Home Blog Page 27

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વિરોધ, CMએ પહેરી કાળી પટ્ટી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે ગુજરાત સહિત દેશમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ

રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે અનામત એ એકમાત્ર સાધન નથી. અન્ય સાધનો પણ છે.

અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.

જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો

મુંબઈ: વર્ષોથી મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં મુસાફરી કરવા માટે મુસાફરોની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC)ના MD અશ્વિની ભીડેના જણાવ્યા અનુસાર આરેથી BKC વચ્ચે મેટ્રો-3 કોરિડોરની સેવાઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. પ્રથમ તબક્કાની સેવાઓ શરૂ થયા પછી આરેથી BKC સુધીની મુસાફરી માત્ર 22 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં આ યાત્રા પૂર્ણ કરવામાં એક કલાક જેટલો સમય લાગે છે.

આરે અને BKC વચ્ચેના તમામ 9 મેટ્રો સ્ટેશનનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના 12.44 કિલોમીટરના રૂટ પર દરરોજ 96 મેટ્રો ફેરીઓ ચાલશે. સવારે 6.30 થી 10.30 વાગ્યા સુધી મુસાફરો માટે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. સંભાવના છે કે આગામી મહિના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરી શકે છે.

(તમામ તસવીર: દીપક ધૂરી)

જાણો ચાર વર્ષ બાદ ફરી ક્યારે શરૂ થશે કૈલાસ દર્શન યાત્રા!

કૈલાસ માન સરોવર યાત્રા કરનારા શિવભક્તો માટે એક મોટાં સમાચાર સામે આવ્યાં છે. યાત્રાળુઓ આ વર્ષે 1લી ઓક્ટોબરથી ચીન હસ્તકના તિબેટ સ્થિત હિન્દુઓના પવિત્ર સ્થળ કૈલાસ પર્વતનાં ભારતીય ક્ષેત્રમાં રહીને દર્શન કરી શકશે. ઉત્તરાખંડમાં કુમાઉ મંડલ વિકાસ નિગમ (કે.એમ.વી.એન.)એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. શ્રદ્ધાળુઓને પિથોરાગઢ જિલ્લામાં આવેલા ઓલ્ડ લિપુલેખ પાસ પર બનાવાયેલા વ્યૂ પૉઇન્ટથી કૈલાસ પર્વતનાં દર્શન કરાવાશે. અત્યાર સુધી નેપાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના રસ્તેથી કૈલાસયાત્રા યોજાતી હતી. પરંતુ કોરોનાકાળથી ચીને રસ્તો બંધ કરી દીધો હોવાથી યાત્રા બંધ હતી.કે.એમ.વી.એન.ના TDO લલિત તિવારીએ ભાસ્કરને કહ્યું, “યાત્રામાં 22થી 55 વર્ષની વયના શ્રદ્ધાળુઓ જ જઈ શકશે. આ માટે વ્યક્તિદીઠ રૂ. 80 હજાર ભાડું નક્કી કરાયું છે. પહેલાં 75 હજાર રૂપિયા પ્રસ્તાવિત હતું. પરંતુ ખર્ચ વધતાં ભાડું વધારાયું છે. પૅકેજમાં હૅલિકોપ્ટર તેમજ જીપનું ભાડું, રોકાણ, ખાવા-પીવાના ખર્ચનો સમાવેશ થાય છે. યાત્રાનું બુકિંગ કે.એમ.વી.એન.ની વેબસાઇટ પરથી શુક્રવારથી શરૂ થશે. યાત્રા ચાર દિવસની રહેશે.”પહેલાં દિવસે 15 યાત્રીને સેનાના હૅલિકોપ્ટરમાં પિથોરાગઢથી 70 કિમી દૂર ગુંજી ગામ લઈ જવાશે. અહીં રાત્રીરોકાણ થશે. ગુંજી ગામથી 30 કિમી દૂર આદિ કૈલાસ પર્વત લઈ જવાશે. અહીંથી પાછા ગુંજી ગામ આવીને રાત્રીરોકાણ કરાશે. ત્રીજા દિવસે ખાનગી વાહનોમાં પહેલાં ઓમ પર્વતનાં દર્શન કરાવાશે. ત્યાંથી આગળ સેના પોતાનાં વાહનોમાં કૈલાસ વ્યૂ પૉઇન્ટ લઈ જશે. જ્યાંથી સામે કૈલાસ પર્વત જોઈ શકાશે. ચોથા દિવસે ગુંજીથી પિથોરાગઢ પાછા આવવાનું રહેશે. યાત્રા પહેલાં દરેક શ્રદ્ધાળુની તબીબી તપાસ પણ થશે.

દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે AQMCને ‘સુપ્રીમ’ ફટકાર  

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફરી એક વાર વધતા પ્રદૂષણ મુદ્દે ચિંતા દર્શાવી છે. પ્રદૂષણ પર નિયંત્રણ કરવા માટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (AQMC)એ અપેક્ષા મુજબ કામ નથી કર્યું. કોર્ટે કમિશનને ફટકાર લગાવતાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. ત્રીજી ઓક્ટોબરે આગામી સુનાવણી થશે.

આ કેસમાં કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ અપરાજિતા સિંહે કહ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં ફરી એક વાર ખેડૂતોએ પરાળી બાળવાનું શરૂ કર્યું છે. આ વર્ષે પ્રદૂષણની સ્થિતિ ગંભીર થતાં પહેલાં જ ખેડૂતોને પરાળી બાળવાથી રોકવા જરૂરી છે. જસ્ટિસ અભય એસ. ઓક અને ઓગસ્ટિન મસીહની ખંડપીઠે કમિશનને કહ્યું હતું કે ખેડૂતોને પરાળી નષ્ટ કરવા માટે આપવામાં આવેલાં મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

કોર્ટે એ વાત આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કમિશનની સબ-કમિટીની બેઠક વર્ષમાં માત્ર ચાર વાર જ થાય છે. કોર્ટે આ બેઠકોની વિગતો માગી હતી. કોર્ટે એ પણ કહ્યું હતું કે પંચ CAQM એક્ટની કલમ 14માં પ્રદૂષણ કરવાવાળાઓ પર સખત કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ કમિશનની 2021માં રચના પછી કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રતિ વર્ષ આ જ થાય છે. પ્રતિ વર્ષ પરાળી બાળવામાં આવે છે. શું એમાં કોઈ ઘટાડો થયો છે? શું દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ઓછો થઈ રહ્યો છે કે વધી રહ્યો છે. એના પર CQAMએ કહ્યું હતું કે પરાળી બાળવાની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે શું વાયુ ગુણવતા સુધરી છે?

અમદાવાદ મળેલ JPCની બેઠકમાં વિવાદ, સંઘવી-ઓવૈસી સામ-સામે

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ચકમક થઈ. ત્યારે બીજી બાજું બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો.

કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ યથાવત્ રહેશે’ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી JPC કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે. વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી.  JPC આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.

ઘરે ઘરે માંદગીના ખાટલા, અમદાવાદમાં 700 ડેન્ગ્યુના કેસ નોંધાયા

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત્‌ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં સોલા સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ આવ્યા હતા. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 89 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 16 કેસ સામે આવે છે. બીજી તરફ અસારવા સિવિલમાં ઑગસ્ટમાં 243 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરના 26 દિવસમાં ડેન્ગ્યુના 343 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં મેલેરિયાના 86 કેસ નોંધાયા છે. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 33, નવમીથી 15મી 29, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 24 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 28 કેસ નોંધાયેલા છે. વાયરલ ઇન્ફેક્શનના સોલા સિવિલમાં 6109 કેસ સામે આવ્યા છે. આ પૈકી 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 1938 કેસનો સમાવેશ થાય છે.

ત્યારે બીજી બાજું વડોદરા શહેરમાં ગઈકાલે ડેન્ગ્યૂના 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કમળા અને ટાઇફોઇડના એક-એક તેમજ ઝાડાના 106 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરિન ટેસ્ટિંગના કુલ 1139 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 1134 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે શહેરમાં એક જ દિવસે ઝાડાના 106 કેસ નોંધાયા હતા. શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 52 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી ખોડિયારનગર, મકરપુરા, શિયાબાગ-2, ગોકુલનગર, ભાયલી અને મકરપુરા સહિતના વિસ્તાર 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મલેરિયાનાં શંકાસ્પદ 1088 સેમ્પલ લેવાયાં હતાં. આ સિવાય કલાલીમાંથી કમળાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ખોડિયારનગર વિસ્તારમાંથી એક ટાઇફોઇડનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે 37,687 ઘર તપાસીને 19,827 મકાનમાં ફોગિંગ કર્યું હતું.

ગુજરાતના 35 કોલ સેન્ટર પર CBIનો સિકંજો

રાજ્યમાં સાયબર ફ્રોડના અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે પાછલા કેટલાક સમયમાં સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર સિકંજો કસ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેડની પુર્ણ થયા બાદ ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના સેવાય રહી છે.

છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે સીબીઆઈના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઇ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે.

કાઝીરંગા: યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત આસામની પ્રાચીન ધરોહર

આસામ: પર્યટન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવા અને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે  છે. ત્યારે આજે વાત કરીએ આસામમાં આવેલા વિશ્વના સૌથી મોટા નેશનલ પાર્ક કાઝીરંગાની. આમ તો આસામ ચા માટે જાણીતું છે પરંતુ આજે વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી થાય છે ત્યારે કાઝીરંગાની એક મુલાકાત કરીએ.

સૌથી જૂનું ઉદ્યાન

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામના ગોલાઘાટ અને નાગાંવ ક્ષેત્રમાં સ્થિત છે. આસામનું સૌથી જૂનું ઉદ્યાન છે જે ઉત્તરમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે અને દક્ષિણમાં કાર્બી આંગલોંગ હિલ્સના 430 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરમાં એક શિંગડાવાળા ગેંડા એટલે કે રાયનો માટે પ્રખ્યાત છે. આ જ કારણ છે કે યુનેસ્કોએ આ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કર્યું છે. કાઝીરંગા વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને પ્રખ્યાત પાર્કમાંનું એક છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.ઇતિહાસ

ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન પત્ની મેરી કર્ઝન સાથે જયારે 1904માં કાઝીરંગા આવ્યા, ત્યારે એમણે અહીં બહુ ઓછી વસ્તી ધરાવતા એક શિંગડાવાળા રાયનો જોયા. આ લુપ્ત થતાં રાયનોની પ્રજાતિના રક્ષણ કરવા માટે તેમણે સ્થાનિક તંત્રને કહ્યું. ત્યાર પછી 1908માં આ સ્થળને પૂર્ણ રીતે આરક્ષિત અભયારણ્ય જાહેર કરાયું. 1950માં આનું નામ બદલીને કાઝીરંગા વન્યજીવ અભ્યારણ્ય કરાયું.બિગ ફાઈવ તરીકે જાણીતું પાર્ક

યુનેસ્કોએ આ પાર્કને વર્ષ 1985માં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું. રાયનો ઉપરાંત વાઈલ્ડ બફેલો,  સ્વેમ્પ ડિયર, હાથી અને વાઘ એમ કુલ પાંચ પ્રાણીઓ એક સાથે જોવા મળે એવું આ એકમાત્ર નેશનલ પાર્ક છે. જેના કારણે આ વિસ્તાર બિગ ફાઈવ તરીકે પણ જાણીતો છે. આ પાંચ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં પ્રવાસીઓ જીપ સફારીની મજા માણી શકે છે.

આમ પણ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં માનવ મન મંત્રમુગ્ધ થઈ જાય છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરના સ્થળાંતર કરનારા પક્ષીઓ અને ઘણી લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે આશ્રયસ્થાન છે.

રાયનોની સંખ્યા સૌથી વધુ

વર્તમાન સમયની વાત કરીએ તો અહીં 2,613 રાયનો, 104 વાઘ, 1,089 હાથી અને 1,129 સ્વેમ્પ ડિયર તેમજ 1,937 વાઈલ્ડ બફેલોની વસ્તી છે.

ડિસેમ્બરમાં પ્રવાસીઓનો ધસારો

આ વિશે ચિત્રલેખા. કોમ સાથે વાત કરતા વન અધિકારી તરુણ ગોગી કહે છે કે, “જૂનથી ઓક્ટોબર મહિના દરમિયાન આ પાર્ક બંધ રહે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. રોજના અંદાજે ત્રણથી ચાર હજાર પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં લોકો વધારે આવે છે. આ સમય દરમિયાન વિદેશી પ્રવાસીઓ પણ વધારે આવે છે.”

કાઝીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ

છેલ્લા 16 વર્ષથી કાઝીરંગા નેશનલ પાર્કમાં ગાઈડની જોબ કરતા પિંકુ બોરા ચિત્રલેખા. કોમને રાયનો વિશે વાત કરતા કહે છે કે, “રાયનો દેખાવમાં ખૂબ શાંત લાગે છે પણ એ ખૂબ જ અગ્રેસિવ છે. આમ તો એ પ્રવાસીઓને ક્યારેય નુકશાન પહોંચાડતા નથી. પણ હા જો કોઈ અવાજ કરે તો એમને પસંદ ન પડે તો ક્યારેક જીપનો પીછો પણ કરે છે. જો કે એ સમયે અમે ધ્યાન રાખી ત્યાંથી ફટાફટ નીકળી જઈએ છીએ.”

આમ તો આપણા ગુજરાતમાં પણ અનેક પ્રવાસન સ્થળ છે. પરંતુ જો દેશની અને એમાં પણ આસામની વાત કરીએ તો કાઝીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થાને છે.

હેતલ રાવ (આસામ)

‘કાળા જાદુ’ને નામે સ્કૂલવાળાઓએ ચઢાવ્યો વિદ્યાર્થીનો બલિ

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં માનવતાને શરમમાં મૂકે એવી ઘટના બની છે. તંત્ર-મંત્ર અને કાળા જાદુ માટે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. અહીં સ્કૂલની પ્રગતિ માટે ડિરેક્ટર અને તેના તાંત્રિક પિતાએ ધોરણ બેના નવ વર્ષના વિદ્યાર્થીનો બલિ ચઢાવી દીધો છે. ડિરેક્ટરના પિતાનું માનવું હતું કે તંત્ર-મંત્ર અને કોઈ બાળકની બલિ આપવાથી સ્કૂલની પ્રગતિ થશે. ડિરેક્ટર અને એના તાંત્રિક પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરે વિદ્યાર્થીનો મૃતદેહ આગરાથી 35 કિલોમીટર દૂર સાદાબાદ વિસ્તારમાં સ્કૂલ ડિરેક્ટરની કારમાં મળ્યો હતો. ASP અશોકકુમારે કહ્યું હતું કે સ્કૂલ ડિરેક્ટર દિનેશ બઘેલ, તેના પિતા જશોધન સિંહ અને સ્કૂલ શિક્ષકો રામ પ્રકાશ સોલંકી, વીરપાલ સિંહ ને લક્ષ્મણ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યા પાછળ કાળા જાદુની યોજના હતી, એટલે કે ડિરેક્ટર અને શિક્ષકોનું માનવું હતું કે વિદ્યાર્થીના બલિ આપવાથી સ્કૂલની પ્રસિદ્ધિ મળશે અને ડિરેક્ટરના પરિવારની સમસ્યાઓ દૂર થશે. સ્કૂલના એક રૂમમાંથી એક દોરડું મળ્યું છે, ધાર્મિક ફોટો અને ચાવી પણ મળ્યાં છે. ડિરેક્ટરના પિતા એક અનુષ્ઠાન કરવાના હતા, જેથી બાળકનો બલિ એમાં ચઢાવવાનો હતો, પણ વિદ્યાર્થી અડધી રાતે જાગી જતાં અને રડતાં તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.

ડિરેક્ટરના પિતા જાદુ-ટોણામાં વિશ્વાસ કરતા હતા અને તેમણે તેમના પુત્ર (ડિરેક્ટર)ને એક સગીર બાળકનો બલિ ચઢાવવાની સલાહ આપી હતી, પણ યોજના સફળ ના થઈ શકી. પિતાથી પૂછપરછ દરમ્યાન તેણે જઘન્ય ગુનાની કબૂલાત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

નકલી દવાઓ બનાવતી કંપનીઓ પક્ષોને આપે છે અસલી ફંડ, તો…

નવી દિલ્હીઃ ભેળસેળયુક્ત ઘી પછી મિલાવટી દવાઓના રિપોર્ટમાં માલૂમ પડ્યું છે કે દેશમાં 53 દવાઓમાં ભેળસેળ માલૂમ પડી હતી. આ દવાઓમાં તાવ, એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પણ સામેલ છે. આ દવાઓ બનાવતી કંપનીઓમાં મોટી-મોટી બ્રાન્ડેડ કંપનીઓ પણ સામેલ છે.

આ ફાર્મા કંપનીઓ કોંગ્રેસ, ભાજપ સહિત રાજકીય પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ આપે છે તો પછી આ કંપનીઓ સામે સરકાર પગલાં લેશે એવી આશા ઠગારી છે.

આ ભેળસેળવાળી દવાઓની કંપનીઓમાં ટોરન્ટ ફાર્મા પણ જેની બે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ખરાબ નીકળી છે. આમાં Shelcal અને Montair LC દવા સામેલ છે. આ ફાર્મા કંપનીએ કુલ 77.50 કરોડનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે, જેમાં કંપનીએ ભાજપને રૂ. 61 કરોડ, કોંગ્રેસને રૂ. પાંચ કરોડ, SPને રૂ. ત્રણ કરોડ અને આપ પાર્ટીનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યાં છે.

આવી જ રીતે બીજી ફાર્મા કંપની છે એલ્કેમ હેલ્થ સાયન્સ અને એ કંપની PAN-D દવા બનાવે છે, જેણે ભાજપને રૂ. 15 કરોડનાં ચૂંટણી બોન્ડ આપ્યા છે. આ જ રીતે ત્રીજી ફાર્મા કંપની હેટરો લેબ લિ. છે. આ કંપનીએ તેલંગાણામાં રૂ. 25 કરોડના ચૂંટણી બોન્ડ BRS પાસેથી ખરીદ્યાં છે અને રૂ. પાંચ કરોડના ચૂંટણી બોન્ડ ભાજપ પાસેથી ખરીદ્યાં છે.

હવે જે ફાર્મા કંપનીઓની દવાઓમાં ભેળસેળ છે, એ કંપનીઓએ મોટી-મોટી પાર્ટીઓને ચૂંટણી બોન્ડ ખરીદીને ફંડ આપ્યાં છે, એમની સામે કાર્યવાહી થવાની શક્યતા નહીંવત્ છે. જોકે આ કંપનીઓએ કહ્યું હતું કે આ ભેળસેળયુક્ત દવાઓ પકડાઈ છે, એ દવાઓ નકલી છે. આમ ચલક ચલાણું પેલે ઘેર ભાણું જેવો ઘાટ છે.