‘ટૂંક સમયમાં મુંબઈને ફૂંકી મારીશ’: ટ્વિટર પર ધમકીથી પોલીસતંત્ર સતર્ક

મુંબઈઃ દેશના આ આર્થિક રાજધાની શહેરમાં ફરી આતંક ફેલાવવાની પોલીસને ધમકી મળી છે. અત્યાર સુધી પોલીસતંત્રને ફોન કોલ્સ અને ઈમેલ્સ મારફત આવી ધમકીઓ મળતી હતી, પણ હવે એક વ્યક્તિએ ટ્વિટર માઈક્રોબ્લોગિંગ સાઈટ મારફત ધમકી આપી છે કે મુંબઈને બોમ્બવિસ્ફોટો વડે ફૂંકી મારવામાં આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગઈ કાલે સવારે લગભગ 11 વાગ્યે મુંબઈ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર એક સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું: ‘હું ટૂંક સમયમાં જ મુંબઈને ફૂંકી મારવાનો છું.’ આ મેસેજ અંગ્રેજીમાં લખીને મોકલવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ આ મેસેજને ગંભીરતાથી લીધો છે અને એ જ્યાંથી મોકલવામાં આવ્યો છે તે એકાઉન્ટ વિશે તપાસ કરવામાં આવી રહી છે.