Home Blog Page 285

કચ્છના ભયાવહ ભૂકંપના એ પ્રથમ 24 કલાક…આવી રીતે વડાપ્રધાન કાર્યાલયને કરાઈ હતી જાણ

કચ્છમાં 26 જાન્યુઆરી 2001 ની વહેલી સવારે લોકો પ્રજાસતાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે 7.6ની તીવ્રતાથી આવેલો વિનાશક ભૂકંપ પળવારમાં હજારો લોકોને ભરખી ગયો. આખુ કચ્છ જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું.આ ગોઝારા દિવસને આવતી કાલે 25 વર્ષ પૂરા થશે છતાં લોકો એ દિવસો ભૂલ્યા નથી.

કચ્છના આ વિનાશકારી ભૂકંપ વખતે ટાંચા સાધનો હોવાથી કલાકો સુધી કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ હતી. દવા અને રાહતકાર્યોમાં ખૂબ અવરોધ આવ્યો. દુનિયાને ખૂબ મોડેથી જાણ થઈ કે કચ્છમાં ભૂકંપની મોટી આફત આવી છે. કચ્છના ભૂકંપના એ પ્રથમ કલાક કેવા હતા..કેવા સંજોગોમાં ગાંધીનગર અને વડાપ્રધાન કાર્યાલયને જાણ કરવામાં આવી એના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સવારે 8.46 કલાકે ભૂકપં આવ્યો અને સેકંડોમાં ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. ટેલિફોન સિસ્ટમ ઠપ થઈ ગઇ. છેક સાંજે સેટેલાઇટ ફોનથી દિલ્હી વડાપ્રધાન કાર્યાલયે જાણ કરવા પ્રયાસો થયા પણ લાંબા સમયથી ઉપયોગ ન હોવાથી સેટેલાઇટ ફોનની બેટરી ઉતરી ગઈ હતી. એ સમયે કારની બેટરીથી ફોન ચાર્જ કર્યો અને કલેક્ટર કચેરી દ્વારા દિલ્હી વડાપ્રધાન કાર્યાલયને કચ્છના ભૂકંપની જાણકારી આપવામાં આવી હતી ત્યારે ગાંધીનગરને પણ જાણ કરવાનું કહેવાયું કારણ કે ગાંધીનગર સાથે પણ તંત્રનો સંપર્ક થઇ શક્યો ન હતો.

ડૉ. ધીમંતકુમાર વ્યાસ IAS (નિવૃત્ત), તે સમયે ઓ.એસ.ડી હતા

એ સમયે કચ્છ કલેક્ટર કમલ દયાની અને ડીડીઓ રાજીવ ટોપનો હતા. એ ગોઝારા દિવસોની યાદ તાજી કરતા નિવૃત IAS અધિકારી ડો.ધીમંત વ્યાસ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,”હું એ સમયે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ( અછત ) તરીકે ફરજમાં હતો. 26 જાન્યુઆરીના એ દિવસે અમે ઘરેથી કારમા જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં જવા નીકળ્યા ત્યારે રસ્તામાં હતા ને ભૂકંપ આવ્યો.કાર હોડીની જેમ ફંગોળાઈ..નજર સામે જ ઘરો જમીન દોસ્ત થતા જોયા.થોડી વાર તો શું થયું એ સમજાયું નહીં. પછી ભૂકંપ આવ્યો હોવાનું જાણ્યું. હું અને કલેક્ટર સહિતના અધિકારીઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યાં ધ્વજ વંદનના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા મંત્રી સુરેશ મહેતા રોકાયા હતા.એ ઈમારતને મોટું નુકશાન થયું હતું.રૂમનો દરવાજો ખુલી શકે તેમ ન હતો એટલે બારીમાંથી તેમને બહાર કાઢી ખુલ્લામાં બેસાડ્યા હતા.”

ડૉ.ધીમંત વ્યાસે જણાવ્યું કે સવારે 10 વાગ્યાની આસપાસ અમે આર્મી હેડ ક્વાર્ટર ગયા. કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ હોવાથી મદદ માંગવામાં આવી પણ આર્મી અને એરફોર્સ સ્ટેશનને પણ ભારે નુકશાન થયું હતું. 10:30 કલાકે ખબર પડી કે જી.કે જનરલ હોસ્પિટલના કેટલાક માળ જમીન દોસ્ત થઈ ગયા છે. દર્દી, સ્ટાફ મળી 500થી વધુ લોકો દટાયા છે. ત્યાંથી શક્ય તેટલા લોકોને જયુબિલી ગ્રાઉન્ડમાં લવાયા. મેડિકલ સ્ટોર ખોલાવી દવાઓ અપાઈ.

છેક બપોરે એક વાગ્યે સૂરજબારી પુલ પાસેથી રાજકોટ તરફની પોલીસની મદદથી વાયરલેસ મેસેજથી માહિતી આપી. છેક સાંજે 6 વાગ્યે સેટેલાઇટ ફોનથી વડાપ્રધાન કાર્યાલયને ફોન લાગ્યો.અને ગાંધીનગર પણ જાણ કરવામાં આવી.ગાંધીનગરથી સિનિયર અધિકારીઓની પહેલી ટીમ રાત્રે 8 વાગ્યે ભુજ પહોંચી. રાત્રે 12 વાગ્યે ગંભીર દર્દીઓને એસ.ટીની બસમાં રાધનપુર તરફ મોકલવામાં આવ્યા.અને મોડી રાત્રે 2.30 કલાકે પુનાથી આર્મીનું પહેલું વિમાન દવા, ધાબળા જેવી ચીજો લઈને ભુજ પહોંચ્યું હતું. રાત્રે લાઈટ ન હોવાથી કારની લાઇટથી લોકોને તે પહોંચતા કરવામાં આવ્યા. આ ભયાવહ ભૂકંપની આ પહેલી 24 કલાક જેમણે જોઈ છે તે ક્યારેય ભૂલી નહીં શકે.

અહેવાલ- દેવેન્દ્ર જાની ( રાજકોટ)

સુવિચાર – ૨૬ જાન્યુઆરી ૨૦૨૬

૨૬ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 26/01/2026

આ પાંચ પ્રતિષ્ઠિત ગુજરાતીઓનું પદ્મ પુરસ્કારથી થશે સન્માન

પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કારોની યાદીમાં પાંચ ગુજરાતીઓના નામ સામેલ છે. જાણો કોણ-કોણ છે આ પાંચ ગુજરાતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.

અરવિંદ વૈદ્ય, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અને નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા

વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રમતગમત જગતમાંથી 9 લોકોની પસંદગી કરવામાં આવી છે. કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કુલ 44 લોકોને સન્માનિત કરવામાં આવશે. સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને સન્માનિત કરવામાં આવશે. સિંગર અલકા યાજ્ઞિક, ક્રિકેટર રોહિત શર્મા, ક્રિકેટર હરમનપ્રીત કૌર, અભિનેતા મામુટી અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોત્તર) જનસંપર્ક ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આ પાંચ ગુજરાતીઓ પદ્મ શ્રીથી સન્માનિત

1. અભિનેતા અરવિંદ વૈદ્ય

પ્રખ્યાત હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. થિયેટરને કલાત્મકતા અને સત્યની શક્તિમાં આકાર આપી 200થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યુ છે.

2. લેખક રતિલાલ બોરીસાગર

હાસ્ય સંગ્રહો, નવલકથાઓ અને લોકપ્રિય કૉલમ્સ માટે જાણીતા છે. 17થી વધુ પુસ્તકો અને બાળકો માટે 6 પુસ્તકો લખ્યા છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.

3. ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ

સંતવાણી, ગઝલ, કવ્વાલી અને ભજનમાં ઢોલક વગાડવા માટે જાણીતા છે. કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. જુનાગ઼ઢના આ ઢોલક વાદકની ‘હાજી રમકડું’ના નામથી ઓળખ છે.

4. સામાજિક કાર્યકર નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા

સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે તેમની નામના છે. સમર્પિત સામાજિક કાર્યકરે ગુજરાતમાં 1,300 થી વધુ અંગદાનમાં મદદ કરી અને 100 થી વધુ રિટ્રાઇવલ હોસ્પિટલોની સ્થાપના કરી. લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન માટે તેમની મહત્વની ભૂમિકા રહી છે.

5. ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા

75 વર્ષનો વારસો ધરાવતા પ્રતિષ્ઠિત થિયેટર દિગ્ગજ જેમણે આખ્યાનની પરંપરાગત ગુજરાતી કલાને પુનર્જીવિત કરી અને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે યુવાનોને પ્રેરણા આપવા અને તાલીમ આપવા માટે એક એકેડેમીની સ્થાપના કરી.
આખ્યાન અને માણભટ્ટ પરંપરાને જીવંત રાખવા બદલ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે.

 

 

પદ્મ પુરસ્કારોની જાહેરાત, ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, 131 હસ્તીઓનું થશે સન્માન

પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષે કુલ 131 હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રમતગમત જગતમાંથી 9 લોકોની પસંદગી કરવામાં આવી છે. કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કુલ 44 લોકોને સન્માનિત કરવામાં આવશે. સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને સન્માનિત કરવામાં આવશે.

સિંગર અલ્કા યાજ્ઞિક અને અભિનેતા મામૂટીને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવશે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોત્તર)ને જનસંપર્ક ક્ષેત્રે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને રમતગમત ક્ષેત્રે પદ્મ શ્રીથી નવાજવામાં આવશે. ગુજરાતમાંથી પણ પાંચ હસ્તીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા અરવિંદ વૈદ્ય, લેખક રતિલાલ બોરીસાગર, ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ, સામાજિક કાર્યકર નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા અને ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને આખ્યાન અને માણભટ્ટ પરંપરાને જીવંત રાખવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. તે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી). આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા સહિત વિવિધ ક્ષેત્રો/પ્રવૃત્તિઓમાં આપવામાં આવે છે.

કયો પુરસ્કાર ક્યારે આપવામાં આવે છે?

પદ્મ વિભૂષણ: અપવાદરૂપે સારી અને વિશિષ્ટ સેવા માટે આપવા માટે

પદ્મ ભૂષણ: અપવાદરૂપે સારી સેવા માટે.

પદ્મ શ્રી: કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે.

સન્માનિતોમાં છ વિદેશીઓ
આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવે છે. આ પુરસ્કારો દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2026 માટે 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે. યાદીમાં પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં ઓગણીસ મહિલાઓ છે, અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીઓમાંથી છ વ્યક્તિઓ અને 16 મરણોત્તર પુરસ્કાર વિજેતાઓનો પણ સમાવેશ થાય છે.

તેજસ્વી યાદવ આરજેડીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બન્યા

આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી, જેમાં તેજસ્વી યાદવને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આજનો દિવસ આરજેડી માટે મહત્વપૂર્ણ છે. તેજસ્વી યાદવને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

પટનાના મૌર્ય હોટેલમાં રાષ્ટ્રીય જનતા દળની રાષ્ટ્રીય કાર્યકારિણીની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં તેજસ્વી યાદવને આરજેડીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી અને સંજય યાદવ હાજર રહ્યા હતા.

લાલુ યાદવની હાજરીમાં એક મોટો નિર્ણય લેવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કરી હતી. સ્વાસ્થ્યની ચિંતાઓ અને ભવિષ્યના રાજકીય પડકારોને કારણે લાલુ યાદવ ઔપચારિક રીતે તેજસ્વી યાદવને પોતાનો વારસો સોંપવાની તૈયારી કરી રહ્યા છે, અને આ જ કારણ છે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત, દેશભરમાંથી અંદાજે 200 પ્રતિનિધિઓ અને કારોબારી સભ્યો આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીઓ અને સંગઠનની મજબૂતાઈને ધ્યાનમાં રાખીને ઉર્જાવાન નેતૃત્વની જરૂર છે. તેજસ્વી યાદવ બિહારમાં વિપક્ષના ચહેરા તરીકે પહેલાથી જ ઉભરી આવ્યા છે, પરંતુ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી, તેમની પાસે રાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવાની સત્તાવાર સત્તા હશે. હકીકતમાં, તેજસ્વી યાદવને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરીને, યુવાનોને એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશમાં 23 વર્ષીય એક હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વારંવાર હુમલા થઈ રહ્યા છે. શુક્રવારે, વધુ એક હિન્દુ યુવકને સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે અજાણ્યા લોકોએ તેને સૂતી વખતે આગ લગાવી દીધી હતી.

ફાઈલ ફોટો

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ઘૃણાસ્પદ અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. નરસિંગડી જિલ્લામાં લઘુમતી હિન્દુ સમુદાય પર એક ભયાનક હુમલો થયો છે, જ્યાં ઉગ્રવાદીઓ દ્વારા 23 વર્ષીય હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આનાથી હિન્દુ સમુદાયોમાં આક્રોશ અને ગભરાટ ફેલાયો છે.

ગેરેજમાં યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો
એવો આરોપ છે કે હિન્દુ યુવાન ચંચલ ચંદ્ર ભૌમિકને તેના ઓટોમોબાઈલ વર્કશોપ (ગેરેજ)માં સૂતા હતા ત્યારે ઉગ્રવાદીઓએ જીવતો સળગાવી દીધો હતો. પોલીસે તેને પૂર્વયોજિત હત્યા ગણાવી છે અને તપાસ ચાલી રહી છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે નરસિંગડી શહેરના પોલીસ લાઇન્સ વિસ્તારમાં ખાનબારી મસ્જિદ માર્કેટમાં સ્થિત વર્કશોપમાં બની હતી. ચંચલ કુમિલ્લા જિલ્લાના બરુડા ઉપ-જિલ્લાના લક્ષ્મીપુર ગામના રહેવાસી હતા અને તેમના પિતા ખોકન ચંદ્ર ભૌમિક વર્કશોપમાં મિકેનિક તરીકે કામ કરતા હતા. તે રાત્રે કામ પૂરું કર્યા પછી થાકીને ચંચલ વર્કશોપની અંદર સૂઈ ગયા.

અજાણ્યા ગુનેગારોએ શટર નીચેથી આગ લગાવી. વર્કશોપમાં પેટ્રોલ, મોબાઇલ ઓઇલ અને અન્ય જ્વલનશીલ પદાર્થો હાજર હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. ચંચલને બચવાની કોઈ તક મળી નહીં અને ગૂંગળામણ અને દાઝી જવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પરિવાર અને સ્થાનિક સાક્ષીઓ કહે છે કે આ કોઈ અકસ્માત નહીં પણ પૂર્વયોજિત હત્યા હતી. ઘટનાસ્થળની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદો શટરમાં આગ લગાવતા દેખાય છે. નરસીંગડી સદર મોડેલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ એઆરએમ અલ મામુને જણાવ્યું હતું કે, “આ મામલાની ગંભીરતાને જોતાં, સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.”

ગુનેગારોને પકડવામાં લાગી ગયેલી ટીમો
મૃતદેહ મળી આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ કબજામાં છે. ઘણી ટીમો ગુનેગારોને ઓળખવામાં અને ધરપકડ કરવામાં લાગી છે. આ ઘટના તાજેતરના અઠવાડિયામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલાઓની શ્રેણીમાં નવીનતમ છે. માયમનસિંહમાં દીપુ ચંદ્ર દાસ અને અન્ય સહિત હિન્દુ વ્યક્તિઓની હત્યાના અગાઉના અહેવાલોએ લઘુમતી સમુદાયમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.

આ રાજ્યોમાં તો બેટીઓ જ ઓછી છે, પઢાવશો કોને?!

દીકરી એ ઘરની જ નહીં, પણ રાષ્ટ્રની શક્તિ છે. આ સૂત્રને સાર્થક કરવા માટે ગઈકાલે એટલે કે 24 જાન્યુઆરીએ ભારતભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day)ની ઉત્સાહભેર ઉજવણી થઈ. 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પરંતુ દીકરીઓના સન્માન અને સુરક્ષા માટેનો એક દેશવ્યાપી સંકલ્પ છે.

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓ સામે થતા ભેદભાવ અને અસમાનતાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. દીકરીઓના શિક્ષણ, ઉત્તમ આરોગ્ય અને પોષણક્ષમ આહારના અધિકારની હિમાયત કરતા આ દિવસનો પાયાનો વિચાર એમને એક એવું ભયમુક્ત અને સશક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે, જ્યાં તેઓ પૂર્વગ્રહોની બેડીઓ તોડીને આકાશ આંબી શકે. જો કે આજે પણ દેશના એવા અનેક રાજ્ય છે, જ્યાં દીકરાઓની તુલનામાં દીકરીઓની સંખ્યા ઓછી છે.

ચાલો જાણીએ એ પાંચ રાજ્ય વિશે, જ્યાં સ્ત્રી લિંગ ગુણોત્તર હજુ પણ એક મોટો પડકાર છે… 

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરમાં લિંગ ગુણોત્તરનું ઓછું પ્રમાણ એક ચિંતાજનક બાબત રહી છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને દાયકાઓથી ચાલી આવતી સામાજિક-રાજકીય અસ્થિરતાને કારણે આરોગ્ય સુવિધાઓ અને જાગૃતિ પર માઠી અસર પડી છે. અસ્થિર વાતાવરણમાં દીકરીઓની સુરક્ષાને લઈને માતા-પિતામાં રહેલી ચિંતા ક્યારેક દીકરીના જન્મ પ્રત્યે અનિચ્છા પેદા કરે છે. તાજેતરના આંકડાકીય અહેવાલો મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 890 જેટલી છે, જે અન્ય પહાડી રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે.

પંજાબ

પંજાબમાં આર્થિક સમૃદ્ધિ હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં મોટી અસમાનતા જોવા મળે છે. અહીં જમીનના ટુકડા ન થાય અને પરિવારની મિલકત પરિવારમાં જ રહે એ હેતુથી દીકરાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત, પંજાબી સંસ્કૃતિમાં દહેજ પ્રથા અને લગ્ન પાછળ થતા અઢળક ખર્ચને કારણે અનેક પરિવારો દીકરીના જન્મને આર્થિક ભાર ગણે છે. શહેરી વિસ્તારોમાં પણ ‘નાનું કુટુંબ, માત્ર દીકરો’ એવી માનસિકતાને કારણે લિંગ પસંદગીના કિસ્સાઓ વધે છે. પંજાબમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 900ની આસપાસ છે.

ગુજરાત

ગુજરાત એક ઔદ્યોગિક અને વિકસિત રાજ્ય હોવા છતાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લિંગ ગુણોત્તર હજુ પણ પડકારજનક છે. અહીં આર્થિક સદ્ધરતા હોવા છતાં સામાજિક સ્તરે દીકરાની અપેક્ષા રાખવામાં આવે છે. વેપારી માનસિકતા ધરાવતા કેટલાક વર્ગોમાં દીકરો વ્યવસાય સંભાળશે એવી માન્યતાને કારણે દીકરીઓની અવગણના થાય છે.  ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ અંદાજે 919ની આસપાસ છે.

હરિયાણા

હરિયાણામાં દીકરીઓની સંખ્યા ઓછી હોવાનું સૌથી મોટું કારણ વર્ષોથી ચાલી આવતી કઠોર પિતૃસત્તાક વ્યવસ્થા છે. અહીં ખેતીવાડી અને વારસાગત સંપત્તિ માટે દીકરો હોવો અનિવાર્ય માનવામાં આવે છે, જેના કારણે ‘પુત્ર પ્રાપ્તિની ઘેલછા’ અત્યંત તીવ્ર છે. સામાજિક રીતે પણ દીકરાને ‘વંશનો દીવો’ અને દીકરીને ‘આર્થિક બોજ’ ગણવાની માનસિકતાએ અહીં લિંગ ગુણોત્તરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વર્તમાન સમયમાં એક હજાર પુરુષોએ 923 સ્ત્રીઓ છે. સામાજિક સ્તરે હજુ ઘણો સુધારો જરૂરી છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં લિંગ અસમાનતાનું મુખ્ય કારણ જૂની અને રૂઢિચુસ્ત પરંપરાઓ છે. અહીં લાંબા સમય સુધી બાળ લગ્નની પ્રથા અસ્તિત્વમાં હતી, જે દીકરીઓના વિકાસમાં અવરોધક બની હતી. અંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો દીકરીને ‘પારકું ધન’ માની એના ઉછેરમાં ભેદભાવ રાખે છે. ગરીબી અને દહેજની બીક પણ દીકરીઓના જન્મને રોકવા માટે જવાબદાર છે. અહીં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 928 છે, જે હજુ પણ આદર્શ લિંગ ગુણોત્તરથી દૂર છે.

વર્તમાન સ્થિતિ…

વર્તમાન સમયમાં ભારત સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા અભિયાનોને કારણે લોકોની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)ના તાજેતરના અહેવાલ પ્રમાણે, દેશમાં લિંગ ગુણોત્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હવે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે એક હકારાત્મક સંકેત છે. શિક્ષણ ક્ષેત્રે પણ દીકરીઓ હવે દીકરાઓની સમકક્ષ પ્રગતિ કરી રહી છે અને રમતગમતથી લઈને અવકાશ વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. જોકે, હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં બાળ લગ્ન અને શિક્ષણ છોડી દેવા જેવી સમસ્યાઓ સામે લડવાનું બાકી છે.

હેતલ રાવ

૨૫ જાન્યુઆરી ૨૦૨૬