Home Blog Page 288

‘આરાધના’નું રહસ્ય : રફી નહીં, કેમ કિશોર કુમારે રાજેશ ખન્નાને અવાજ આપ્યો?

ફિલ્મ ‘આરાધના’ (૧૯૬૯)ના નિર્માણ માટે શમ્મી કપૂર નિમિત્ત બન્યા હતા. ફિલ્મમાં મોહમ્મદ રફીના બદલે કિશોરકુમારનો નંબર લાગ્યો હતો અને રાજેશ ખન્નાના અવાજ તરીકે પણ ઉદય થયો હતો. નિર્દેશક શક્તિ સામંતાના પુત્ર અશીમ સામંતાએ એક મુલાકાતમાં ફિલ્મ ‘આરાધના’ ના જન્મ, ગીત-સંગીત અને ગાયન સાથે જોડાયેલી આવી અત્યંત રોમાંચક અને અનન્ય વાતો કહી છે.

ફિલ્મનું નિર્માણ કેવી રીતે થયું તે જ એક મોટો વળાંક હતો. ખરેખર તો શક્તિ સામંતા શમ્મી કપૂર સાથે ‘જાને અનજાને’ (1971) બનાવી રહ્યા હતા. પરંતુ શમ્મીજીનું વજન ખૂબ વધી ગયું હોવાથી શક્તિદાએ તેમને વજન ઘટાડવા છ મહિનાનો સમય આપ્યો હતો. એ પછી એમણે જોયું તો શમ્મીજી પાતળા થવાને બદલે વધારે જાડા થઈ ગયા હતા. આ સ્થિતિમાં શક્તિદાએ નક્કી કર્યું કે તેઓ અત્યારે એક નવી ફિલ્મ શરૂ કરશે. તે સમયે તેમને વર્ષો પહેલાં સચિન ભૌમિકે ‘આરાધના’ ની વાર્તા સંભળાવી હતી એ મનમાં તાજી હતી. તેમણે આ વાર્તા પર કામ કરવાનું નક્કી કર્યું અને નવા હીરો રાજેશ ખન્નાને લેવાનું વિચાર્યું. ત્યારે રાજેશ ‘બહારોં કે સપને’ (1967) કરી રહ્યા હતા. શક્તિદાએ નાસીર હુસેનને વિનંતી કરીને ફિલ્મની તૈયાર થયેલી એક રીલ જોઈ હતી.

રાજેશ ખન્નાનું કામ જોયા પછી ‘આરાધના’ માટે યોગ્ય લાગ્યા હતા. જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે ખન્ના એના માટે બહુ ઉત્સાહિત નહોતા. કેમ કે ખન્નાને એવું લાગ્યું હતું કે આ ફિલ્મ અભિનેત્રી પ્રધાન છે. તેમાં હીરો માટે ખાસ કંઈ નથી. જોકે, યુનાઈટેડ પ્રોડ્યુસર્સ સાથેના કરારને કારણે તેઓ શક્તિ સામંતાની આ ફિલ્મ કરવા માટે બંધાયેલા હતા. તેથી અનિચ્છાએ પણ આ ભૂમિકા સ્વીકારી લીધી હતી. બાકી આ ફિલ્મ એ કરવા માગતા ન હતા. શક્તિદાએ તેમને ખાતરી આપી હતી કે આ સારી વાર્તા છે અને ફિલ્મ સુપરહિટ જશે. આ ફિલ્મના સંગીત સાથે જોડાયેલી કથા પણ એટલી જ રસપ્રદ છે.

મૂળભૂત રીતે બધા ગીતો મોહમ્મદ રફી ગાવાના હતા પરંતુ ત્યારે તે શૉ માટે ત્રણ મહિનાની વર્લ્ડ ટૂર પર હતા. શક્તિદાએ સચિનદેવ બર્મનને પૂછ્યું કે હવે શું કરવું? ત્યારે એમણે સૂચવ્યું કે કિશોરકુમાર પાસે આ ગીતો ગવડાવીએ. આ એક સંજોગ હતો જેણે બોલિવૂડને રાજેશ ખન્ના અને કિશોરકુમારની અમર જોડી આપી. કિશોરદાએ ‘ગાતા રહે મેરા દિલ’ જેવા ગીતો ગાયા હતા એટલે તેમના પર ભરોસો મૂકવામાં આવ્યો.

કિશોરકુમારે રાજેશ ખન્નાના હાવભાવ અને બોલવાની શૈલીનો અભ્યાસ કરવા માટે પહેલાં તેમની મુલાકાત લીધી હતી. જેથી ગીતોમાં એ જ અંદાજ લાવી શકાય. સંગીત નિર્માણ દરમિયાન આર.ડી. બર્મન ‘પંચમદા’ પણ ત્યાં હાજર રહેતા હતા. ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે એસ.ડી. બર્મને બે ધૂન બનાવી હતી. શક્તિદાને બીજી ધૂન વધારે પસંદ પડી હતી પણ એસ.ડી. બર્મનને પહેલી ધૂન ગમતી હતી. પંચમદાએ ચોરીછૂપીથી શક્તિદાને કહ્યું કે બીજી ધૂન જ શ્રેષ્ઠ છે. છેવટે શક્તિદાએ એસ.ડી. બર્મનને મનાવી લીધા હતા અને આજે આપણે જે સાંભળીએ છીએ તે બીજી ધૂન છે.

(હવે પછીના લેખમાં રાજેશ ખન્ના માત્ર ૩ કલાકમાં સુપરસ્ટાર બની ગયા હતા એની રસપ્રદ વાતો વાંચશો!)

પંચાંગ 24/01/2026

‘વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0’ કોન્ક્લેવનું યાદગાર સમાપન

મુંબઈ: વિદેશ મંત્રાલયના સમર્થન સાથે ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ કોન્ક્લેવ અને પ્રદર્શનનું યાદગાર સમાપન થયું. આ કોન્ક્લેવ તેમજ તેની સાથે યોજાયેલા જ્ઞાનવર્ધક પ્રદર્શને હજારો મુલાકાતીઓ પર પ્રભાવ છોડ્યો છે. જ્યોત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પહેલ અંતર્ગત નીતિ નિર્ધારકો, ન્યાયશાસ્ત્રીઓ, રાજદ્વારીઓ, વિદ્વાનો, વિદ્યાર્થીઓ, પરિવારો અને યુવાનોએ પ્રાચીન ભારતીય જ્ઞાન આજના જટિલ વિશ્વને કેવી રીતે માર્ગદર્શન આપી શકે તે દિશામાં સામૂહિક મંથન કર્યું. આ કોન્ક્લેવ દરમિયાન માનવ સભ્યતાલક્ષી અભ્યાસ સાથે શૈક્ષણિક ક્ષેત્રને જોડવા માટે મુંબઈ યુનિવર્સિટી સાથે MoU પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.એક સપ્તાહ સુધી ચાલેલી આ કોન્ક્લેવ – ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ ના કેન્દ્રમાં 20,000+ ચોરસ ફૂટનું ભવ્ય પ્રદર્શન હતું, જેમાં વ્યક્તિને- પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સાથે જોડતા 12 શાશ્વત પ્રાચીન ભારતીય સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હતા. વાર્તા કહેવાની શૈલી (storytelling), વિઝ્યુઅલ ડિઝાઇન અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેની એક ચિંતનશીલ યાત્રા તરીકે ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રદર્શને મુલાકાતીઓને જીવનનાં મૂલ્યોનો વાસ્તવિક અનુભવ કરાવ્યો. ગજેન્દ્ર સિંહ શેખાવત અને અમૃતા ફડણવીસ જેવાં મહાનુભાવોએ આ પહેલની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા કરી હતી.સાત દિવસ સુધી ચાલેલી આ કોન્ક્લેવમાં ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા-વિચારણા, પ્રાયોગિક ફોર્મેટ્સ અને યુવા-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારંભમાં સમકાલીન શાસન, કાયદો, અર્થશાસ્ત્ર અને સામાજિક જીવનમાં માનવ-સભ્યતા આધારિત વિચારધારાની પ્રસ્તુતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બી. એન. શ્રીકૃષ્ણ અને ભૂષણ આર. ગવઈ સહિતના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીઓએ સમજાવ્યું કે કેવી રીતે બંધારણીય મૂલ્યો, ન્યાય અને નૈતિકતા સમાજના નૈતિક પાયાથી અલગ રહી શકે નહીં.

આ કોન્ક્લેવ દરમિયાન યોજાયેલાં કાનૂની સત્રોમાં સૌથી વધુ હાજરી જોવા મળી હતી. બંધારણીય ન્યાયશાસ્ત્ર, કાયદાનું શાસન, જવાબદારી અને ન્યાય પરની પેનલોએ શાસનના દાર્શનિક પાયાની છણાવટ કરી હતી. કૃષ્ણન વેણુગોપાલ, ડેરિયસ ખંભાતા, રફીક દાદા, જમશેદ કામા, ચેતન કાપડિયા અને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ એસ. દ્વારકાનાથ સહિતના વરિષ્ઠ વકીલોએ સત્તા અને જવાબદારી વચ્ચેનું સંતુલન, સંસ્થાકીય સંકલન અને રાજ્યની નૈતિક જવાબદારી પર વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ સત્રોમાં કાયદાના વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જે ભવિષ્યના નેતૃત્વ ઘડતર અંગેના કોન્ક્લેવના ઉદ્દેશને વધુ મજબૂત બનાવે છે.
આર્થિક અને ભૂ-રાજકીય (Geopolitics) પેનલોએ વૈશ્વિક અસ્થિરતા, આર્થિક વિચારધારાની સામ્રાજ્યવાદમાંથી મુક્તિ તથા વૈકલ્પિક વિકાસ મોડલ્સની સંભાવના અંગે ચર્ચા કરી હતી. ડૉ. અરવિંદ ગુપ્તા, એસ. ગુરુમૂર્તિ, વિજય ચોથાઈવાલે, શૌર્ય ડોભાલ, એમ્બેસેડર રુચિરા કંબોજ અને સૌમ્ય કાંતિ ઘોષ જેવા વિચારકોએ પ્રવર્તમાન વૈશ્વિક માળખાઓની મર્યાદાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને નૈતિક સંતુલન, સર્વસમાવેશકતા તથા લાંબા ગાળાની ટકાઉ કાર્યક્ષમતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચર્ચા-વિમર્શ દરમિયાન સતત એ મુદ્દો ફરી-ફરી ઉપસ્થિત થતો રહ્યો કે આર્થિક બાબતો સામાજિક સુખાકારીથી અલગ ન હોઈ શકે.ઔપચારિક ચર્ચા-સત્રો ઉપરાંત, કોન્ક્લેવ દરમિયાન શેરી નાટકો અને લાઈટ-એન્ડ-સાઉન્ડ પ્રસ્તુતિ દ્વારા સંસ્કૃતિ, કળા અને સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેનાથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન એક જીવંત જાહેર વર્ગખંડમાં ફેરવાઈ ગયું હતું. સાત દિવસ દરમિયાન, વસુધૈવ કુટુમ્બકમને સહઅસ્તિત્વ માટેના વ્યવહારુ માળખા તરીકે જોવામાં આવ્યું હતું, જેમાં આયોજકોએ એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આ કોન્ક્લેવ મૂલ્યો, જવાબદારી અને સહિયારી માનવતામાં મૂળ ધરાવતી એક સતત યાત્રાની શરૂઆત છે.યુવા ભાગીદારી ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ નું એક નિર્ણાયક પાસું રહ્યું. મૂટ કોર્ટ (Moot Court), મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN) અને નાલંદા વાદ (Nalanda Vaad) જેવા વ્યવહારિક કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને કાયદો, મુત્સદ્દીગીરી અને ફિલસૂફીની વાસ્તવિકતા સાથે ઝઝૂમવા માટે સક્ષમ બનાવ્યા. આ કાર્યક્રમોમાં માત્ર સંસ્થાઓનું અનુકરણ કરવા કરતાં પણ વિશેષ કાર્ય કર્યું; તેમણે સહભાગીઓને ધ્યેય, કર્તવ્ય અને નિર્ણય લેવાના વ્યાપક પરિમાણો ઉપર ચિંતન કરવા પ્રોત્સાહિત કર્યા. શિક્ષણવિદો અને વાલીઓએ નોંધ્યું કે યુવાનો માટે સમકાલીન અને પ્રસ્તુત ફોર્મેટમાં માનવ-સભ્યતાલક્ષી વિચારો સાથે જોડાવાની આ એક દુર્લભ તક હતી.

બજેટમાં એવિયેશન સેક્ટર, મુસાફરોની સુવિધા પર રહેશે ફોકસ

નવી દિલ્હીઃ વર્ષ 2026 એવિયેશન સેક્ટર માટે ઘણું પડકારજનક રહ્યું છે. પહેલાં અમદાવાદમાં એક મોટો અકસ્માત થયો અને ત્યાર બાદ વર્ષના અંતમાં ઇન્ડિગો ક્રાઇસિસને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે બજેટમાં સરકારનું ખાસ ધ્યાન એવિયેશન સેક્ટર પર રહેશે. આ સેક્ટરની વૃદ્ધિમાં આવતી અડચણો દૂર કરવા માટે સરકાર કેટલાંક મોટાં એલાન કરી શકે છે.

ગયા બજેટમાં 2400 કરોડ રૂપિયાની ફાળવણી

નાણાં મંત્રી નિર્મલા સીતારામને ગયા વર્ષે બજેટમાં સિવિલ એવિયેશન મંત્રાલય માટેનું બજેટ ફાળવણી લગભગ 10 ટકા ઘટાડ્યું હતું. રિજનલ કનેક્ટિવિટી સ્કીમ ‘ઉડાન’ માટેની ફાળવણી પણ ઘટાડવામાં આવી હતી. નાણાં મંત્રીએ સિવિલ એવિયેશન મંત્રાલય માટે 2400.31 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

એરલાઇન્સ કંપનીઓની સંખ્યા વધારવા પર ફોકસ

નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં એરલાઇન્સની સંખ્યા વધારવા પર સરકારનું ધ્યાન હોવું જોઈએ. આ માટે નવા ખેલાડીઓને આકર્ષવા માટે બજેટમાં મોટાં પગલાં લેવાઈ શકે છે. ઓપરેશનનાં પ્રારંભિક વર્ષોમાં કંપનીઓને ટેક્સમાં છૂટ આપવામાં આવી શકે છે.

એવિયેશન ઇન્ડસ્ટ્રીને રોકાણ માટે આકર્ષક બનાવવાનાં પગલાં

ઇન્ડિગો ક્રાઇસિસ પછી એક જ કંપનીની વધારે માર્કેટ હિસ્સેદારીનું નુકસાન સ્પષ્ટ જોવા મળ્યા છે, જેને કારણે સૌથી વધુ અસર મુસાફરો પર પડી છે. મુસાફરોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે સરકાર યુનિયન બજેટમાં મોટાં પગલાં લઈ શકે છે. લોકોની આવક વધતાં હવાઈ મુસાફરોની સંખ્યા પણ વધી રહી છે. સરકારે એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂક્યો છે અને ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલ્યા છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળ્યાં છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એરલાઇન્સ સેક્ટરમાં કોઈ મોટી નવી કંપનીની એન્ટ્રી થઈ નથી.

એરલાઇન્સમાં સ્પર્ધા વધશે તો મુસાફરોને લાભ

જો એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીને રોકાણ માટે વધુ આકર્ષક બનાવવામાં આવે, તો દેશી અને વિદેશી કંપનીઓની રસ પણ વધશે. આથી સેક્ટરમાં સ્પર્ધા વધશે, જેનો સીધો ફાયદો મુસાફરોને મળશે. હાલ સ્પર્ધાની અછતને કારણે વર્ષના કેટલાક ખાસ સમયગાળામાં હવાઈ ટિકિટના ભાવ આસમાને પહોંચી જાય છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે.

ઉજ્જૈનના તરાણામાં હિંસા ભડકીઃ અનેક ઘરો પર પથ્થરમારો

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાણા વિસ્તારમાં ગુરુવાર રાત્રે થયેલો વિવાદ શુક્રવાર બપોર બાદ હિંસા, પથ્થરમારા અને આગજનીમાં ફેરવાઈ ગયો. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી હતી, પરંતુ શહેરમાં અફવા ફેલાઈ કે અજાણ્યા લોકોએ જ દુકાનમાં આગ લગાવી છે. આ અફવાને કારણે પરિસ્થિતિએ નવો વળાંક લીધો હતો.

શુક્રવારના દિવસની નમાજ બાદ કેટલાક વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ થઈ હોવાનો આરોપ છે, જેના વિડિયો પણ સામે આવ્યા છે. પોલીસ પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું છે અને મામલાની તપાસ કરી રહ્યું છે.

કેમ બગડ્યું વાતાવરણ

પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે લોકો એકબીજા પર પથ્થર ફેંકવા લાગ્યા ત્યારે હાલત વધુ ખરાબ થઈ. આ દરમિયાન પોલીસ સાથે પણ બોલાચાલી થઈ. પથ્થરમારામાં એક યુવાન ઘાયલ થયો છે. ઉજ્જૈનના તરાણામાં ગુરુવાર સાંજે બે પક્ષો વચ્ચે શરૂ થયેલો વિવાદ શુક્રવારે હિંસક સ્વરૂપ લઈ ગયો. ઉપદ્રવીઓએ ઘરો પર પથ્થરમાર કર્યો અને એક બસને આગ ચાંપી દીધી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં પોલીસ-પ્રશાસને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને તરાણાને છાવણીમાં ફેરવી દીધું છે.

હકીકતમાં, ગુરુવાર સાંજે તરાણામાં કેટલાક યુવકો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન સોહેલ ઠાકુર નામના યુવક પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા હુમલાના વિરોધમાં શુક્રવારે માહોલ વધુ ગરમાયો. કેટલાંક અજાણ્યાં તત્ત્વોએ મહોલ્લાઓમાં ઘૂસીને ઘરો પર પથ્થરમારો કર્યો, જેને કારણે બારીઓના કાચ તૂટી ગયા. શરારતી તત્ત્વોએ ઉગ્ર બનીને એક બસમાં આગ લગાવી દીધી, જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ પોતે મોરચો સંભાળી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. સોહેલ ઠાકુરની ફરિયાદને આધારે પોલીસે 6 લોકો સામે જાનલેવા હુમલાનો કેસ નોંધ્યો છે, જેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. છઠ્ઠા આરોપીની શોધ ચાલુ છે. સોહેલ ઠાકુર હાલ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેની હાલત હવે ખતરાથી બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સીએમ વિજયને પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી, જાણો કારણ

કેરળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અનેક વિકાસ પ્રોજેક્ટ્સ અને નવી ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી પિનરાયી વિજયને પીએમ મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી અને આ પહેલોને કેરળના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી. વિજયને કેન્દ્ર સરકારના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

ફાઈલ ફોટો

શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, તેમજ નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું કે આ કેરળના વિકાસ માટે એક મોટો દિવસ છે. મુખ્યમંત્રી વિજયને કહ્યું, “આ ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે કે હું ‘ભગવાનના પોતાના દેશ’ કેરળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છું. પ્રધાનમંત્રીએ કેરળની મુલાકાત લીધી છે અને અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે જે રાજ્યના વિકાસમાં મોટો ફાળો આપશે.”

વિજયને પીએમ મોદીનો આભાર માન્યો
વિજયને વધુમાં કહ્યું, “આમાં CSIR-NIIST ઇનોવેશન હબનો શિલાન્યાસ, પૂજાપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગનું ઉદ્ઘાટન અને PM SVANIDHI યોજનાનો શુભારંભ શામેલ છે, જેનાથી એક લાખ લાભાર્થીઓને લાભ થશે. લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવી રહ્યા છે અને લોનના ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી. આ કેરળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.” વિજયને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, “રાજ્ય સરકાર માટે આ ખૂબ જ ખુશીની ક્ષણ છે, કારણ કે અમે લાંબા સમયથી કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી માંગી રહ્યા છીએ.”

PMએ કેરળને ચાર ટ્રેન ભેટમાં આપી
કેરળના મુખ્યમંત્રીએ કહ્યું, “હું આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને આશા છે કે આ સહયોગ અને સારા ઇરાદા કેરળ સાથે ચાલુ રહેશે. મને આશા છે કે કેરળની અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ પણ સમયસર પૂર્ણ થશે અને પ્રધાનમંત્રી ખાતરી કરશે કે તે નિર્ધારિત સમયમાં અમલમાં મુકાય.” તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ 4 નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવી હતી, જેમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે – નાગરકોઇલ-મંગલુરુ અમૃત ભારત એક્સપ્રેસ, તિરુવનંતપુરમ-તાંબરમ અમૃત ભારત એક્સપ્રેસ અને તિરુવનંતપુરમ-ચારલાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ. આ સાથે, ત્રિસુર-ગુરુવાયુર પેસેન્જર ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનો કેરળને તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે વધુ સારી રીતે જોડશે.

પ્રધાનમંત્રીએ કેરળને ઘણી વધુ ભેટો આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સ્વાનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ માટે ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કર્યું અને 100,000 લાભાર્થીઓને લોન આપી. તેમણે CSIR-NIIST ઇનોવેશન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા હબનો શિલાન્યાસ કર્યો, જે વિજ્ઞાન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. પૂજાપુરા હેડ પોસ્ટ ઓફિસ માટે નવી ઇમારત, જે સુધારેલી પોસ્ટલ અને બેંકિંગ સેવાઓ પ્રદાન કરશે, તેનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પુથ્રીકંડમ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, અન્ય મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

વસંત પંચમી: આ છે અમદાવાદનું સરસ્વતી મંદિર

અમદાવાદ: મહા સુદ પાંચમના દિવસે ઉત્સવની જેમ ઉજવાતો તહેવાર એટલે વસંત પંચમી. ફેબ્રુઆરી મહિનો અને શિયાળાની ઋતુમાં વસંત પંચમી ઉજવાય‌‌. સરસ્વતી પૂજનના આ પવિત્ર દિવસે લગ્નો અને શુભ પ્રસંગો મોટી સંખ્યામાં થાય. આ સાથે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધાની મૂર્તિઓ અને મંદિરોને પણ સજાવી પૂજા અર્ચના કરવામાં આવે છે.કૃષ્ણ, શિવજી, હનુમાનજી સાથે અલગ અલગ શક્તિ સ્વરૂપ માતાજીના અનેક મંદિરોની સ્થાપના ગામે ગામ જોવા મળે. ઘણી શાળાઓના નામની આગળ પણ સરસ્વતી મંદિર લખાય છે. જ્યારે સરસ્વતી માતાના મંદિર આંગણીના વેઢે ગણાય એટલા જ છે.એમાંનું એક સરસ્વતી મંદિર અમદાવાદ શહેરના એન.આઈ.ડી. પાલડી નજીક આવેલું છે. આ મંદિરની સ્થાપના સંવત 2008 આસો સુદ પૂનમ શુક્રવારે શંકર મહારાજ ઉનાવાવાળાએ કરી. પાલડી નારાયણ નગર તરફ જતાં માર્ગ પર શ્રી શંકરાશ્રમ તરીકે જાણીતા શંકર મહારાજના આશ્રમમાં સરસ્વતી મંદિર આવેલું છે. શુભ કાર્યો સાથે સરસ્વતી પૂજનના આ દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે. બુધ્ધિ, જ્ઞાન કલાની દેવી સરસ્વતી આ પંચમીએ પૂજાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ -અમદાવાદ)

ઇન્ટરનેશનલ સટ્ટેબાજી, હવાલ સિન્ડિકેટને ત્યાં દરોડામાં 61 કિલો ચાંદી જપ્ત

કાનપુરઃ કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા અને ગેરકાયદે આર્થિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ઉદ્દેશથી પોલીસ કમિશનરેટે મોટી સફળતા હાંસલ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ગુપ્ત માહિતીને આધારે ધનકુટ્ટી વિસ્તારમાં આવેલા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત એક મકાન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં હવાલા અને ગેરકાયદે નાણાકીય લેવડદેવડ સાથે જોડાયેલા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી આશરે બે કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 61 કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે. ચાંદીની અંદાજિત બજાર કિંમત પણ લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે નેપાળી કરન્સી પણ જપ્ત કરી છે, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય તરફ હોવાના સંકેત આપે છે.

ચાર લોકોની ધરપકડ

આ દરોડા દરમિયાન ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આ મકાન કોઈ ગુપ્તા નામની વ્યક્તિ સાથે સંકળાયેલું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. કાર્યવાહીની જાણ થતાં જ પોલીસ કમિશનર રઘુવીર લાલ અને જોઇન્ટ કમિશનર વિનોદકુમાર પણ સ્થળ પર પહોંચ્યા અને આ ઓપરેશનની દેખરેખ રાખી હતી. આ દરોડો કાનપુર પોલીસની તે વિશેષ મુહિમનો ભાગ છે, જેમાં ગેરકાયદે ધનસંગ્રહ, હવાલા વેપાર અને કાળાં નાણાંના નેટવર્કને તોડવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પોલીસે શું જણાવ્યું?

એડીસીપી સુમિત સુધાકર રામટેકેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દરોડા ગુપ્ત સૂચનાને આધારે પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક મોટી ગેંગ છે, જેમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. અમે આરોપીઓની સતત પૂછપરછ કરી રહ્યા છીએ અને તેમના નેટવર્ક, સ્ત્રોત, પ્રાપ્તિકર્તાઓ તેમજ અન્ય શંકાસ્પદ ઠેકાણાઓની તપાસ ચાલુ છે. જે પણ નવાં તથ્યો સામે આવશે, તે સમયાંતરે જાહેર કરવામાં આવશે. હજી તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સુરતમાં ફેલાયો ટેનિસ-ક્રિકેટનો જ્વર…

સુરત: છેલ્લાં બે અઠવાડિયાથી શહેરની સાંજ ક્રિકેટથી ખીલે છે. શહેરના લાલભાઈ કૉન્ટ્રાકટર સ્ટેડિયમમાં ચાલી રહેલી ટી-ટેન ટેનિસ ક્રિકેટ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈ.એસ.પી.એલ.) ટુર્નામેન્ટમાં સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચનથી લઈને તેલુગુ ફિલ્મના કલાકારો સૂર્યા, રામચરણના આગમનથી ઉન્માદ ચરમ પર પહોંચ્યો છે. સુરતીઓ માટે લાલભાઈ સ્ટેડિયમ જાણે હરવા-ફરવાનું નવું સ્થળ બની ગયું છે. ડુમસના દરિયે જતાં વાહનો અહીં પાર્ક થઈ રહ્યાં છે. ૯ જાન્યુઆરીથી આરંભાયેલી આ ટુર્નામેન્ટમાં કોઈ જાણીતા ખેલાડી રમતા નથી છતાં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવી રહ્યા છે. ૬ ફેબ્રુઆરી સુધી ચાલનારી સ્પર્ધામાં કુલ ૪૪ મૅચો રમાવાની છે.આઈ.એસ.પી.એલ.ની આ ત્રીજી સીઝન છે અને એમાં આઠ ટીમો વચ્ચે હરીફાઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ ઉપરાંત બાકીની ટીમ છે: ટાઇગર્સ ઓફ કોલકાતા, શ્રીનગર કે વીર, ચેન્નાઈ સિંગમ્સ, બેંગલુરુ સ્ટ્રાઇકર્સ, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી સુપર હીરોઝ અને અમદાવાદ લાયન્સ. ટીમોની માલિકીમાં અમિતાભ બચ્ચન, સૌરવ ગાંગુલી, અક્ષય કુમાર, હૃતિક રોશન, રામ ચરણ, સલમાન ખાન અને અજય દેવગણ જેવી જાણીતી હસ્તીઓ જોડાયેલી છે. ચિત્રલેખા આ ટુર્નામેન્ટ સાથે મેગેઝીન પાર્ટનર તરીકે સંકળાયેલું છે.લીગ કમિશનર સૂરજ સામત ચિત્રલેખાને કહે છે: ‘આ ફૉર્મેટના પાયામાં સચિન તેંડુલકરનો વિચાર છે. ગ્રાસરૂટ ક્રિકેટ હિન્દુસ્તાનનો પ્રાણ છે. ભારતમાં લાખો બાળકો શેરીમાં ક્રિકેટ રમે છે. શેરીમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવાના આશયથી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી. આગલી બે સીઝન મહારાષ્ટ્રમાં રમાઈ. પહેલી સીઝનમાં મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા અને પછી તો આ આંક ખાસ્સો વધ્યો છે.’એ ઉમેરે છે કે ‘આમાંથી ટીમમાં રમી શકે એવા ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા જટિલ હતી. આથી જ આવતી સીઝનમાં પસંદગી (સિલેક્શન)નું સ્વરૂપ બદલીશું. હવેથી પરફોર્મન્સ આધારે પસંદગી થશે. કમિટી દ્વારા દેશભરમાં સિલેક્શન માટે ટુર્નામેન્ટ યોજાશે જેમાં સારું પ્રદર્શન કરનારને પૉઈન્ટ આપવામાં આવશે અને એના આધારે એમને ટીમમાં સ્થાન મળશે.’

ટુર્નામેન્ટની હજી તો આ ત્રીજી સીઝન છે, પણ એમાં રમનારા ખેલાડીઓ આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી રહ્યા છે. એક ખેલાડી રણજી પ્લેયર બની ચૂક્યો છે. ટૂંકમાં મનોરંજનથી ભરપૂર ટુર્નામેન્ટ સારા ખેલાડીઓની કારકિર્દી પણ ઘડી રહી છે.સુરતીઓને આ ફૉર્મેટ આઈપીએલની યાદ અપાવે છેઃ ફિલ્મસ્ટાર જોવા મળી જાય. ડીજે પર કૉમેન્ટેટરનું વાક્ચાતુર્ય અને, ચિલ્લા ચિલ્લા કે તૂ બોલઃ આઈએસપીએલ… ગો ગો ગો.. જેવાં ગીત-સંગીતની વહેતી સુરાવલી મસ્તીનો માહોલ જમાવી દે. અમુક નિયમ પણ આ ટુર્નામેન્ટનો રોમાન્સ વધારે છે. જેમ કે, બૅટ્સમૅન ફટકો મારે ને બૉલ બાઉન્ડરી લાઈનની ઉપરથી દર્શક વિસ્તારમાં (ઑડિયન્સ એરિયામાં) જાય તો 6ને બદલે 9 રન આપવામાં આવે છે.

હાલમાં મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ ટોપ ત્રણમાં છે. મુંબઈ 6 મેેચમાંથી ચાર મેચ જીતીને 8 પોઈન્ટ પર છે. અમદાવાદ 6 મેચમાંથી 5 જીતીને 10 પોઈન્ટ પર છે. જ્યારે ચેન્નઈ અને દિલ્હી 6 મેચમાંથી 3-3 જીતીને 6 પોઈન્ટ પર ત્રીજા સ્થાને છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

(તસવીરોઃ ધર્મેશ જોશી)

T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાથી બાંગ્લાદેશને કરોડો રૂપિયાનું નુકસાન

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે 22 જાન્યુઆરીએ કડક વલણ અપનાવતાં 7 ફેબ્રુઆરીથી ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. એટલે કે બાંગ્લાદેશે આ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો છે. ભારત ન જવાનો નિર્ણય અને ICC ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાથી આવનારા દિવસોમાં બાંગ્લાદેશ ક્રિકેટને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. T20 વર્લ્ડ કપમાં ભારતમાં મેચ ન રમવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ક્રિકેટ બરબાદીની કગાર પર પહોંચી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને થઈ શકે છે ભારે નુકસાન

જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થાય છે તો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આવનારા દિવસોમાં અંદાજે 240 કરોડ રૂપિયા (325 કરોડ બાંગ્લાદેશી ટાકા અથવા લગભગ 27 મિલિયન અમેરિકન ડોલર)નું નુકસાન થઈ શકે છે. આ રકમ મુખ્યત્વે ICCની વાર્ષિક આવકમાંથી મળતા હિસ્સા સાથે જોડાયેલી છે. આ રકમ BCBની વાર્ષિક આવકનો મોટો ભાગ છે. જો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તેને આ રકમ મળવાની નથી.

બાંગ્લાદેશના પ્રવાસે જવાથી ભારત પણ ઇનકાર કરી શકે છે

આ નિર્ણયને કારણે BCBને અંદાજે 325 કરોડ બાંગ્લાદેશી ટાકા (લગભગ 27 મિલિયન અમેરિકન ડોલર)નું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત લાઇવ ટેલિકાસ્ટ અને જાહેરાતોમાંથી થતી આવકનું નુકસાન પણ ઉમેરવામાં આવે તો આ વર્ષે BCBની કુલ આવકમાં લગભગ 60 ટકા અથવા તેથી વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ નિર્ણય પછી ભારત પણ ઓગસ્ટ–સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જવાથી ઇનકાર કરી શકે છે. જો ભારત શ્રેણી રમવા નહીં જાય તો તેનાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને વધુ મોટું નુકસાન થવાની શક્યતા છે.