Home Blog Page 364

ભારત ન્યુ ઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતે વૈશ્વિક વેપાર મોરચે પર એક વધુ મોટી કૂટનીતિક સફળતા મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ભારત–ન્યુ ઝીલેન્ડ દ્વારા મુક્ત વેપાર કરાર (FTA)ની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ કરાર માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે નહીં, પરંતુ અમેરિકાની સંરક્ષણવાદી વેપાર નીતિઓના સમયમાં ભારતની વૈકલ્પિક વૈશ્વિક ભાગીદારીઓને પણ મજબૂત બનાવશે.

નવ મહિનામાં પૂર્ણ થયેલો ઐતિહાસિક કરાર

ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે FTA અંગેની વાતચીત માર્ચ 2025માં શરૂ થઈ હતી, જ્યારે વડા પ્રધાન લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા. માત્ર નવ મહિનાના રેકોર્ડ સમયમાં આ મુક્ત વેપાર કરાર પૂર્ણ થવો એ બંને દેશોની રાજકીય ઇચ્છાશક્તિ અને વ્યૂહાત્મક સમજને દર્શાવે છે.

પાંચ વર્ષમાં વેપાર બે ગણો કરવાનું લક્ષ્ય

બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી છે કે FTA અમલમાં આવ્યા બાદ આગામી પાંચ વર્ષમાં વર્તમાન દ્વિપક્ષી વેપારને બે ગણો કરવામાં આવશે. આ કરારથી ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ,  સંશોધન અને સપ્લાય ચેન સહયોગને નવી ગતિ મળશે.

15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ

આ કરાર હેઠળ ન્યુ ઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે.

ભારતનો સાતમો મોટોં FTA

ન્યુ ઝીલેન્ડ સાથેનો આ કરાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો સાતમો મહત્વનો FTA છે. તે પહેલાં ભારત ઓમાન, UAE, યુનાઇટેડ કિંગડમ (UK), ઓસ્ટ્રેલિયા, મોરિશિયસ અને EFTA દેશો (યુરોપિયન ફ્રી ટ્રેડ બ્લોક) સાથે આવા કરારો કરી ચૂક્યું છે. આ શ્રેણી બતાવે છે કે ભારત ઝડપથી એક વિશ્વસનીય વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે.

ટ્રમ્પની વેપાર નીતિને પરોક્ષ આંચકો

નિષ્ણાતોના મત મુજબ  એવા સમયમાં જ્યારે અમેરિકા—ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના રાજકારણમાં—સંરક્ષણવાદ અને ટેરિફ આધારિત વેપાર નીતિઓ પર ભાર મૂકવામાં આવે છે, ત્યારે ભારત સતત નવા FTA કરવું વૈશ્વિક વેપાર માટે એક વૈકલ્પિક અને ખુલ્લું મોડલ રજૂ કરે છે. ભારત–ન્યુ ઝીલેન્ડ FTAને આ દિશામાં એક વધુ મજબૂત પગલું માનવામાં આવે છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મુંબઈ જતી ફ્લાઇટ પરત ફરી

મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે તેની મુસાફરી ટૂંકી કરીને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી.વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

એર ઇન્ડિયાની એક ફ્લાઇટને આજે ટેક્નિકલ ખામીને કારણે તેની નિર્ધારિત મુસાફરી ટૂંકી કરીને દિલ્હી પરત ફરવી પડી. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 માં ટેકઓફ થયાના થોડા સમય પછી જ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતર્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એર ઇન્ડિયાએ કહ્યું કે મુસાફરોની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે.

વિમાનનું એક એન્જિન નિષ્ફળ ગયું

અહેવાલો અનુસાર, સોમવારે સવારે દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ IGI એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી નિષ્ફળ ગઈ, જેના કારણે તેને દિલ્હી પરત ફરવાની ફરજ પડી. સોમવારે સવારે 6:10 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનનું એક એન્જિન નિષ્ફળ ગયું હોવાનું જાણવા મળે છે. તે સવારે 6:52 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એર ઈન્ડિયાએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

એર ઇન્ડિયાએ મુસાફરો અને ક્રૂના સલામત ઉતરાણની પુષ્ટિ કરી અને આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી. એરલાઇને જણાવ્યું હતું કે વિમાનનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બધા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI887, ટેક-ઓફ પછી ટેકનિકલ સમસ્યાને કારણે, માનક સંચાલન પ્રક્રિયા મુજબ દિલ્હી એરપોર્ટ પર પાછી ફરવામાં આવી હતી. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશની કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપની જીત

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે. આ પરિણામો પાર્ટી માટે ઐતિહાસિક સાબિત થયાં છે, જેને કારણે પાર્ટીના ટોચના નેતાઓથી લઈને કાર્યકરો સુધી સૌને ખુશી મનાવવાની એક વધુ તક મળી છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ નગર પરિષદો અને નગર પંચાયતોમાં રેકોર્ડ તોડ પ્રદર્શન કર્યું છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં પણ નગર નિગમની ચૂંટણીમાં પાર્ટીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ભાજપની જબરદસ્ત સફળતા

મહારાષ્ટ્રમાં 288 નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં મહાયુતિએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપે 3325 બેઠકો પર જીત મેળવી છે અને આ રીતે કુલ કાઉન્સિલરોમાંથી 48 ટકા પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું છે.

મેયરપદ પર ભાજપનો દબદબો

મહારાષ્ટ્રમાં નગર પરિષદના અધ્યક્ષોમાંથી લગભગ 75 ટકા મહાયુતિના છે, જેમાં સૌથી મોટો ફાળો ભાજપનો છે. તેમાં ભાજપના 129 મેયર સામેલ છે.

અગાઉની ચૂંટણીની તુલનામાં બમણી બેઠકો

2017ની કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 1602 બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે તેની જીત વધુ નોંધપાત્ર છે કારણ કે પાર્ટીએ બમણી કરતાં વધુ બેઠકો હાંસલ કરી છે. આ વખતે ભાજપે કુલ 3325 બેઠકો જીતી છે.

ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપનો પ્રભાવ

આ ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં પણ નોંધપાત્ર સફળતા મળી છે. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે ઓછી વસ્તીવાળાં ગામોમાં પણ પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2014 પછી ભાજપ શહેરી કેન્દ્રિત પાર્ટીમાંથી પરિવર્તિત થઈને ગ્રામીણ મહારાષ્ટ્રમાં ઊંડાં મૂળ ધરાવતી પાર્ટી બની છે.

અરુણાચલમાં પણ ભાજપની જીત

અરુણાચલ પ્રદેશમાં ભાજપ સત્તામાં છે. કોર્પોરેશન ચૂંટણી દરમિયાન પાર્ટીએ જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની મોટા ભાગની બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ભાજપે કુલ 245માંથી 170 બેઠકો પર જીત મેળવી છે, જેમાંથી 59 બેઠકો પર પાર્ટીએ નિર્વિરોધ જીત નોંધાવી છે.

ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ

અરુણાચલના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપની મજબૂત પકડ છે. ગ્રામ પંચાયતની કુલ 8208 બેઠકોમાંથી પાર્ટીએ 6085 બેઠકો પર જીત નોંધાવી છે.

 નગર નિગમમાં પણ ભાજપ આગળ

ઇટાનગર નગર નિગમની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાર્ટીએ કુલ 20માંથી 14 વોર્ડમાં જીત મેળવી છે.

બાંગ્લાદશમાં પ્રવર્તતી અરાજકતા, હિંસા યુનુસની દેનઃ શેખ હસીના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનું રાજકારણ ફરી એક વાર ઊથલપાથલના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ મૌન તોડીને આંતરરાષ્ટ્રીય મંચ પરથી પોતાની વાત રજૂ કરી છે. શેખ હસીનાએ બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ, વચગાળા સરકારની ભૂમિકા સહિત અનેક મુદ્દાઓ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

શેખ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં અરાજકતા વધુ વધી છે. ઉસ્માન હાદીની હત્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ દુઃખદ હત્યા એ અરાજકતાને દર્શાવે છે, જેને કારણે મારી સરકાર ઊથલી ગઈ અને યુનુસના શાસનમાં તે વધુ ગંભીર બની ગઈ છે. હિંસા હવે સામાન્ય બાબત બની ગઈ છે, જ્યારે વચગાળાની સરકાર અથવા તો તેને નકારી રહી છે અથવા તેને અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. આવી ઘટનાઓ બાંગ્લાદેશને આંતરિક રીતે અસ્થિર બનાવે છે અને અમારા પડોશી દેશો સાથેના સંબંધોને પણ અસર કરે છે, જે આ સ્થિતિને યોગ્ય ચિંતા સાથે જોઈ રહ્યા છે. ભારત અરાજકતા, અલ્પસંખ્યકો પર અત્યાચાર મૂકપણે જોઈ રહ્યું છે.

આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરાયા – શેખ હસીના

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઇસ્લામિક તાકાતોને લઈને શેખ હસીનાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં દાવો કર્યો છે કે યુનુસે દોષિત આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરી દીધા છે. યુનુસે કટ્ટરપંથીઓને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે, દોષિત ઠરાવવામાં આવેલા આતંકવાદીઓને જેલમાંથી છોડ્યા છે. આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાની સ્થિરતામાં રસ ધરાવતા દરેક દેશ માટે ચિંતાજનક બાબત છે.

 ભારત બાંગ્લાદેશનો મિત્ર છે – શેખ હસીના

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે  તમે જે તણાવ જોઈ રહ્યા છો, તે સંપૂર્ણપણે યુનુસને કારણે છે. તેમની સરકાર ભારત વિરુદ્ધ શત્રુભાવપૂર્ણ નિવેદનો આપે છે, ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવામાં નિષ્ફળ જાય છે અને કટ્ટરપંથીઓને વિદેશ નીતિ નક્કી કરવાની છૂટ આપે છે, અને પછી તણાવ વધે ત્યારે આશ્ચર્ય વ્યક્ત કરે છે. ભારત દાયકાઓથી બાંગ્લાદેશનો સૌથી મજબૂત મિત્ર અને ભાગીદાર રહ્યું છે. અમારા બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા અને મૂળભૂત છે.

રાશિ ભવિષ્ય 22/12/2025 થી 28/12/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મુસાફરી થઈ શકે છે અને તેમાં ધાર્યા કરતાં વધુ ખર્ચ થાય. આધ્યાત્મિક પ્રવચનો સાંભળવાના યોગ વધુ છે. વિદ્યાર્થીવર્ગને ધાર્યા મુજબની સફળતા માટે વધુ મહેનત કરવી પડે, તેથી મગજમાં વધુ વિચારોના કારણે માનસિક થાક અનુભવાઈ શકે છે. નાની-નાની વાતમાં ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નાણાકીય આયોજન સારું થશે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી દરમિયાન તકેદારી રાખવી. વેપારમાં કામકાજ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ઉતાવળિયા નિર્ણય લેવાયા હોય એવી લાગણી થઈ શકે છે. કોઈને વણમાંગી સલાહ-સૂચન ન આપવું ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય. માનસિક ચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઇતર પ્રવૃત્તિમાં મન વધુ લગાવો એવું બની શકે છે. જૂની યાદોથી વધુ લાગણીશીલ બનો. સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે. જૂના મતભેદ ભૂલવાની તક મળશે. નવી નોકરી કે ફેરબદલી માટે ધીરજ રાખવી. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે આ સમય શીખવા માટે અનુકૂળ છે. કાયદાકીય બાબતોમાં સલાહ લઈને આગળ વધવું. આર્થિક લાભના યોગ છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે.


ઘરમાં કે કુટુંબમાં સુખદ માહોલ રહેશે, પરંતુ દરેક કામકાજમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળથી કામ કરવાથી ગેરસમજ થઈ શકે છે. ક્યાંક અચાનક ખર્ચ પણ થઈ શકે છે. આરોગ્ય બાબતે પરેજી પાળવી જરૂરી બને છે. વેપારમાં ધીરજ અને અનુભવથી કામ કરવું. અન્યની વાતમાં દોરવાઈ ન જવું. નોકરી કે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. પ્રેમસંબંધોમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે.


આર્થિક સ્થિતિ અંગે થોડી ચિંતા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં બદલાવ આવે. તમારા કામની કદર ઓછી થાય એવું લાગશે. નવી ઓળખાણથી લાભદાયી વાતચીત થઈ શકે છે. કુટુંબમાં કે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે. વેપારમાં ઉત્સાહ ઓછો રહેશે અને આળસ કરવાની વૃત્તિ જણાય. યુવાવર્ગને મિત્રવર્તુળમાંથી સારી માહિતી મળશે, પરંતુ સહયોગ ઓછો મળશે. નજીકના સગાસ્નેહીના સ્વાસ્થ્યની ચિંતા થશે, પરંતુ મોટી તકલીફ નહીં થાય.


સામાજિક પ્રસંગોમાં જવાના યોગ છે, પરંતુ માનસિક ઉદ્વેગ અને અશાંતિ અનુભવાઈ શકે છે. વેપારમાં ધીરજ અને અનુભવના અભાવે કામ પર અસર પડશે. આરોગ્યની નાની તકલીફોથી પરેશાની રહેશે. ભાગીદારી કે દામ્પત્ય જીવનમાં લાગણી દુભાય તેવી ભાવના થઈ શકે છે. શાંતિ રાખીને પ્રભુભક્તિમાં મન લગાવશો તો માનસિક શાંતિ મળશે. ધીરજ અને આત્મવિશ્વાસથી કામ સરળ બનશે. પારિવારિક સહયોગ ઓછો મળી શકે છે.


સપ્તાહ દરમિયાન અશાંતિ અને દ્વિધા રહેશે, જેના કારણે સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાનું મન થશે. વેપારમાં મળતા સમાચાર દ્વિધા વધારી શકે છે. નોકરીયાત વર્ગે ઉપરી સાથે માનસિક તણાવથી બચવું. જૂની ઓળખાણ ફરી તાજી થશે. યુવાવર્ગ અને વિદ્યાર્થીવર્ગ માટે નવી તક દેખાય છે, પરંતુ ઉતાવળ ન કરવી અને યોગ્ય સલાહ લેવી. ઘરની જવાબદારીઓમાં ધ્યાન આપવું પડશે.


યુવાવર્ગ માટે સારા સંજોગોમાં થોડી અડચણ આવી શકે છે. અતિઉત્સાહ કામને ગતિ આપશે. જૂની બાબતોના ઉકેલમાં સહયોગ ઓછો મળશે. વેપારમાં આયોજનપૂર્વક કામ કરવું યોગ્ય છે. મુસાફરીના યોગ છે, પરંતુ ઉત્સાહ ઓછો રહેશે. માર્કેટિંગ ક્ષેત્રમાં ધીરજ રાખવી પડશે. લગ્ન સંબંધિત વાતચીતમાં ધીરજ અને અનુભવ જરૂરી છે.


અચાનક યાત્રા થાય. કામકાજ વધવાથી માનસિક અસ્વસ્થતા આવી શકે છે. સંબંધોમાં અણબનાવ હોય તો સુધારાની તક મળશે. વેપારમાં યોગ્ય પ્રતિસાદ મળશે. પ્રતિષ્ઠા અને માન વધશે. નવીન કાર્યમાં સહયોગ મળશે. વ્યવસાયિક યાત્રા લાભદાયી રહેશે. આયોજન સફળ થશે. આર્થિક સ્થિતિ સુધરશે.


આર્થિક લાભના યોગ છે. વાણી અને વર્તનથી કામ સિદ્ધ થશે. આનંદ અને ઉત્સાહ રહેશે. ધીરજ અને અનુભવ મદદરૂપ બનશે. નવી ઓળખાણ લાભદાયી રહેશે. પ્રતિભાની કદર થશે. મુસાફરીના યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે સમય અનુકૂળ છે. માર્કેટિંગમાં સારા પરિણામ મળશે. જમીન, મકાન, વાહન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મળશે. ચિંતા દૂર થશે.


પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. નાણાકીય આયોજન નવું બનશે. વેપારમાં લાભની વાત આગળ વધશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત સારું ફળ આપશે. અગત્યની વાતચીતમાં સહયોગ લાભદાયી રહેશે. વિદેશ જવા ઇચ્છુકો માટે યોગ્ય પ્રતિસાદ મળશે. ધીરજથી કામ કરવાથી સફળતા મળશે. યાત્રા કે જાત્રાનું આયોજન થશે. દામ્પત્ય જીવનમાં સુખદ વાત બનશે.


નવા કામની સારી શરૂઆત થશે, પરંતુ સહયોગ ઓછો મળશે. આત્મવિશ્વાસથી આગળ વધવું. વડીલ કે ઉપરી સાથે મતભેદ થશે, પરંતુ પરિસ્થિતિ સુધરી જશે. આવક વધારવાના પ્રયત્નો સફળ થશે. મનપસંદ વ્યક્તિ તરફથી સકારાત્મક વલણ મળશે. લગ્ન બાબતમાં પ્રગતિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે સારા સમાચાર મળશે.


સપ્તાહ દરમિયાન લાભની આપ-લે થશે, પરંતુ ખોટી ચર્ચાથી બચવું. મિત્રો અને સગાસ્નેહી સાથે મિલન આનંદદાયક રહેશે. વેપારમાં ઉત્સાહ વધશે. વાતચીતમાં શબ્દપ્રયોગ પર ધ્યાન રાખવું. પેટ અને અપચાની તકલીફથી સાચવવું. વડીલોને જૂની યાદો તાજી થશે. મહેનત બાદ સફળતા મળશે. કામનો ભાર રહેશે, પરંતુ સહયોગ પણ મળશે. કામકાજની મુસાફરી થોડી કંટાળાજનક બનશે.

સુવિચાર – ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫

પંચાંગ 22/12/2025

૨૨ ડિસેમ્બર ૨૦૨૫

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં ગોળીબાર થયો છે. રવિવારે જોહાન્સબર્ગની પશ્ચિમે આવેલા બેકર્સડલ ટાઉનશીપમાં સશસ્ત્ર હુમલાખોરોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો 1 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. વીસ લોકોને ગોળી મારવામાં આવી હતી, જેમાંથી 10 લોકો માર્યા ગયા હતા અને 10 ઘાયલ થયા હતા.

જોહાન્સબર્ગથી લગભગ 40 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ તાત્કાલિક સ્પષ્ટ થયો નથી. સીબીએસ ન્યૂઝે એક નિવેદનમાં પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક પીડિતોને અજાણ્યા બંદૂકધારીઓએ શેરીમાં ગોળી મારી હતી.

સોનાની ખાણો નજીક ગોળીબાર થયો હતો

ગૌટેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે અધિકારીઓ હજુ પણ પીડિતોની ઓળખ કરવા માટે કામ કરી રહ્યા છે. ગોળીબાર દક્ષિણ આફ્રિકાની કેટલીક મુખ્ય સોનાની ખાણોની નજીક સ્થિત ગરીબ વિસ્તાર બેકર્સડલમાં એક અનૌપચારિક બાર (ટેવર્ન) નજીક થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર એક એવા સ્થળે થયો હતો જ્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો હતો.

12 લોકોએ ગોળીબાર કર્યો

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સફેદ કોમ્બી અને ચાંદીની સેડાનમાં સવાર આશરે 12 અજાણ્યા શંકાસ્પદોએ ટેવર્નની અંદરના લોકો પર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી જતા આડેધડ ગોળીબાર ચાલુ રાખ્યો. SABC એ અહેવાલ આપ્યો છે કે અજાણ્યા હુમલાખોરોએ ટેવર્નની અંદર અને બહારની શેરીઓમાં ગ્રાહકો પર પણ ગોળીબાર કર્યો હતો. પોલીસ હવે નિવેદનો નોંધી રહી છે. નેશનલ ક્રાઈમ એન્ડ રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ધર્મયુક્ત નફો : ભીષ્મના રાજધર્મથી આધુનિક કોર્પોરેટ નૈતિકતા સુધી

વ્યવસાયમાં ધર્મનો વિચાર માત્ર ધાર્મિક સંપ્રદાય સુધી સીમિત નથી પરંતુ તે ન્યાય, સત્ય, જવાબદારી, પારદર્શિતા અને માનવકલ્યાણ જેવી મૂલ્યોની જીવંત પ્રથા છે. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવતાં સ્પષ્ટ રીતે રજૂ કરે છે કે રાજ્ય, સંસ્થા કે વ્યવસાય — જો તે ધર્મ આધારિત ન હોય તો લાંબા ગાળે ટકી શકતું નથી.

ભીષ્મ કહે છે કે, શાસક કે નેતા માટે નફો નહીં પરંતુ લોકકલ્યાણ પ્રથમ ધ્યેય હોવું જોઈએ. એ સિદ્ધાંત આજના કોર્પોરેટ વિશ્વમાં પણ એટલો જ સત્ય છે, કારણ કે નફો ધર્મથી વિમુખ થાય ત્યારે તે વિનાશનું કારણ બને છે. જ્યારે ધર્મના આધારે કમાયેલો નફો સમાજ માટે આશીર્વાદ સાબિત થાય છે.

આ વિચારનું જીવંત ઉદાહરણ અઝીમ પ્રેમજી છે. તેમણે પોતાની કંપનીથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો મોટો ભાગ શિક્ષણ અને સમાજસેવા માટે અર્પણ કરીને વ્યવસાયને ધર્મ સાથે કેવી રીતે જોડવો તે દુનિયાને બતાવ્યું. વિદેશમાં ઇન્દ્રા નુઈએ વૈશ્વિક કંપનીનું નેતૃત્વ કરતાં ‘Performance with Purpose’નો વિચાર અમલમાં મૂકી, નફા સાથે આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક જવાબદારીને સમાન મહત્વ આપ્યું. આ જ ધોરણે સત્ય નદેલાએ માઈક્રોસોફ્ટમાં ‘એમ્પથી’ અને ‘ઇન્ક્લુઝિવ ગ્રોથ’ને વ્યવસાયની મુખ્ય સંસ્કૃતિ બનાવી, જેનાથી કંપનીનો નફો તો વધ્યો જ, સાથે સાથે માનવકેન્દ્રિત ટેકનોલોજીનો નવો માર્ગ પણ ખુલ્યો.

ઉદ્યોગક્ષેત્રમાં ધર્મનો વધુ એક પ્રેરક દાખલો Yvon Chouinard નો છે, જેમણે પોતાની કંપનીનો મોટો હિસ્સો પર્યાવરણ સંરક્ષણ માટે અર્પણ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ધરતી બચાવવી એ પણ વ્યવસાયનો પવિત્ર ધર્મ છે.

આ ઉદાહરણો સાબિત કરે છે કે જ્યારે વ્યવસાય માત્ર નફા પાછળ દોડે છે ત્યારે તે કર્મચારીઓના શોષણ, પર્યાવરણીય વિનાશ અને ગ્રાહક સાથે છેતરપિંડી તરફ વળે છે. ધર્મ જ્યારે આધાર બને છે ત્યારે વિશ્વાસ, સ્થિરતા અને ટકાઉ વિકાસ જન્મે છે. આજના સમયના ESG, CSR અને સસ્ટેનેબિલિટી જેવા વિચાર માત્ર આધુનિક શબ્દો નથી, પરંતુ એ જ શાશ્વત રાજધર્મના આધુનિક સ્વરૂપો છે, જે ભીષ્મે શાંતિપર્વમાં યુગો પહેલાં સમજાવ્યા હતા.

સાચું નેતૃત્વ એ છે જે સંસ્થાને માત્ર નફાકારક નહીં પરંતુ માનવમૂલ્યસભર બનાવે, કારણ કે ધર્મવિનાનો નફો સમાજમાં અસંતુલન અને અણ્યાય પેદા કરે છે. ધર્મયુક્ત નફો વિશ્વાસ, સમૃદ્ધિ અને સામૂહિક કલ્યાણનો માર્ગ ખોલે છે. આજે મોટા ઉદ્યોગો સામે ‘નફો પહેલા કે ધર્મ પહેલા’ એવો પ્રશ્ન નથી રહેતો, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે નફાને ધર્મના માર્ગે કેવી રીતે કમાવવો. કારણ કે અંતે વ્યવસાયનું સાચું મૂલ્ય તેના બેલેન્સશીટ કરતાં તેના સામાજિક પ્રભાવથી જ માપવામાં આવે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)