Home Blog Page 2905

ચોખાની પુરી

વેકેશનમાં આખો દિવસ ઘરમાં રહેતાં બાળકોને ભૂખ લાગે, સાથે સાથે નાસ્તામાં વેરાયટી પણ જોઈએ. ચોખાની પુરી જો સવારે બનાવી હોય તો તે સાંજે પણ ફ્રેશ બનાવી હોય તેવી લાગે છે. ઉપરાંત પ્રવાસમાં પણ લઈ જઈ શકાય છે.

સામગ્રીઃ

  • ચોખાનો લોટ ½ કપ
  • પાણી 1 કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • તેલ 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટી.સ્પૂન,
  • કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને સુધારેલી 2 ટે.સ્પૂન
  • પુરી તળવા માટે તેલ

રીતઃ એક જાડી તળિયાવાળી કઢાઈમાં એક કપ પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં અજમો, તલ, જીરૂ, તેલ, મીઠું સ્વાદ મુજબ, આદુ-મરચાં-લસણની પેસ્ટ તેમજ સમારેલી કોથમીર પણ ઉમેરી દો. પાણી ઉકળવા માંડે એટલે તેમાં ½ કપ ચોખાનો લોટ મેળવીને તવેથા વડે હલાવતાં રહો. જ્યાં સુધી લોટ બંધાઈને ઘટ્ટ થઈ જાય એટલે કે, 5 મિનિટ જેટલા સમયમાં આ લોટ તૈયાર થઈ જશે. તેમાંથી થોડો લોટ લઈ ગોળો વાળી જુઓ. જો વળે તો લોટ તૈયાર છે. હવે ગેસ બંધ કરી દો. લોટને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દો. (લસણ ના ખાવું હોય તો skip કરી દો)

પાંચ મિનિટ બાદ લોટને લઈ તેમાં 1 ટી.સ્પૂન તેલનું મોણ આપીને લોટને કુણી લો. હવે તેમાંથી ગોલા વાળીને પુરી વણી લો. મધ્યમ જાડી પુરી વણી લો. જો કિનારી વાંકીચૂકી હોય તો એક વાટકી વડે પુરીને ગોળ આકાર આપી દો. પુરીને વણતી વખતે અટામણમાં ઘઉંનો લોટ અથવા મેંદો લઈ શકાય છે. અથવા પાટલા ઉપર પ્લાસ્ટીક મૂકીને તેની ઉપર લૂવો મૂકીને પણ વણી શકાય છે.

ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પુરી તળી લો.

આ પુરી ચા સાથે અથવા દહીં સાથે પણ સારી લાગશે.

દરેક પરિવારમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છેઃ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે સમય વર્તીને ખપ પૂરતાં અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો. જેના ઘરમાં પશુ હોય એવા ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે ચારા માટેના પૂળાનો સંગ્રહ કરવો. આ સલાહ શિક્ષાપત્રીના શ્લોક ક્ર. 141માં આપવામાં આવી છે.

આ શ્લોકમાં નાણાકીય આયોજનની પરિકલ્પના અને પ્રસ્તુતતા સરળ અને સાદા શબ્દોમાં સમજાવવામાં આવી છે. માણસે પોતાના પરિવારને જરૂર પડતી હોય એટલું અનાજ તથા અન્ય જરૂરિયાતોનો યથાશક્તિ સંગ્રહ કરી રાખવો. જો ઘરમાં પાળેલું પશુ હોય કે બીજી કોઈ વ્યક્તિ હોય તો તેને જરૂર પડે એટલું દ્રવ્ય પણ ઘરમાં હોવું જોઈએ.

અહીં મને કીડી અને તિત્તીઘોડાની વાર્તા યાદ આવે છે. વસંતની એક બપોરે એક તિત્તીઘોડો બગીચામાં આરામ ફરમાવી રહ્યો હતો અને સરસ મજાના હવામાનનો આનંદ લઈ રહ્યો હતો. ત્યાં તેણે જોયું કે એક કીડી અન્ન લઈને ઉપર-નીચે થઈ રહી છે. તેણે કીડીને પૂછ્યું, ”તું શું કરી રહી છે?” જવાબ મળ્યો, ”હું ચોમાસામાં ખાઈ શકાય એ માટે મારા પરિવાર અર્થે ખોરાક ભેગો કરી રહી છું.”

કીડીની વાત સાંભળીને તિત્તીઘોડાને હસવું આવ્યું અને તેણે કીડીની મજાક કરી. તેને લાગ્યું કે પોતાની જેમ મોજમાં રહેવાને બદલે કીડી ચોમાસા માટે ખોરાક ભેગો કરી રાખવાની બિનજરૂરી ઝંઝટ કરી રહી છે. કીડીએ તેની ટીકા-ટિપ્પણી કાને ધરવાને બદલે પોતાનું કામ કર્યે રાખ્યું.

થોડા વખતમાં આવેલા ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો. તિત્તીઘોડો જેના પર પોતાનું જીવન વ્યતિત કરતો એ લીલોતરી નાશ પામી ત્યારે તેને કીડીએ કરેલી મહેનતનું મહત્ત્વ સમજાયું. કીડી એ વખતે નિરાંતે બેઠી હતી અને તિત્તીઘોડાને ખાવાનાં સાંસાં પડી ગયાં હતાં.

ચાદર હોય એટલી જ સોડ તાણવી અને મુશ્કેલીના વખતમાં કામ આવે એ માટે બચત કરવી એવી સલાહ આપણને બાળપણથી આપવામાં આવે છે. આમ છતાં લોકો આ જૂની વાતોને ભૂલી જાય છે. અને તત્કાળ લાભ કે સુવિધાનો જ વિચાર કરે છે. આ બાબતે કોમલ અને રજનીશનું ઉદાહરણ જાણવા જેવું છે. તેઓ એક મિત્રની લગ્નતિથિની ઊજવણી પ્રસંગે મને મળ્યાં હતાં. તેમના ચહેરાની રેખાઓ તંગ દેખાતી હતી. એ વખતે તો હું કંઈ બોલ્યો નહીં, પણ બીજા દિવસે મેં કોમલને ફોન કર્યો. કોમલે તેના પરિવારને નડી રહેલી નાણાંભીડ વિશે વાત કરી.

કોમલ અને રજનીશની કારકિર્દી બરોબર ચાલી રહી હતી. તેમની આવક પણ સારી હતી અને તેમના માથે કોઈ કરજ ન હતું. ફાઇનાન્શિયલ પ્લાનરની દૃષ્ટિએ મને તેમના કિસ્સામાં કંઈ અજુગતું લાગ્યું નહીં. આથી મેં તેને બચત અને રોકાણ વિશે પૂછ્યું. એ વખતે કોમલ રડવા માંડી. તેણે જણાવ્યું કે રજનીશને વારંવાર કહેવા છતાં તેણે ક્યારેય બચત કરવા પર ધ્યાન આપ્યું નહીં અને સુખસાહ્યબીનું જીવન પસંદ કર્યું. ફરવા જવું, શોપિંગ કરવું, બહાર જમવા જવું, વગેરે સાથેની મોજશોખભરી જિંદગી તેણે જીવી હતી. રજનીશ માનતો કે માણસે હંમેશાં વર્તમાનમાં જીવવું અને ભવિષ્યની ચિંતા કરવી નહીં. બન્નેની ઉંમર ચાળીસીને વટાવવા આવી હોવાથી કોમલની ધીરજ ખૂટી રહી હતી.

તેનો દીકરો અને દીકરી ટીનેજર હતાં અને તેમના ઉચ્ચાભ્યાસ માટે તથા પોતાના નિવૃત્તિકાળ માટે નાણાંની જરૂર પડવાની હતી. રજનીશ કંઈ કીધે કોમલનું સાંભળવા તૈયાર ન હતો. પાર્ટીના આગલા દિવસે બન્ને વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી.

આવું ફક્ત આ કિસ્સામાં બન્યું હોય એવું નથી. ઘણાં ઘરોમાં આ સમસ્યા છે. શહેરોમાં પતિ-પત્ની બન્ને કમાતાં હોય ત્યાં તો ઘણા કિસ્સામાં બચત કરવા તરફ ધ્યાન આપવામાં આવતું જ નથી. આજે સમગ્ર દેશમાં ગ્રાહકવાદ ઘૂસી ગયો છે. લોકો ભવિષ્યનો વિચાર કરવાને બદલે વર્તમાનમાં બિનજરૂરી વસ્તુઓ ખરીદ્યા કરે છે.

લોકો એ સમજતા નથી કે હવે વિશ્વ ઘણું ગતિશીલ બન્યું છે અને બધા દેશો પરસ્પર સંકળાયેલા છે. આ વિશ્વ હવે ઘણું નાનું બની ગયું છે અને સમસ્યાઓ મોટી થતી જાય છે. નોકરી ટકાવી રાખવાનું અને આરોગ્ય સાચવવાનું દિવસે ને દિવસે અઘરું બનતું જાય છે. દા.ત. શ્રદ્ધા. તેણે ઑફિસમાં મેમોગ્રાફી પરીક્ષણ કરાવ્યું ત્યારે સ્તન કૅન્સરનું નિદાન થયું. બીમારી પ્રારંભિક તબક્કામાં હોવાથી સમયસરની સારવારથી એ બચી ગઈ, પરંતુ પરિવાર પૈસેટકે પાયમાલ થઈ ગયો.

દરેક પરિવારમાં તાકીદના ભંડોળ ઉપરાંત પૂરતા આરોગ્ય અને જીવન વીમાની વ્યવસ્થા થયેલી હોવી જોઈએ અને ત્યાર બાદ બચેલી રકમનું વ્યવસ્થિત રોકાણ થયેલું હોવું જોઈએ. ગુજરાતી કહેવતો પ્રમાણે કહીએ તો, ચેતતો નર સદા સુખી; આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

અકબર ખાન ‘હાદસા’ થી નિર્દેશક બન્યા  

અકબર ખાને બોલિવૂડમાં પોતાના ભાઈ ફિરોઝ ખાનના ચોથા સહાયક નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ પોતાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘હાદસા’ (૧૯૮૩) એ બહુ પરીક્ષા કરી હતી. એને બનાવતા વર્ષો લાગી ગયા હતા. નિર્દેશન શીખતા અકબરની અભિનેતા તરીકેની પહેલી ભૂમિકા ફિલ્મ ‘અંજાન રાહેં’ (૧૯૭૪) માં શિક્ષક બનેલા ફિરોઝ ખાનના વિદ્યાર્થી તરીકેની હતી. અભિનયમાં ખાસ કોઈ ભૂમિકા મળી રહી ન હતી. ‘અદાલત’ (૧૯૭૭) વગેરેમાં નાની- મોટી ભૂમિકાઓ કરતો હતો ત્યારે નિર્માતા એન.એન. સિપ્પીએ એને બોલાવ્યો. એમણે એક એવી વાર્તા પર ફિલ્મ બનાવવાની વાત કરી જેમાં અકબરનું પાત્ર મુખ્ય હોય. એમની પાસે જે વિષય હતો એ એમને મજબૂત લાગતો ન હતો. એમણે અકબરને કોઈ વાર્તા ધ્યાનમાં હોય તો કામ કરવા કહ્યું. ત્યારે અકબરના મનમાં ‘હાદસા’ ની વાર્તા રમતી હતી.

અકબરે વાર્તા સંભળાવી અને જે અંદાજમાં નાની-નાની વાતો સાથે વાર્તા સંભળાવી હતી એને કારણે પ્રભાવિત થયેલા એન.એન. સિપ્પી એના પરથી ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા. પછી પૂછ્યું કે એનું નિર્દેશન કોણ કરશે? અકબર સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચૂક્યો હતો અને નિર્દેશક બનવાની તમન્ના હતી પણ સામેથી પોતાનું નામ આપી ના શક્યો. નિર્દેશન માટે વાત કરવાની તેની હિંમત ના થઈ. કેમકે એને હીરો તરીકે લઈ ચૂક્યા હતા. સિપ્પીએ ફરીથી નિર્દેશક કોણ હશે? એમ પૂછ્યું ત્યારે અકબરે હિંમત કરીને કહી દીધું કે એ નિર્દેશન પણ કરી શકે એમ છે. એમણે થોડીવાર વિચાર કરીને હા પાડી દીધી. પણ એક શરત કરી કે આ વાત હમણાં કોઈને કહેવાની નહીં. કેમકે ત્યારે એમની બે ફિલ્મો ‘ફકીરા’ (૧૯૭૬)  અને ‘કાલીચરણ’ (૧૯૭૬) બની રહી હતી. અને એમના નિર્દેશકોને એવી આશા હતી કે સિપ્પીની હવે પછીની ફિલ્મનું નિર્દેશન એમને જ મળશે. પરંતુ થયું એવું કે એમની એ ફિલ્મો મોડી પડતી ગઈ. એ કારણે ‘હાદસા’ શરૂ થઈ શકતી ન હતી. ત્યારે અકબરને જાતે જ ફિલ્મનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો.

ચિંતા એ થઈ કે એ નવો ચહેરો છે અને હજુ પોતાને અભિનેતા તરીકે કે નિર્દેશક તરીકે સાબિત કર્યો ન હોવાથી કોણ નાણાંકીય મદદ પૂરી પાડશે. આ વાતની ખબર મિત્ર યોગેશ દેસાઈને પડી ત્યારે એમણે રૂ.૩૫૦૦૦ નું ધીરાણ આપ્યું. એમાંથી અકબરે રંજીતા અને સ્મિતા પાટીલને સાઇન કર્યા અને એક ગીત તૈયાર કર્યું. એ ગીત બતાવીને ફાઈનાન્સર શોધવાનું શરૂ કર્યું. એક ફાઈનાન્સર રૂ.૧.૫ લાખ આપવા તૈયાર થયો અને ફિલ્મ શરૂ કરી. પરંતુ એક પછી એક ફાઈનાન્સર આવીને ખસતા ગયા અને ફિલ્મ લંબાતી ગઈ. ફિલ્મનું બજેટ વધતું ગયું. જેમતેમ ફાઈનાન્સ મળ્યું અને આખરે ‘હાદસા’ પૂરી થઈ શકી ખરી. ફિલ્મનો પ્રિમિયર યોજાયો ત્યારે રાજ કપૂર ખાસ આવ્યા હતા અને અકબરનું કામ જોઈ ખૂબ વખાણ કર્યા હતા. બીજા દિવસે પોતાના ઘરે બોલાવીને રાજજીએ અકબરને ફૂલનો ગુલદસ્તો આપીને એમના છોકરાઓને ઉદાહરણ આપતાં કહ્યું હતું કે અકબરે કમાલની ફિલ્મ બનાવી છે. ફિલ્મનું ગીત ‘યે બમ્બઇ શહર હાદસોં કા શહર હૈ’ બહુ લોકપ્રિય રહ્યું હતું. ફિલ્મ બહુ ના ચાલી અને નિર્દેશક તરીકે કોઈ ફિલ્મ નહીં. અભિનેતા તરીકે સ્વાતી, કાલા ધંધા ગોરે લોગ વગેરે મળી હતી.

શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું, પણ ઉત્તરાધિકારીની પસંદગીનો આગ્રહ રાખ્યો

મુંબઈઃ પક્ષની નિર્ણાયક સમિતિએ રાજીનામું નામંજૂર કરતાં શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખપદેથી આપેલું રાજીનામું આજે પાછું ખેંચી લીધું છે. એમણે કહ્યું છે કે હું વિરોધપક્ષોની એકતા સાધવાનું કાર્ય કરીશ.

અહીં પત્રકાર પરિષદમાં એમણે પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે મારા રાજીનામાથી અમારા પક્ષના કાર્યકર્તાઓ પણ ખુશ થયા નહોતા. હું મારા પક્ષના કાર્યકર્તાઓ અને શુભચિંતકોની લાગણીનો અનાદર કરી શકું નહીં, જેમણે મને મારા નિર્ણય વિશે ફેરવિચારણા કરવા કહ્યું હતું. મારા પર એમનો પ્રબળ વિશ્વાસ અને લાગણીની જીત થઈ છે. સમિતિના નિર્ણયને માન આપીને હું મારું રાજીનામું પાછું ખેંચું છું. મારા રાજીનામાના નિર્ણયથી મારી દીકરી સુપ્રિયા સુળે પણ ખુશ થઈ નહોતી. હું રાષ્ટ્રીય પ્રમુખપદ ફરી સ્વીકારું છું, પરંતુ મારા ઉત્તરાધિકારીની આવશ્યક્તા છે.

‘ઝરૂખો’માં કર્ણની પત્ની `વૃષાલી’ને આલેખતી નવલકથા વિશે વાર્તાલાપ

મુંબઈઃ ‘આપણું આંગણું’ બ્લૉગ અને ‘ઝરૂખો’ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા. ૬ મે, સાંજે ૭.૨૦ વાગ્યે કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે કરવામાં આવ્યું છે. તેમાં લેખક જિજ્ઞેશ અધ્યારુ પોતાની નવલકથા ‘વૃષાલી’ના સંદર્ભે વક્તવ્ય આપશે. મહાભારતમાં કર્ણનું પાત્ર જેટલું જાણીતું છે એટલું એની પત્ની વૃષાલીનું પાત્ર જાણીતું નથી.

લેખકે વિશદ સંશોધન કરી વૃષાલીના મનોભાવોને આલેખતી નવલકથા લખી છે. આ નવલકથા આધારિત એકોક્તિનું ભાવવાહી પઠન ડૉ. મંજરી મુઝુમદાર કરશે. ‘ઝરૂખો’ના સંચાલક સંજય પંડ્યા મહાભારતના વિવિધ સંદર્ભે લેખક સાથે પ્રશ્નોત્તરી કરશે.

સર્વ સાહિત્યરસિકોને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું જાહેર આમંત્રણ છે.

આઇસી15 ઇન્ડેક્સ 70 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં કરેલા વધારા અને મેક્રોઈકોનોમિક પરિબળો સંબંધિત અનિશ્ચિતતાની સ્થિતિમાં શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફ્લેટ રહી હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી ટ્રોન અને પોલકાડોટને બાદ કરતાં તમામ કોઇન ઘટ્યા હતા. સોલાના, કાર્ડાનો, પોલીગોન અને શિબા ઇનુમાં 1થી 2 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.

દરમિયાન, રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે ગયા મહિને સુવર્ણ આધારિત ડિજિટલ કરન્સી શરૂ કરી હતી. બીજી બાજુ, કેન્યાએ ડિજિટલ એસેટ્સની ટ્રાન્સફર પર ત્રણ ટકાનો કર લાગુ કરવાનો પ્રસ્તાવ આગામી બજેટમાં મૂકવાનો વિચાર કર્યો છે. અન્ય એક અહેવાલ મુજબ ક્રીપ્ટો એક્સચેન્જ – બિટગેટે પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ હેઠળ બ્લોકચેઇન ફોર યુથ નામની પહેલ શરૂ કરી છે. યુવાનોને બ્લોકચેઇન વિશે માહિતી આપવાના ઉદ્દેશ્યથી આ પહેલ હેઠળ 10 મિલ્યન ડોલર ફાળવવામાં આવ્યા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.18 ટકા (70 પોઇન્ટ) ઘટીને 39,323 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,393 ખૂલીને 39,649ની ઉપલી અને 38,952 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

બજારમાં છેલ્લા બે મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો

અમદાવાદઃ અમેરિકી બજારોમાં નબળાઈ અને સ્થાનિક શેરબજારોમા છેલ્લા બે મહિનામાં સૌથી મોટો સિંગલ ડે ઘટાડો થયો હતો. એચડીએફસી ટ્વિન્સમાં આવેલી વેચવાલીએ પગલે ફાઇનાન્શિયલ શેરોમાં કડાકો બોલી ગયો હતો. સપ્તાહના અંતે સેન્સેક્સ 694.96 પોઇન્ટ તૂટીને 61,054.29ના સ્તરે અને નિફ્ટી 186.80 પોઇન્ટ તૂટીને 18,069ના મથાળે બંધ થયો હતો. આ ઘટાડાને પગલે શેરબજારોમાં રોકાણકારોએ 1.42 લાખ કરોડ સ્વાહા થયા હતા.

સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં ઘટાડો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેરોમાં ઘટાડો થયો હતો. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરોમાં ઘટાડો થયો હતો. બજારમાં સૌથી વધુ વેચવાલી બેન્કિંગ અને મેટલ શેરોમાં રહી હતી.

રોકાણકારોએ 1.42 લાખ કરોડનું નુકસાન

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 273.78 લાખ કરોડે આવી ગયું હતું, જે ગુરુવારે રૂ. 275.20 લાખ કરોડ હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 1.42 લાખ કરોડ ઘટ્યું હતું.

BSE સેન્સેક્સ પર એચડીએફસી બેન્કનો શેર 5.80 ટકા તૂટ્યો હતો. આ પ્રકારે HDFCનો શેર 5.57 ટકા તૂટ્યો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક 4.57 ટકા તૂટ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને ઇન્ફોસિસના શેર એક ટકો તૂટ્યો હતો. BSEમાં 1474 શેર વધીને બંધ થયા હતા, જ્યારે 2040 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 127 શેર ટકેલા મથાળે બંધ રહ્યા હતા.

જોકે આવનારા સપ્તાહમાં બજારની નજર મોંઘવારીના આંકડા અને ચોથા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો પર રહેશે.

 

ગો ફર્સ્ટનાં કર્મચારીઓને મળ્યો ટાટાનો સહારો; એર ઈન્ડિયામાં નોકરીની તક

મુંબઈઃ સ્વૈચ્છિક નાદારી જાહેર કરનાર ખાનગી ક્ષેત્રની એરલાઈન ગો ફર્સ્ટના 5,000 જેટલા કર્મચારીઓ પર નોકરીવિહોણા થવાનું જોખમ ઊભું થયું છે. જોકે સંકટમાં આવી ગયેલા આ કર્મચારીઓને ટાટા ગ્રુપની એર ઈન્ડિયા કંપની તરફથી ઘણું જ સારું સમર્થન મળ્યું છે. વાસ્તવમાં, એર ઈન્ડિયાએ મોટા પ્રમાણમાં નોકરીની તકોની જાહેરાત કરી છે. એ માટે દિલ્હીમાં વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

આ ઈન્ટરવ્યૂમાં ગો ફર્સ્ટના પાઈલટ્સ સહિત અનેક કર્મચારીઓએ પણ એમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પાઈલટોને એમનું ફ્લાઈંગ લાઈસન્સ ચાલુ રખાવવા માટે નોકરીની જરૂર હોય છે.

કર્ણાટક ચૂંટણીમાં બજરંગ દળ પર પ્રતિબંધનો મુદ્દો મુખ્ય બન્યો

બેંગલુરુઃ કોંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધના પ્રસ્તાવ પછી કર્ણાટક ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની ગયો છે. વડા પ્રધાન મોદીએ બજરંગ દળના બચાવ ઊતર્યા પછી ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ પર હુમલો કરવામાં વ્યસ્ત છે. ભાજપે બજરંગ દળને બચાવ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી છે.

કોંગ્રેસની ઘોષણા કર્યા બાદ કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક ચૂંટણી રેલને સંબોધિત કરતાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ભગવાન હનુમાનને તાળામાં બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે પહેલાં તેમણે શ્રી રામને તાળામાં બંધ કર્યા અને હવે તેઓ જય બજરંગી બલી કહેવાવાળાઓને બંધ કરવા ઇચ્છે છે.વડા પ્રધાન મોદીના ભાષણ પછી ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ આ મુદ્દે બજરંગ દળનું સમર્થન કર્યું હતું અને કોંગ્રેસની ટીકા કરી હતી.

ભાજપના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ કોંગ્રેસના પ્રસ્તાવનો વિરોઝ કરતાં કોંગ્રેસના ઘોષણાપત્રની એક કોપીને સળગાવી હતી. એ સાથે બજરંગ દળને એક દેશભક્ત સંગઠન જણાવતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને એના પર પ્રતિબંધ મૂકવા માટે બોલવાની હિંમત કેવી રીતે થઈ.

શું છે બજરંગ દળ?

બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદનું યુવા સંગઠન છે, એનો જન્મ રામ જન્મભૂમિ આંદોલનના પ્રારંભના દિવસોમાં આઠ ઓક્ટોબરે 1984માં અયોધ્યામાં થયો હતો. તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાથી નીકળનારી શ્રીરામ જાનકી રથયાત્રાને સુરક્ષા દેવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પરિષદના કેટલાક યુવાઓએ રથયાત્રાને સુરક્ષાનું કામ સોંપ્યું હતું.

 

 

 

દિયા મિર્ઝાએ એનિમેટ્રોનિક હાથી ‘એલી’નું અનાવરણ કર્યું

બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પાંચ મે, શુક્રવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એશિયામાં પહેલી જ વાર એનિમેટ્રોનિક ટેક્નોલોજીથી બનાવેલા, વાસ્તવિક જેવા દેખાતા અને પૂર્ણ-કદના હાથીનું અનાવરણ કર્યું હતું. આ હાથીનું નામ ‘એલી’ રાખવામાં આવ્યું છે. જુહૂ વિસ્તારની જમનાબાઈ નરસી ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમનું આયોજન પ્રાણીઓનાં અધિકારોના રક્ષણ માટે વિશ્વસ્તરે કાર્ય કરતી સંસ્થા PETA દ્વારા કરવામાં આવ્યું હતું.

એનિમેટ્રોનિક હાથીને સ્પર્શ કરતી દિયા તથા બાળકો.