મુસ્લિમ વિદ્યાર્થિનીઓની ઓપરેશન થિયેટરમાં ‘હિજાબ’ પહેરવાની માગ

તિરુવનંતપુરઃ કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ ભલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે પેન્ડિંગ હોય, પણ દેશનાં વિવિધ રાજ્યોમાં ફરી થવા માંડ્યો છે. કેરળની તિરુવનંતપુરમ મેડિકલ કોલેજની સાત મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલ પાસે ઓપરેશન થિયેટરમાં લાંબા આસ્તિન અને સ્ક્રબ જેકેટ અને સર્જિકલ હુડ પહેરવાની માગ કરી છે. વિદ્યાર્થિનીઓએ એ માગ માટે હિજાબ પહેરવો જરૂરી જણાવ્યો છે. વિદ્યાર્થિઓએ હિજાબને બદલે લાંબા આસ્તિનના સ્ક્રબ જેકેટ અને સર્જિકલ હુડને વિકલ્પ તરીકે પહેરવાની મંજૂરી માગી છે. આ માગને લઈને સાત વિદ્યાર્થિનીઓએ કોલેજ વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ઓપરેશન થિયેટરની અંદર હિજાબ પહેરવાની મંજૂરી ના મળવા પર પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે.

આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પત્રમાં લખ્યું છે કે તેમની ધાર્મિક માન્યતાઓને આધારે હંમેશાં માથું ઢાંકેલું રાખવાનું હોય છે. ઇસ્લામમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત છે. જોકે પત્ર અનુસાર ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવો સંભવ નથી. હિજાબ પહેરતી મહિલાઓ માટે હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરના નિયમોનું પાલન કરવા અને ધાર્મિક પોશાક પહેરવાની સાથે વિન્રમતા બનાવી રાખવાની વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મુશ્કેલીઓ થાય છે.  

કોલેજ વહીવટી તંત્રનું શું કહેવું છે?

તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. લિનેટ જે મોરિસે પત્ર મળ્યાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે તેઓ લાંબા આસ્તિનવાળા સ્ક્રબ જેકેટ અને હુડનો ઉપયોગ કરવા ઇચ્છે છે, પણ એ સંભવ નથી, કેમ કે ઓપરેશન દરમ્યાન તમારે આખા હાથ ધોવાના હોય છે. અમેક સંક્રમણહીન વાતાવરણ માટે વૈશ્વિક માપદંડોને માનીએ છીએ. મેં તેમને કહ્યું છે કે હું તમારી આ માગ પર કંઈ નહીં કરી શકું. તેમણે કહ્યું હતું કે દર્દીઓની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે એક કમિટી બોલાવીશું, જેમાં બંને પક્ષોને મૂકવામાં આવશે. અમારું ધ્યાન દર્દીઓની સુરક્ષા પર હશે, જેની સાથે કોઈ સમજૂતી ના થઈ શકે.