મુંબઈમાં એપલ રીટેલ સ્ટોરનું ઉદઘાટનઃ ટીમ કૂકે પ્રથમ ગ્રાહકોનું સ્વાગત કર્યું

અમેરિકાની વિશ્વવિખ્યાત ટેક્નોલોજી કંપની અને આઈફોન ઉત્પાદક એપલના સીઈઓ ટીમ કૂકે 18 એપ્રિલ, મંગળવારે સવારે મુંબઈમાં બ્રાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ ખાતે જિયો વર્લ્ડ ડ્રાઈવ મોલ ખાતે એપલના ભારતમાંના પ્રથમ બ્રાન્ડેડ રીટેલ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગની ઢોલ વગાડીને ઉજવણી કરવામાં આવી હતી. સ્ટોરનું ઉદઘાટન કરાયું એની પહેલાથી જ તેની બહાર ગ્રાહકોની મોટી લાઈન લાગી હતી. ખુશખુશાલ દેખાતા ટીમ કૂકે સ્ટોરનું ઉદઘાટન કર્યા બાદ પ્રથમ ગ્રાહકોનું સ્વાગત કર્યું હતું. કૂકની સાથે એપલનાં સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ (રીટેલ) ડિયરડ્રી ઓબ્રાયન પણ હાજર હતાં. આ સ્ટોરમાં આઈફોન ઉપરાંત એપલનાં બીજાં તમામ ઉત્પાદનો અને સેવાઓ પ્રાપ્ત થશે. એપલ કંપની ભારતમાં તેનો બીજો સ્ટોર નવી દિલ્હીમાં 20 એપ્રિલે શરૂ કરવાની છે.