Home Blog Page 26

‘લાપતા’ થી પલક ગાયિકા તરીકે ચર્ચામાં આવી

ગાયિકા તરીકે શ્રધ્ધા કપૂરની ‘આશિકી 2’ (2013) ના ગીતથી લોકપ્રિયતા મેળવનાર પલક મુછલે ખાસ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. સલમાને પલકને બહુ જલદી પહેલી તક આપી હતી. પલક નાનપણથી જ ગાયનમાં રસ ધરાવતી હતી અને ગાયિકા બનવાના ધ્યેય સાથે જ આગળ વધી રહી હતી. 6 વર્ષની ઉંમરે એ સ્ટેજ શૉમાં ગાવા લાગી હતી. એના માતા-પિતાએ પણ ગાયન માટે પ્રોત્સાહન આપ્યું હતું. ગાયિકા બનવા શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉર્દૂ ભાષાની જાણકારી મેળવવી વગેરે બધી જ બાબતો પર એમણે ધ્યાન આપ્યું હતું.

13 વર્ષની ઉંમરે પલક ફિલ્મોમાં ગાયિકા બનવા ઈન્દોર છોડી મુંબઇ જવા તૈયાર થઈ ત્યારે પિતાને ફિલ્મ સંગીત માટે ખાસ માન ન હતું. એટલે એમણે એને ફિલ્મોના ગીતોને બદલે શાસ્ત્રીય ગાયનમાં આગળ વધવા આગ્રહ કર્યો હતો. અંતે પલકની ઈચ્છાને માન આપી તેઓ પણ મુંબઇ આવ્યા હતા. પલક પહેલાં કોલેજમાં ભણવા ગઈ હતી. એ સાથે ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. સંઘર્ષ કરવા માટે એ માનસિક રીતે તૈયાર હતી. એ પોતાની ડેમો સીડી તૈયાર કરીને આવી હતી. અને સંગીતકારોની ઓફિસમાં ચક્કર મારવાનું આયોજન કરી ચૂકી હતી.

મુંબઈમાં પલકની ઓળખમાં એકમાત્ર નિર્દેશક રૂમી જાફરી હતા. એમણે પહેલા જ અઠવાડિયે પલકને ફોન કરીને કહ્યું કે તું આર.કે. સ્ટુડિયો આવી જા. મારે તારી મુલાકાત કોઇની સાથે કરાવવી છે. પલક ત્યાં જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે પ્રથમ વ્યક્તિને મળી એ સલમાન ખાન હતો. પલકે સલમાનને ‘લંબી જુદાઇ’ ગીત ગાઈ સંભળાવ્યું ત્યારે એ પ્રભાવિત થઈ ગયો અને કહ્યું કે બહુ જલદી તું મારી ફિલ્મ માટે ગાવાની છે. સલમાને એ કમિટમેન્ટ પાળ્યું પણ હતું. થોડા દિવસ પછી પલકને સંગીતકાર સાજિદ-વાજીદે બોલાવી અને ફિલ્મ ‘વીર’ (2010) માટે ‘મહેરબાનીયાં’ ગીતનો એક ટુકડો ગાવાની તક આપી.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું સંગીત આલબમ બહાર આવી ગયું હતું. અને એ ગીત સોનૂ નિગમે ગાયું હતું. પણ સલમાને તક આપવા ફિલ્મમાં પલકના અવાજમાં એ ગીતની એક પંક્તિ રખાવી હતી. ત્યાર પછી સલમાને પલકને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે માર્ગદર્શન આપવાનું પણ શરૂ કર્યું હતું. થોડા સમય પછી સલમાને કહ્યું કે તું ‘યશરાજ ફિલ્મ્સ’ ની એક ફિલ્મ માટે ગાવાની છે. અને પછી સંગીતકાર સુહેલ સેનનો પલકને ફોન આવ્યો કે એ તેના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવા માગે છે. ‘લાપતા’ ગીત રેકોર્ડ થયું ત્યારે પલકને ખબર ન હતી કે એ ‘એક થા ટાઈગર’ (2012) માટે હતું. સલમાને પછીથી એને માહિતી આપી હતી કે એણે જે ગીત ગાયું છે એ એની ફિલ્મમાં કેટરિના માટે છે. ‘લાપતા’ પલકનું પહેલું પાર્શ્વગીત હતું અને એ પછી એને તરત જ અસંખ્ય ગીતો ગાવાની તક મળવા લાગી હતી. એમાં ‘આશિકી 2’ ના ‘ચાહું મેં યા ના’ અને ‘મેરી આશિકી’ ગીતથી એટલી લોકપ્રિયતા મળી કે પલક મુછલે પાર્શ્વ ગાયનમાં પાછું વળીને જોવું પડ્યું નથી.

પંચાંગ 28/09/2024

ટ્રાફિક અને હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટની નારાજગી

અમદાવાદના 20 અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સુનાવણીમાં કોર્ટે ટૂ-વ્હીલરચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો, પરંતુ કોર્ટને રસ્તા ઉપર ટૂ-વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા હોય એવું દેખાતું નથી. કાલ ઊઠીને તેઓ નવરાત્રિમાં હેલ્મેટ નહીં પહેરવાની છૂટ પણ માગશે!

કોર્ટે કહ્યું હતું કે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને જ નહીં, પરંતુ વર્તમાન બાબતોને લઈને પણ તજજ્ઞોનો અહેવાલ લેવામાં આવે. તજજ્ઞોની નિમણૂક કરવામાં આવે. એક મોનિટરિંગ કમિટીની રચના પણ કરવામાં આવે. ઓથોરિટી કેવા પ્રકારના તજજ્ઞોની કમિટી બનાવવામાં આવે એ એક વખત કોર્ટ સમક્ષ મૂકે, જરૂર પડે કોર્ટ સૂચનાઓ આપશે. કોર્ટ મિત્રે સૂચન કર્યું હતું કે શહેરમાં ફેઝ વાઇસ કામગીરી કરવામાં આવે, જેમ કે પહેલા એસટી હાઇવે ઉપર કામગીરી કરવામાં આવે, ત્યાર બાદ સી.જી. રોડ લેવામાં આવે. આમ કામગીરી સતત ચાલુ રાખવામાં આવે. કોર્ટે ટ્રાફિક વિભાગમાં મજૂર કરાયેલી અને ખાલી પડેલી જગ્યાઓની વિગતો પણ માગી હતી, સાથે જ કહ્યું હતું કે નવરાત્રિ પહેલાં ખરાબ થયેલા રસ્તાઓને રિસર્ફેસ કરવામાં આવે તેમજ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 4 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે, જેથી કરીને નવરાત્રિ પહેલાં કેટલું કામ થયું એનું વિશ્લેષણ કરી શકાય.

સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકને બે વખત દંડ કરવામાં આવશે. જ્યારે ત્રીજી વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અરજદારે જણાવ્યું હતું કે વર્ષ 2021થી વર્ષ 2024 સુધીના સમાચાર અહેવાલો જણાવે છે કે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો નથી. આ પ્રશ્નના નિરાકરણ માટે કોર્ટના નિર્દેશો જરૂરી છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હવે ટ્રાફિક જંક્શન ઉપર પોલીસ ઊભી હોય છે. કોર્ટે એ વાત સાથે સહમતી બતાવી નહોતી. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી કોર્ટે એડવોકેટ જનરલને પૂછ્યું હતું કે, શું તેમણે જાતે ફિલ્ડ પર જઈને જોયું છે? આ હકીકત નથી, કોઈ ફરક પડ્યો નથી. જોકે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે લોકો હવે સજાગ થઈ રહ્યા છે અને જ્યાં-ત્યાં પાર્કિંગ કરતાં પહેલાં વિચારે છે. આ અનધિકૃત પાર્કિંગ થયેલાં વાહનને ટો કરવામાં આવે છે.

જે પ્રોજેક્ટનો ગડકરીએ કર્યો શિલાન્યાસ, એનો કંગનાએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપનાં સાંસદ કંગના રણોત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઊતરી ગઈ છે. હજી છ મહિના પહેલાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં નીતિન ગડકરીએ ખરાહલ ખીણમાં બિજલી મહાદેવ રોપવેનું એલાન કર્યું હતું, પણ રૂ. 272 કરોડના આ પ્રોજેક્ટનો હવે કંગના રણોતે વિરોધ શરૂ કરી દીધો છે.

બિજલી મહાદેવ મંદિર માટે રોપવેને લઈને ખરાહલ અને કશાવરી ખીણના લોકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગ્રામીણોએ કેટલીય વાર રસ્તા પર ઊતરીનો બિજલી મહાદેવ રોપવેનું વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું હતું કે રોપવે બનવાથી દેવતા ખુશ નથી. રોપવે બનવાથી તેમના રોજગાર પર પ્રતિકૂળ અસર પડશે. એ સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચશે, કેમ કે રોપવેના નિર્માણમાં અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે.

કંગનાએ કહ્યું હતું કે મેં આ પ્રોજેક્ટને લઈને નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. મેં તેમને આ મામલે માહિતી આપી હતી. જો અમારા દેવતા નથી ઇચ્છતા તો એ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ. હું નીતિન ગડકરીને ફરી મળીશ. અમારા માટે દેવતાનો આદેશ આધુનિકીકરણથી વધુ જરૂરી છે.

ગડકરી કર્યો હતો શિલાન્યાસ

હિમાચલમાં કુલ્લુના મોહલ નેચર પાર્કમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બિજલી મહાદેવ રોપવેનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. આ રોપવે દોઢ વર્ષમાં બનીને તૈયાર કરવાનો હતો. આ રોપવે બનવાથી 36,000 પ્રવાસીઓ એક દિવસમાં બિજલી મહાદેવ પહોંચશે અને અહીં ટુરિઝમને ઘણો લાભ થશે.

નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિ.ના મેનેજર અનિલ સેને જણાવ્યું હતું કે બિજલી મહાદેવનો આ રોપવે મોનો કેબલ રોપવે હશે અને 55 બોક્સ એમાં લગાવવામાં આવશે. એની ક્ષમતા 1200 લોકોને લઈ જવાની હશે અને એ ક્ષમતાને 1800 સુધી વધારવામાં આવશે.

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વિરોધ, CMએ પહેરી કાળી પટ્ટી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે ગુજરાત સહિત દેશમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ

રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે અનામત એ એકમાત્ર સાધન નથી. અન્ય સાધનો પણ છે.

અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.

જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો

મુંબઈ: વર્ષોથી મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં મુસાફરી કરવા માટે મુસાફરોની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC)ના MD અશ્વિની ભીડેના જણાવ્યા અનુસાર આરેથી BKC વચ્ચે મેટ્રો-3 કોરિડોરની સેવાઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. પ્રથમ તબક્કાની સેવાઓ શરૂ થયા પછી આરેથી BKC સુધીની મુસાફરી માત્ર 22 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં આ યાત્રા પૂર્ણ કરવામાં એક કલાક જેટલો સમય લાગે છે.

આરે અને BKC વચ્ચેના તમામ 9 મેટ્રો સ્ટેશનનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના 12.44 કિલોમીટરના રૂટ પર દરરોજ 96 મેટ્રો ફેરીઓ ચાલશે. સવારે 6.30 થી 10.30 વાગ્યા સુધી મુસાફરો માટે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. સંભાવના છે કે આગામી મહિના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરી શકે છે.

(તમામ તસવીર: દીપક ધૂરી)

જાણો ચાર વર્ષ બાદ ફરી ક્યારે શરૂ થશે કૈલાસ દર્શન યાત્રા!

કૈલાસ માન સરોવર યાત્રા કરનારા શિવભક્તો માટે એક મોટાં સમાચાર સામે આવ્યાં છે. યાત્રાળુઓ આ વર્ષે 1લી ઓક્ટોબરથી ચીન હસ્તકના તિબેટ સ્થિત હિન્દુઓના પવિત્ર સ્થળ કૈલાસ પર્વતનાં ભારતીય ક્ષેત્રમાં રહીને દર્શન કરી શકશે. ઉત્તરાખંડમાં કુમાઉ મંડલ વિકાસ નિગમ (કે.એમ.વી.એન.)એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. શ્રદ્ધાળુઓને પિથોરાગઢ જિલ્લામાં આવેલા ઓલ્ડ લિપુલેખ પાસ પર બનાવાયેલા વ્યૂ પૉઇન્ટથી કૈલાસ પર્વતનાં દર્શન કરાવાશે. અત્યાર સુધી નેપાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના રસ્તેથી કૈલાસયાત્રા યોજાતી હતી. પરંતુ કોરોનાકાળથી ચીને રસ્તો બંધ કરી દીધો હોવાથી યાત્રા બંધ હતી.કે.એમ.વી.એન.ના TDO લલિત તિવારીએ ભાસ્કરને કહ્યું, “યાત્રામાં 22થી 55 વર્ષની વયના શ્રદ્ધાળુઓ જ જઈ શકશે. આ માટે વ્યક્તિદીઠ રૂ. 80 હજાર ભાડું નક્કી કરાયું છે. પહેલાં 75 હજાર રૂપિયા પ્રસ્તાવિત હતું. પરંતુ ખર્ચ વધતાં ભાડું વધારાયું છે. પૅકેજમાં હૅલિકોપ્ટર તેમજ જીપનું ભાડું, રોકાણ, ખાવા-પીવાના ખર્ચનો સમાવેશ થાય છે. યાત્રાનું બુકિંગ કે.એમ.વી.એન.ની વેબસાઇટ પરથી શુક્રવારથી શરૂ થશે. યાત્રા ચાર દિવસની રહેશે.”પહેલાં દિવસે 15 યાત્રીને સેનાના હૅલિકોપ્ટરમાં પિથોરાગઢથી 70 કિમી દૂર ગુંજી ગામ લઈ જવાશે. અહીં રાત્રીરોકાણ થશે. ગુંજી ગામથી 30 કિમી દૂર આદિ કૈલાસ પર્વત લઈ જવાશે. અહીંથી પાછા ગુંજી ગામ આવીને રાત્રીરોકાણ કરાશે. ત્રીજા દિવસે ખાનગી વાહનોમાં પહેલાં ઓમ પર્વતનાં દર્શન કરાવાશે. ત્યાંથી આગળ સેના પોતાનાં વાહનોમાં કૈલાસ વ્યૂ પૉઇન્ટ લઈ જશે. જ્યાંથી સામે કૈલાસ પર્વત જોઈ શકાશે. ચોથા દિવસે ગુંજીથી પિથોરાગઢ પાછા આવવાનું રહેશે. યાત્રા પહેલાં દરેક શ્રદ્ધાળુની તબીબી તપાસ પણ થશે.

દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે AQMCને ‘સુપ્રીમ’ ફટકાર  

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફરી એક વાર વધતા પ્રદૂષણ મુદ્દે ચિંતા દર્શાવી છે. પ્રદૂષણ પર નિયંત્રણ કરવા માટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (AQMC)એ અપેક્ષા મુજબ કામ નથી કર્યું. કોર્ટે કમિશનને ફટકાર લગાવતાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. ત્રીજી ઓક્ટોબરે આગામી સુનાવણી થશે.

આ કેસમાં કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ અપરાજિતા સિંહે કહ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં ફરી એક વાર ખેડૂતોએ પરાળી બાળવાનું શરૂ કર્યું છે. આ વર્ષે પ્રદૂષણની સ્થિતિ ગંભીર થતાં પહેલાં જ ખેડૂતોને પરાળી બાળવાથી રોકવા જરૂરી છે. જસ્ટિસ અભય એસ. ઓક અને ઓગસ્ટિન મસીહની ખંડપીઠે કમિશનને કહ્યું હતું કે ખેડૂતોને પરાળી નષ્ટ કરવા માટે આપવામાં આવેલાં મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

કોર્ટે એ વાત આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કમિશનની સબ-કમિટીની બેઠક વર્ષમાં માત્ર ચાર વાર જ થાય છે. કોર્ટે આ બેઠકોની વિગતો માગી હતી. કોર્ટે એ પણ કહ્યું હતું કે પંચ CAQM એક્ટની કલમ 14માં પ્રદૂષણ કરવાવાળાઓ પર સખત કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ કમિશનની 2021માં રચના પછી કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રતિ વર્ષ આ જ થાય છે. પ્રતિ વર્ષ પરાળી બાળવામાં આવે છે. શું એમાં કોઈ ઘટાડો થયો છે? શું દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ઓછો થઈ રહ્યો છે કે વધી રહ્યો છે. એના પર CQAMએ કહ્યું હતું કે પરાળી બાળવાની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે શું વાયુ ગુણવતા સુધરી છે?

અમદાવાદ મળેલ JPCની બેઠકમાં વિવાદ, સંઘવી-ઓવૈસી સામ-સામે

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ચકમક થઈ. ત્યારે બીજી બાજું બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો.

કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ યથાવત્ રહેશે’ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી JPC કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે. વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી.  JPC આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.

ઘરે ઘરે માંદગીના ખાટલા, અમદાવાદમાં 700 ડેન્ગ્યુના કેસ નોંધાયા

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત્‌ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં સોલા સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ આવ્યા હતા. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 89 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 16 કેસ સામે આવે છે. બીજી તરફ અસારવા સિવિલમાં ઑગસ્ટમાં 243 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરના 26 દિવસમાં ડેન્ગ્યુના 343 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં મેલેરિયાના 86 કેસ નોંધાયા છે. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 33, નવમીથી 15મી 29, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 24 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 28 કેસ નોંધાયેલા છે. વાયરલ ઇન્ફેક્શનના સોલા સિવિલમાં 6109 કેસ સામે આવ્યા છે. આ પૈકી 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 1938 કેસનો સમાવેશ થાય છે.

ત્યારે બીજી બાજું વડોદરા શહેરમાં ગઈકાલે ડેન્ગ્યૂના 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કમળા અને ટાઇફોઇડના એક-એક તેમજ ઝાડાના 106 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરિન ટેસ્ટિંગના કુલ 1139 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 1134 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે શહેરમાં એક જ દિવસે ઝાડાના 106 કેસ નોંધાયા હતા. શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 52 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી ખોડિયારનગર, મકરપુરા, શિયાબાગ-2, ગોકુલનગર, ભાયલી અને મકરપુરા સહિતના વિસ્તાર 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મલેરિયાનાં શંકાસ્પદ 1088 સેમ્પલ લેવાયાં હતાં. આ સિવાય કલાલીમાંથી કમળાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ખોડિયારનગર વિસ્તારમાંથી એક ટાઇફોઇડનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે 37,687 ઘર તપાસીને 19,827 મકાનમાં ફોગિંગ કર્યું હતું.