Home Blog Page 2765

હીટ વેવ પ્રભાવિત રાજ્યોમાં કેન્દ્રએ આરોગ્યની ટીમો મોકલીઃ માંડવિયા

નવી દિલ્હીઃ દેશનાં ઘણાં રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ- ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં હીટ વેવ સંબંધિત 100 લોકોનાં મોત થયાં છે અને ત્રાહિ મામ્ ગરમીને લીધે અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, જેથી કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જાહેર આરોગ્યની તૈયારીના ભાગરૂપે અને હીટવેવના વ્યવસ્થાપન માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

તેમણે આરોગ્ય મંત્રાલય,ICMR, IMD અને NDMAના નિષ્ણાતોની ટીમ બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેવા માટે નિર્દેશ આપ્યા છે. બંને રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને લૂથી અનેકનાં મોતના મામલે અને હોસ્પિટલાઇઝેશન સામે તકેદારીનાં પગલાં લેવા તાકીદ કરી છે. તેમણે લૂ સામે જાગરુકતા ફેલાવવા અને લોકોના આરોગ્ય જળવાઈ રહે એ માટે ICMRને નિર્દેશ આપ્યા છે, જેથી હીટ વેવની આરોગ્ય સામે મધ્યમથી લાંબા ગાળાના પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યો-ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યો હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. આરોગ્યપ્રધાને કહ્યું હતું કે ઉનાળાના પ્રારંભે અને હીટ વેવ સંબંધિત માંદગીને અટકાવવા સમય પર પગલાં લેવામાં આવ્યાં હતાં. માર્ચમાં PM મોદીની અધ્યક્ષતામાં હીટ વેવને લઈને સમીક્ષા બેઠક કરી હતી, જ્યારે આરોગ્ય મંત્રાલયે ફેબ્રુઆરીમાં હીટ વેવ એડવાઇઝરી પણ જારી કરી હતી. મંત્રાલયે રાજ્યોને હીટ વેવની સામે જરૂરી દવાઓ, વિપુલ માત્રામાં લિક્વિડ- છાસ, લીંબુપાણી વગેરે, ORS અને પાણી પીવા સાથે જરૂરી ચીજવસ્તુઓની સમીક્ષા કરવાની સલાહ આપી હતી.

 

 

 

પશ્ચિમી નૌકાદળ કમાન્ડ, મુંબઈ ખાતે જવાનોએ કરી ‘યોગદિવસ’ની ઉજવણી

ભારતીય નૌકાદળના પશ્ચિમી નેવલ કમાન્ડના એકમો દ્વારા 21 જૂન, બુધવારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે યોગવિદ્યા વિશે જનજાગૃતિ પ્રસારના ભાગરૂપે મુંબઈમાં યુદ્ધજહાજો ‘આઈએનએસ વિશાખાપટનમ’ અને ‘આઈએનએસ મોર્મુગાઓ’ના તૂતક પર ખાસ આયોજિત યોગ સત્રમાં નૌસૈનિકોએ યોગાસન કર્યા હતા. આ સત્રનું આયોજન યોગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઈસ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કર્ણાટકમાં પાંચ બંદરગાહ ખાતે સમુદ્રમાં લાંગરેલા યુદ્ધજહાજો પર અને સબમરીનોમાં 7,000 જેટલા નૌસૈનિકોએ યોગાસન કર્યા હતા.

(તસવીર સૌજન્યઃ ભારતીય નૌકાદળ)

વિશ્વમાં યોગની જાગૃતિથી લોકોના આરોગ્યમાં ફાયદો થયો

અમદાવાદઃ ‘વિશ્વ યોગ દિવસ’- 21 જૂન 2015એ શરૂ થયા બાદ મોટા ભાગના દેશો ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી રહ્યા છે. ભારતમાં વિકસેલી યોગ વિદ્યા-પ્રાણાયામ એ વિશ્વએ સ્વીકાર્યાં છે. યોગ અને પ્રાણાયામથી શરીર-મન સ્વસ્થ રહે છે. આ સાથે મનુષ્યને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ સાથેના ‘યોગા ડે’ને આજે વિશ્વએ ઊજવ્યો. અમદાવાદમાં પણ જુદી-જુદી સરકારી ખાનગી સંસ્થાઓ, શાળા-કોલેજો અને હોસ્પિટલોએ યોગાની જાગૃતિ માટે જોડાયેલા હજારો લોકોએ આજે વહેલી સવારે ‘યોગા ડે’ની ઉજવણી કરી હતી.

અમદાવાદની સાયન્સ સિટીમાં આવેલી GSTની ઝોનલ કચેરી, શાયોના સિટી પાસે આવેલી અક્ષર વિદ્યાલય અને જી.એસ.સી. હોસ્પિટલ જેવી અનેક સંસ્થાના લોકોએ નિષ્ણાતોની ઉપસ્થિતમાં યોગના આસનોનો અભ્યાસ કર્યો હતો.

યોગા અને પ્રાણાયામનાં નિષ્ણાત પ્રિયંકા પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે કે યોગા અને પ્રાણાયામ હ્રદયની બીમારીઓ, કેન્સર,સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડની સંબંધિત રોગો, લિવર સંબંધિત રોગો, ડિપ્રેશન, અલ્ઝાઇમર, માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી અનેક સમસ્યાઓ રોગોમાં ઘણી રાહત આપે છે.

કેટલાક કિસ્સામાં જબરજસ્ત ચમત્કારિક સારવાર પણ મળે છે. રોજબરોજ જુદી-જુદી બીમારીઓ અને દવાઓમાં લોકો સપડાઈ રહ્યા છે. એવા સમયે શરીર તંદુરસ્ત રાખવા યોગા અને પ્રાણાયામ સ્વસ્થ રહેવા મદદરૂપ થાય છે. વિશ્વમાં યોગાની જાગૃતિથી લોકોના આરોગ્ય ચોક્કસ સુધારો થયો છે, એમ કહી શકાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

ઉત્કૃષ્ટ બનારસી વણાટ માટે ‘સ્વદેશ’ કળાકારોની નીતા અંબાણીએ કરી પ્રશંસા

મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણી વર્ષોથી ભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. કળાકારો રામજી અને મોહમ્મદ હારુને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું હતું.

ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો ‘સ્વદેશ’ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા હતા અને કળાપ્રેમીઓ કળાકારોને તેમનું કામ કરતાં પ્રત્યક્ષ નિહાળવાનો ઉત્કૃષ્ટ અનુભવ મેળવી શક્યા હતા. રામજી અને મોહમ્મદ હારુન સહિતના ‘સ્વદેશ’ કળાકારોને નીતા અંબાણી મળ્યાં હતાં અને તેમની પ્રતિભા તથા કળા પ્રત્યેના તેમના સમર્પણની ભરપૂર પ્રશંસા કરી હતી.

યોગ સાધનાનું મૂર્તિમંત સ્વરૂપ ‘મૌલિક બારોટ’

આજે વિશ્વ યોગ દિવસ,  યોગની અસરકારકતાને જોતા આજે સમગ્ર વિશ્વમાં લોકો તેનું મહત્વ સમજવા લાગ્યા છે. યોગ કેટલો લાભદાયી છે અને તેનું મહત્વ શું છે તે જાણવા માટે દર વર્ષે 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને માનવમાત્ર માટે નિરોગી રહેવાનું વરદાન  ગણાવે છે, ત્યારે આજે વાત કરવી છે યોગ સાધનાથી સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરનાર અમદાવાદના મૌલિક બારોટની જેમના માટે તો યોગ અભ્યાસ ખરા અર્થમાં વરદાન સાબિત થયો છે.

મૌલિકભાઈ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે અને સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે. આજે એકદમ સ્વસ્થ લાગતા મૌલિકભાઈ ભૂતકાળની સમસ્યાઓ એમના જ શબ્દોમાં વર્ણવતા ચિત્રલેખા.કોમને કહે છે કે, યોગ સાધના શરૂ કરી તે પહેલાં અનિયમિત જીવનશૈલી, બેઠાડું જીવન હોવાને કારણે ૨૦૧૮માં મારું વજન ૧૦૦ કિલોને પાર થઈ ગયું હતું. વધુમાં એસિડિટી,પિત્ત, કફ, હાઇપર ટેન્શન, તણાવ, મેદસ્વીપણું, કોલેસ્ટરોલ, કબજિયાત,  શ્વાસ ફૂલી જવો વગેરે જેવા ઘણા રોગોથી શરીર ઘેરાયેલું હતું.

આગળ જણાવતા તેઓ કહે છે કે, ૨૯ વર્ષની નાની વયે સ્વાસ્થ્યની ઘણી સમસ્યા જોયા બાદ સંકલ્પ લીધો કે સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં બદલાવ અને યોગ અભ્યાસ જરૂરી છે.

મૌલિકભાઇએ પહેલા તો દરરોજ સવારે એક કલાક ચાલવાનું શરૂ કર્યું, ત્યારબાદ બગીચામાં વડીલો સહિત નિયમિત ચાલવા આવતા તમામ નાગરિકો સાથે મળીને તેમણે યોગ અભ્યાસ શરૂ કર્યો. વિવિધ તાલીમ વર્ગો અને ઓનલાઇન માર્ગદર્શન પ્રાપ્ત કરી તેઓએ યોગકળા હસ્તગત કરી એટલું જ નહીં નિ:શુલ્ક યોગ અભ્યાસ વર્ગો પણ તેમણે શરૂ કર્યા.

મૌલિક બારોટ આટલેથી અટક્યા નહીં, તેમણે તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી જેમના દ્વારા યોગ વિદ્યાનો સતત ગુણાકાર થતો રહે તેવું માળખું ગોઠવ્યુ. અત્યાર સુધીમાં તેમણે ૪૦૦થી વધુ લોકોને યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી છે. આ ટ્રેનર્સ દરરોજ અમદાવાદના વિસ્તારો ,સોસાયટી, બાગ બગીચા, ખુલ્લા મેદાનમાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવી રહ્યા છે. જેમના દ્વારા હજારો લોકોને યોગ સાથે જોડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે.

ગુજરાત યોગ બોર્ડમાં સક્રિય એવા મૌલિકભાઈ અમદાવાદ મહાનગરપાલિકાના યોગ કોઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. શહેરીજનોમાં યોગ માટે જાગૃતતા આવે તે હેતુથી વિશેષ કાર્યક્રમોના આયોજનમાં તેઓ મોખરે રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં યોગ શિબિર, યોગ સંવાદ, યોગ જાગૃતિ રેલી, પદ યાત્રા, અટલ ફૂટ બ્રિજ પર સૂર્ય નમસ્કાર સ્પર્ધા, હર ઘર ધ્યાન શિબિર, યોગોત્સવ, G 20 યોગ શિબિર, યોગ જાગૃતિ Cyclothon, Traditional Dressમાં યોગ , ઓફિસ યોગ, બાળકો માટે સમર યોગ કેમ્પ, જિલ્લા અને રાજ્ય કક્ષા યોગ સ્પર્ધા, કોવિડ દરમ્યાન સિવિલમાં યોગ સેવા, Bisag માં મારુ ગામ , કોરોના મુક્ત ગામ એપિસોડ, શિક્ષણ વિભાગ માં GIET સંસ્થા દ્વારા યોગ ચેલેન્જ કાર્યક્રમ,  સ્કૂલ,કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે યોગ સંવાદ, સહિતના અનેક આયોજનમાં તેઓ સહભાગી બની યોગદાન આપી રહ્યા છે.

‘યોગ દિવસે’ સુરતીઓ નવો ગિનિઝ બુક વિશ્વ રેકોર્ડ બનાવ્યોઃ સંઘવી

સુરતઃ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દોઢ લાખ લોકો યોગ કરવા માટે એકઠા થયા હતા, જેમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. શહેરના વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકોએ પોતાની મેટ પર જુદાં-જુદાં યોગાસન કર્યાં હતાં. આ માટે 125 બ્લોક બનાવવામાં આવ્યા હતા. સુરતમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં સુરતીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્ઝના પ્રતિનિધિએ ગિનીઝ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું.

રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે UNમાં મોદીએ યોગ કરીને ફરી એક વાર ભારતને ગર્વ અપાવ્યું છે. રાજ્યમાં યોગના 21 યોગ સ્ટુડિયો નવા શરૂ કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે સુરતે ઇતિહાસ રચ્યો છે. આ યોગાસનો કરવા માટે એક લાખ કરતાં વધુ લોકો જોડાયા હતા. 250 સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડા પ્રધાનને ફાળે જાય છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં 7000થી વધુ સ્થળોએ સવા કરોડથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નીરોગી રહેવાનો અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું. આ કાર્યક્રમ 12 કિમીના રસ્તા પર યોજાયો હતો. આ બંને રસ્તા આઇકોનિક રોડ છે. 1.25 લાખથી વધુ લોકો એકસાથે યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે સંપર્ક સાધ્યો હતો. આ કાર્યક્રમ માટે 2.26 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

 

 

 

 

મસ્ક, મોદીની મુલાકાતઃ ટેસ્લાનો ભારતપ્રવેશ થશે

ન્યુ યોર્કઃ વડા પ્રધાન મોદીએ ન્યુયોર્કમાં ટેસ્લાના સંસ્થાપક એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. મસ્કની ઇલેક્ટ્રિક વેહિકલ બનાવતી કંપની ટેસ્લા ભારતમાં મૂડીરોકાણ કરવા ઇચ્છે છે. એને લઈને તેમણે કહ્યું હતું કે જેટલું જલદી થઈ શકશે, કંપની મૂડીરોકાણ કરવા ઇચ્છે છે, એમ તેમણે મોદી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું. વડા પ્રધાન હાલ અમેરિકી પ્રવાસ પર છે. મસ્કે PMને ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા માટેની યોજના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાના છે.

વડા પ્રધાન સાથે મુલાકાત પછી મસ્કે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મોદીથી મુલાકાત એક સન્માનની વાત છે. એના જવાબમાં મોદીએ લખ્યું હતું કે તમને મળીને બહુ સારું લાગ્યું- અમે એ દરમ્યાન ઊર્જાથી માંડીને આધ્યાત્મિકતા સુધીના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. મસ્કે કહ્યું હતું કે તેઓ PMના ફેન છે. PMએ કેટલાંક વર્ષો પહેલાં કેલિફોર્નિયામાં ટેસ્લાની એક ફેક્ટરીની મુલાકાત લીધી હતી. મસ્કે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે કંપની ભારતમાં જલદી મૂડીરોકાણ યોજના બનાવશે. મને વિશ્વાસ છે કે ટેસ્લા ભારતમાં હશે અને અમે જલદી એવું કરીશું. ભારતમાં એક મહત્ત્વનું મૂડીરોકાણ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે વિશ્વના કોઈ પણ મોટા દેશની તુલનામાં ભારતની પાસે વધુ સંભાવનાઓ છે. મોદી ભારતની ચિંતા કરે છે, કેમ કે તેઓ અમને મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. મસ્ક સ્પેએક્સને ભારતમાં લાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ભારતમાં સ્ટારલિન્ક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના પ્રવેશની પણ આશા વ્યક્ત કરી હતી. હજી ગયા મહિને ટેસ્લાના અધિકારીઓ ભારત આવ્યા હતા અને કાર અને બેટરીના ઉત્પાદન માટે વાટાઘાટ કરી હતી.

 

 

 

 

 

 

 

કોરાનાના 92 નવા કેસો, એકનું મોત  

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,671 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,898 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,987 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 149 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 17846એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 69,638 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,34,967 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 356 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પીએમ મોદી ન્યૂયોર્કમાં અમેરિકાના વિવિધ ક્ષેત્રોના મહારથીઓને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20-24 જૂન સુધી અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા છે. 20 જૂન, મંગળવારે ન્યૂયોર્કમાં તેઓ અમેરિકાના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજ વ્યક્તિઓને મળ્યા હતા. અને તેમની સાથે સંબંધિત વિષયો પર ચર્ચા કરી હતી. એમાં ટેસ્લા ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપનીના સ્થાપક ઈલોન મસ્ક, નોબેલવિજેતા અર્થશાસ્ત્રી પૌલ રોમર, ખગોળ-ભૌતિકશાસ્ત્રી નીલ ટાઈસન, પ્રોફેસર નસીમ તલેબ, લેખક રોબર્ટ થર્મન, લેખક-ઈન્વેસ્ટર રે ડેલિઓ, શિક્ષણવિદ્દોના ગ્રુપનો સમાવેશ થાય છે. (તસવીર સૌજન્યઃ પીઆઈબી, નરેન્દ્ર મોદી ટ્વિટર)

ઈલોન મસ્ક સાથે

નોબેલવિજેતા અર્થશાસ્ત્રી પૌલ રોમર સાથે

લેખક-ઈન્વેસ્ટર રે ડેલિઓ સાથે

લેખક રોબર્ટ (બોબ) થર્મન સાથે

પ્રોફેસર નસીમ તલેબ સાથે

ખગોળ-ભૌતિકશાસ્ત્રી નીલ ટાઈસન

શિક્ષણવિદ્દોના ગ્રુપનાં સભ્યો સાથે

ન્યૂયોર્ક એરપોર્ટ પર આગમન

એરપોર્ટ પર ભારતીય રાજદૂતો, અધિકારીઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત

ન્યૂયોર્ક એરપોર્ટ ખાતે ભારતીય સમુદાયનાં લોકોનું અભિવાદન સ્વીકારતા મોદી

વડા પ્રધાન મોદીને મળવા આવેલા ભારતીય સમુદાયનાં લોકોનો ઉત્સાહ

યોગ મારફત અનેક પ્રકારના વિરોધાભાસનો અંત લાવીએઃ પીએમ મોદી

ન્યૂયોર્કઃ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી નિરોગી રહેવા માટેની પ્રાચીન ભારતીય વિદ્યા – યોગમાંથી દુનિયાભરનાં લોકો પ્રેરણા લઈ શકે એ માટે દર વર્ષે 21 જૂનનો દિવસ દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજે આ વિશેષ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડિયો સંદેશ બહાર પાડ્યો છે. એમાં તેમણે જણાવ્યું છે કે ભારતે હંમેશાં એવી પરંપરાઓને અપનાવી છે જે એકત્રિત કરે છે અપનાવે છે અને સમાવે છે. વડા પ્રધાને લોકોને અપીલ કરી છે કે યોગવિદ્યા મારફત આપણે અનેક પ્રકારના અંતર-વિરોધ, ગતિ-રોધ, પ્રતિ-રોધને નાબૂદ કરી દઈએ.

મોદીએ વધુમાં કહ્યું છે કે, ભારતનાં લોકોએ નવા વિચારોનું સ્વાગત કર્યું છે, એમનું જતન કર્યું છે અને દેશની સમૃદ્ધ વિવિધતામાં એકતાને વધાવી છે. યોગવિદ્યા આવી લાગણીઓને વધારે મજબૂત બનાવે છે, આંતરિક દ્રષ્ટિકોણને વિસ્તૃત બનાવે છે અને આપણને એવી ચેતના સાથે જોડે છે જે આપણને જીવમાત્ર પ્રત્યે પ્રેમના આધાર સાથે એકતાની અનુભૂતિ કરાવે છે.

વડા પ્રધાન મોદી હાલ અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા છે. ત્યાં ન્યૂયોર્કમાં આજે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મુખ્યાલયમાં ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા ઉજવણી કાર્યક્રમની આગેવાની લેશે.