
Chitralekha Gujarati – 26 January, 2026
વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
મુંબઈ: જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે.
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતા, વિશ્વાસના અભાવ અને વ્યવસ્થાલક્ષી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ અસાધારણ સંજોગોમાંથી પસાર થઈ રહી છે ત્યારે વિશ્વ ભારત તરફ તેના જ્ઞાન અને સૈદ્ધાંતિક માર્ગદર્શન માટે આશાભરી નજરે જોઈ રહ્યું છે.
ભારતની કાલાતીત પ્રાચીન જ્ઞાન પરંપરાઓમાંથી પ્રેરણા લેનાર આ કોન્ક્લેવ વસુધૈવ કુટુંબકમના 12 સિદ્ધાંતો પર આધારિત છે. આ કોન્ક્લેવ દ્વારા વાસ્તવમાં સમકાલીન વૈશ્વિક પડકારો સામે ભારતનો સચોટ પ્રતિસાદ રજૂ કરવાનો અને પરિવારથી શરૂ કરીને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી મુક્ત, ન્યાયી અને સ્થિર વિશ્વ વ્યવસ્થામાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો નિષ્ઠાવાન પ્રયાસ છે
વસુધૈવ કુટુંબકમ મિશનની આ ચોથી આવૃત્તિ છે, જે પ્રતિવર્ષ સતત વિકસિત થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહી છે. અગાઉના કાર્યક્રમોમાં ગ્લોબલ સાઉથ અને પશ્ચિમ એશિયાના 23 દેશોના દૂતાવાસોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આર્મેનિયન વિદેશ મંત્રાલય દ્વારા ‘યેરેવન ડાયલોગ 2024’માં આમંત્રણ અને સંયુક્ત રાષ્ટ્રમાં એમ્બેસેડર રુચિરા કંબોજ અને યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથેની વાતચીત સહિતની આંતરરાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે.
કોન્ક્લેવના મુખ્ય આકર્ષણો:
- કાયદો, શાસન, જીઓપોલિટિક્સ, અર્થશાસ્ત્ર, સમાજ અને નૈતિકતા પર આધારિત વિષયોનાં સત્ર.
- ન્યાયશાસ્ત્રીઓ, રાજદ્વારીઓ, નીતિ નિર્ધારકો, વિદ્વાનો અને વિચારકો સાથે વિવિધ રાઉન્ડ-ટેબલ ચર્ચા.
- 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું સંશોધન-આધારિત પ્રદર્શન, જે પરિવારથી લઈને વૈશ્વિક પ્રણાલીઓ સુધી વસુધૈવ કુટુંબકમના 12 પરિવર્તનકારી સિદ્ધાંતો રજૂ કરશે.
- ભારતીય જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં બંધારણના 75 વર્ષની ઉજવણી કરતું કાનૂની પ્રદર્શન.
- વિદ્યાર્થીઓ માટે મૂટ કોર્ટ, મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN), શેરી નાટક અને ‘નાલંદાવાદ’ જેવાં ક્ષેત્રો.
- શિક્ષણ, પર્યાવરણ, મીડિયા અને શાસન જેવા વિષયો પર ન્યાયશાસ્ત્રીઓ અને યુવાનો સાથે દૈનિક સંયુક્ત પોડકાસ્ટ.આ કોન્ક્લેવમાં દેશ અને દુનિયાના ટોચના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમ કે:
- બી.આર. ગવઈ, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ
- બી.એન. શ્રીકૃષ્ણ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ
- દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી
- પિયુષ ગોયલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
- તુષાર મહેતા, સોલિસિટર જનરલ ઑફ ઈન્ડિયા
- આર. વેંકટરામણી, એટર્ની જનરલ, ભારત
- ચંદ્રશેખર, બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
- એમ્બેસેડર રુચિરા કંબોજ, યુએન ખાતે ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ
આ ઉપરાંત અન્ય અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મહાનુભાવો.
આ મહત્ત્વની કોન્ક્લેવમાંના સંસ્થાકીય ભાગીદારો છે: જ્યોત, ગીતાર્થ ગંગા, વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઈન્ડિયા ફાઉન્ડેશન, નાલંદા યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી મુંબઈ, બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર અને ગોવા જેવી અગ્રણી શૈક્ષણિક અને કાનૂની સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે.વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ના આયોજકોએ આ અંગે જણાવ્યું હતું કે, આ કોન્ક્લેવનો હેતુ વર્તમાન સંક્રમણ કાળમાં ભારતીય સભ્યતાને અનુરૂપ પ્રતિસાદ આપવાનો અને ન્યાયના પરિપ્રેક્ષ્યમાં કાનૂની અને રાજકીય પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સમુદાયને જોડવાનો છે.
બજેટ 2026માં ટેક્સપેયર્સ, મહિલાઓ અને રેલવેને શી અપેક્ષા
નવી દિલ્હીઃ બજેટ 2026માં ટેક્સપેયર્સ, મિડલ ક્લાસ, મહિલાઓ, ખેડૂતો અને રેલવેને બજેટથી શી અપેક્ષાઓ છે, કોને શું મળી શકે—એ અંગેની ચર્ચા તેજ બની ગઈ છે. સમય નજીક આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2026S દેશનું સામાન્ય બજેટ રજૂ થશે. એ પહેલાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે, જેમાં દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર સામે આવશે અને બજેટમાં શું થઈ શકે તેના સંકેત મળશે.
બજેટ પર દેશની નજર હોય છે. કોર્પોરેટ વર્લ્ડ, શેરબજાર, સામાન્ય જનતા અને ખાસ કરીને ટેક્સપેયર્સને આ દિવસની આતુરતા રહે છે. બજેટ 2025માં સરકારે નવી ટેક્સ રેજિમ હેઠળ 12 લાખ રૂપિયાની આવકને ટેક્સ મુક્ત કરી હતી. આ વખતે પણ અપેક્ષાઓ ઘણી વધારે છે. વિવિધ સેક્ટરો તરફથી સતત માગ આવી રહી છે. એવી આશા છે કે નાણામંત્રી નવી ટેક્સ રેજિમને વધુ આકર્ષક બનાવવા માટે અનેક નવાં એલાન કરે એવી શક્યતા છે.
રેલવેને મોટું બૂસ્ટ આપવાની તૈયારી
રેલવે માટે કુલ ફાળવણીમાં લગભગ 8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. રેલવે માટે 2.65થી 2.8 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ શક્ય છે. રેલ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે કવચ 4.0 અને 5.0 માટે મોટા પાયે ફંડિંગ થઈ શકે છે. નવી ટ્રેનો, નવા રૂટ્સ અને આધુનિકીકરણ માટે મોટાં એલાન થવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
20 નવી વંદે ભારત સ્લીપર ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. સ્માર્ટ ઓપરેશન્સમાં AIનો મોટા પાયે ઉપયોગ, સ્ટેશનોનું અપગ્રેડેશન, સિનિયર સિટિઝન્સ માટેની જૂની છૂટ ફરીથી લાગુ કરવાની મોટી અપેક્ષા છે. હાઇડ્રોજન ટ્રેનોને લઈને પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહિલાઓને બજેટમાંથી મળી શકે છે મોટી ગિફ્ટ
ઘણી મહિલાઓ પાસે પોતાનો ક્રેડિટ ઇતિહાસ (Credit History) હોતો નથી. લોન અથવા ક્રેડિટ કાર્ડ માગવામાં આવે ત્યારે બેંકો વિવિધ પ્રકારના દસ્તાવેજો અને સેલરી સ્લિપ માગે છે. જે મહિલાઓ ઘર સંભાળે છે અથવા નાનું-મોટું કામ કરે છે, તેમના માટે આ શરતો પૂરી કરવી મુશ્કેલ બને છે.
બજેટમાં મહિલાઓ માટે ‘કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ’ (Customised Credit Cards) લાવવાની ચર્ચા થઈ રહી છે. આ કાર્ડ્સ માટે નિયમો સરળ હોઈ શકે છે. આ કાર્ડ્સ એવી મહિલાઓને મળશે, જેઓ બેંકિંગ સિસ્ટમમાં બિલકુલ નવી છે અથવા જેમની પાસે પહેલેથી કોઈ ક્રેડિટ સ્કોર નથી, એમ સૂત્રોએ કહ્યું હતું.
બાંગ્લાદેશી ખેલાડીઓએ T20 લીગનો બહિષ્કાર કર્યો
ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટમાં સંકટ ઊભું થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર એમ. નજમુલ ઇસ્લામનાં નિવેદનોએ ખેલાડીઓને નારાજ કરી દીધા છે. નજમુલને કારણે BCB અને બાંગ્લાદેશી ખેલાડીઓ વચ્ચે ગંભીર ટકરાવ થયો છે. ખેલાડીઓએ નજમુલને પદ પરથી હટાવવાની માગ કરી છે અને ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો છે. પરિણામે BCB ચોંકી ગયું છે અને તેણે એમ. નજમુલ ઇસ્લામને કારણ બતાવો નોટિસ પાઠવી છે.
બાંગ્લાદેશના ખેલાડીઓએ અગાઉથી ચેતવણી આપી હતી કે જો નજમૂલ ઇસ્લામને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે, તો તેઓ તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરશે. હવે ખેલાડીઓએ 15 જાન્યુઆરીએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) મેચનો બહિષ્કાર કર્યો અને હડતાળ પર ઊતરી ગયા છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં નોઆખાલી એક્સપ્રેસ અને ચિટાગોંગ રોયલ્સ વચ્ચેના મુકાબલાનો ટોસ પણ સમયસર થઈ શક્યો નહોતો. દેશવ્યાપી બહિષ્કારને કારણે બંને ટીમો સમયસર મેદાન પર પહોંચી શકી નહોતી. આ વિવાદ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ પર પણ ગંભીર અસર કરી રહ્યો છે.
BCBએ પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને જણાવ્યું હતું કે બોર્ડના એક સભ્ય દ્વારા આપવામાં આવેલાં આપત્તિજનક નિવેદનો બદલ અમને ખેદ છે. BCB વ્યાવસાયિક ક્રિકેટ અને ખેલાડીઓના સન્માનને સર્વોચ્ચ મહત્વ આપે છે. બોર્ડે જણાવ્યું હતું કે નજમૂલ ઇસ્લામ સામે ઔપચારિક શિસ્તભંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને 48 કલાકની અંદર લેખિત જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
ખેલાડીઓ નારાજ થવાનાં કારણો
એમ. નજમુલ ઇસ્લામે કહ્યું હતું કે ખેલાડીઓને વળતર આપવું જોઈએ નહીં, કારણ કે તેમણે યોગ્ય સમર્થન આપ્યું નથી, જેને કારણે ખેલાડીઓની ફરિયાદો વધુ વધી ગઈ. સુરક્ષા કારણોનો હવાલો આપીને બાંગ્લાદેશે આવતા મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારત ન જવાની જાહેરાત કરી હતી, જેને કારણે સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.
બાંગ્લાદેશ હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ ICCએ ભારતમાં યોજાનારા બાંગ્લાદેશના ચાર T20 વર્લ્ડ કપ મેચોને શ્રીલંકામાં ખસેડવામાં અનિચ્છા દર્શાવી છે. બીજી તરફ, BCBએ ખેલાડીઓને બહિષ્કારની ધમકી પાછી ખેંચવા અને BPL 2026ને વિઘ્ન વિના પૂર્ણ કરવા અપીલ કરી છે. એમ. નજમુલ ઇસ્લામે પૂર્વ કપ્તાન તમીમ ઇકબાલને “ઇન્ડિયન એજન્ટ” કહી દીધા હતા, જેના કારણે નવો વિવાદ ઊભો થયો.
BMC Election: મતદાનમાં શાહીને લઈ વિવાદ, ઉદ્ધવ ઠાકરેએ લગાવ્યો ગોટાળાનો આરોપ
મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મતદાનને લઈ વિવાદ ઉભો થયો છે. મનસેના વડા રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે મતદાન કર્યા પછી શાહીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હાથ ધોઈને ભૂંસી શકાય છે. એનસીપી-એસપીના નેતા રોહિત પવારે પણ ગોટાળાનો આરોપ લગાવ્યો.

બીએમસી ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ વિપક્ષ ગોટાળાના આરોપો લગાવી રહ્યું છે. મનસે નેતા રાજ ઠાકરેએ મતદાનમાં વપરાયેલી શાહી પર સવાલ ઉઠાવ્યા છે. ઠાકરેએ કહ્યું કે પહેલા ઉપયોગમાં લેવામાં આવતી શાહીને નવી પેનથી બદલવામાં આવી છે, અને આ પેન અંગે ઘણી ફરિયાદો મળી છે.
રાજ ઠાકરેએ કયા આરોપો લગાવ્યા છે?
રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી શાહી ભૂંસી શકાય છે. આના પરિણામે લોકો મતદાન કરશે, પછી હાથ ધોવા માટે બહાર જશે અને પછી મતદાન કરવા પાછા આવશે. ચૂંટણી પ્રચાર માટે પણ નવા નિયમો લાવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે આ સરકાર સત્તામાં રહેવા માટે કંઈ પણ કરશે.
રાજ ઠાકરેએ કહ્યું, “આપણે આ ચૂંટણીને એવી ચૂંટણી ન કહી શકીએ જ્યાં કોઈ સત્તામાં રહેવા માટે આવી ગોટાળાનો આશરો લઈ રહ્યું છે. હું લોકોને અને શિવસેનાના કાર્યકરોને સતર્ક રહેવા અપીલ કરું છું. એક વ્યક્તિ બે વાર મતદાન કરતા પકડાઈ ગયો છે.”
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી
ઉદ્ધવ ઠાકરેએ પણ ગોટાળાનો આરોપ લગાવ્યો અને તેને લોકશાહીની હત્યાનો પ્રયાસ ગણાવ્યો. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કથિત ગેરરીતિઓ માટે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેના રાજીનામાની પણ માંગ કરી. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય ચૂંટણી પંચ પર કટાક્ષ કરતા તેને બંધારણ વિરોધી સંસ્થા ગણાવી. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી સંસ્થા અને સરકાર વચ્ચે મિલીભગતનો પણ આરોપ લગાવ્યો.
BMCએ આરોપો વિશે શું કહ્યું?
BMCએ શાહી અંગેના આરોપોને ફગાવી દીધા છે. BMCએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે શાહી ઝાંખી પડી જવાના મીડિયા અહેવાલો હકીકતમાં ખોટા છે. BMC કમિશનર ભૂષણ ગગરાણીએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાના ભાગ રૂપે, મતદાન સ્ટાફ મતદારોની આંગળીઓ પર, પ્રાધાન્યમાં ડાબી આંગળી પર, અમીટ શાહી લગાવે છે. બીએમસી ચૂંટણી માટે મતદાન ૧૦,૨૩૧ મતદાન મથકો પર થઈ રહ્યું છે. સમગ્ર મુંબઈમાં, 64,375 અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ છે.
NCP-SP નેતા રોહિત પવારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “બૂથ જ્યાં હોવા જોઈએ ત્યાંથી નામો દૂર ખસેડવામાં આવ્યા છે, જેના કારણે લોકો મતદાન કરી શકતા નથી. મુંબઈમાં, એક મંત્રીનું નામ પણ બૂથ પરથી ગાયબ છે. તેમના પરિવારના સભ્યોના નામ અલગ અલગ બૂથ પર સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. EVM મશીન પર સમય 15 મિનિટ આગળ છે. મશીનોનું સિક્વન્સિંગ ખોટું છે. બૂથથી 100 મીટરની અંદર ભાજપના કાર્યકરો છે.”
ટ્રમ્પે પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 75 દેશોના USપ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ
નવી દિલ્હીઃ ટ્રમ્પ પ્રશાસને પોતાની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ એક મોટું પગલું ભરતાં 75 દેશોના નાગરિકો માટે ‘ઇમિગ્રન્ટ વિઝા’ની પ્રક્રિયા પર અનિશ્ચિત કાળ માટે પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 21 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા ભારતના પડોશી દેશો સામેલ છે, પરંતુ ભારતને આ પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે ગ્રીન કાર્ડ અથવા સ્થાયી નિવાસ માટે અરજી કરનારા ભારતીય નાગરિકો પર આ ખાસ સસ્પેન્શનની સીધી અસર નહીં પડે.
ભારતને રાહત
ટ્રમ્પ પ્રશાસન દ્વારા 75 દેશો પર લગાવવામાં આવેલા ઇમિગ્રન્ટ વિઝા પ્રતિબંધમાંથી ભારતને બહાર રાખવું વૈશ્વિક કૂટનીતિમાં તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે. નિષ્ણાતોને મતે આ નિર્ણય વોશિંગ્ટન દ્વારા ભારતીય સિસ્ટમ્સ અને અરજદારો પર દર્શાવવામાં આવેલા ઊંડા વિશ્વાસનું પ્રતીક છે. જ્યાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના દસ્તાવેજોની પ્રામાણિકતા પર અમેરિકાને શંકા છે અને તેમના અરજદારો ‘જાહેર કલ્યાણ’ યોજનાઓ પર ભાર બનવાની શક્યતા માનવામાં આવે છે, ત્યાં ભારતીયોની છબી એક ‘કુશળ અને યોગદાન આપનારા’ સમુદાય તરીકે ઊભરી આવી છે.
ભારતમાં મજબૂત બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, IT અને હેલ્થકેર જેવાં ક્ષેત્રોમાં કુશળ શ્રમશક્તિનો મોટો આધાર અને ઠગાઈના કેસોમાં નોંધપાત્ર ઘટાડાએ ભારતને અમેરિકા માટે ‘લો-રિસ્ક’ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ બનાવ્યો છે. આ જ કારણ છે કે ભારતીય નાગરિકો માટે ગ્રીન કાર્ડ અને સ્થાયી નિવાસના રસ્તા ખુલ્લા છે, જ્યારે તેમના પડોશી દેશોને ઓળખ વ્યવસ્થાપન અને માહિતી વહેંચણીનાં ધોરણોમાં ખામી હોવાને કારણે ‘હાઈ-રિસ્ક’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
ભારત માટે તેના શું અર્થ થાય છે?
આ યાદીમાં ભારતનું ન હોવું ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની નજરે તેની ‘વિશ્વસનીય ભાગીદાર’ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે:
કુશળ પ્રવાસન: હેલ્થકેર અને IT જેવાં ક્ષેત્રોમાં કુશળ ભારતીયો માટે અમેરિકા જવું સરળ રહેશે.
શિક્ષણ અને રોકાણ: ભારતીય વિદ્યાર્થીઓ અને રોકાણકારો માટે રસ્તા ખુલ્લા રહેશે, જેથી દ્વિપક્ષી આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.
તક્નિકી ભાગીદારી: ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સહયોગ કોઈ અવરોધ વિના ચાલુ રહી શકશે.
જીવનમાં સંસ્કારનું મૂલ્ય…
તમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાઓ એ પહેલાં તમે એક નાનકડો રેઝ્યુમે ઈમેલ કર્યો હોય છે, જેમાં તમારા શિક્ષણ, તમારી કાબેલિયત વિશે માહિતી આપેલી જ હોય છે, આમ છતાં તમારાં તમામ સર્ટિફિકેટ ચકાસવામાં આવે છે.

તમે કોઈ કંપનીના શૅર ખરીદો કે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરો તો તે પહેલાં કંપનીઓ વિશે, સ્કીમ વિશે પૂરી ખાતરી કરી લેતા હશો. સારી વાત છે, પણ આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે કોઈ માણસ કેવો છે અથવા એનું કેરેક્ટર કેવું છે એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય?
એક ઉદાહરણથી આ સમજીએઃ ફ્રાન્સમાં રાજાશાહીના વિરોધીઓએ તે વખતના રાજ લુઈને જેલમાં પૂરી દીધો અને એના વારસદાર, લુઈના પુત્રને નૈતિક રીતે પાયમાલ કરવાની યોજના બનાવી. પ્લાન મુજબ કુંવરને એવા લોકોની વચ્ચે રાખવામાં આવ્યો, જે નૈતિકતાની દૃષ્ટિએ અધમ અને ચારિત્ર્યની દૃષ્ટિએ ભ્રષ્ટ હતા. રાજકુમાર એની શ્રદ્ધામાંથી ડગી જાય એવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા. છ મહિના એને આવા વાતાવરણમાં રાખવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિનું પતન થઈ જાય એવા સંજોગમાં પાટવી કુંવરના સ્વભાવમાં જરીકેય ફેર ન પડ્યો.
કંટાળીને વિરોધીઓએ પ્રિન્સને પૂછ્યું: તેં કેમ કશું સ્વીકાર્યું નહીં. આ સાંભળીને છોકરાએ જવાબ આપતાં કહ્યું: આઈ વૉઝ બૉર્ન ટુ બી અ કિંગ અર્થાત્ જેને જે કરવું હોય તે કરે, મારો જન્મ રાજા બનવા માટે જ થયો છે એટલે મારે એ રીતે તૈયાર થવું જ પડે.

આને કહેવાય ચારિત્ર્ય. આવું દઢ ચારિત્ર્ય એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં સારા સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવતું, એમને શિક્ષણમાં શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શીખવવામાં આવતા હતા. આજના ભૌતિક યુગમાં લોકો ધન અને સમૃદ્ધિને વધુ મહત્ત્વ આપીને તે પ્રમાણે જીવનની દિશા નક્કી કરે છે એ લોકોને યાદ કરાવવાનું કે જીવનમાં સૌથી વધારે મહત્વનું છે ચારિત્ર્ય.
દોમદોમ સાહ્યબીમાં આળોટતા વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર મોહમ્મદ અલી અને સિંગર માઈકલ જૅક્સન જેવા પણ કોર્ટકેસમાં ખરડાયેલા તે જગજાહેર છે. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ શા માટે માણસનું ચારિત્ર્ય આટલું ઝડપથી ઓગળી જાય છે? આનું કારણ છે એમને ચારિત્ર્યની મહત્તા જ સમજાઈ નથી.

કેવળ માન માટે, જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. ખરેખર તો કોઈ આપણને જોતું ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પરથી આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.
વર્ષો પહેલાં અમેરિકાનું ન્યૂ યૉર્ક શહે૨ એક રાતે અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, વીજપ્રવાહ ખોરવાઈ ગયો હતો. બીજી સવારે સૂરજ ઊગ્યો ને શહેર ફરી એક વાર પ્રકાશની રોશનીમાં નહાઈ રહેલું ત્યારે ખબર પડી કે શહેરના મોટા ભાગના શો-રૂમ, મૉલ લૂંટાયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુખી ઘરના લોકો પણ કાળા ડિબાંગ અંધકારમાં લૂંટફાટ (બ્લૅક નાઈટ રૉબરી)માં સામેલ થયા હતા. આમ અંધારામાં માણસની અસલિયત બહાર આવી ગઈ
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અમેરિકામાં એક વખત 10 શહેરોની ‘કિ ટુ ધી સિટી’ અર્પણ કરવામાં આવી. ભારતીય ધર્મગુરુ માટે આ મોટું સમ્માન હતું. સમ્માન બાદ શહેરના મેયરને સવાલ થયોઃ “તમે ક્યારેય પ્રમુખસ્વામીને જોયા નથી, એમના સંપર્કમાં આવ્યા નથી, એમના વિશે કંઈ જાણતા નથી છતાં આટલું મોટું સમ્માન? ”

મેયર કહે, “હા, હું પ્રમુખસ્વામી વિશે જાણતો નથી, પણ તેમના યુવાન શિષ્યો આપણા શહેરમાં છે. તેમનાં ચારિત્ર્ય એટલાં ઉત્કૃષ્ટ છે કે મને વિચાર આવ્યો, જેના શિષ્ય આવા હોય તેના ગુરુ કેવા હશે.’’
આપણી ભાષામાં કહેવત છેઃ કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ પાસે ગંગા જેવું પાવિત્ર્ય અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી. એમની મૂડી હતીઃ બે જોડી કપડાં, એક માળા છતાં એમના ચારિત્ર્યથી નતમસ્તક થઈને બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લમેન્ટે તેમનું અભૂતપૂર્વ સમ્માન કર્યાં હતાં.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
સુપ્રીમ કોર્ટે EDની અરજી પર જારી કરી નોટિસ
નવી દિલ્હીઃ પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PACની ઓફિસ અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનના ઘરે પાડવામાં આવેલી રેડના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજોએ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને આકરી ટિપ્પણી કરી હતી. કપિલ સિબ્બલ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીનો પક્ષ રાખવા માટે કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે તેમને કહ્યું હતું કે તેઓ જજના મોઢામાં શબ્દો ન મૂકે અને જજોને શું માનવું અને શું નહીં તે ન શીખવાડે.
સુપ્રીમ કોર્ટ EDની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં રેડ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપ અંગે CBI તપાસની માગ કરવામાં આવી છે. બુધવારે કોલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીના પોલિટિકલ ડેટાને ગોપનીય રાખવાની માગ કરવામાં આવી હતી. કપિલ સિબ્બલે આ નિર્ણય પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે હાઈકોર્ટે આ મુદ્દે સુનાવણી કરવી જ પડશે.
જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના વલણથી ખૂબ જ પરેશાન છે. કપિલ સિબ્બલે જણાવ્યું કે ગઈ કાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને સુપ્રીમ કોર્ટને માનવું પડશે કે હાઈકોર્ટ ન્યાય આપવા અસમર્થ છે. આ વાત પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી.
સિબ્બલે કહ્યું હતું કે હાઈકોર્ટને સુનાવણી કરીને ચુકાદો આપવો પડશે, ત્યાર બાદ તેઓ અપીલ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટે સાથે-સાથે સુનાવણી શરૂ પણ કરી દીધી છે. સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી પણ કોર્ટમાં હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટે ગઈ કાલે સુનાવણી મોકૂફ રાખી હતી અને કહ્યું હતું કે આ મામલો પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે.
બુધવારે સુનાવણીમાં ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ હાઈકોર્ટમાં સુનાવણી ટાળવાની માગ કરી હતી અને કહ્યું હતું કે આવી જ અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે, અને હાઈકોર્ટે પણ આ વાત પર સંમતિ દર્શાવી હતી. હાઈકોર્ટે બુધવારે TMCની અરજી ફગાવતાં એ પણ જણાવ્યું હતું કે EDએ પોતાના પંચનામામાં કહ્યું છે કે તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી, કારણ કે મમતા બેનર્જી દરોડાના સ્થળ પરથી દસ્તાવેજો પોતાના સાથે લઈ ગયાં હતાં.


