કર્ણાટક ચૂંટણીમાં બજરંગ દળ પર પ્રતિબંધનો મુદ્દો મુખ્ય બન્યો

બેંગલુરુઃ કોંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધના પ્રસ્તાવ પછી કર્ણાટક ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની ગયો છે. વડા પ્રધાન મોદીએ બજરંગ દળના બચાવ ઊતર્યા પછી ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ પર હુમલો કરવામાં વ્યસ્ત છે. ભાજપે બજરંગ દળને બચાવ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી છે.

કોંગ્રેસની ઘોષણા કર્યા બાદ કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક ચૂંટણી રેલને સંબોધિત કરતાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ભગવાન હનુમાનને તાળામાં બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે પહેલાં તેમણે શ્રી રામને તાળામાં બંધ કર્યા અને હવે તેઓ જય બજરંગી બલી કહેવાવાળાઓને બંધ કરવા ઇચ્છે છે.વડા પ્રધાન મોદીના ભાષણ પછી ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ આ મુદ્દે બજરંગ દળનું સમર્થન કર્યું હતું અને કોંગ્રેસની ટીકા કરી હતી.

ભાજપના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ કોંગ્રેસના પ્રસ્તાવનો વિરોઝ કરતાં કોંગ્રેસના ઘોષણાપત્રની એક કોપીને સળગાવી હતી. એ સાથે બજરંગ દળને એક દેશભક્ત સંગઠન જણાવતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને એના પર પ્રતિબંધ મૂકવા માટે બોલવાની હિંમત કેવી રીતે થઈ.

શું છે બજરંગ દળ?

બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદનું યુવા સંગઠન છે, એનો જન્મ રામ જન્મભૂમિ આંદોલનના પ્રારંભના દિવસોમાં આઠ ઓક્ટોબરે 1984માં અયોધ્યામાં થયો હતો. તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાથી નીકળનારી શ્રીરામ જાનકી રથયાત્રાને સુરક્ષા દેવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પરિષદના કેટલાક યુવાઓએ રથયાત્રાને સુરક્ષાનું કામ સોંપ્યું હતું.