અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસઃ 38 લોકોને ફાંસીની સજા યથાવત્

અમદાવાદ: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે વિશેષ અદાલતનો નિર્ણય યથાવત્ રાખ્યો છે. હાઇકોર્ટે 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા જાળવી રાખી છે. એ ઉપરાંત 11 દોષિતોની આજીવન કેદની સજાને પણ યથાવત્ રાખવામાં આવી છે. અદાલતે મૃતકોના પરિવારજનોને રૂ. 10 લાખ અને ઘાયલોને રૂ. પાંચ લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ વિસ્ફોટ કેસમાં નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઇકોર્ટે 38 દોષિતોની ફાંસીની સજાને મંજૂરી આપી છે, જ્યારે અન્ય 11 દોષિતોની આજીવન કેદની સજા પણ યથાવત્ રાખી છે. દોષિત ઠરાવવામાં આવેલા તમામ 49 લોકોને તેમની મૂળ સજા ભોગવવી પડશે. સજાને યથાવત્ રાખવા ઉપરાંત હાઇકોર્ટે પીડિતોને આર્થિક સહાય આપવાનો પણ આદેશ આપ્યો છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસની સમયરેખા

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં નીચલી અદાલતે ફેબ્રુઆરી 2022માં સજાની જાહેરાત કરી હતી. આ કેસમાં 49 દોષિતોમાંથી 38 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. નોંધનીય છે કે 26 જુલાઈ, 2008એ અમદાવાદમાં 21 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. આ હુમલાઓમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન (IM) દ્વારા લેવામાં આવી હતી. 26 જુલાઈ, 2008એ સાંજે 6:30 વાગ્યાથી રાત્રે 8:15 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સતત બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ક્યાં-ક્યાં બોમ્બ વિસ્ફોટ થયા હતા?

અમદાવાદનાં 21 સ્થળોએ બોમ્બ વિસ્ફોટો થયા હતા. તેમાં હાટકેશ્વર, નરોલ સર્કલ, ખાડિયા, નરોડા, જવાહર ચોક, ગોવિંદવાડી, બાપુનગર, ઇસનપુર, સિવિલ હોસ્પિટલ, ઠક્કરબાપા વિસ્તાર, એલ.જી. હોસ્પિટલ, રાયપુર ચકલા, સારંગપુર અને સરખેજ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ કેસની તપાસ દરમિયાન લગભગ 6,000 પાનાંના દસ્તાવેજો અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે 1100થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યાં હતાં. આ કેસની સુનાવણી દરમિયાન સાત વખત ન્યાયાધીશો બદલાયા હતા. વિશેષ અદાલતે 8 ફેબ્રુઆરી, 2022એ આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.