PM સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિને થયું 61 મિલિયન ડોલરનું નુકસાન

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિને 61 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. સોમવારે ઇન્ફોસિસ લિમિટેડના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. અક્ષતા મૂર્તિ પાસે તેમના પિતા એન. નારાયણ મૂર્તિની કંપની ઇન્ફોસિસમાં 0.94 ટકાનો હિસ્સો છે. ઋષિ સુનકે PM બન્યા પછી અક્ષતા મૂર્તિને અત્યાર સુધીનું આ સૌથી મોટું નુકસાન થયું છે.

ઇન્ફોસિસના શેરોમાં ઘટાડો થયા પછી બ્રોકરો દ્વારા આ શેર ડાઉનગ્રેડ કરવાનો સિલસિલો ચાલ્યો છે. માર્ચ, 2020 પછી ઇન્ફોસિસના શેર સોમવારે 0.94 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે અક્ષતા મૂર્તિને થયેલું નુકસાન સુનક પરિવારની સંપત્તિમાં એક અંશ માત્ર છે. અક્ષતા મૂર્તિનો હિસ્સો હજી પણ 450 મિલિયન પાઉન્ડથી વધુ છે. જોકે ઋષિ સુનકે આ મામલે પ્રતિક્રિયા કરવાથી ઇનકાર કર્યો હતો.અક્ષતા મૂર્તિએ બ્રિટનમાં રહ્યા પછી પણ ભારતીય નાગરિકતા નથી છોડી. આ કારણે તે એક બ્રિટિશ નાગરિક નથી.

બ્રિટિશ કાયદા મુજબ અક્ષતાને બ્રિટનથી બહારની થનારી કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો. બ્રિટિશ નાગરિકોએ આ ટેક્સ ચૂકવવો પડે છે. સુનકે આ પહેલાં કહ્યું હતું કે વિરોધ પક્ષ તેમની પત્નીને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે. અક્ષતાની પાસે ઇન્ફોસિસના આશરે એક અબજ ડોલરના શેર છે. તેઓ બ્રિટનની દિવંગત મહારાણી એલિઝાબેથથી વધુ શ્રીમંત છે. એલિઝાબેથની પાસે આશરે 460 મિલિયન ડોલરની સંપત્તિ હતી. તેમની ગણતરી યુરોપના સૌથી શ્રીમંત મહિલાઓમાં થાય છે. ટેક્સ ચોરીનો આરોપ અક્ષતા મૂર્તિ પર રૂ. 204 કરોડની ટેક્સ ચોરીનો આરોપ પણ છે.