી સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું.

વસ્તી ગીચતા: ક્યાં ઓછી જગ્યામાં રહે છે વધુ લોકો?

જ્યારે વસ્તી ગણતરીમાં માત્ર કુલ વસ્તી નહીં, પરંતુ જમીનના વિસ્તાર (Area) પ્રમાણે વસ્તીની ગીચતા માપવામાં આવી, ત્યારે એક નવું જ ચિત્ર સામે આવ્યું. 2011માં ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નોંધાઈ હતી. એટલે કે, દેશમાં સરેરાશ રીતે દર 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 382 લોકો વસવાટ કરતા હતા, જે પૃથ્વીના આ ટુકડા પર માનવ વસ્તીના સતત વધી રહેલા દબાણને દર્શાવે છે.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી સૌથી મોખરે

જો આપણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories) બંનેને સાથે ગણીએ, તો દેશની રાજધાની દિલ્હી (Delhi) વસ્તી ગીચતામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હતી. દિલ્હીમાં વસ્તી ગીચતાનો આંકડો અત્યંત ચોંકાવનારો હતો, જ્યાં દર ચોરસ કિલોમીટરમાં આશરે 11,320 વ્યક્તિઓ વસવાટ કરતી હતી. ખૂબ જ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર અને રોજગારી તેમજ શિક્ષણ માટે દેશભરમાંથી થતા સતત સ્થળાંતરને કારણે દિલ્હી દેશનો સૌથી ગીચ વિસ્તાર બન્યો હતો.

રાજ્યોની યાદીમાં બિહાર નંબર-1

જો માત્ર સત્તાવાર રાજ્યોની (States) વાત કરવામાં આવે, તો આ યાદીમાં બિહાર (Bihar) સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બન્યું હતું. વર્ષ 2011માં બિહારમાં વસ્તી ગીચતા 1,106 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નોંધાઈ હતી. આ યાદીમાં પશ્ચિમ બંગાળ (West Bengal) આશરે 1,028 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરની ગીચતા સાથે બીજા ક્રમે રહ્યું હતું. વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ હોવા છતાં, વિસ્તાર મોટો હોવાને કારણે ગીચતાની બાબતમાં બિહાર એનાથી ઘણું આગળ હતું.

સૌથી ઓછી ગીચતા ધરાવતું રાજ્ય

આ વૈવિધ્યસભર દેશમાં એક તરફ જ્યાં દિલ્હી અને બિહાર જેવા અત્યંત ગીચ વિસ્તારો છે, ત્યાં બીજી તરફ કુદરતી સૌંદર્યથી ભરપૂર અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) પણ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, અરુણાચલ પ્રદેશમાં વસ્તી ગીચતા દેશમાં સૌથી ઓછી, એટલે કે માત્ર 17 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર હતી. વિશાળ પહાડી વિસ્તાર અને ગાઢ જંગલોના કારણે અહીં ખૂબ જ આછી વસ્તી જોવા મળે છે, જે સાબિત કરે છે કે ભારત એક તરફ ભીડભાડથી ભરેલું તો બીજી તરફ શાંતિ અને પ્રાકૃતિક એકાંત ધરાવતું અદભુત રાષ્ટ્ર છે. 2011ના આ આંકડા આજે પણ ભારતના સામાજિક અને આર્થિક તાણાવાણાને સમજવા માટેનો સૌથી મોટો આધાર સ્તંભ છે. ત્યારે એ જોવું મહત્વનું રહેશે કે 2026ની જનગણનામાં આ આંકડા કેટલા બદલાય છે.

જનગણનામાં ગુજરાત

વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે આટલું મોટું વૈવિધ્ય ધરાવતા દેશમાં જો પશ્ચિમ ભારતના અગ્રેસર રાજ્ય ગુજરાતની વાત કરીએ, તો વર્ષ 2011ની જનગણના પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી આશરે 6.04 કરોડ (6,04,39,692) નોંધાઈ હતી, જે દેશની કુલ વસ્તીના આશરે 5 ટકા જેટલી થતી હતી. આ વસ્તીમાં પુરુષોની સંખ્યા આશરે 3.14 કરોડ (3,14,91,260) અને મહિલાઓની સંખ્યા આશરે 2.89 કરોડ (2,89,48,432) હતી, જ્યારે રાજ્યનો લિંગ ગુણોત્તર દર એક હજાર પુરુષોએ 919 મહિલાઓનો હતો. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો, ગુજરાતની સરેરાશ વસ્તી ગીચતા 308 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નોંધાઈ હતી, જે રાષ્ટ્રીય સરેરાશ (382) કરતાં ઓછી હતી. રાજ્યમાં 0થી 6 વર્ષના બાળકોની કુલ સંખ્યા આશરે 77.77 લાખ (77,77,241) હતી, જેમાં છોકરાઓની સંખ્યા આશરે 41.15 લાખ (41,15,011) અને છોકરીઓની સંખ્યા આશરે 36.62 લાખ (36,62,230) નોંધાઈ હતી.

 

હેતલ રાવ

વ્હાઇટ હાઉસ બહાર અંધાધુંધ ફાયરિંગ, ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર બહુ મોટી અને ચોંકાવનારી ક્ષતિ સામે આવી છે. વોશિંગ્ટન સ્થિત રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર સુરક્ષામાં તૈનાત પોલીસ સ્ટાફ પર એક માથાભારે શખ્સે અચાનક રાઇફલ વડે અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર પોતાની બેગમાંથી અત્યાધુનિક હથિયાર કાઢીને આવ્યો હતો અને જોતજોતામાં તેણે ઉપરાઉપરી અંદાજે 25 રાઉન્ડ ફાયરિંગ કરીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. સદનસીબે આ ભયાનક ગોળીબારમાં કોઈ પોલીસકર્મીને ઈજા થઈ નથી, પરંતુ ક્રોસ ફાયરિંગમાં અન્ય એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ તુરંત એક્શનમાં આવેલી સીક્રેટ સર્વિસ (Secret Service) ના કમાન્ડોએ જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને સ્થળ પર જ ગોળી મારીને ઢાળી દીધો હતો. મૃતક હુમલાખોરની ઓળખ નસીરે બેસ્ટ (Nasire Best) તરીકે થઈ છે.

હુમલા સમયે વ્હાઇટ હાઉસની અંદર જ હતા ડોનાલ્ડ ટ્રમ્પ

જ્યારે વ્હાઇટ હાઉસના ગેટ પાસે આ અંધાધુંધ ફાયરિંગ થયું, તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બહાર જવાને બદલે બિલ્ડિંગની અંદર જ હાજર હતા. ગોળીઓનો અવાજ સાંભળતા જ તેમની આસપાસ રહેતી સ્પેશિયલ સીક્રેટ સર્વિસ તત્કાલ પ્રભાવથી સક્રિય થઈ ગઈ હતી અને આખા વ્હાઇટ હાઉસ પરિસરને ચારેય તરફથી લોકડાઉન કરીને લશ્કરી કિલ્લામાં ફેરવી દીધું હતું. ફાયરિંગના મેસેજ મળતા જ અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. FBI ના નવનિયુક્ત ડિરેક્ટર કાશ પટેલે (Kash Patel) પોતે વ્હાઇટ હાઉસ પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સત્તાવાર પોસ્ટ કરીને આ ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરી છે.

ગયા મહિને પણ પત્રકારોના ડિનર દરમિયાન થયો હતો હુમલો

અમેરિકી પ્રમુખની સુરક્ષા વ્યવસ્થા તોડવાનો આ કોઈ પ્રથમ પ્રયાસ નથી. બરાબર એક મહિના પહેલા પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સિક્યોરિટી પ્રોટોકોલને નિશાન બનાવવામાં આવી હતી. તે સમયે ટ્રમ્પ પત્રકારો માટે આયોજિત વાર્ષિક ડિનર ગેધરિંગમાં (Journalists’ Annual Dinner) સામેલ હતા. આ હાઈ-પ્રોફાઈલ ડિનર પાર્ટીમાં તેમની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, દેશના રક્ષામંત્રી, વિદેશમંત્રી અને તેમના પરિવારજનો પણ હાજર હતા. વ્હાઇટ હાઉસ નજીક આવેલી હોટેલ હિલ્ટન (Hotel Hilton) માં આ ભવ્ય સમારોહ ચાલી રહ્યો હતો, ત્યારે જ એક અજ્ઞાત બંદૂકધારીએ હોટેલ પરિસરમાં અચાનક ફાયરિંગ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તે સમયે પણ સીક્રેટ સર્વિસના સ્નાઈપર્સે અદભુત બહાદુરી બતાવીને તમામ મહાનુભાવોને સુરક્ષિત બંકરમાં પહોંચાડ્યા હતા અને હુમલાખોરને ઘાયલ કરી અટકાયતમાં લીધો હતો.

પુત્રી ઇવાંકા ટ્રમ્પની હત્યાનું ઇરાની કનેક્શન: આતંકી પ્લાન નિષ્ફળ

સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર, હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો આખો પરિવાર કટ્ટરપંથી વિરોધીઓના હિટલિસ્ટ પર છે. માત્ર ટ્રમ્પ પર જ નહીં, પરંતુ તેમની ખુબસુરત અને પ્રભાવશાળી પુત્રી ઇવાંકા ટ્રમ્પ (Ivanka Trump) ની હત્યા કરવાનું એક અત્યંત ખતરનાક આંતરરાષ્ટ્રીય કાવતરું પણ નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.