Home Blog Page 2851

NGOએ BBC પર રૂ. 10,000 કરોડનો માનહાનિનો કેસ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને એક NGO દ્વારા દાખલ કરેલા માનહાનિ કેસમાં 22 મેએ નોટિસ જારી કરી છે, એમાં દાવો કરવામાં આવ્યો હતો કે એની ડોક્યુમેન્ટરીમાં ભારત, કોર્ટ અને વડા પ્રધાન મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે એની ડોક્યુમેન્ટરી ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન ભારતની પ્રતિષ્ઠા પર ધબ્બો લાગ્યો છે અને ખોટા અને માનહાનિનો આરોપ લગાવે છે. જસ્ટિસ સચિન દત્તાએ BBC સિવાય BBC (ભારત)ને પણ નોટિસ પાઠવી છે અને એને ગુજરાતના NGO જસ્ટિસ ફોર ટ્રાયલ દ્વારા દાખલ કેસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. NGO દ્વારા હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે ડોક્યુમેન્ટરીમાં વડા પ્રધાન પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. આ અરજીકર્તાએ રૂ. 10,000 કરોડનું વળતર માગ્યું છે. BBCએ  એપિસોડ જાન્યુઆરી, 2023માં પ્રકાશિત કર્યા હતા.

અરજીકર્તાએ NGOની તરફેણમાં અને પ્રતિવાદીઓની વિરુદ્ધ રૂ. 10,000 કરોડના વળતરની માગ કરી છે. અરજીકર્તાનું કહેવું છે કે દેશના વડા પ્રદાન, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની શાખ અને સદભાવનાને હાનિને કારણે ગુજરાતના લોકોની અને ભારતીયોની શાખને હાનિ પહોંચી છે.

આ પહેલાં ત્રીજી મેએ દિલ્હીની એક જિલ્લા કોર્ટે પણ ભાજપના નેતા બિનયકુમાર સિંહ તરફથી દાખલ કરવામાં વેલા માનહાનિ કેસમાં BBCને નોટિસ જારી કરી હતી. ભાજપના નેતાએ અરજીમાં કહ્યું હતું કે ભારતમાં આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. એટલે આ ત્રણ કંપનીઓને એને પ્રકાશિત કરવાથી અટકાવવી જોઈએ.

 

 

‘ટૂંક સમયમાં મુંબઈને ફૂંકી મારીશ’: ટ્વિટર પર ધમકીથી પોલીસતંત્ર સતર્ક

મુંબઈઃ દેશના આ આર્થિક રાજધાની શહેરમાં ફરી આતંક ફેલાવવાની પોલીસને ધમકી મળી છે. અત્યાર સુધી પોલીસતંત્રને ફોન કોલ્સ અને ઈમેલ્સ મારફત આવી ધમકીઓ મળતી હતી, પણ હવે એક વ્યક્તિએ ટ્વિટર માઈક્રોબ્લોગિંગ સાઈટ મારફત ધમકી આપી છે કે મુંબઈને બોમ્બવિસ્ફોટો વડે ફૂંકી મારવામાં આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગઈ કાલે સવારે લગભગ 11 વાગ્યે મુંબઈ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર એક સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું: ‘હું ટૂંક સમયમાં જ મુંબઈને ફૂંકી મારવાનો છું.’ આ મેસેજ અંગ્રેજીમાં લખીને મોકલવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ આ મેસેજને ગંભીરતાથી લીધો છે અને એ જ્યાંથી મોકલવામાં આવ્યો છે તે એકાઉન્ટ વિશે તપાસ કરવામાં આવી રહી છે.

દુનિયાના દેશોએ નવી મહામારીનો સામનો કરવા તૈયાર રહેવું પડશેઃ WHO પ્રમુખની તાકીદ

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એન્ધનોમ ગેબ્રીયેસસ કહ્યું છે કે કોરોનાવાઈરસ (કોવિડ-19) ભલે હવે જાગતિક જાહેર આરોગ્યની કટોકટી તરીકે સમાપ્ત થયું છે, પરંતુ દુનિયાના દેશોએ રોગચાળાનો સામનો કરવા અને ભવિષ્યમાં નવી મહામારીઓ તથા અન્ય જોખમોનો સામનો કરવા સજ્જ રહેવું જ પડશે.

ડો. ટેડ્રોસે સભ્ય દેશોને ઉદ્દેશીને જણાવ્યું છે કે જાગતિક આરોગ્ય કટોકટી તરીકે કોવિડ-19નો ભલે અંત આવી ગયો છે પરંતુ કોવિડ-19 જાગતિક આરોગ્ય જોખમ તરીકે સમાપ્ત થયો નથી. નવા વેરિઅન્ટનું જોખમ તો યથાવત્ રહ્યું છે, જે બીમારી અને મૃત્યુના નવા ઉછાળાનું કારણ બની શકે છે. દુનિયાના દેશોને માથે એક અન્ય અને વધારે જીવલેણ પ્રકારની મહામારીનું જોખમ યથાવત્ છે. નવી મહામારી સામે આપણે સહુએ સાથે મળીને, નિર્ણાયક રીતે અને સમાન રીતે જવાબ આપવા માટે સજ્જ રહેવાનું જ છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને PM મોદીને ‘બોસ’ કહ્યા

સિડનીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્થિત કુડોસ બેન્ક એરિના સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કર્યો હતો. તેમને સાંભળવા માટે અહીં ભારતીય સમુદાયના 20,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ ભારતીયોને કહ્યું હતું કે જ્યારે 2014માં આવ્યો હતો, ત્યારે તમને એક વચન આપ્યું હતું કે ભારતના કોઈ વડા પ્રધાનનો 28 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે. આજે એરિનામાં હું ફરી હાજર છું અને હું એકલો નથી આવ્યો, પણ વડા પ્રધાન આલ્બનીઝ પણ મારી સાથે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ ઐતિહાસિક છે.

 તેમણે સંબોધનમાં વિકસિત ભારતનો મંત્ર પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે દરેક ભારતીયનું સપનું છે, એ સપનું મારું પણ છે. આપણે બધાએ મળીને ભારતને વિકસિત દેશ બનાવવાનું છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં મળી રહેલાં ભારતીય પકવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે તો ક્રિકેટથી માંડીને ખાવા સુધી બંને દેશોના સંબંધોને મજબૂત કરવાનું કામ કર્યું છે. આપણે તો દિવાળીની રોનકથી પણ જોડાયેલા છે અને હિન્દ મહાસાગર પણ આપણને જોડવાનું કામ કરે છે.

વડા પ્રધાન મોદી પહેલાં એન્થની આલ્બનીઝે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન મોદીનું સ્વાગત  કરતાં મને બહુ ખુશી થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે હું આ મંચ પર બ્રુસ સ્પ્રિંગસ્ટીનને જોયા હતા, પણ તેમને આવું ભવ્ય સ્વાગત નથી જોયું, જે વડા પ્રધાનને મળ્યું છે. વડા પ્રધાન મોદી બોસ છે.

વડા પ્રધાને તેમના સંબોધનમાં બ્રિસબેનમાં ભારતનું નવું કાઉન્સિલેટ ખોલવાની જાહેરાત કરી હતી.  તેમણે કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી યુવા ટેલેન્ટ ફેક્ટરી ભારત છે.

 

 

 

 

 રામ ચરણે G20  સમિટમાં ‘નાટુ-નાટુ’ પર ડાન્સ કર્યો

નવી દિલ્હીઃ  સાઉથ ફિલ્મજગતના સુપરસ્ટાર રામચરણ G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શ્રીનગર પહોંચ્યા હતા.  ત્યાં તેમણે ટુરિઝમ વર્કિંગ કમિટીની મીટિંગમાં ફિલ્મ ટુરિઝમ પરની ચર્ચામાં ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં G20 સમિટમાં ‘RRR’ સ્ટાર રામચરણે શ્રીનગરમાં આર્થિક અને સાંસ્કૃતિક માટેની ફિલ્મ ટુરિઝમ કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે G20 બેઠક આયોજિત કરવા માટે કાશ્મીર સૌથી સારી જગ્યા છે અને ખીણની યાત્રા કરવી એક અદભુત અહેસાસ છે. આ દરમ્યાન રામ ચરણે વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરી હતી. દક્ષિણ કોરિયાઈ એમ્બેસેડરની સાથે ‘નાટુ નાટુ’ પર ડાન્સ કર્યો હતો અને બધાએ તાલીઓ વગાડી હતી. આ કાર્યક્રમ શેરી કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં આયોજિત કરવામાં આવી રહ્યો છે.

રામ ચરણે કહ્યું હતું કે અમે કાશ્મીરથી પ્રેમ કરીએ છીએ, એ એટલી ખૂબસૂરત જગ્યા છે એ G20 બેઠક માટે સૌથી સારી જગ્યા છે. હું અહીં 1986થી આવી રહ્યો છું. મારા પિતાએ અહીં ગુલમર્ગ અને સોનમર્ગમાં મોટા પાયે શૂટિંગ કર્યું છે. મેં 2016માં આ ઓડિટોરિયમમાં શૂટિંગ કર્યું છે. ભારતમાં શૂટિંગ માટે સૌથી ઠંડી જગ્યા કાશ્મીર છે. હું બીજી પેઢીનો અભિનેતા છું, એમ તેમણે કહ્યું હતું.

ફિલ્મજગતના દિગ્ગજ એક્ટર ચિરંજીવીના પુત્ર રામ ચરણે કહ્યું હતું કે મને કાશ્મીર માલૂમ કરવામાં 95 વર્ષ લાગશે,. હું ભારતને વધુ એક્સપ્લોર કરવા ઇચ્છું છું. હું આગામી બે ફિમો માટે વિદેશયાત્રા નથી કરવા ઇચ્છતો, જ્યાં સુધી નિર્માતા હોલીવૂડમાંથી ના હોય, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

સતત બીજા વર્ષે ૭૬મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી કચ્છી ગુજરાતણ અભિનેત્રી કોમલ ઠક્કર

કચ્છી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે હાલમાં જ ફ્રાન્સના પ્રતિષ્ઠિત એવા ૭૬મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2023માં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. કોમલને આ સતત બીજા વર્ષે આ ફિલ્મોત્સવમાં રેડ કાર્પેટ પર વોક કરવાનું ભાગ્ય સાંપડ્યું છે.

રેડ કાર્પેટને ગ્રેસ કરવા માટે કોમલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર પ્રતિનિધિ છે.

કોમલે તેનાં ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને મજબૂત બનાવનારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘આ નોંધપાત્ર મંચ પર મારાં દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું.’

કોમલનો ઉત્કૃષ્ટ ગાઉન ઇસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઇન કર્યો હતો, ઘરેણાં લંડનની મોના ફાઇન જ્વેલરી દ્વારા બનાવવામાં આવ્યા હતા. તો બીજો એક અલગ લૂક ભારતીય ડિઝાઇનર નિકેતા ઠક્કર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

કોમલની નિર્વિવાદ પ્રતિભા અને મનમોહક ઓન-સ્ક્રીન હાજરીએ તેને આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં પ્રેરિત કરી. મનોરંજન ઉદ્યોગમાં તે પોતાને એક પ્રચંડ શક્તિ તરીકે સ્થાપિત કરી શકી છે. કાન્સમાં તેની અસાધારણ યાત્રા વિશ્વભરના મહત્વાે કાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારૂપ છે.

(કોમલ ઠક્કર)

તટરક્ષક દળનું શિવરાજપુર બીચમાં સ્વચ્છતા કવાયતનું આયોજન

 અમદાવાદઃ તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર-15 (ઉત્તર ગુજરાત) દ્વારા “સ્વચ્છ સમુદ્ર, સુરક્ષિત સમુદ્ર”ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંકલનમાં દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચમાં 21 મેએ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતના આયોજન પાછળ જનભાગીદારી અને સમુદ્રી પ્રદૂષણ નિવારણ તેમ જ સ્વસ્થ મહાસાગરો માટે ટકાઉક્ષમ જીવનશૈલી અપનાવવા અંગે જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ હતો.

ઓખાસ્થિત તમામ ફ્લોટિંગ અને સમુદ્રકાંઠાના એકમોમાં કાર્યરત ભારતીય તટરક્ષક દળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ટાટા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, મીઠાપુર અને મહિલા વિકાસ મંડળ, રાજકોટના પ્રતિનિધિઓ સાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કવાયત દરમિયાન અંદાજે 950 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને વધુ નિકાલ માટે દ્વારકાની નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. ICG “સ્વચ્છ ભારત અભિયાન” પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેનો ઉદ્દેશ સમુદ્રકિનારાને સુઘડ અને સ્વચ્છ રાખવા અને સમુદ્રી પર્યાવરણને પ્રદૂષિત ટાળવા માટે સ્થાનિક લોકોને શિક્ષિત અને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓમાં 250 કર્મચારીઓની અસરકારક સહભાગિતા જોવા મળી હતી, જેનાથી આ પ્રદેશમાં હિતધારકો વચ્ચે સહયોગ વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 404 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 472 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,87,339 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,843 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,48,392 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 920 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7104એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,08,726 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.95 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,99,843 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1243 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

G20 પ્રતિનિધિઓએ શ્રીનગરમાં માણ્યો શિકારામાં સહેલગાહનો આનંદ

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરમાં આયોજિત ત્રણ-દિવસીય બેઠક માટે આવેલા G20 સમૂહના દેશોના ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનાં સભ્યોએ 22 મે, સોમવારે શ્રીનગરમાં દાલ સરોવરમાં શિકારા બોટમાં બેસીને સહેલગાહ કરવાનો આનંદ માણ્યો હતો.

સ્પેન, સિંગાપોર, મોરિશિયસ, નાઈજિરીયા, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને ભારત – એમ સાત દેશોના પ્રતિનિધિઓ ફિલ્મ પર્યટનના વૈશ્વિક દ્રષ્ટિકોણ વિષય પર ચર્ચા કરવાના છે. G20 પ્રતિનિધિમંડળનાં સભ્યોનું ગઈ કાલે શ્રીનગર એરપોર્ટ પર કેન્દ્રીય પર્યટન પ્રધાન જી. કિશન રેડ્ડી, G20 શેરપા અમિતાભ કાંતે સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતને વર્ષ 2023 માટે વિવિધ G20 શિખર સંમેલનોનું આયોજન કરવા માટે યજમાનપદ આપવામાં આવ્યું છે. હાલ દેશના જુદા જુદા શહેરોમાં વિવિધ વિષયો પર બેઠકો યોજાય છે. આવતા સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં મુખ્ય શિખર સંમેલન યોજાશે.

પાકિસ્તાનમાંથી છોડાયેલું પાંચમું ડ્રોન સીમા સુરક્ષા દળે પંજાબ સરહદે પકડી પાડ્યું

અમૃતસરઃ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સતર્ક જવાનોએ ગઈ કાલે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતમાં ઘૂસી આવેલા એક વધુ પાકિસ્તાની ડ્રોનને આંતરીને તોડી પાડ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં બીએસએફે આ પાંચમું પાકિસ્તાની ડ્રોન પકડી પાડ્યું છે. આ ડ્રોન ભારતની ધરતી પર કેફી પદાર્થો ભરેલું કન્સાઈનમેન્ટ ડ્રોપ કરે એ પહેલાં જ એને આંતરીને તોડીને નીચે પાડી દેવામાં આવ્યું હતું.

બીએસએફ જવાનોએ પાંચમા ડ્રોનને ગઈ કાલે રાતે લગભગ 9 વાગ્યે અમૃતસર જિલ્લાના ભૈની રાજપૂતાના ગામમાં અમૃતસર સેક્ટરમાં તોડી પાડ્યું હતું. તે ડ્રોન ‘DJ Matrice 300 RTK’ બનાવટનું અને કાળા રંગનું ક્વાડકોપ્ટર હતું. એમાં 2.1 કિલોગ્રામ વજનનું એક કન્સાઈનમેન્ટ હતું, જેમાં કેફી પદાર્થ હેરોઈન હોવાની શંકા છે. તે કન્સાઈનમેન્ટને એક લોખંડની રીંગ સાથે બાંધવામાં આવ્યું હતું. તેની સાથે એક નાનકડી ટોર્ચ પણ હતી, જે ઓન સ્થિતિમાં હતી, જેથી ભારતની ધરતી પરના ડ્રગ્સના દાણચોરો એને ઓળખી શકે અને કોઈ ખુલ્લા મેદાન કે ખેતરમાં એને પકડીને ઉતારી શકે.

ગઈ 19 મેથી ચાર દિવસમાં આ પાંચમું અજાણ્યું માનવરહિત હવાઈ વાહન (ડ્રોન) પાકિસ્તાનમાંથી પંજાબ સરહદે મોકલવામાં આવ્યું હતું. ગયા શુક્રવારે બીએસએફના જવાનોએ આવા બે ડ્રોનને તોડી પાડ્યા હતા અને ત્રીજાને આંતર્યું હતું. તે આખરે પાકિસ્તાનની ધરતી પર જઈને પડ્યું હતું એટલે મેળવી શકાયું નહોતું. ત્યારબાદ ગયા શનિવારે રાતે પણ એક અન્ય ડ્રોન ભારતની હવાઈ સીમાનો ભંગ કરીને ભારતમાં ઘૂસી આવ્યું હતું, પરંતુ સીમા સુરક્ષા દળના જવાનોએ એને આંતરીને પકડી લીધું હતું. એમાંથી 3.3 કિલોગ્રામ કેફી પદાર્થો ભરેલું એક કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું.

પંજાબ રાજ્યમાં પાકિસ્તાન સાથે ભારતની 500 કિલોમીટર લાંબી સરહદ છે. તેની પર ચોકીપહેરો સીમા સુરક્ષા દળ કરે છે.