
મુંબઈમાં એપલ રીટેલ સ્ટોરનું ઉદઘાટનઃ ટીમ કૂકે પ્રથમ ગ્રાહકોનું સ્વાગત કર્યું
PM સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિને થયું 61 મિલિયન ડોલરનું નુકસાન
લંડનઃ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિને 61 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. સોમવારે ઇન્ફોસિસ લિમિટેડના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. અક્ષતા મૂર્તિ પાસે તેમના પિતા એન. નારાયણ મૂર્તિની કંપની ઇન્ફોસિસમાં 0.94 ટકાનો હિસ્સો છે. ઋષિ સુનકે PM બન્યા પછી અક્ષતા મૂર્તિને અત્યાર સુધીનું આ સૌથી મોટું નુકસાન થયું છે.
ઇન્ફોસિસના શેરોમાં ઘટાડો થયા પછી બ્રોકરો દ્વારા આ શેર ડાઉનગ્રેડ કરવાનો સિલસિલો ચાલ્યો છે. માર્ચ, 2020 પછી ઇન્ફોસિસના શેર સોમવારે 0.94 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે અક્ષતા મૂર્તિને થયેલું નુકસાન સુનક પરિવારની સંપત્તિમાં એક અંશ માત્ર છે. અક્ષતા મૂર્તિનો હિસ્સો હજી પણ 450 મિલિયન પાઉન્ડથી વધુ છે. જોકે ઋષિ સુનકે આ મામલે પ્રતિક્રિયા કરવાથી ઇનકાર કર્યો હતો.અક્ષતા મૂર્તિએ બ્રિટનમાં રહ્યા પછી પણ ભારતીય નાગરિકતા નથી છોડી. આ કારણે તે એક બ્રિટિશ નાગરિક નથી.
બ્રિટિશ કાયદા મુજબ અક્ષતાને બ્રિટનથી બહારની થનારી કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો. બ્રિટિશ નાગરિકોએ આ ટેક્સ ચૂકવવો પડે છે. સુનકે આ પહેલાં કહ્યું હતું કે વિરોધ પક્ષ તેમની પત્નીને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે. અક્ષતાની પાસે ઇન્ફોસિસના આશરે એક અબજ ડોલરના શેર છે. તેઓ બ્રિટનની દિવંગત મહારાણી એલિઝાબેથથી વધુ શ્રીમંત છે. એલિઝાબેથની પાસે આશરે 460 મિલિયન ડોલરની સંપત્તિ હતી. તેમની ગણતરી યુરોપના સૌથી શ્રીમંત મહિલાઓમાં થાય છે. ટેક્સ ચોરીનો આરોપ અક્ષતા મૂર્તિ પર રૂ. 204 કરોડની ટેક્સ ચોરીનો આરોપ પણ છે.
સૈફ અલી ખાન, જ્હાન્વી કપૂરનું તેલુગુ ફિલ્મમાં પદાર્પણ; ‘NTR 30’માં ચમકશે
મુંબઈઃ બોક્સ ઓફિસ પર તેલુગુ ફિલ્મ ‘આરઆરઆર’ની સફળતા અને તેના ‘નાટુ નાટુ’ ગીતે મેળવેલા ઓસ્કર એવોર્ડને પગલે તેનો હિરો જુનિયર એનટીઆર (નંદામુરી તારકા રામા રાવ જુનિયર)ની નવી ફિલ્મ આવી રહી છે ‘NTR 30’. કોરાતાલા શિવા દિગ્દર્શિત આ ફિલ્મ તેલુગુ, તામિલ સહિત તમામ દક્ષિણી ભાષાઓમાં 2024ની પાંચ એપ્રિલે રિલીઝ થવાની છે.
આ ફિલ્મ વિશેષતા એ છે કે તેમાં હિન્દી ફિલ્મોનાં બે કલાકાર પણ કામ કરવાના છે – સૈફ અલી ખાન અને જ્હાન્વી કપૂર. આ બંને કલાકાર આ પહેલી જ વાર તેલુગુ ફિલ્મમાં ચમકશે.
(તસવીર સૌજન્યઃ @NTRArtsOfficial)
‘NTR 30’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સેટ પર પહેલી જ વાર આવેલા સૈફનું જુનિયર એનટીઆરે સ્વાગત કર્યું હતું. એની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઈરલ થઈ છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા કરી રહ્યો છે. જ્હાન્વી કપૂરે તો આ ફિલ્મ માટેનું શૂટિંગ ક્યારનું શરૂ કરી દીધું છે.
આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર ડબલ રોલમાં જોવા મળશે. ‘આરઆરઆર’ ફિલ્મ બાદ લગભગ બે વર્ષ પછી જુનિયર એનટીઆર નવી ફિલ્મમાં જોવા મળશે. એને જોવા માટે એના ચાહકો આતુર છે.
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપનાં એંધાણઃ શું પવાર ફેમિલીમાં તિરાડ?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઊલટફેર થવાનો છે. સુપ્રિયા સુળેના નિવેદન પછી રાજકીય ગરમાવો આવ્યો છે. NCPના આશરે 30-40 વિધાનસભ્ય અજિત પવારના સંપર્કમાં છે. આ બધા અજિત પવારના નેતૃત્વમાં ભાજપની શિંદે સરકારમાં સામેલ થાય એવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે NCPના બે તૃતીયાંશથી વધુ વિધાનસભ્યોએ અજિત પવારને ટેકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવાર પણ કેન્દ્રની મોદી સરકારમાં સામેલ થવાની શક્યતા છે. સુપ્રિયાએ કહ્યું હતું કે 15 દિવસમાં બે મોટા રાજકીય ધડાકા થવાના છે, જેમાં એક દિલ્હીમાં તો બીજો મહારાષ્ટ્રના રાજકારણમાં થશે.
સુપ્રિયા સુળેએ બે મોટા રાજકીય વિસ્ફોટની વાત કરી છે. જોક્ તેમણે અજિત પવારના ભાજપ સાથે જવાના સવાલ પર મૌન ધારણ કરી લીધું હતું. તેમણે કહ્યું હતું કે એ વાત અજિત પવારને પૂછો, મારી પાસે ગોસિપ માટે સમય નથી. જનપ્રતિનિધિરૂપે મારી પાસે અનેક કામ છે, એટલે મને એ વિશે માહિતી નથી.
NCPના 53 વિધાનસભ્યોમાંથી આશરે 40 વિધાનસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવવા અને શિંદે –ફડનવીસ સરકારમાં સામેલ થવા માટે પવારને ટેકો જાહેર કર્યો છે. જોકે આ પૂરા ઘટનાક્રમ વિશે પવારે મિડિયાને કહ્યું હતું કે આ જે ચર્ચા ચાલી રહી છે- એ તમારા લોકોના મનમાં ચાલી રહી છે, આ બધી વાતો ખોટી છે. અજિત પવારે કોઈ બેઠક નથી બોલાવી અને NCPના 54 MLA તેમના સંપર્કમાં છે. શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે પણ આ વિશે કહ્યું હતું કે આ બધી અફવા છે.
CBIએ લાંચ લેવા બદલ IT અધિકારીની ધરપકડ કરી
અમદાવાદઃ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ લાંચની ફરિયાદ સંદંભમાં ઓક્ટોબર,2022માં ગુજરાત એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા બિછાવવામાં આવેલી જાળમાં પોતાના સિનિયર અધિકારીને ભાગવામાં મદદ કરવા માટે એક અધિકારીની ધરપકડ કરી હતી. તત્કાલીન એસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ- અમદાવાદ (ગુજરાત) વિવેક જોહરીની IRS અધિકારી સંતોષ કરનાનીની મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તત્કાલીન એડિશનલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ (સેન્ટ્રલ રેન્જ 1)- જેમના પર અમદાવાદના બિલ્ડર પાસેથી રૂ. 30 લાખની લાંચ લેવાનો આરોપ હતો. વિભાગે સફળ કન્સ્ટ્રક્શન પ્રા. લિ. અથવા B સફળ ગ્રુપ- જેનાપર 2021માં દરોડા પાડ્યા હતા.
સીબીઆઈના અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું હતું કે અધિકારીની ગૌણ આઇટી અધિકારી સાથે સાઠગાંઠ હતી અને તેણે નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે ACBની ટીમ વરિષ્ઠ IT અધિકારીની ઓફિસમાં છટકું ગોઠવી રહી હતી ત્યારે તેમણે CCTVની તપાસ કરી તો તેના ગૌણ અધિકારીએને તેમને રોકવાનો આદેશ આપ્યો હતો.
CBIએ જુનિયર ઓફિસરને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને તેને વલ્લભ સદન પાસે સાબરમતી રિવરફ્રન્ટ પરના વોકવે પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીની CBIની ટીમે અમદાવાદ ફાયર વિભાગ અને તરવૈયાઓ તથા ડાઇવર્સની મદદ લઈ બંને મોબાઇલ ફોન શોધવાનું શરૂ કર્યુ હતું. CBI ઓફિસરના જણાવ્યા મુજબ CBIએ ગોતાખોરો અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતીમાંથી ડાઇવિંગ ઈક્વિપમેન્ટ અને સોનાર ટેક્નોલોજીથી સજ્જ દૂરથી સંચાલિત વાહનોની મદદથી બંને મોબાઇલ કબજે કર્યા હતા.
ડાંગે માર્યાં પાણી જુદા ન થાય
ડાંગે માર્યાં પાણી જુદા ન થાય |
પાણીનો પ્રવાહ વહેતો હોય તેના પર લાકડી કે તલવારથી ઘા કરવામાં આવે તો પણ એ જુદું પડતું નથી. એક હોય તે અંતે એક જ રહે છે. મારી મા રામાયણમાંથી લક્ષ્મણ અને મેઘનાદના યુદ્ધની વાત કહેતી. જ્યારે લક્ષ્મણ મેઘનાદ દ્વારા શક્તિના પ્રહારથી બેભાન થઈ જાય છે ત્યારે પોતાના મૂર્છિત ભાઈની પાસે ભગવાન શ્રી રામ આક્રંદ કરતાં કહે છે –
કડવી હોજો લીમડી
પણ એની શીતળ હોજો છાંય
બંધુ હોજો બોલકા
તોય પોતાની બાંય

માના જણ્યા ભાઈઓ કદાચ કોઈ કારણસર ઝગડી પડે તો પણ જ્યારે બીજો ભાઈ આફતમાં હોય, પોતે બોલતા ન હોવા છતાં કે ઝઘડેલા હોવા છતાં પણ ભાઈ માટે ભાઈનો જ જીવ બળે છે.
કોરાનાના 7629 નવા કેસો, 11નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 7629 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,34,859 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,152 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,42,474 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6313 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 61,233એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.14 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.68 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,11,029 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.43 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 6.78 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.49 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,27,271 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 749 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

‘બહારોં કે સપને’ નો અંત
રાજેશ ખન્નાની કારકિર્દીની ત્રીજી ફિલ્મ ‘બહારોં કે સપને’ (૧૯૬૭) રજૂ થયા પછી નિર્દેશકે તેનો અંત બદલવાની ફરજ
પડી હતી. યુનાઇટેડ પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિભા શોધ સ્પર્ધામાં વિજેતા રહેલા રાજેશ ખન્નાને એસોસિએશનના સભ્યો શક્તિ સામંત, હેમંતકુમાર, બી. આર. ચોપડા વગેરેની સાથે નાસિર હુસેને પણ પોતાની એક ફિલ્મ ‘બહારોં કે સપને’ માં કામ આપ્યું. આ પહેલાં નિર્દેશક ચેતન આનંદની ‘આખિરી ખત’ (૧૯૬૬) અને રવિન્દ્ર દવેની ‘રાઝ’ (૧૯૬૭) માં રાજેશ ખન્નાએ કામ કર્યું હતું. નાસિર આ પહેલાં મસાલા ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા હતા.
આ વખતે પોતાના કોલેજકાળની એક વાર્તા પર આધારિત ફિલ્મનું આયોજન કર્યું હતું. કોલેજના સમયમાં ઉર્દૂ પત્રિકા ‘આજકલ’ માં નાસિરની જે વાર્તાએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો એના પરથી ફિલ્મ ‘બહારોં કે સપને’ ની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. તે નાના બજેટની અને શ્વેત-શ્યામ ફિલ્મ બનાવવાના હતા. એમાં એકમાત્ર ગીત ‘ક્યા જાનૂં સાજન’ ને રંગીન રાખવામાં આવ્યું હતું. પહેલાં અભિનેત્રી નંદાને એમણે ફિલ્મ ઓફર કરી હતી. એ સમય પર નંદા ગ્લેમરસ ભૂમિકા ભજવવા માગતી હતી અને પડદા પરની નાની બહેનની ઇમેજ તોડવા માગતી હતી એટલે ના પાડી દીધી હતી. એ કારણે આશા પારેખને લીધી હતી.

ફિલ્મનું સૌથી મોટું જમા પાસું આર.ડી. બર્મનના સંગીતમાં તૈયાર થયેલા ગીતો હતા. એમાં મન્ના ડે અને લતા મંગેશકરે ગાયેલું ગીત ‘ચુનરી સંભાલ ગોરી, ઉડી ચલી જાયે રે’ ખૂબ લોકપ્રિય રહ્યું હતું. એની વિશેષતા એ હતી કે ગીતના શબ્દોની શરૂઆત પહેલાંની ધૂન ઘણી લાંબી હતી. તેનું ફિલ્માંકન નરગિસના સાવકા ભાઇ અનવર હુસેન અને આશા પારેખ પર થયું હતું. ‘બહારોં કે સપને’ નો અંત એકદમ દુ:ખદ હતો. રાજેશ ખન્ના અને આશા પારેખનું ગોળીઓ વાગવાથી મૃત્યુ થઇ જાય છે.
બેકગ્રાઉન્ડમાં ‘જમાને ને મારે જવાં કૈસે કૈસે, જમીં ખા ગઇ આસમાં કૈસે કૈસે’ ગીત વાગે છે અને ફિલ્મ પૂરી થાય છે. લોકોને આ અંત ગમ્યો નહીં અને ફિલ્મ ફ્લોપ રહી. વિવેચકોએ પણ અંતની ટીકા કરી એટલે નાસિરે બીજા અઠવાડિયે અંત બદલીને રાજેશ અને આશાને ગોળીઓ વાગ્યા પછી ઓપરેશનથી જીવતા કરી ક્ષિતિજ તરફ ચાલતા બતાવી ‘ઓ મોરે સાજના’ ગીત વગાડ્યું હતું. આ ફેરફારથી ફિલ્મને કોઇ લાભ થયો નહીં. દર્શકો ફિલ્મ જોવા થિયેટરમાં પાછા ફર્યા નહીં અને નિર્દેશક નાસિર હુસેનની કારકિર્દીની પહેલી ફ્લોપ ફિલ્મ તરીકે નોંધાઇ ગઇ હતી.
શ્રીનગરને બનાવાશે સંપૂર્ણ કચરા-કૂડા મુક્ત
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરને કચરા અને કચરાપેટીઓથી મુક્ત કરવાનો શ્રીનગર મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. શહેરમાંથી ડમ્પસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે અને દરેક ઘરમાંથી સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે 150 નવા C&T (કમ્યુનિટીઝ એન્ડ ટેક્નોલોજીઝ) વાહનોનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વાહનો પર GIS (જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ) અને રિયલ-ટાઈમ GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર અતહર આમિર ખાને શહેરના પ્રત્યેક વિસ્તાર અને વોર્ડમાં કચરો એકત્ર કરવા માટેનું સમયપત્રક ઘડવામાં આવ્યું છે. શ્રીનગર શહેરને સંપૂર્ણ કચરામુક્ત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે.
હેરિટેજ પોલિસીથી ગુજરાતમાં રૂ. ૩૦૦ કરોડનું રોકાણ આવવાનો અંદાજ
રક્ષિત સ્મારકોની સૂચિમાં રાજકોટ જિલ્લાના ૧૧ સહિત સૌરાષ્ટ્રના કુલ ૧૯૭ સ્મારકો સામેલ ૧૦૦ વર્ષનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો સાચવનારી ઇમારતો એટલે હેરિટેજ
*****
ભારત અને ગુજરાતનો ઇતિહાસ સાચવનારા અનોખા સ્મારકો અને તેના વારસાનું જતન કરવાનો દિવસ એટલે સમગ્ર વિશ્વમાં ૧૮ એપ્રિલે ઉજવાતો ‘‘વર્લ્ડ હેરિટેજ ડે’’, આ તમામ ભવ્ય ધરોહરોની સાચવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે. જો કોઇ ઇમારતની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ હોય તો તેને રક્ષિત સ્મારક ગણવામાં આવે છે. આવા સ્મારકો રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાના સાચા રક્ષકો અને વાહકો છે.
ગુજરાત રાજયની આવી ૧૦૦ વર્ષથી જૂની ઈમારતોની વિશેષ જાળવણી અને રક્ષણ કરવા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ સતત કાર્યરત છે. તેના જતન માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજયના પ્રવાસન વિભાગ દ્વારા ટુરિઝમ પોલિસી અન્વયે હેરિટેજની જાળવણી સાથે પ્રવાસનને વેગ આપવા માટે હોટેલ, રેસ્ટોરન્ટ, મ્યુઝીયમ વગેરે માટે વિશેષ આર્થિક સહાય આપવામાં આવે છે, જેનો આશય હેરિટેજ ઈમારતોનો પુનઃઉપયોગ કરી મૂલ્યોને જાળવી રાખવાનો છે.
જિલ્લા અને સૌરાષ્ટ્રની ઇમારતો
રાજકોટ જિલ્લામાં કુલ ૧૧ રક્ષિત સ્મારકો આવેલા છે, જયારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ ૧૯૭ રક્ષિત સ્મારકો છે. જેમાં શિરમોર આકર્ષણ સમાન ત્રિનેત્રેશ્વર(તરણેતર) મહાદેવ મંદિર, સુપેડીના મંદિરો, ખંભાલીડાની ગુફાઓ, મીનળ વાવ જેવા અનેક સ્મારકોનો સમાવેશ થાય છે. અંતારાષ્ટ્રીય પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માધવપુર મંદિર પણ હેરિટેજ શ્રેણીમાં ગણાય છે. તેમ ગુજરાત પૂરાતત્વ ખાતાના અધિકારી શ્રી સંગીતાબેન તેમજ શ્રી સિધ્ધાબેન શાહે જણાવ્યું હતું.
રાજકોટ શહેરના વિવિધ ઐતિહાસિક સ્મારકોમાં કબા ગાંધીનો ડેલો, ગાંધીજી ભણતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, દરબાર ગઢ, જામ ટાવર, વગેરે ઇમારતો તેના ભવ્ય વારસા અને પ્રાચીન સમયને વર્તમાન સમય સાથે જોડતી કડી છે. રાજકોટમાં બેડી નાકા ટાવર, રૈયા નાકા ટાવર, જામ ટાવર સહિતના રાજાશાહી વખતના ટાવરોનો સમાવેશ થાય છે. તેમજ રાજકોટમાં આવેલ દરબારગઢનો મ્યુઝીયમમાં કાયાપલટ થઈ રહ્યો છે.
વર્ષ ૨૦૨૨ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગુજરાતના બે સ્થળો ઉમેરાયા છે, જેમાં ૪૦૦૦ વર્ષ જુના ઈતિહાસને અભિવ્યક્ત કરતું વડનગર અને સૂર્યના પ્રથમ કિરણોનું સાક્ષી બનતું મોઢેરાનું સૂર્યમંદિર છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના વિકાસ માટે તેમજ ગિરિમથકો એવા ડોન ગિરનાર હિલ સ્ટેશન, વલસાડ કરાઈ માતા હિલ સ્ટેશનના વિકાસ કરવાનું આયોજન છે આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજમહેલ અને મહાલયોને હેરિટેજનું સ્ટેટસ આપી એનું પુનઃ નિર્માણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં આવેલા પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને ધોળાવીરા એ ત્રણ વિશ્વ કક્ષાનાં હેરિટેજ પ્રવાસન સ્થળો છે. હવે અમદાવાદને પણ દેશના સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. હેરિટેજ પોલિસીથી અંદાજિત રૂ. ૩૦૦ કરોડનું રોકાણ આવવાની સંભાવના છે.
‘‘વર્લ્ડ હેરિટેજ ડે-૨૦૨૩’’ની થીમ
૧૮ એપ્રિલ “વર્લ્ડ હેરિટેજ ડે” ની ઉજવણી યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન( યુનેસ્કો) દ્વારા સૌથી પહેલાં ૧૯૮૩માં થઇ હતી. ત્યાર બાદ દર વર્ષે અનેક વિષયોને અનુલક્ષીને આ દિવસ ઉજવાય છે. સમૃધ્ધ વારસાના સંવર્ધનની ૫૦મી વર્ષગાંઠ નિમિતે આ વર્ષે “૨૦૨૩ – વર્કિંગ ઓન ધ ફ્યુચર”ની થીમ રાખવામાં આવેલી છે.
‘‘વર્લ્ડ હેરિટેજ ડે’’ના દિવસે થીમ અનુસાર રાજયસરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ગોઠવામાં આવે છે. જેનો ઉદેશ્ય ભારતીય વારસાથી વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો અને તેની સાચવણી સાથે જાગૃતિ કેળવવાનો છે. આ માટે હેરિટેજ ઇમારતોનું પેન્ટિંગ પ્રદર્શન, આર્કિટેક્ટ શાખાના વિદ્યાર્થીઓ માટે સ્થાપત્યનું જતન કરવા અંગેના કાર્યક્રમો યોજાય છે.
રાજકોટના વિવિધ રક્ષિત અને સાંસ્કૃતિક સ્મારકોના રખરખાવ માટે ૧૯૮૪થી કાર્યરત સંસ્થાનું નામ છે, ઇન્ટેક (INTACH) ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ, જે મુખ્યત્વે વારસામાં મળેલી ધરોહરોનું સંરક્ષણ, સંચાલન, તે અંગેનું શિક્ષણ અને જાગૃતિ, હિમાયત વગેરે પ્રવૃત્તિ કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ધરોહરનું સંવર્ધન કરી તેના સંશોધકીય દસ્તાવેજીકરણ સાથે ધરોહરની સાચવણી અંગે તાલીમ વગેરે છે. આ સંસ્થાએ રાષ્ટ્રીય સ્તરે કુતુબમિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ માટે પણ સંરક્ષણની કામગીરી કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને રાજ્ય પુરાતત્વ વિભાગ (DAM) દ્વારા સંરક્ષિત સ્મારકોની કાળજી લેવામાં આવે છે, જ્યારે INTACH સંસ્થા અસુરક્ષિત વારસો (સ્મારકો, સ્થળો, કલા અને હસ્તકલા, સમુદાયો, કુદરતી વારસો, અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની સૂચિ, જાળવણી અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આજના દિવસે અવશ્ય એકવાર આસપાસ સ્થિત ઇમારતોને નિહાળી વારસામાં મળેલ અદભુત ભેટનો સંગ્રહ કરવા નિર્ણય કરી ગામડાથી લઇ શહેર સુધીના અનેક વિસ્તારોમાં આવેલ સાંસ્કૃતિ વિરાસતોને ઓળખી તેની જાળવણી કરવા સૌ કટિબધ્ધ થઇએ. સાચા અર્થમાં ઇમારતોનું જતન એટલે ભવિષ્યનું સંરક્ષણ.. વર્લ્ડ હેરિટેજ ડે એ ફક્ત એક દિવસની ઉજવણી નથી પરંતુ આપણી આસપાસના અનેક વારસાને જીવંત રાખવાની પ્રેરણા છે. તે દરેકને સતત આપણા વારસા અને આપણી ઇમારતોને ભવિષ્ય માટે કઈ રીતે જાળવી તેનું દિશાસૂચન કરે છે.
(ખાસ લેખ: દેવ મહેતા)
















