વિઝા એપ્લિકેશન સેન્ટરો બહાર અરજદારોને અગવડતા

અમદાવાદઃ રાજ્યમાંથી પરદેશ ભણવા, કામ કરવા, સ્થાયી થવા, પ્રવાસ માટે અને વેપાર-ધંધા માટે હજારો લોકો જુદા-જુદા દેશોમાં વિઝા માટે અરજીઓ કરે છે.  યુરોપના જુદા-જુદા દેશોમાં વિઝાની અરજી કરવાનું એક સેન્ટર અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આવેલું છે. જ્યારે કેનેડાના વિઝા માટેની અરજી કરવા માટેની ઓફિસ કોચરબ આશ્રમની બાજુમાં એક કોમ્પ્લેક્સમાં આવેલી છે. એક તરફ અમદાવાદમાં મોટે ભાગે કાળઝાળ ગરમીનું વાતાવરણ હોય છે. બીજી તરફ ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર, ટૂ વ્હીલર હોય કે ફોર વ્હીલરને પાર્કિંગ કરવાની સુવિધાનો સદંતર અભાવ. આવા વિસ્તારમાં વિઝા એપ્લિકેશન સેન્ટરો આવેલાં છે.

શહેરનાં વિઝા એપ્લિકેશન સેન્ટરો પર અરજી કરનારા લોકો ગાડી કે સ્કૂટર પાર્ક કરી એપ્લિકેશન સેન્ટર તરફ પૂછપરછ કરવા જાય ત્યાં ગાડી ટોઇંગ થઈ જાય કે લોક થઈ જાય. પરિમલ ચાર રસ્તા પાસે વિઝાની અરજી આપવા આવેલા કેટલાક લોકો ચિત્રલેખા. કોમને કહે છે અહીં બેસવાની તો ઠીક ઊભા રહેવાની પણ સગવડ નથી. આટલી ફી વસૂલતા હોવા છતાં વિઝાના અરજદારો માટે કોઈ સુવિધા નથી. લોકો ઠંડી, વરસાદ અને ધોમધખતા તાપમાં વિઝા એપ્લિકેશન સેન્ટરોની બહાર બિચારા થઈને ઊભા રહે છે.

એક વિઝા સેન્ટર પરના સિક્યોરિટી ગાર્ડ કહે પ્રોપર પાર્કિંગ અને અન્ય અસુવિધાઓથી કંટાળેલા લોકો અમારી જોડે હુંસાતુંસી કરે છે. અરજી કરવા આવેલા લોકો કહે છે અમે મફત રાશન લેવા આવ્યા છીએ..?

સી. જી. રોડ, આંબાવાડી વિસ્તારમાં ટ્રાફિકના કર્મચારીઓ કહે છે,  વિઝા એપ્લિકેશન સેન્ટરની બહાર આડેધડ પાર્ક કરેલી ગાડીઓ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ પરિણામ શૂન્ય આવતાં ગાડીઓ ટોઇંગ કરવી પડે છે અને લોક મારવા પડે છે. લોકો ને વિનંતી કરીએ તો ઝઘડો કરે છે. કેટલાક લોકો કહે છે, દંડ લઈ લો અમે તો અહીં જ ગાડી પાર્ક કરવાના. કોચરબ આશ્રમ પાસેના વિઝા એપ્લિકેશન સેન્ટર પાસે તો વ્યવસ્થિત પાર્કિંગ કરાવવા એક સિક્યોરિટી ગાર્ડ સતત ફોન પર સૂચનાઓ આપ્યા કરે છે.

એક તરફ ભારતની ગ્લોબલ ઇમેજ સુધરતી જાય છે. પ્રવાસન પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી તરફ ભારતનું યુવા ધન ભણવાની સાથે કેરિયર બનાવવા વિદેશમાં ભાગી રહ્યું છે. ત્યારે એ જવાના કેટલાક માર્ગો પર કાંટા પથરાયેલા છે. ઉચ્ચ અભ્યાસ કરવા માગતા, સારવાર માટે વિદેશ જતાં, વેપાર-ધંધા માટે કે પ્રવાસ માટે વિદેશ જતા લોકોની કેટલીક અગવડો, તકલીફો વિઝા એપ્લિકેશન સેન્ટરોની બહાર જ શરૂ થઈ જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)