G20 પ્રતિનિધિઓએ શ્રીનગરમાં માણ્યો શિકારામાં સહેલગાહનો આનંદ

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરમાં આયોજિત ત્રણ-દિવસીય બેઠક માટે આવેલા G20 સમૂહના દેશોના ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનાં સભ્યોએ 22 મે, સોમવારે શ્રીનગરમાં દાલ સરોવરમાં શિકારા બોટમાં બેસીને સહેલગાહ કરવાનો આનંદ માણ્યો હતો.

સ્પેન, સિંગાપોર, મોરિશિયસ, નાઈજિરીયા, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને ભારત – એમ સાત દેશોના પ્રતિનિધિઓ ફિલ્મ પર્યટનના વૈશ્વિક દ્રષ્ટિકોણ વિષય પર ચર્ચા કરવાના છે. G20 પ્રતિનિધિમંડળનાં સભ્યોનું ગઈ કાલે શ્રીનગર એરપોર્ટ પર કેન્દ્રીય પર્યટન પ્રધાન જી. કિશન રેડ્ડી, G20 શેરપા અમિતાભ કાંતે સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતને વર્ષ 2023 માટે વિવિધ G20 શિખર સંમેલનોનું આયોજન કરવા માટે યજમાનપદ આપવામાં આવ્યું છે. હાલ દેશના જુદા જુદા શહેરોમાં વિવિધ વિષયો પર બેઠકો યોજાય છે. આવતા સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં મુખ્ય શિખર સંમેલન યોજાશે.