Home Blog Page 2747

રાહુલ ગાંધી વિશે ટ્વિટ કરવા બદલ BJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR દાખલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બેંગલુરુમાં BJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. માલવિયાના ટ્વીટને લઈને કોંગ્રેસના નેતાઓ વતી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. માલવિયા પર રાહુલને હિન્દુ સંસ્કૃતિ અને ભારત વિરુદ્ધ બતાવવાનો આરોપ છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બીજેપી નેતા માલવિયા વતી રાહુલ ગાંધીના ભાષણમાં ફેરફાર કરીને જુઠ્ઠાણું પીરસવાનું કામ કર્યું છે.

માલવિયાના આક્ષેપો

કોંગ્રેસ નેતા રમેશ બાબુએ અમિત માલવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટ કરવામાં આવેલો વીડિયો સામાજિક અન્યાય વિરુદ્ધ છે. તેમણે રાહુલ ગાંધી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આંતરરાષ્ટ્રીય મીડિયા વચ્ચે જોડાણ દર્શાવ્યું છે. વીડિયોમાં તેણે બતાવ્યું છે કે કોંગ્રેસ માત્ર લઘુમતીઓને સમર્થન કરે છે.

કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “ટ્વીટમાં રાહુલ ગાંધીના ભાષણમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ સમાજમાં ભાગલા પાડવા અને સમાજમાં નફરત ફેલાવવા માંગે છે. આનાથી રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની છબી અને તેમના સન્માનને કલંકિત કરવામાં આવી છે. સમાજને નુકસાન થયું છે. તેથી અમે અમિત માલવિયા અને અન્યો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.”

શું હતું બીજેપી નેતાનું ટ્વિટ?

વાસ્તવમાં, થોડા દિવસો પહેલા બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે, “રાહુલ ગાંધી ખતરનાક છે અને અંદરખાનેની રમત રમી રહ્યા છે. તેમના કરતા વધુ ખતરનાક સેમ પી જેવા લોકો છે જેઓ ભારત વિરુદ્ધ ધર્માંધતા ફેલાવી રહ્યા છે. આ લોકો વિદેશમાં પીએમ મોદીને બદનામ કરવામાં કોઈ કસર છોડતા નથી. છે.”

અમિત માલવિયાના આ ટ્વીટ પર કોંગ્રેસના ઘણા નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ હવે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા કર્ણાટક સરકારના મંત્રી અને મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ પણ ભાજપના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓને બદનામ કરવા અને ભ્રામક પોસ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતની 3 સહિત દેશમાં રાજ્યસભાની 10 બેઠકો ઉપર ચૂંટણી જાહેર, 24મી જુલાઈએ મતદાન

ગુજરાતમાં 3 સહિત દેશની 10 રાજ્યસભા સીટ ઉપર ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આગામી 24 જુલાઈએ મતદાન થવાનું છે. ત્યારે આ માટે તમામ રાજકીય પક્ષોએ કમરકસી લીધી છે. આ ચૂંટણી અંગે આગામી 6 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવનાર છે. તેમ ચૂંટણી પંચની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ શું છે ?

આગામી 24 જુલાઈના રોજ દેશની 10 રાજ્યસભા બેઠક ઉપર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે ચૂંટણીપંચ દ્વારા આ અંગેનો વિધિવત કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર 6 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ આગામી તા. 13 જુલાઈએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત 14 જુલાઈએ ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. જ્યારે કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ હોવાનું સામે આવ્યું છે.

ક્યાં – ક્યાં રાજ્યોમાં કેટલી બેઠક ઉપર ચૂંટણી યોજાશે ?

ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની 10 બેઠકો ઉપર મતદાનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ 10 બેઠકો પૈકી 3 બેઠકો ગુજરાતની છે. પશ્ચિમ બંગાળની 6 બેઠકો છે. જ્યારે કે ગોવાની એક બેઠક ઉપર પણ મતદાન યોજાવાનું છે. જે આગામી તા.24 જુલાઈએ મતદાન થવાની જાહેરાત કરવામાં આવી છે.

 મોદી સરકારને UCC લાગુ કરવા મુદ્દે ‘આપ’નું સમર્થન

નવી દિલ્હીઃ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ચાલી રહેલા વાદવિવાદની વચ્ચે મોદી સરકારને ‘આપ’ પાર્ટીનો ટેકો મળ્યો છે. આપના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું હતું કે આપ UCCને સૈદ્ધાંતિક ટેકો આપે છે. તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 44 પણ એ કહે ઠે કે UCC હોવો જોઈએ, પણ પાર્ટીનું માનવું છે કે આ મુદ્દે બધા ધર્મ અને રાજકીય પક્ષોથી વાતચીત થવી જોઈએ. બધાની સહમતી પછી એને લાગુ કરવામાં આવવો જોઈએ.

જોકે તેમણે આ મુદ્દે ભાજપ સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ભાજપને UCCના અમલીકરણ અને ઉકેલ માટે કોઈ લેવાદેવા નથી. ભાજપ માત્ર અસમંજસતા પેદા કરે છે, જેથી દેશમાં મતોનું વિભાજન થઈ શકે અને પછી ચૂંટણી લડી શકે. વડા પ્રધાન મોદીએ નવ વર્ષમાં કામ કર્યું નથી, એટલે તેઓ UCCનો સહારો લઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન મોદીએ ભોપાલમાં કરેલા સંબોધનમાં UCC મુદ્દે કહ્યું હતું કે દેશના મુસલમાનોએ એ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષ એવું કરી રહ્યા છે. એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો હોય અને અન્ય બીજા માટે બીજો તો ઘર કેવી રીતે ચાલી શકે. સુપ્રીમ કોર્ટ પણ વારંવાર એવું કહી રહી છે કે UCC લાવો, પરંતુ એ મત બેન્કના ભૂખ્યા લોકો આવું કરવા નથી ઇચ્છતા.

સાઉદી આરબ, તુર્કી, પાકિસ્તાન, મિસ્ર, મલેશિયા, નાઇજિરિયામાં બધા ધર્મો માટે સમાન કાયદા છે, કોઈ વિશેષ ધર્મ અથવા સમુદાય માટે અલગ-અલગ કાયદો નથી.

 

 

 

 

MBA – MCA ની 19815 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ : તા.17 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

રાજ્યની એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ 27મી જૂનથી લઇને 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં એમબીએની સરકારી 9 કોલેજોમાં 425 બેઠકો અને સ્વનિર્ભરની 123 કોલેજોમાં 13303 બેઠકો મળી કુલ 132 કોલેજોમાં 13728 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે એમસીએમાં સરકારી 9 કોલેજોમાં 310 અને સ્વનિર્ભરની 58 કોલેજોમાં 5780 મળી કુલ 67 એમસીએ કોલેજોમા 6090 બેઠકો ઉપલબ્ધ છે. આમ, બન્ને મળીને 19815 બેઠકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

હજુ 13થી વધુ કોલેજોને મળી શકે છે મંજૂરી

આગામી દિવસોમાં હજુ એમબીએ-એમસીએની અંદાજે 13થી વધારે કોલેજોને મંજૂરી મળે તેવી શક્યતા છે. જેના કારણે પ્રવેશ સમિતિએ હાલમાં જે બેઠકોની વિગતો જાહેર કરી છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 95 ટકા બેઠકો માટે સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જ્યારે સ્વનિર્ભર કોલેજોમાં 50 ટકા બેઠકો પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

અનેક વખત સીમેટ કાઢી નાખવાની કરાઈ માંગ

ગુજરાત સિવાયના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સીમેટ આપી હોવાથી તેના મેરિટના આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે 5 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. સીમેટના આધારે ગણતરીની બેઠકો જ ભરાતી હોવાથી રાજ્યમાં દર વર્ષે સીમેટ આપી નહોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ અલગથી કાર્યવાહી કરવી પડે છે. અનેક વખત સીમેટ કાઢી નાંખવાની પણ માગણી ઊઠી હતી.

વિદ્યાર્થીઓ તા.19 થી 22 દરમિયાન ફી ભરી શકશે

એમ.બી.એ અને એમ.સી.એના પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ તા.1 ઓગસ્ટના પ્રોવિઝનલ મેરીટ જાહેર થશે ત્યાર બાદ તા.4ના સીટ મેટીકસ તા.7 થી 9 ઓગષ્ટના દરમિયાન મોકચોઈસ ફિલીંગ 11 ઓગષ્ટના મોકરાઉન્ડ પરિણામ તા.14 ઓગષ્ટના ફાઈનલ મેરીટ લીસ્ટ તા.14 થી 17 સુધી પ્રથમ રાઉન્ડ ચોઈસ અને તા.19ના પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ બાદ વિદ્યાર્થીઓ તા.19 થી 22 દરમિયાન ફી ભરી શકશે.

પાકિસ્તાનમાં લગ્ન મુદ્દે ઝઘડો થતાં સગાંઓએ પરિવારનાં 9 સભ્યોને ઠાર કરી દીધાં

પેશાવરઃ પાકિસ્તાનના વાયવ્ય ભાગમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં લગ્નના મુદ્દે ઝઘડો થતાં સગાંઓએ એક જ પરિવારનાં 9 સભ્યોને ઠાર મારી દીધાનો ચોંકાવનારો બનાવ બન્યો છે.

આ બનાવ મલકંદ જિલ્લાના બતખેલા ગામમાં બન્યો છે. પરિવારનાં 9 સભ્યો રાતે એમના ઘરમાં સૂતાં હતાં ત્યારે સગાં ત્યાં ત્રાટક્યા હતા અને બેફામપણે ગોળીબાર કરીને એમને ઠાર કર્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલા અને છ પુરુષોનો સમાવેશ થાય છે.

પોલીસે કહ્યું છે કે આ કરપીણ હત્યાકાંડ માટે લગ્નના મુદ્દે થયેલો એક ઝઘડો કારણભૂત છે. કેસમાં તપાસ ચલાવવામાં આવી રહી છે. હત્યારાઓને પકડવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાંતના રખેવાળ મુખ્ય પ્રધાન મુહમ્મદ આઝમ ખાને હત્યારાઓને વહેલી તકે પકડવાનો પોલીસ તંત્રને આદેશ આપ્યો છે.

ભારતીય શેરબજારે ઈતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 64,000ને પાર

ભારતીય શેરબજારે આજે ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 64,000 ને પાર કરી ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 19,000 ની સપાટી વટાવી ગયો. BSE સેન્સેક્સમાં સવારથી જ જોરદાર તેજી જોવા મળી રહી છે. પરંતુ બપોરના વેપાર દરમિયાન રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે તે 64,000ના આંકને વટાવીને 64,037ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 194 પોઈન્ટ વધીને 19,000ની ઐતિહાસિક સપાટી વટાવીને 19,011ની સપાટીએ પહોંચી ગયો હતો.

ટાટા મોટર્સ, ટાઇટન, એનટીપીસી અને લાર્સનના શેર સેન્સેક્સને 64,000થી આગળ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. સેન્સેક્સના 30માંથી 29 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સના 50 શેરોમાંથી 47 શેરો તેજી સાથે અને 3માં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીને 19,000 પાર કરવામાં અદાણી ગ્રુપના શેરનો સૌથી મોટો ફાળો રહ્યો છે. GQG પાર્ટનર્સના રોકાણને કારણે નિફ્ટીમાં સમાવિષ્ટ અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ 4.54 ટકા અને 3.42 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

ODI WC 2023 : પ્રથમ નોરતે જ ભારત પાકિસ્તાન મેચથી ગરબાના આયોજકો મૂંઝાયા

ભારતમાં આગામી 5 ઓકટોબરથી શરૂ થનાર વનડે વર્લ્ડ કપના શેડ્યુલની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સૌને આતુરતા હતી તે મેચ ભારત અને પાકિસ્તાન 15 ઓકટોબરના રોજ અમદાવાદમાં રમાશે. ઉલ્લેખનીય છે કે તે જ દિવસે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ગુજરાતભરમાં પ્રાચીન તથા અર્વાચીન રાસોત્સવના આયોજન થતાં હોય છે. આ ગરબાના આયોજનોને 12 વાગ્યા સુધી ચાલુ રહેવાની જ છૂટ અપાઈ છે ત્યારે ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચેનો 50 ઓવરનો વર્લ્ડ કપ મેચ અંદાજે 11 વાગ્યે પૂરો થશે. અમદાવાદમાં આશરે 1.30 લાખ લોકો રૂબરૂ ગ્રાઉન્ડ પર મેચ નિહાળશે તો રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, પાર્ટી પ્લોટ સહિત અનેક જગ્યાએ મેચનું પ્રસારણ થશે. ત્યારે આયોજકોને રાસોત્સવમાં પાંખી હાજરી મળે તો નવાઈ નહિ. રવિવારના દિવસે જ નવરાત્રી શરૂ થાય છે અને ભારત પાક. મેચ પણ રમાશે.

નવરાત્રીનો સમય વધારવાની થઈ શકે છે માંગ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ નોરતાએ જ અમદાવાદ ખાતે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મેચ રમાવાનો છે. ત્યારે પ્રથમ નવરાત્રીના દિવસે જ મેચના કારણે ગરબે રમવા આવનાર ખેલૈયાઓની સંખ્યા ગ્રાઉન્ડ ઉપર પાંખી જોવા મળી શકે છે ત્યારે આ વખતે ગરબાનું આયોજન કરનારા આયોજકો પ્રથમ દિવસે અથવા સીઝન દરમિયાન ગરબા ચલાવવાના સમયમાં વધારો કરી આપવાની માંગ કરી શકે છે.

અમદાવાદમાં પ્રાચીન અને અર્વાચીન બંને ગરબાનું મહત્વ

મહત્વનું છે કે રાજ્યભરમાં છેલ્લા એકથી દોઢ દાયકાથી નવરાત્રીના મોટાપાયે આયોજન થઈ રહ્યા છે. સૌથી વધુ ગરબાઓ વડોદરા અને અમદાવાદ તથા ગાંધીનગરમાં રમવામાં આવે છે અને અહીંના પ્રખ્યાત ગરબાઓ હોય છે તેમાં પણ અમદાવાદમાં પ્રાચીન અને અર્વાચીન બંને ગરબાનું મહત્વ છે ત્યારે આ વખતે અમદાવાદ ખાતે પ્રથમ નોરતાએ જ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હોય લોકો મોટી સંખ્યામાં આ મેચ જોવા આવનાર હોય ગરબામાં ખલૈયાની હાજરી પાંખી જોવા મળી શકે છે.

નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી કોઈ લવજેહાદ કરશે તો છોડીશું નહી: હર્ષ સંઘવી

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરાના વોર્ડ નંબર 10 ખાતે જન સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. તેઓએ મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે જનસંપર્ક કરી વડીલો સાથે વાતચીતો કરી હતી.

હોટલમાં જઈ ચેકિંગ કરવાના આદેશ

સ્થાનીકો સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર પગલા ભરી રહી છે. રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. હાલમાં સુરતમાં ચાની લારીથી લઈ હોટેલ સુધી ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. વડોદરા શહેરની ઘટનામાં મેં તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અરવલ્લીની ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકારે સરકાર તરફે ફરિયાદ નોંધી છે. તમામ કિસ્સામાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે.

આવી ઘટના બનતા રોકી શકાય

તેઓએ આગળ એમ પણ જણાવ્યુ કે, ઘણા પરિવારો આવા કિસ્સાઓ છુપાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તમને લોકોને મારી વિનંતી છે કે, આ પ્રકારની કોઈ પણ માહિતી માળતા જ પોલીસને જાણ કરો. જેથી કરીને આવી ઘટના બનતા રોકી શકાય.

ભાજપ મોટા માર્જીનથી જીતશે

મોદી સરકાર 9 વર્ષની સફળતા પર બોલતા તેમણે કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ 26 બેઠક મોટા માર્જીનથી જીતશે તેવો અમને વિશ્વાસ છે. આ વખતે 2024માં ફરી એકવાર લોકોએ ભાજપ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે. આ વખતે ફરી એકવાર ભાજપ નવો ઇતિહાસ લખશે.

મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી, ડેમમાં નવા નીર આવ્યા

મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી છે. જેમાં 19 ડેમમાં નવા નીરની આવક થઇ છે. તેમાં રાજકોટની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરની આવક થઇ છે. રાજકોટ સિંચાઇ હસ્તકના 82માંથી 19 ડેમો ભરાયા છે. તથા રાજકોટ જિલ્લાના 27 માંથી 6 ડેમ ભરાયા છે.

રાજકોટની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરની આવક

જામનગરના 10, સુરેન્દ્રનગરના 2 ડેમ ભરાયા છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સતાવાર પધરામણી કરી છે અને દરેક જિલ્લા પર હેત વર્ષા કરતા રાજકોટ સિંચાઇ હસ્તકના 82 માંથી 19 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં પણ નવા પાણીની આવક થઇ છે. રાજકોટ જિલ્લાના 27 માંથી 6, મોરબી જિલ્લાના 10માંથી 1, જામનગર જિલ્લાના 22 માંથી 10 અને સુરેન્દ્રનગર જિલ્લાના 11 માંથી 2 ડેમમાં નવા નીરની પધરામણી થઈ છે.

શહેર સિંચાઇ હસ્તકના 82 માંથી 19 ડેમો ભરાયા

સૂત્રોએ જણાવ્યા અનુસાર આજી-1માં 0.26, આજી-2 માં 0.66, આજી-3માં 1.12 , ન્યારી-1માં 0.16, ન્યારી-2માં 0.98, લાલપરીમાં 0.33, મચ્છુ-1માં 0.13, ફુલઝર-1માં 1.15, સપડામાં 13.81, વિજરખીમાં 4.79, રંગમતિમાં 6.40, ઊંડ-1માં 1.35, કંકાવટીમાં 9.25, ઉંડ-2માં 18.04, વાડીસંગમાં 1.41, રૂપારેલમાં 8.37, વગડિયામાં 10.17, ફલકુમાં 0.16 અને ધારીમાં 0.82 ફૂટ નવા નીરની આવક થઈ છે.

મુસ્લિમ વિદ્યાર્થિનીઓની ઓપરેશન થિયેટરમાં ‘હિજાબ’ પહેરવાની માગ

તિરુવનંતપુરઃ કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ ભલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે પેન્ડિંગ હોય, પણ દેશનાં વિવિધ રાજ્યોમાં ફરી થવા માંડ્યો છે. કેરળની તિરુવનંતપુરમ મેડિકલ કોલેજની સાત મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલ પાસે ઓપરેશન થિયેટરમાં લાંબા આસ્તિન અને સ્ક્રબ જેકેટ અને સર્જિકલ હુડ પહેરવાની માગ કરી છે. વિદ્યાર્થિનીઓએ એ માગ માટે હિજાબ પહેરવો જરૂરી જણાવ્યો છે. વિદ્યાર્થિઓએ હિજાબને બદલે લાંબા આસ્તિનના સ્ક્રબ જેકેટ અને સર્જિકલ હુડને વિકલ્પ તરીકે પહેરવાની મંજૂરી માગી છે. આ માગને લઈને સાત વિદ્યાર્થિનીઓએ કોલેજ વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ઓપરેશન થિયેટરની અંદર હિજાબ પહેરવાની મંજૂરી ના મળવા પર પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે.

આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પત્રમાં લખ્યું છે કે તેમની ધાર્મિક માન્યતાઓને આધારે હંમેશાં માથું ઢાંકેલું રાખવાનું હોય છે. ઇસ્લામમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત છે. જોકે પત્ર અનુસાર ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવો સંભવ નથી. હિજાબ પહેરતી મહિલાઓ માટે હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરના નિયમોનું પાલન કરવા અને ધાર્મિક પોશાક પહેરવાની સાથે વિન્રમતા બનાવી રાખવાની વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મુશ્કેલીઓ થાય છે.  

કોલેજ વહીવટી તંત્રનું શું કહેવું છે?

તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. લિનેટ જે મોરિસે પત્ર મળ્યાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે તેઓ લાંબા આસ્તિનવાળા સ્ક્રબ જેકેટ અને હુડનો ઉપયોગ કરવા ઇચ્છે છે, પણ એ સંભવ નથી, કેમ કે ઓપરેશન દરમ્યાન તમારે આખા હાથ ધોવાના હોય છે. અમેક સંક્રમણહીન વાતાવરણ માટે વૈશ્વિક માપદંડોને માનીએ છીએ. મેં તેમને કહ્યું છે કે હું તમારી આ માગ પર કંઈ નહીં કરી શકું. તેમણે કહ્યું હતું કે દર્દીઓની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે એક કમિટી બોલાવીશું, જેમાં બંને પક્ષોને મૂકવામાં આવશે. અમારું ધ્યાન દર્દીઓની સુરક્ષા પર હશે, જેની સાથે કોઈ સમજૂતી ના થઈ શકે.