દરેક પરિવારમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છેઃ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે સમય વર્તીને ખપ પૂરતાં અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો. જેના ઘરમાં પશુ હોય એવા ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે ચારા માટેના પૂળાનો સંગ્રહ કરવો. આ સલાહ શિક્ષાપત્રીના શ્લોક ક્ર. 141માં આપવામાં આવી છે.

આ શ્લોકમાં નાણાકીય આયોજનની પરિકલ્પના અને પ્રસ્તુતતા સરળ અને સાદા શબ્દોમાં સમજાવવામાં આવી છે. માણસે પોતાના પરિવારને જરૂર પડતી હોય એટલું અનાજ તથા અન્ય જરૂરિયાતોનો યથાશક્તિ સંગ્રહ કરી રાખવો. જો ઘરમાં પાળેલું પશુ હોય કે બીજી કોઈ વ્યક્તિ હોય તો તેને જરૂર પડે એટલું દ્રવ્ય પણ ઘરમાં હોવું જોઈએ.

અહીં મને કીડી અને તિત્તીઘોડાની વાર્તા યાદ આવે છે. વસંતની એક બપોરે એક તિત્તીઘોડો બગીચામાં આરામ ફરમાવી રહ્યો હતો અને સરસ મજાના હવામાનનો આનંદ લઈ રહ્યો હતો. ત્યાં તેણે જોયું કે એક કીડી અન્ન લઈને ઉપર-નીચે થઈ રહી છે. તેણે કીડીને પૂછ્યું, ”તું શું કરી રહી છે?” જવાબ મળ્યો, ”હું ચોમાસામાં ખાઈ શકાય એ માટે મારા પરિવાર અર્થે ખોરાક ભેગો કરી રહી છું.”

કીડીની વાત સાંભળીને તિત્તીઘોડાને હસવું આવ્યું અને તેણે કીડીની મજાક કરી. તેને લાગ્યું કે પોતાની જેમ મોજમાં રહેવાને બદલે કીડી ચોમાસા માટે ખોરાક ભેગો કરી રાખવાની બિનજરૂરી ઝંઝટ કરી રહી છે. કીડીએ તેની ટીકા-ટિપ્પણી કાને ધરવાને બદલે પોતાનું કામ કર્યે રાખ્યું.

થોડા વખતમાં આવેલા ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો. તિત્તીઘોડો જેના પર પોતાનું જીવન વ્યતિત કરતો એ લીલોતરી નાશ પામી ત્યારે તેને કીડીએ કરેલી મહેનતનું મહત્ત્વ સમજાયું. કીડી એ વખતે નિરાંતે બેઠી હતી અને તિત્તીઘોડાને ખાવાનાં સાંસાં પડી ગયાં હતાં.

ચાદર હોય એટલી જ સોડ તાણવી અને મુશ્કેલીના વખતમાં કામ આવે એ માટે બચત કરવી એવી સલાહ આપણને બાળપણથી આપવામાં આવે છે. આમ છતાં લોકો આ જૂની વાતોને ભૂલી જાય છે. અને તત્કાળ લાભ કે સુવિધાનો જ વિચાર કરે છે. આ બાબતે કોમલ અને રજનીશનું ઉદાહરણ જાણવા જેવું છે. તેઓ એક મિત્રની લગ્નતિથિની ઊજવણી પ્રસંગે મને મળ્યાં હતાં. તેમના ચહેરાની રેખાઓ તંગ દેખાતી હતી. એ વખતે તો હું કંઈ બોલ્યો નહીં, પણ બીજા દિવસે મેં કોમલને ફોન કર્યો. કોમલે તેના પરિવારને નડી રહેલી નાણાંભીડ વિશે વાત કરી.

કોમલ અને રજનીશની કારકિર્દી બરોબર ચાલી રહી હતી. તેમની આવક પણ સારી હતી અને તેમના માથે કોઈ કરજ ન હતું. ફાઇનાન્શિયલ પ્લાનરની દૃષ્ટિએ મને તેમના કિસ્સામાં કંઈ અજુગતું લાગ્યું નહીં. આથી મેં તેને બચત અને રોકાણ વિશે પૂછ્યું. એ વખતે કોમલ રડવા માંડી. તેણે જણાવ્યું કે રજનીશને વારંવાર કહેવા છતાં તેણે ક્યારેય બચત કરવા પર ધ્યાન આપ્યું નહીં અને સુખસાહ્યબીનું જીવન પસંદ કર્યું. ફરવા જવું, શોપિંગ કરવું, બહાર જમવા જવું, વગેરે સાથેની મોજશોખભરી જિંદગી તેણે જીવી હતી. રજનીશ માનતો કે માણસે હંમેશાં વર્તમાનમાં જીવવું અને ભવિષ્યની ચિંતા કરવી નહીં. બન્નેની ઉંમર ચાળીસીને વટાવવા આવી હોવાથી કોમલની ધીરજ ખૂટી રહી હતી.

તેનો દીકરો અને દીકરી ટીનેજર હતાં અને તેમના ઉચ્ચાભ્યાસ માટે તથા પોતાના નિવૃત્તિકાળ માટે નાણાંની જરૂર પડવાની હતી. રજનીશ કંઈ કીધે કોમલનું સાંભળવા તૈયાર ન હતો. પાર્ટીના આગલા દિવસે બન્ને વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી.

આવું ફક્ત આ કિસ્સામાં બન્યું હોય એવું નથી. ઘણાં ઘરોમાં આ સમસ્યા છે. શહેરોમાં પતિ-પત્ની બન્ને કમાતાં હોય ત્યાં તો ઘણા કિસ્સામાં બચત કરવા તરફ ધ્યાન આપવામાં આવતું જ નથી. આજે સમગ્ર દેશમાં ગ્રાહકવાદ ઘૂસી ગયો છે. લોકો ભવિષ્યનો વિચાર કરવાને બદલે વર્તમાનમાં બિનજરૂરી વસ્તુઓ ખરીદ્યા કરે છે.

લોકો એ સમજતા નથી કે હવે વિશ્વ ઘણું ગતિશીલ બન્યું છે અને બધા દેશો પરસ્પર સંકળાયેલા છે. આ વિશ્વ હવે ઘણું નાનું બની ગયું છે અને સમસ્યાઓ મોટી થતી જાય છે. નોકરી ટકાવી રાખવાનું અને આરોગ્ય સાચવવાનું દિવસે ને દિવસે અઘરું બનતું જાય છે. દા.ત. શ્રદ્ધા. તેણે ઑફિસમાં મેમોગ્રાફી પરીક્ષણ કરાવ્યું ત્યારે સ્તન કૅન્સરનું નિદાન થયું. બીમારી પ્રારંભિક તબક્કામાં હોવાથી સમયસરની સારવારથી એ બચી ગઈ, પરંતુ પરિવાર પૈસેટકે પાયમાલ થઈ ગયો.

દરેક પરિવારમાં તાકીદના ભંડોળ ઉપરાંત પૂરતા આરોગ્ય અને જીવન વીમાની વ્યવસ્થા થયેલી હોવી જોઈએ અને ત્યાર બાદ બચેલી રકમનું વ્યવસ્થિત રોકાણ થયેલું હોવું જોઈએ. ગુજરાતી કહેવતો પ્રમાણે કહીએ તો, ચેતતો નર સદા સુખી; આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)