Home Blog Page 2748

‘ઝરૂખો’માં બાળકાવ્યો અને ધીંગામસ્તી

મુંબઈઃ બાળકોને મઝા પડે એવો એક કાર્યક્રમ બોરીવલીમાં ‘ઝરૂખો’એ યોજ્યો છે – ‘બાળકાવ્યો અને ધીંગામસ્તી’ .ગુજરાતી બાળકાવ્યોના વિવિધ રસને માણવા બાળકોની આંગળી પકડી સાથે લઈ જજો! લઇ જશો ને?

(ડાબે) અશોક ત્રિવેદી (જમણે) ધાર્મિક પરમાર

1 જુલાઈના શનિવારની સાંજે 7.20 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં કવિ અશોક ત્રિવેદી તથા યુવાન કવિ ધાર્મિક પરમાર સ્વરચિત બાળકાવ્યો રજૂ કરશે. શાળાનાં ભૂલકાં બાળકાવ્યો રજૂ કરશે અને કેટલાક કિશોરો સ્કૂલનાં સંસ્મરણો તાજાં કરશે.

કવિ અશોક ત્રિવેદીનાં બાળકાવ્યો એક સમયે ‘સમકાલીન’ અખબારમાં ધૂમ મચાવતાં હતાં. બેફામ સાહેબ, મેહુલભાઈ, બકુલ રાવલ, શોભિત દેસાઈ જેવા ગઝલકારો સાથે તેઓ કાર્યક્રમ આપતા. તેઓ શેરબજારના જાણીતા ચાર્ટ વિશ્લેષક પણ છે. ધાર્મિક પરમાર પત્રકાર છે અને બાળકાવ્યોના એક સંગ્રહ એમણે રચના કરી છે .

સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે યોજાયો છે અને એનું સંચાલન કવિ સંજય પંડ્યા કરશે.

રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું રોમેન્ટિક ગીત રિલીઝ કરાયું

મુંબઈઃ આગામી નવી હિન્દી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના નિર્માતાઓએ આ ફિલ્મનું ગીત ‘તુમ ક્યા મિલે’ આજે રિલીઝ કર્યું છે. દિગ્દર્શક કરણ જોહરે એમના ઈન્સ્ટાગ્રામ પર આ ગીત શેર કરીને લખ્યું છે, ‘કોઈ પણ પ્રેમ વાર્તા યોગ્ય પ્રેમ ગીતને હકદાર હોય છે. મને એ વાતનો આનંદ છે કે ‘તુમ ક્યા મિલે’ ગીત અમારી વાર્તાને માટે જ બનેલું છે.’

આ ગીતમાં અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે સ્વર આપ્યો છે. ગીત લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને સંગીત છે પ્રિતમનું. ગીતમાં રણવીર અને આલિયાને કશ્મીરના બરફાચ્છાદિત પહાડો પર રોમાન્સ કરતાં જોવા મળે છે. આ સાથે કશ્મીરના બરફાચ્છાદિત પહાડોના નયનરમ્ય વાતાવરણમાં શિફોન સાડીઓ અને ડાન્સ કરતાં કલાકારોને ફરી જોવાનો દર્શકોને મોકો મળે છે. આ ગીત યૂટ્યૂબ અને સોશિયલ મિડિયાના અન્ય પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરાયા બાદ ચાહકોએ એને ખૂબ પસંદ કર્યું છે અને કમેન્ટ વિભાગમાં લાલ રંગના દિલનાં ઈમોટિકોન્સ ડ્રોપ કરીને પ્રશંસાનાં ફૂલ વરસાવી દીધાં છે.

આ ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ આવતી 28 જુલાઈથી થિયેટરોમાં રિલીઝ થવાની છે.

પૃથ્વી તરફ 12 કિમીની સેકન્ડે ધસમસતો એસ્ટ્રોઇડઃ નાસાની ચેતવણી

ન્યુ યોર્કઃ અમેરિકી સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે બુધવારે (આજે) એક સંભવિત રીતે ખતરનાક એસ્ટ્રોઇડ –જેની પહોળાઈ 91 મીટર છે, એ પૃથ્વીની પાસેથી પસાર થવાનો છે. એજન્સીએ આને ખતરનાક ગણાવતાં ચેતવણી ઉચ્ચારી છે.

નાસા 2013 WV44 નામના ખડક (એસ્ટ્રોઇડ)ની હિલચાલ પર નજર રાખી રહી છે, જેનો વ્યાસ 160 મીટર છે. અમેરિકી સ્પેસ એજન્સીના સેન્ટર ફોર નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં કહેવામાં આવ્યું છે કે એસ્ટ્રોઇડ પૃથ્વીથી 30 લાખ કિલોમીટરની નજીકથી પસાર થશે. જે ખગોળીય પિંડોને મામલે ઘણો નજીક છે, પણ એનાથી પૃથ્વીથી કોઈ જોખમ નથી.

નાસાએ સૌપ્રથમ વાર 2013માં આ એસ્ટ્રોઇડની શોધ કરી હતી અને ખગોળવિદોની એક ટીમે કહ્યું હતું કે એ ધ્વનિની ગતિથી આશરે 34 ગણો વધુ 11.8 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે. એ એસ્ટ્રોઇડ 28 જૂને બપોરે 1.30 કલાકે પૃથ્વીની સૌથી નજીક આવશે. નાસા અને અન્ય સ્પેસ એજન્સીઓ હાલમાં સેંકડો અન્ય સંભવિત ખતરનાક ચીજવસ્તુઓ પર નજર રાખી રહી છે, જે પૃથ્વી પર જીવન માટે જોખમ ઊભું કરી શકે છે.  

નાસાએ હાલમાં બસના આકારના એક અન્ય એસ્ટરોઇડ વિશે પણ ચેતવણી ઉચ્ચારી હતી, જે પૃથ્વીથી નજીક હોવાની આશંકા હતી. નાસાના એસ્ટ્રોઇડ વોચ પેજ પર આપવામાં આવેલી માહિતી અનુસાર JL1 નામથી ઓળખાતા એસ્ટ્રોઇડની લંબાઈ 39 ફૂટ છે અને એ પૃથ્વીથી આશરે 2.49 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. વળી એની ઝડપ પ્રતિ કલાક 26,316 કિલોમીટરની છે.

 

 

રાશિ ભવિષ્ય 28/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઓડિશામાં ટ્રકે જાનૈયાઓને કચડ્યાઃ પાંચનાં મોત, નવ ઘાયલ

ભુવનેશ્વરઃ ઓડિસાના ક્યોંઝરમાં ગમખ્વાર દુર્ઘટના બની છે. ઝડપે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી નાખી છે. એક તેજ ટ્રકે જાનૈયાઓને ટક્કર મારી છે, જેનાથી પાંચ લોકોનાં મોત થયાં છે અને નવ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત ક્યોંઝરના નેશનલ હાઇવે 20ની પાસે સાઠીધર સાહીમાં થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ક્યોંઝર જિલ્લાના સતીધર સાહીની પાસે મંગળવારે મોડી રાતે એક ટ્રકે જાનૈયાઓના એક ગ્રુપને ટક્કર મારી હતી, જેનાથી પાંચ લોકોનાં મોત થયાં છે અને નવ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ક્યોંઝર જિલ્લા મથકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર અહીંના સાથીધર સાહીના મૂળ નિવાસી કાર્તિક પાત્રની પુત્રીના લગ્ન હરિચંદ્રનપુર બ્લોકના માનપુર ગામના હાદીબંધુ પાત્રના પુત્ર હેમંત પાત્રથી થવાનાં હતાં. વરરાજાની જાન DJ સાથે નીકળી હતી, ત્યારે 1.30 કલાકની વચ્ચે વધૂના ઘરની પાસે એક ટ્રકે જાનને ટક્કર મારી હતી. પાંચ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે અન્ય નવ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ અકસ્માતની સૂચના મળતાં ફાયરબ્રિગ્રેડેના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જિલ્લા મથકની હોસ્પિટલે પહોંચાડ્યા હતા. આ અકસ્માત પછી ટેન્શન વધી ગયું હતું. વરરાજાના ભત્રીજા અને તેના પક્ષના અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે અન્ય મૃતક સતીધર સાહીના હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને કટકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

નોટ આઉટ @ 85 : પ્રભુદાસ વિઠલાણી 

“પાણીને ચાવો અને ખોરાકને પીઓ” એવા અદભુત નિયમના આગ્રહી અને પ્રાણાયામ-યોગાસન-ધ્યાન-સત્સંગમાં રચ્યા-પચ્યા રહેનાર પ્રભુદાસ વિઠલાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ દ્વારકાના વેપારી કુટુંબમાં. ઘરમાં ગૌશાળા હતી, પિતાજી ઘી બનાવી ઘોડા પર વેચવા જતા. છ ભાઈ અને એક બહેનમાં તેઓ સૌથી નાના. શાળાનો અભ્યાસ ઓખા, દ્વારકા અને છેલ્લે અમદાવાદ નૂતન હાઇસ્કુલમાં.એસએસસી પછી આઈટીઆઈની પહેલી બેચમાં તેઓ સિવિલ એન્જિનિયરિંગનું  ભણ્યા. તરત અરવિંદ મીલમાં સુપરવાઇઝર તરીકે નોકરી મળી ગઈ. 32 વર્ષ સુધી અરવિંદ મિલમાં કામ કરી રિટાયર થયા. રામદેવબાબા પાસેથી યોગાસન શીખ્યા પછી 40 વર્ષથી તેઓ નિયમિત પ્રાણાયામ કરે છે. રામદેવબાબાના ટીવી પ્રોગ્રામમાં પણ ભાગ લીધો છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ઇસ્કોનમાં સક્રિય સેવાઓ આપી છે. વ્રજભૂમિમાં નિયમિત ફૂલની સેવા આપી છે. પુનિત મહારાજ સાથે ઘણું કામ કર્યું છે. ફૂટપાથ પર રહેનારા ગરીબોને ભાખરી વહેંચવાના કામમાં સક્રિય હતા. ગરીબોને ધાબળાને બદલે કંતાન આપવાનું શરૂ કર્યું. હરિભાઈ કોઠારી સાથે સત્સંગ કર્યો. તેઓ નિયમિત ચાલવા જાય છે. તેમના મતે ચાલનારાઓ ચલાવના નિયમો જાણતા નથી. બગીચા ચાલનારાઓથી ઊભરાય છે અને બગીચાની બહાર ખાવાની લારીઓ પણ માણસોથી ઊભરાય છે!!

તેઓ સવારે 4:30 વાગે ઊઠે. તાંબાના લોટામાં રાતથી રાખેલું એક લીટર પાણી શાંતિથી પીએ. 20 મિનિટ પછી નિત્ય-ક્રિયા કરી પ્રાણાયામ-ધ્યાન-ઓમકાર-કપાલભાતિ-ભ્રસ્ત્રિકા-ભ્રામરી- અનુલોમ-વિલોમ વગેરે આસનો કરે. ઘરની નજીક રામજી મંદિર છે, એટલે ત્યાર પછી મંદિરમાં જઈ ભજન-કીર્તન કરે. 1:00 વાગે જમે. બપોરે બે કલાક આરામ કરે. રોજના બે પાના રામ-નામ-મંત્ર લખે. 5:30 વાગે ચા પીને ટીવી જુએ. હમણાં તો IPL મેચ હતી એટલે રોજની મજા હતી! નેશનલ વેટરન્સ (80 વર્ષથી મોટા)ના  ટેબલ-ટેનિસ ચેમ્પિયન છે! ખેલ-મહાકુંભમાં ચાર ઇનામો જીત્યા છે! ધાર્મિક-વાંચન ઘણું કરે છે.

શોખના વિષયો : 

ટેબલ-ટેનિસ રમવાનું બહુ ગમે છે. પ્રાણાયામ-ધ્યાન-આસન વગેરે નિયમિત કરે છે. વાંચનનો બહુ શોખ છે. સત્સંગ પણ ગમે છે. પ્રવાસનો ઘણો શોખ છે. દર મહિને એકવાર શ્રીનાથજી અને જુદી જુદી બેઠકોએ જાય છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

દાંતનુ ચોખઠું છે અને કાનનું મશીન વાપરે છે, પણ બીજી કોઈ તકલીફ નથી. પોતાની સારી તંદુરસ્તીનું શ્રેય તેઓ પ્રાણાયામ-યોગાસન-ધ્યાનને આપે છે.  

યાદગાર પ્રસંગ:  

ઇસ્કોનના મેનેજિંગ ડાયરેક્ટર જસુમતીનંદનદાસજી સાથે રહીને ઇસ્કોનની વ્યવસ્થામાં સાથ આપ્યો તે યાદ છે. હિપોલીન-ગ્રુપ સાથે દર મહિનાની નવમી તારીખે 140 કુટુંબોને ઘરનું સીધું આપતાં તે પ્રસંગના અનુભવો બહુ યાદગાર છે. એકવાર તેઓ પ્રાણાયામના પ્રોગ્રામ માટે ટ્રેનમાં ગયા હતા. તેમની જોડે બેઠેલાં બહેનનું વજન આશરે 140 કિલો હતું. તેમણે દુધીનો પ્રયોગ કરવા કહ્યું. છ મહિનામાં તે બહેનો ફોન આવ્યો કે તેમનું વજન 80 કિલો થઈ ગયું છે અને નવા કપડાં કરાવવા પડયા છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલ અને whatsappનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ટીવી-મોબાઈલ ઉપર સમાચાર અને ખેલકૂદને લગતી માહિતી મેળવી શકે છે. ZOOM પ્લેટફોર્મ પરથી યોગના ક્લાસ લઈ શકે છે. તેમનું માનવું છે કે નવી ટેકનોલોજી વાપરીને દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે. તેને શીખ્યા વગર ચાલે એવું નથી! પરદેશ બાળકો સાથે વાત કરવી હોય તો નવી ટેકનોલોજીથી દરેક ક્ષણે ટચમાં રહેવાય છે. શું ખાધું, શું કીધું, ક્યાં ફરવા જાય છે તે બધી માહિતી તેના દ્વારા મળી શકે છે! તેમને બે દીકરા અને એક દીકરી છે તથા પાંચેય પૌત્ર-પૌત્રીઓ પરદેશ રહે છે.

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો ફેર પડ્યો છે. પહેરવેશથી જ શરૂઆત થાય! ઘરમાં દીકરી હોય કે વહુ, તેના પહેરવેશથી હવે ખબર પડે નહીં. પશ્ચિમની સંસ્કૃતિ આપણે અપનાવી અને આપણી વધારે સારી સંસ્કૃતિ તેમણે અપનાવી! આજકાલ ખાવા-પીવામાં પણ ફેરફાર થવા લાગ્યા છે. અહીં નોનવેજ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે, જયારે પશ્ચિમમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યાં છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

તેમના રમત-ગમત, ટેબલ-ટેનિસ અને અમ્પાયરિંગના શોખને કારણે તેઓ બાળકો અને યુવાનોના સતત સંપર્કમાં રહ્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના યુવાનો બહુ આગળ આવી ગયા છે.

સંદેશો : 

યોગ-પ્રાણાયામ-ધ્યાન નિયમિત કરો.ચાલવાના નિયમો પાળીને રોજ મોર્નિંગ-વોક કરો!

(તસવીર: મહેન્દ્ર દલવાડી)

કોરાનાના 65 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 65 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,097 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,905 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,613 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 90 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1579એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 55,812 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.23 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,37,729 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 403 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સિવિક એન્જિનીયર પર હુમલાના કેસમાં શિવસેના (યૂબીટી)ના 4 કાર્યકર્તાની ધરપકડ

મુંબઈઃ એક સિવિક એન્જિનીયર પર હુમલો કરવાના સંબંધમાં મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી શિવસેના (યૂબીટી)ના ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. તેમના નામ છેઃ સંતોષ કદમ, સદા પરબ, ઉદય દળવી અને હાજી અલીમ ખાન. પોલીસે ચારેયને ગઈ કાલે સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા અને મેજિસ્ટ્રેટે તેમને અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસ એફઆઈઆરમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અનિલ પરબનું પણ નામ છે, પરંતુ એમની ધરપકડ કરવામાં આવી નથી.

બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં ગયા અઠવાડિયે શિવસેના (યૂબીટી)ની એક શાખાને તોડી પાડવામાં આવી હતી. તેના વિરોધમાં અનિલ પરબ તથા શિવસેના (યૂબીટી)ના અન્ય કાર્યકર્તાઓ ગયા સોમવારે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના એચ-પૂર્વ વોર્ડની ઓફિસ ખાતે મોરચો લઈ ગયા હતા. તે દરમિયાન બીએમસી એન્જિનીયર અજય પાટીલ (42) પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપવામાં આવી હતી. આને પગલે અનિલ પરબ તથા અન્યો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

વેદાંતા ગ્રુપની ભારતમાંની ડિસ્પ્લે ફેક્ટરી 3,500 જણને રોજગાર આપશે

નવી દિલ્હીઃ વેદાંતા ગ્રુપ હજી સુધી પ્રયત્ન ન કરાયેલા ડિસ્પ્લે બિઝનેસમાં ઝંપલાવી રહ્યું છે. તે પશ્ચિમ ભારતમાં 4 અબજ ડોલર (આશરે 32,811 કરોડ રૂપિયા)ના મૂડીરોકાણ સાથે નવી ફેક્ટરી બનાવવા ધારે છે. એ માટે તે સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે નિપુણ લોકોને નોકરીએ રાખશે. આ જાણકારી કંપનીના નવા નિયુક્ત કરાયેલા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર વાઈ.જે. ચેને આપી છે. ચેન આ પહેલાં ચાઈનીઝ ડિસ્પ્લે ઉત્પાદક કંપની HKCમાં કામ કરી ચૂક્યા છે. એમણે કહ્યું છે કે, ‘ભારતમાં બાંધવામાં આવનાર લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે પેનલ ફેબ્રિકેશન ફેક્ટરી માટે એમનું ગ્રુપ દક્ષિણ કોરિયા, તાઈવાન, જાપાન તથા અન્ય દેશોમાંથી ટેક્નિશિયન અને ખૂબ જ ટેલેન્ટેડ લોકોને નોકરીએ રાખશે. આ ફેક્ટરીથી 3,500 જેટલી નોકરીઓનું નિર્માણ થશે.’ ડિસ્પ્લે ઉદ્યોગમાં ચેન 23 વર્ષનો અનુભવ ધરાવે છે.

(તસવીર સૌજન્યઃ https://www.vedantalimited.com)

વેદાંતા ગ્રુપે ડિસ્પ્લે બિઝનેસ શરૂ કરવા માટે ફોક્સકોન ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. ગ્રુપ ભારતની ફેક્ટરીમાં એલસીડી ગ્લાસ અને પેનલ્સના ઉત્પાદન અને એસેમ્બલિંગ શરૂ કરશે. ચેનનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તરફથી જો આર્થિક ભંડોળ પ્રાપ્ત થાય તો આ ફેક્ટરી 2025ના અંત સુધીમાં કાર્યાન્વિત થઈ જવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સંકલ્પ કર્યો છે કે એમની સરકાર ભારતમાં ચિપ અને ડિસ્પ્લે ઉત્પાદન કરનાર કંપનીઓને આર્થિક સહાયતા કરશે. એ માટે મોદીએ 10 અબજ ડોલર (આશરે 82,028 કરોડ રૂપિયા) ફાળવવાનું નક્કી કર્યું છે. વેદાંતા ગ્રુપ જાપાનની અવાન-સ્ટ્રેટ કંપનીની માલિકી પણ ધરાવે છે, જે એલસીડી પેનલ્સમાં વપરાતા લેયર્સ બનાવે છે.

નવી દિલ્હીસ્થિત અને વૈશ્વિક સ્તરીય બિઝનેસ કરતા વેદાંતા ગ્રુપ એલ્યુમિનિયમ, ઝીંક, લેડ અને સિલ્વર, ઓઈલ અને ગેસ, કાચું લોખંડ, સ્ટીલ, તાંબુ જેવા કુદરતી સંસાધનો તેમજ વીજળીનું ઉત્પાદન કરે છે અને દુનિયામાં સપ્લાય કરે છે. તે સાઉથ આફ્રિકા, લાઈબેરિયા અને નામિબીયામાં પણ બિઝનેસ કરે છે. કંપનીનું નેતૃત્ત્વ સંભાળનારાઓ છેઃ અનિલ અગ્રવાલ (નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન), નવીન અગ્રવાલ (એક્ઝિક્યૂટિવ વાઈસ-ચેરમેન),

૨૮ જૂન, ૨૦૨૩

૨૮ જૂન, ૨૦૨૩