સ્કૂલ નિરીક્ષણ કરવા પહોંચેલી CJPની ટીમને ગ્રામજનોએ ભગાડી

જયપુરઃ જયપુરના બગરુ ગામમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક આશુતોષ રાંકા અને તેમના સાથીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓ ગામમાં પહોંચતાં જ ગ્રામજનોએ તેમનો વિરોધ કરીને તેમને ભગાડયા હતા. CJPના નેતાઓનો આરોપ છે કે ગ્રામજનોએ આશુતોષ રાંકા અને તેમની ટીમ સાથે ધક્કામુક્કી પણ કરી હતી. તેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશુતોષ રાંકા અને તેમની ટીમ ગામની સરકારી શાળાનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા, પરંતુ તે દરમિયાન ગ્રામજનોએ વિરોધ શરૂ કરી દીધો અને તેમને ગામની બહાર કાઢી મૂક્યા હતા.

આશુતોષ રાંકાની ટીમે પણ વિરોધ નોંધાવ્યો

આશુતોષ રાંકા પોતાના સાથીઓ સાથે ગામમાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનો વિરોધ કર્યો હતો. આ અંગે CJPના કાર્યકર શિવાંગી શર્માએ કહ્યું હતું કે તેમણે અમારા કાર્યકરો પર હુમલો કર્યો અને અમને આતંકવાદી અથવા નક્સલવાદી ગણાવ્યા હતા. આ બહારના અને અંદરના લોકોનો શો અર્થ છે? આ એક જ દેશ છે. અમે કોઈ બીજી પાર્ટી કે બીજા દેશમાંથી આવ્યા નથી. અમે તો આપણા જ દેશનાં બાળકોની વાત કરી રહ્યાં છીએ. CJPના કાર્યકરો ગામમાં પહોંચે તે પહેલાં ગ્રામજનોએ મુખ્ય માર્ગને ઘેરી લીધો હતો અને ત્યાંથી પસાર થતી ગાડીઓની તપાસ પણ કરવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં રાંકા પોતાની ટીમ સાથે ત્યાં પહોંચતાં જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો.

આશુતોષ રાંકાએ અગાઉ માહિતી આપી હતી

હકીકતમાં, આશુતોષ રાંકાએ બગરુ વિધાનસભા મતવિસ્તારના બગરુ ગામની સરકારી શાળાની મુલાકાત લેવાની વાત કરી હતી. તેમનું કહેવું હતું કે શાળામાં બાળકોને મળતી સુવિધાઓ અને શાળાની ઇમારતની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. તેમનો આરોપ હતો કે ગામની શાળા સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે, જેને કારણે બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ સમસ્યાઓને લઈને તેઓ શાળાની મુલાકાત લેવાના હતા. જોકે શુક્રવારે સવારે તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના સાથીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી.

આ પહેલાં રાજસ્થાનના શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં મિડિયા અને સામાન્ય લોકોના બિનજરૂરી પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં આ વિવાદ હાલ વધુ વકરતો જોવા મળી રહ્યો છે.