Home Blog Page 2733

અજિત પવાર જૂથે સુનીલ તટકરેને મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ બનાવ્યા

મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન વધુ ઊંડું થઈ રહ્યું છે. રવિવારના બળવા પછી NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. હવે બંને જૂથમાંથી નવી નિમણૂંકો અને બરતરફી કરવામાં આવી રહી છે. અજિત પવારના જૂથે સુનીલ તટકરેને મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે સોમવારે એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેની માંગ પર કાર્યવાહી કરતા શરદ પવારે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને પાર્ટીના બંધારણ અને નિયમોના સીધા ઉલ્લંઘન બદલ પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા.

અજિત પવાર જૂથે નવી નિમણૂક કરી

અજિત પવાર જૂથે કહ્યું કે જયંત પાટીલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે સુનીલ તટકરેને પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફાર કરવાનો અધિકાર રહેશે. પ્રફુલ્લએ પોતાને કાર્યકારી પ્રમુખ ગણાવ્યા છે. આ સાથે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અનિલ ભાઈદાસ પાટીલને મહારાષ્ટ્ર વિધાનસભામાં એનસીપીના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શરદ પવાર દ્વારા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને NCPમાંથી હટાવ્યા બાદ આ નિર્ણય આવ્યો છે.


સુનીલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા

પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના નિયમો મુજબ પ્રદેશ પ્રમુખ પદ માટેની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે, પરંતુ કેટલાક કારણોસર 3 વર્ષ પછી ચૂંટણી યોજાઈ ન હતી, તેથી જયંત પાટીલનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે સુનિલ તટકરેની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, અમે વિધાનસભા અધ્યક્ષને જાણ કરી છે કે અજિત પવાર વિધાનસભામાં સંસદીય વિધાનમંડળ દળના નેતા છે. રૂપાલી ચકાંકરને NCP મહિલા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રફુલ્લ પટેલે કહ્યું કે શરદ પવારે લીધેલો નિર્ણય અમને લાગુ ન પડી શકે કારણ કે ગઈ કાલે લીધેલા નિર્ણયમાં અમને મોટાભાગના નેતાઓનું સમર્થન મળ્યું છે.


અજિત પવારે શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યું

જ્યારે પૂછવામાં આવ્યું કે હવે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે, તો અજિત પવારે કહ્યું, શું તમે ભૂલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે તેમણે મહારાષ્ટ્રના ભલા માટે આ નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે બે સપ્તાહની અંદર ત્રણ વર્ષની જાહેરાતો પર કેટલો ખર્ચ કર્યો છે- એનો હિસાબ માગ્યો છે. કોર્ટે આ હિસાબ ત્યારે માગ્યો છે, જ્યારે દિલ્હી સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સરકાર રિજનલ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ માટે ફંડ આપવા માટે સક્ષમ નથી. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે દિલ્હી સરકારને કહ્યું હતું કે બે સપ્તાહમાં એક એફિડેવિટ ફાઇલ કરો, જેમાં છેલ્લાં ત્રણ વર્ષના નાણાકીય વર્ષમાં જાહેરાત પર કરવામાં આવેલા ખર્ચની વિગતો હોવી જોઈએ.

શું છે મામલો?

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી-મેરઠ ક્ષેત્રીય રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ કામમાં વિલંબ માટે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તમારી પાસે જાહેરાતો માટે પૈસા છે, પરંતુ તમારી પાસે એ પ્રોજેક્ટ માટે પૈસા કેમ નથી, જે લોકોને સારી સુવિધા આપશે.

 દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) એક સેમી-હાઇ-સ્પીડ રેલ કોરિડોર છે, જેનું નિર્માણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. એ કોરિડોર દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠ શહેરોને જોડશે.આ ટ્રેનની ખાસિયત એ છે કે એની મહત્ત્મ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. આ હિસાબે એ ટ્રેન દેશની સૌથી વધુ ઝડપી ટ્રેન હશે. આ ટ્રેન દિલ્હીથી મેરઠનું અંતર 55 મિનિટમાં કાપશે. એ સાથે એ ટ્રેન દર પાંચ-10 મિનિટમાં યાત્રીઓ માટે ઉપલબ્ધ રહેશે.

 

 

 

 

 

વરિષ્ઠ નાગરિક સાથે રૂ. 16.73 લાખની છેતરપિંડી; સાત જણ સામે પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ પોતાને વીમા કંપની અને બેન્કના અધિકારીઓ તરીકે ઓળખાવીને પડોશના થાણે શહેરમાં 62-વર્ષના એક વરિષ્ઠ નાગરિક સાથે 16 લાખ 73 હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર સાત જણ સામે પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. ટપાલ વિભાગના એક નિવૃત્ત કર્મચારીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સાત વ્યક્તિ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 420 (છેતરપિંડી) તથા અન્ય સંબંધિત જોગવાઈઓ અંતર્ગત કેસ નોંધ્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, 2018માં એણે એક ખાનગી એજન્સી મારફત વીમો પોલિસી ખરીદી હતી. ત્યારબાદ પોતે 2021માં ટપાલ વિભાગમાંથી નિવૃત્ત થયો હતો. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં પોતાને જુદા જુદા નંબરો પરથી ફોન કોલ્સ આવતા રહ્યા હતા. તેઓ પોતાને વીમા નિયામક સંસ્થા IRDA, દિલ્હીના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. ફરિયાદીએ તે ફોન કોલ્સની અવગણના કરી હતી. પરંતુ ગયા માર્ચમાં એને એક ફોન કોલ ફરી આવ્યો હતો અને કહ્યું હતું કે તેની વીમા પોલિસીમાં અમુક ચોક્કસ ઔપચારિક્તા પૂરી કરવામાં નથી આવી. એને કારણે તે ઘણા લાભ ગુમાવી શકે છે. પોતાને વીમા, ભારતીય રિઝર્વ બેન્ક અને વીમા લોકપાલ તરીકે ઓળખાવનારાઓએ કહ્યું હતું કે IRDA દ્વારા તેમની પોલિસીને થિજાવી દેવામાં આવી છે અને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે એમણે પૈસા ચૂકવવા પડશે. ભોગ બનનાર નિવૃત્ત કર્મચારીએ અમુક દિવસોમાં કુલ 16 લાખ 73 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ પેમેન્ટ કર્યા બાદ પોલિસીની રકમ વિશે કોઈ જાણકારી આવી નહીં અને આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેથી એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જોની બેરિસ્ટોના ડિસમિસલ પર આર અશ્વિનનું ટ્વીટ, જાણો…

નવી દિલ્હીઃ એશિઝ સિરીઝ-2023 હેઠળ લોર્ડ્સ ટેસ્ટમાં જોની બેરિસ્ટોના રનઆઉટને લઈને શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. હવે વિવાદમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર રવિચંદ્રન અશ્વિને ઝુકાવ્યું છે. અશ્વિને એલેક્સ કેરીની પ્રશંસા કરી છે, કેમ કે તેણે પ્રેઝન્સ ઓફ માઇન્ડનો ઉપયોગ કર્યો હતો. બેરિસ્ટો જ્યારે લોર્ડસ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે છેલ્લો બોલ રમીને ક્રીઝ પરથી બીજા એન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે કેરીએ તેને રનઆઉટ કર્યો હતો. બેરિસ્ટોના આ રનઆઉટ પર ક્રિકેટ નિષણાતો અને ક્રિકેટરો વચ્ચે મતમતાંતર છે. રવિચંદ્રન અશ્વિને સોશિયલ મિડિયાના માધ્યમ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

તેણે બેરિસ્ટોના રનઆઉટ પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે ટેસ્ટ મેચમાં વિકેટકીપર ક્યારેય આટલા દૂરથી સ્ટમ્પ નથી ઉડાવ્યા, જ્યાં સુધી તેણે અથવા તેની ટીમે બેરિસ્ટોની જેમ બોલ છોડ્યા પછી બેટ્સમેને ક્રીઝ છોડવાની પેટર્ન પર ધ્યાન ના આપવામાં આવ્યું હોય. અને ક્રિકેટને અનફેર પ્લેની ભાવના તરફ ઝૂકવાને બદલે વ્યક્તિની સ્માર્ટનેસની પ્રશંસા કરવી જોઈએ.જોની બેરિસ્ટોના રનઆઉટ પછી થયેલા વિવાને મુદ્દે આર. અશ્વિનના ટ્વીટને ક્રિકેટજગતમાં ફેન્સ ઘા લાઇક કરે છે.

આ ટેસ્ટ મેચમાં બેરિસ્ટોના આઉટ થયો મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો હતો, કેમ કે ઘરેલુ મેદાન પર ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે 43 રનથી હારી ગઈ હતી. બેરિસ્ટો આઉટ થવાથી કેપ્ટન બેન સ્ટોકસ બેજવાબદારી ભર્યું રમ્યો હતો. જોશ હેઢલવૂડના આઉટ થવા પહેલાં ઇન્ગલેન્ડે 214 રનમાં 155 રન બનાવ્યા હતા.

પાંચ મેચોની સિરીઝમાં 0-2થી પાછળ પડી ગયેલું ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ મેચ સાત સુલાઈથી બર્મિંગહેમમાં એજબેસ્ટનમાં રમશે.

 

 

રૂ.2000ની નોટ પાછી ખેંચવાના RBIના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

નવી દિલ્હીઃ રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લેવાના ભારતીય રિઝર્વ બેન્કના નિર્ણયને રદબાતલ કરવાનો આદેશ ચાહતી જાહેર હિતની અરજી (PIL)ને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. આરબીઆઈએ ગઈ 19 મેએ નિર્ણય લીધો તે પછી અદાલતે આવી આ બીજી જનહિતની અરજીને ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિઓ સતિષચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદની વિભાગીય બેન્ચે અરજી નકારી કાઢી છે. પહેલી જનહિત અરજીને પણ આ જ બેન્ચના ન્યાયાધીશોએ નકારી કાઢી હતી.

આ વખતની અરજી રજનીશ ભાસ્કર ગુપ્તા નામના નાગરિકે કરી હતી. એમણે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે કોઈ પણ મૂલ્યની ચલણી નોટ ઈસ્યુ ન કરવાનો કે તે બંધ કરી દેવાનો આદેશ આપવાની કે આરબીઆઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કાયદા અંતર્ગત સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા માત્ર કેન્દ્ર સરકારને જ છે.

રિઝર્વ બેન્કે આ અરજીનો વિરોધ કર્યો હતો અને અદાલતને કહ્યું હતું કે અન્ય મૂલ્યોની બેન્કનોટ્સ વ્યવહારમાં પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ થઈ જતાં રૂ. 2000ની નોટ વ્યવહારમાં દાખલ કરવા પાછળનો હેતુ પૂરો થયો હતો. તેથી વર્ષ 2018-19માં રૂ. 2000ની બેન્કનોટ્સનું છાપકામ અટકાવી દેવામાં આવ્યું હતું. લોકો એમની પાસેની રૂ. 2000ની નોટ કોઈ પણ બેન્કની શાખાઓમાં કે આરબીઆઈની પ્રાદેશિક શાખાઓમાં જમા કરાવી શકે છે અથવા એક્સચેન્જ કરાવી શકે છે. બેન્કમાં ખાતું ન હોય એવા લોકો પણ 2000ની નોટ એક્સચેન્જ કરાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેન્ક શાખામાં એક જ સમયે મહત્તમ રૂ. 20,000ની મર્યાદા સુધી 2000ની નોટ બદલાવી શકે છે. રૂ. 2000ની નોટ કાયદેસર ચલણ તરીકે યથાવત્ રહેશે.

આરબીઆઈએ તમામ બેન્કોને સલાહ આપી છે કે તેમણે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે 2000ની બેન્કનોટ્સ કોઈને ઈસ્યુ કરવી નહીં.

વિઝા એપ્લિકેશન સેન્ટરો બહાર અરજદારોને અગવડતા

અમદાવાદઃ રાજ્યમાંથી પરદેશ ભણવા, કામ કરવા, સ્થાયી થવા, પ્રવાસ માટે અને વેપાર-ધંધા માટે હજારો લોકો જુદા-જુદા દેશોમાં વિઝા માટે અરજીઓ કરે છે.  યુરોપના જુદા-જુદા દેશોમાં વિઝાની અરજી કરવાનું એક સેન્ટર અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આવેલું છે. જ્યારે કેનેડાના વિઝા માટેની અરજી કરવા માટેની ઓફિસ કોચરબ આશ્રમની બાજુમાં એક કોમ્પ્લેક્સમાં આવેલી છે. એક તરફ અમદાવાદમાં મોટે ભાગે કાળઝાળ ગરમીનું વાતાવરણ હોય છે. બીજી તરફ ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર, ટૂ વ્હીલર હોય કે ફોર વ્હીલરને પાર્કિંગ કરવાની સુવિધાનો સદંતર અભાવ. આવા વિસ્તારમાં વિઝા એપ્લિકેશન સેન્ટરો આવેલાં છે.

શહેરનાં વિઝા એપ્લિકેશન સેન્ટરો પર અરજી કરનારા લોકો ગાડી કે સ્કૂટર પાર્ક કરી એપ્લિકેશન સેન્ટર તરફ પૂછપરછ કરવા જાય ત્યાં ગાડી ટોઇંગ થઈ જાય કે લોક થઈ જાય. પરિમલ ચાર રસ્તા પાસે વિઝાની અરજી આપવા આવેલા કેટલાક લોકો ચિત્રલેખા. કોમને કહે છે અહીં બેસવાની તો ઠીક ઊભા રહેવાની પણ સગવડ નથી. આટલી ફી વસૂલતા હોવા છતાં વિઝાના અરજદારો માટે કોઈ સુવિધા નથી. લોકો ઠંડી, વરસાદ અને ધોમધખતા તાપમાં વિઝા એપ્લિકેશન સેન્ટરોની બહાર બિચારા થઈને ઊભા રહે છે.

એક વિઝા સેન્ટર પરના સિક્યોરિટી ગાર્ડ કહે પ્રોપર પાર્કિંગ અને અન્ય અસુવિધાઓથી કંટાળેલા લોકો અમારી જોડે હુંસાતુંસી કરે છે. અરજી કરવા આવેલા લોકો કહે છે અમે મફત રાશન લેવા આવ્યા છીએ..?

સી. જી. રોડ, આંબાવાડી વિસ્તારમાં ટ્રાફિકના કર્મચારીઓ કહે છે,  વિઝા એપ્લિકેશન સેન્ટરની બહાર આડેધડ પાર્ક કરેલી ગાડીઓ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ પરિણામ શૂન્ય આવતાં ગાડીઓ ટોઇંગ કરવી પડે છે અને લોક મારવા પડે છે. લોકો ને વિનંતી કરીએ તો ઝઘડો કરે છે. કેટલાક લોકો કહે છે, દંડ લઈ લો અમે તો અહીં જ ગાડી પાર્ક કરવાના. કોચરબ આશ્રમ પાસેના વિઝા એપ્લિકેશન સેન્ટર પાસે તો વ્યવસ્થિત પાર્કિંગ કરાવવા એક સિક્યોરિટી ગાર્ડ સતત ફોન પર સૂચનાઓ આપ્યા કરે છે.

એક તરફ ભારતની ગ્લોબલ ઇમેજ સુધરતી જાય છે. પ્રવાસન પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી તરફ ભારતનું યુવા ધન ભણવાની સાથે કેરિયર બનાવવા વિદેશમાં ભાગી રહ્યું છે. ત્યારે એ જવાના કેટલાક માર્ગો પર કાંટા પથરાયેલા છે. ઉચ્ચ અભ્યાસ કરવા માગતા, સારવાર માટે વિદેશ જતાં, વેપાર-ધંધા માટે કે પ્રવાસ માટે વિદેશ જતા લોકોની કેટલીક અગવડો, તકલીફો વિઝા એપ્લિકેશન સેન્ટરોની બહાર જ શરૂ થઈ જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

અલીબાબાના જેક માએ પાકિસ્તાનની અચાનક મુલાકાત લેતાં અચરજ

બીજિંગઃ ચીનના દિગ્ગજ બિઝનેસમેન અને અલીબાબાના સહસંસ્થાપક જેક માએ છાનામાના અચાનક પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, તેમની આ મુલાકાતની માહિતી પાકિસ્તાનમાં ચીની એમ્બેસીને પણ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ લાહોરમાં 29 જૂને પહોંચ્યા હતા અને અહીં આશરે 23 કલાક રોકાયા હતા. આ પ્રવાસમાં તેમણે સરકારી અધિકારીઓ અને મિડિયાથી વાતચીત નહોતી કરી. તેમની આ મુલાકાત અંગત હતી.

તેઓ એક ખાનગી સ્થાને ગયા હતા અને એક પ્રાઇવેટ જેટ દ્વારા ચાલ્યા ગયા હતા. એ પ્રાઇવેટ જેટ જેટ એવિયેશનના VP-CMAનું હતું. જેક મા સાત વેપારીઓના જૂથ સાથે પાકિસ્તાનમાં ગયા હતા, જેમાં ચીનના પાંચ, ડેન્માર્કના એક અને અમેરિકાનો એક નાગરિક હતો. આ બધા હોંગકોંગના બિઝનેસ એવિયેશન સેક્ટરથી ચાર્ટર્ડ ફ્લાઇટથી નેપાળના રસ્તે પાકિસ્તાન પહોંચ્યા હતા. જેક માએ કયા ઉદ્દેશથી પાકિસ્તાનની મુલાકાતની મુલાકાત લીધી હતી, એનો ખુલાસો અત્યાર સુધી નથી થઈ શક્યો. જોકે એ ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાનમાં એની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

સોશિયલ મિડિયામાં આને લઈને હવે ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે વેપારીઓનું  ગ્રુપ પાકિસ્તાનમાં વેપારની સંભાવનાઓ ચકાસી રહ્યું છે.અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે વેપારી કેન્દ્રોની મુલાકાત લીધી હશે. આ સિવાય દિગ્ગજ વેપારીઓએ અને ચેમ્બર્સ ઓફ કોમર્સના અધિકારીઓની સાથે મુલાકાત કરી હોવાની શક્યતા છે. જોકે કોઈ પણ વેપારી સોદા અને બેઠકને લઈને હજી પણ સત્તાવાર તરીકે કંઈ કહેવામાં નથી આવ્યું. અહસાને એક ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે જેક માની આ પાકિસ્તાનની મુલાકાત સંપૂર્ણ રીતે વ્યક્તિગત હતી.

 

 

 

 

NCPમાં ઘમસાણની વચ્ચે વિરોધ પક્ષોની બેઠક સ્થગિત

નવી દિલ્હીઃ મહરાષ્ટ્રના રાજકીય ઘમસાણ પછી 13-14 જુલાઈએ બેંગલુરુમાં થનારી વિરોધ પક્ષોની બેઠક બીજી વાર ટળી ગઈ છે. મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય ઘટનાક્રમને લીધે આ બેઠકને ટાળવામાં આવી હોવાની સંભાવના છે. આ પહેલાં વિરોધ પક્ષોની બેઠક 10 જુલાઈએ શિમલામાં થવાની હતી, જેને ટાળવામાં આવી હતી.

JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે આ બેઠક હાલમાં રદ કરવામાં આવી છે. નવી તારીખનું એલાન સંસદના ચોમાસુ સત્ર પછી કરવામાં આવશે. આ સાથે અરવિંદ કેજરીવાલને દિલ્હીના વટહુકમ મામલે કોંગ્રેસ ટેકો આપવાની ધરાર ના પાડી હતી. આપ પાર્ટી કહ્યું હતું કે જો કોંગ્રેસ વટહુકમ મામલે અમને ટેકો નહીં આપે તો પાર્ટી વિરોધ પક્ષોની પટનાની બેઠકમાં સામેલ નહીં થાય. કોંગ્રેસે આ મુદ્દે ટેકો આપવાનો તો ઇનકાર કર્યો હતો, બલકે વરિષ્ઠ નેતાઓ અજય માકન, અશોક ગહેલોત અને સચિન પાઇલટ જેવા નેતાઓએ કોંગ્રેસ પાસે ટેકો માગવાને મુદ્દે કેજરીવાલની ટીકા કરી હતી.

કોંગ્રેસના મહા સચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે વડા પ્રધાને હાલમાં NCP પર ભ્રષ્ટાચારનો મોટો આરોપ લગાવ્યો હતો અને હવે આપણે આ રાજકીય નાટક જોયું.એ સ્પષ્ટ છે કે ED અને એની એજન્સીઓની આ રમત છે. એની મહાવિકાસ આઘાડી પર કોઈ અસર નહીં પડે. અમે ભાજપની વિરુદ્ધ  મજબૂતીથી લડીશું. તેમણે કહ્યું હતું કે મહરાષ્ટ્રની રાજકીય સ્થિતિની અસર વિપક્ષની એકતા પર નહીં પડે. એ NCPનો આંતરિક મામલો છે. મને વિશ્વાસ છે કે શરદ પવાર આ સ્થિતિને સારી રીતે સંભાળી શકશે.

 

 

 

કોરાનાના 44 નવા કેસો, એકનું મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,325 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,908 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,942 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 58 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1475એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 22,765 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,39,431 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 102 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પીએમ મોદીના આવાસ ઉપર ડ્રોન ઉડતું દેખાયું; તપાસ શરૂ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્રેના નિવાસસ્થાનની ઉપર આજે સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ એક ડ્રોન ચકરાવો લેતું દેખાયું હતું. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના સત્તાવાળાઓએ તરત જ એ વિશે દિલ્હી પોલીસને જાણ કરી હતી. દિલ્હી પોલીસે આ વિશે કેસ નોંધી તપાસ આદરી છે.

(ફાઈલ તસવીર પ્રતીકાત્મક તસવીર)

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીનું સત્તાવાર નિવાસસ્થાન મધ્ય દિલ્હીના 7, લોક કલ્યાણ માર્ગ પર આવેલું છે અને આ વિસ્તાર વીવીઆઈપી ઝોન ઘોષિત કરાયો છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવાની મનાઈ છે. સમગ્ર વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે.