Home Blog Page 25

Monsoon Update: ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ

ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આષાઢી મેહર બાદ ભાદરવો ભરપુર વર્તાય રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં  5.45 ઇંચ, જૂનાગઢમાં 4.80 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર,રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, 3થી 5 ઑક્ટોબર વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે.

 

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યાં 36 બુલડોઝર

સોમનાથઃ શહેરમાં ગુજરાત વહીવટી તંત્ર તરફથી ગેરકાયદે બાંધકામો પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી આશરે સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા 36 જેટલાં બુલડોઝરો આ ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કાર્યવાહીમાં લાગેલાં છે. એનો કાટમાળ હટાવવા માટે 70 ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો બનાવવામાં આવ્યાં હતાં, જેને દૂર કરવામાં વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી.

સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયાં છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.

સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં અહીં ઘણાં નવાં કામો કરવામાં આવ્યાં હતાં અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર 1400 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબૂમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.

 

‘હેરી પોટર’ પ્રોફેસર મેકગોનાગલ ઉર્ફે મેગી સ્મિથનું 89 વર્ષની વયે નિધન

ઓસ્કાર વિજેતા અભિનેત્રી અને હેરી પોટર ફેમ મેગી સ્મિથ હવે આ દુનિયામાં રહ્યાં નથી. અભિનેત્રીનું શુક્રવારે 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેણી ‘પ્રોફેસર મેકગોનાગલ’ તરીકેની ભૂમિકા અને હેરી પોટર ફ્રેન્ચાઇઝી ફિલ્મ ડાઉનટાઉન એબીમાં તેના મજબૂત અભિનય માટે જાણીતા છે.અભિનેત્રીએ લંડનની ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર તેના બે પુત્રો ક્રિસ લાર્કિન અને ટોબી સ્ટીફને શેર કર્યા છે. જો કે હજુ સુધી તેના નિધનનું કારણ બહાર આવ્યું નથી.

પરિવારે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

મેગીના બે પુત્રો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખૂબ જ દુઃખ સાથે અમે ડેમ મેગી સ્મિથના નિધનની જાહેરાત કરીએ છીએ.” શુક્રવારે 27 સપ્ટેમ્બરે સવારે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તે તેની અંતિમ ક્ષણોમાં તેના મિત્રો અને પરિવાર સાથે હતા. તેણીને બે પુત્રો અને પાંચ પૌત્રો છે, જેઓ તેમની માતા અને દાદીની અચાનક ખોટથી ખૂબ જ દુઃખી છે. તેણે કહ્યું કે ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલના અદ્ભુત સ્ટાફે તેના અંતિમ દિવસોમાં તેની સંભાળ રાખી. તમને અનુરોધ કરીએ છીએ કે આ સમયે અમારી ગોપરનિયતાનું સન્માન કરો.

1952માં અભિનેતા તરીકેની સફર શરૂ કરી

મેગીએ 1952માં ઓક્સફોર્ડ પ્લેહાઉસ ખાતે સ્ટેજ પર્ફોર્મર તરીકે તેની સફર શરૂ કરી હતી. બાદમાં તેણીએ બ્રોડવે પર ‘ન્યુ ફેસેજ ઓફ 56’ માં તેણીએ ડેબ્યુ કર્યુ હતું.ત્યાર બાદ તેમણે પીઢ અભિનેત્રી જુડી ડેન્ચની સાથે નેશનલ થિયેટર અને રોયલ શેક્સપિયર કંપની માટે કામ કરીનેસૌથી પ્રતિષ્ઠિત બ્રિટિશ થિયેટર કલાકારોમાંના એક તરીકે પોતાની જાતને સ્થાપિત કરી. મેગીને નોએલ કાવર્ડના પ્રાઈવેટ લાઈવ્સ અને ટોમ સ્ટોપાર્ડના નાઈટ એન્ડ ડે માટે ટોની એવોર્ડ નોમિનેશન પણ મળ્યા હતા અને બાદમાં વર્ષ 1990માં લેટીસ એન્ડ લવેજ માટેના પ્લેમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ટોની એવોર્ડ જીત્યો હતો.

રાણી એલિઝાબેથે આપ્યું ‘નાઈટ’નું બિરુદ

મેગીને રાણી એલિઝાબેથ દ્વારા ‘નાઈટ’ નું બિરુદ આપવામાં આવ્યું હતું અને સત્તાવાર રીતે ડેમ (બ્રિટિશ સન્માન પ્રણાલી અને અન્ય કોમનવેલ્થ ક્ષેત્રોમાં મહિલાઓને આપવામાં આવેલ સન્માનજનક શીર્ષક)થી નવાજવામાં આવ્યા.તેણીએ 1969માં મિસ જીન બ્રોડીની પ્રાઇમ માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને કેલિફોર્નિયા સ્વીટ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે એકેડેમી એવોર્ડ જીત્યો હતો. સ્ટુઅર્ટ બર્ગ દ્વારા દિગ્દર્શિત 1965ની કલ્ટ ક્લાસિક ઓથેલો માટે પણ તેઓ નામાંકિત થયા હતા.

 

કોકોનટ પુડિંગ

કોકોનટ પુડિંગ બહુ જ ઓછી સામગ્રી વડે સહેલાઈથી બની જાય છે. જે ખાવામાં પણ કેક કે મીઠાઈ જેવું સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ

  • નાળિયેર 1 (સુધારેલું નાળિયેર 2 કપ)
  • હુંફાળૂં ગરમ પાણી 1½ કપ
  • કોર્નફ્લોર અથવા આરાલોટ 5 ટે.સ્પૂન
  • સાકર 5 ટે.સ્પૂન

રીતઃ નાળિયેરના કટકા છાલ વિનાના કાઢીને નાના ટુકડામાં સમારી લેવા. આ નાળિયેરના ટુકડાને મિક્સીમાં બારીક પીસી લેવા. હવે તેમાં હુંફાળૂં ગરમ પાણી નાખીને ફરીથી મિક્સી ફેરવી લો. ત્યારબાદ આ મિશ્રણને સ્ટીલની સૂપ ગાળવા માટેની ચાળણીમાંથી ગાળી લો. આ રીતે નાળિયેરનું દૂધ તૈયાર થશે, જે 500 મિ.લિ. જેટલું હશે.

દૂધને રૂમ તાપમાનમાં ઠંડું કરીને તેમાં સાકર તેમજ કોર્નફ્લોર ચમચા વડે સરખું મિક્સ કરી લો. તેમાં ગઠ્ઠા ના બનવા જોઈએ. આ દૂધને ગેસની મધ્યમ ધીમી આંચે ગરમ કરવા મૂકો. સાથે સાથે ચમચા વડે દૂધને હલાવતા રહો, જેથી તેમાં ગઠ્ઠા ના રહે. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે કે. અંદર ફેરવેલા ચમચાને ઉંધો કરતાં તેની ઉપર લેયરની જેમ ચોંટેલું હોય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

કોકોનટ પુડીંગ રૂમ તાપમાને ઠંડું થાય એટલે એક કેક ટીનમાં અથવા સ્ટીલના કોઈ ડબ્બામાં ઘી ચોપડીને તેમાં રેડી દો. આ ટીનને રેફ્રીજરેટરમાં 3-4 કલાક માટે અથવા આખી રાત માટે ઠંડું થવા દો. ત્યારબાદ ટીનને બહાર કાઢીને એક થાળીમાં ઉંધું કરીને પુડીંગ કાઢી લો. આ પુડીંગ ઉપર પિસ્તા અથવા ગુલાબની પાંખડી કે તમને ગમે તે સજાવટ કરીને ખાવા માટે પીરસો.

‘લાપતા’ થી પલક ગાયિકા તરીકે ચર્ચામાં આવી

ગાયિકા તરીકે શ્રધ્ધા કપૂરની ‘આશિકી 2’ (2013) ના ગીતથી લોકપ્રિયતા મેળવનાર પલક મુછલે ખાસ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. સલમાને પલકને બહુ જલદી પહેલી તક આપી હતી. પલક નાનપણથી જ ગાયનમાં રસ ધરાવતી હતી અને ગાયિકા બનવાના ધ્યેય સાથે જ આગળ વધી રહી હતી. 6 વર્ષની ઉંમરે એ સ્ટેજ શૉમાં ગાવા લાગી હતી. એના માતા-પિતાએ પણ ગાયન માટે પ્રોત્સાહન આપ્યું હતું. ગાયિકા બનવા શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉર્દૂ ભાષાની જાણકારી મેળવવી વગેરે બધી જ બાબતો પર એમણે ધ્યાન આપ્યું હતું.

13 વર્ષની ઉંમરે પલક ફિલ્મોમાં ગાયિકા બનવા ઈન્દોર છોડી મુંબઇ જવા તૈયાર થઈ ત્યારે પિતાને ફિલ્મ સંગીત માટે ખાસ માન ન હતું. એટલે એમણે એને ફિલ્મોના ગીતોને બદલે શાસ્ત્રીય ગાયનમાં આગળ વધવા આગ્રહ કર્યો હતો. અંતે પલકની ઈચ્છાને માન આપી તેઓ પણ મુંબઇ આવ્યા હતા. પલક પહેલાં કોલેજમાં ભણવા ગઈ હતી. એ સાથે ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. સંઘર્ષ કરવા માટે એ માનસિક રીતે તૈયાર હતી. એ પોતાની ડેમો સીડી તૈયાર કરીને આવી હતી. અને સંગીતકારોની ઓફિસમાં ચક્કર મારવાનું આયોજન કરી ચૂકી હતી.

મુંબઈમાં પલકની ઓળખમાં એકમાત્ર નિર્દેશક રૂમી જાફરી હતા. એમણે પહેલા જ અઠવાડિયે પલકને ફોન કરીને કહ્યું કે તું આર.કે. સ્ટુડિયો આવી જા. મારે તારી મુલાકાત કોઇની સાથે કરાવવી છે. પલક ત્યાં જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે પ્રથમ વ્યક્તિને મળી એ સલમાન ખાન હતો. પલકે સલમાનને ‘લંબી જુદાઇ’ ગીત ગાઈ સંભળાવ્યું ત્યારે એ પ્રભાવિત થઈ ગયો અને કહ્યું કે બહુ જલદી તું મારી ફિલ્મ માટે ગાવાની છે. સલમાને એ કમિટમેન્ટ પાળ્યું પણ હતું. થોડા દિવસ પછી પલકને સંગીતકાર સાજિદ-વાજીદે બોલાવી અને ફિલ્મ ‘વીર’ (2010) માટે ‘મહેરબાનીયાં’ ગીતનો એક ટુકડો ગાવાની તક આપી.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું સંગીત આલબમ બહાર આવી ગયું હતું. અને એ ગીત સોનૂ નિગમે ગાયું હતું. પણ સલમાને તક આપવા ફિલ્મમાં પલકના અવાજમાં એ ગીતની એક પંક્તિ રખાવી હતી. ત્યાર પછી સલમાને પલકને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે માર્ગદર્શન આપવાનું પણ શરૂ કર્યું હતું. થોડા સમય પછી સલમાને કહ્યું કે તું ‘યશરાજ ફિલ્મ્સ’ ની એક ફિલ્મ માટે ગાવાની છે. અને પછી સંગીતકાર સુહેલ સેનનો પલકને ફોન આવ્યો કે એ તેના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવા માગે છે. ‘લાપતા’ ગીત રેકોર્ડ થયું ત્યારે પલકને ખબર ન હતી કે એ ‘એક થા ટાઈગર’ (2012) માટે હતું. સલમાને પછીથી એને માહિતી આપી હતી કે એણે જે ગીત ગાયું છે એ એની ફિલ્મમાં કેટરિના માટે છે. ‘લાપતા’ પલકનું પહેલું પાર્શ્વગીત હતું અને એ પછી એને તરત જ અસંખ્ય ગીતો ગાવાની તક મળવા લાગી હતી. એમાં ‘આશિકી 2’ ના ‘ચાહું મેં યા ના’ અને ‘મેરી આશિકી’ ગીતથી એટલી લોકપ્રિયતા મળી કે પલક મુછલે પાર્શ્વ ગાયનમાં પાછું વળીને જોવું પડ્યું નથી.

પંચાંગ 28/09/2024

ટ્રાફિક અને હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટની નારાજગી

અમદાવાદના 20 અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સુનાવણીમાં કોર્ટે ટૂ-વ્હીલરચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો, પરંતુ કોર્ટને રસ્તા ઉપર ટૂ-વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા હોય એવું દેખાતું નથી. કાલ ઊઠીને તેઓ નવરાત્રિમાં હેલ્મેટ નહીં પહેરવાની છૂટ પણ માગશે!

કોર્ટે કહ્યું હતું કે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને જ નહીં, પરંતુ વર્તમાન બાબતોને લઈને પણ તજજ્ઞોનો અહેવાલ લેવામાં આવે. તજજ્ઞોની નિમણૂક કરવામાં આવે. એક મોનિટરિંગ કમિટીની રચના પણ કરવામાં આવે. ઓથોરિટી કેવા પ્રકારના તજજ્ઞોની કમિટી બનાવવામાં આવે એ એક વખત કોર્ટ સમક્ષ મૂકે, જરૂર પડે કોર્ટ સૂચનાઓ આપશે. કોર્ટ મિત્રે સૂચન કર્યું હતું કે શહેરમાં ફેઝ વાઇસ કામગીરી કરવામાં આવે, જેમ કે પહેલા એસટી હાઇવે ઉપર કામગીરી કરવામાં આવે, ત્યાર બાદ સી.જી. રોડ લેવામાં આવે. આમ કામગીરી સતત ચાલુ રાખવામાં આવે. કોર્ટે ટ્રાફિક વિભાગમાં મજૂર કરાયેલી અને ખાલી પડેલી જગ્યાઓની વિગતો પણ માગી હતી, સાથે જ કહ્યું હતું કે નવરાત્રિ પહેલાં ખરાબ થયેલા રસ્તાઓને રિસર્ફેસ કરવામાં આવે તેમજ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 4 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે, જેથી કરીને નવરાત્રિ પહેલાં કેટલું કામ થયું એનું વિશ્લેષણ કરી શકાય.

સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકને બે વખત દંડ કરવામાં આવશે. જ્યારે ત્રીજી વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અરજદારે જણાવ્યું હતું કે વર્ષ 2021થી વર્ષ 2024 સુધીના સમાચાર અહેવાલો જણાવે છે કે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો નથી. આ પ્રશ્નના નિરાકરણ માટે કોર્ટના નિર્દેશો જરૂરી છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હવે ટ્રાફિક જંક્શન ઉપર પોલીસ ઊભી હોય છે. કોર્ટે એ વાત સાથે સહમતી બતાવી નહોતી. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી કોર્ટે એડવોકેટ જનરલને પૂછ્યું હતું કે, શું તેમણે જાતે ફિલ્ડ પર જઈને જોયું છે? આ હકીકત નથી, કોઈ ફરક પડ્યો નથી. જોકે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે લોકો હવે સજાગ થઈ રહ્યા છે અને જ્યાં-ત્યાં પાર્કિંગ કરતાં પહેલાં વિચારે છે. આ અનધિકૃત પાર્કિંગ થયેલાં વાહનને ટો કરવામાં આવે છે.

જે પ્રોજેક્ટનો ગડકરીએ કર્યો શિલાન્યાસ, એનો કંગનાએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપનાં સાંસદ કંગના રણોત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઊતરી ગઈ છે. હજી છ મહિના પહેલાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં નીતિન ગડકરીએ ખરાહલ ખીણમાં બિજલી મહાદેવ રોપવેનું એલાન કર્યું હતું, પણ રૂ. 272 કરોડના આ પ્રોજેક્ટનો હવે કંગના રણોતે વિરોધ શરૂ કરી દીધો છે.

બિજલી મહાદેવ મંદિર માટે રોપવેને લઈને ખરાહલ અને કશાવરી ખીણના લોકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગ્રામીણોએ કેટલીય વાર રસ્તા પર ઊતરીનો બિજલી મહાદેવ રોપવેનું વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું હતું કે રોપવે બનવાથી દેવતા ખુશ નથી. રોપવે બનવાથી તેમના રોજગાર પર પ્રતિકૂળ અસર પડશે. એ સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચશે, કેમ કે રોપવેના નિર્માણમાં અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે.

કંગનાએ કહ્યું હતું કે મેં આ પ્રોજેક્ટને લઈને નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. મેં તેમને આ મામલે માહિતી આપી હતી. જો અમારા દેવતા નથી ઇચ્છતા તો એ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ. હું નીતિન ગડકરીને ફરી મળીશ. અમારા માટે દેવતાનો આદેશ આધુનિકીકરણથી વધુ જરૂરી છે.

ગડકરી કર્યો હતો શિલાન્યાસ

હિમાચલમાં કુલ્લુના મોહલ નેચર પાર્કમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બિજલી મહાદેવ રોપવેનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. આ રોપવે દોઢ વર્ષમાં બનીને તૈયાર કરવાનો હતો. આ રોપવે બનવાથી 36,000 પ્રવાસીઓ એક દિવસમાં બિજલી મહાદેવ પહોંચશે અને અહીં ટુરિઝમને ઘણો લાભ થશે.

નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિ.ના મેનેજર અનિલ સેને જણાવ્યું હતું કે બિજલી મહાદેવનો આ રોપવે મોનો કેબલ રોપવે હશે અને 55 બોક્સ એમાં લગાવવામાં આવશે. એની ક્ષમતા 1200 લોકોને લઈ જવાની હશે અને એ ક્ષમતાને 1800 સુધી વધારવામાં આવશે.

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વિરોધ, CMએ પહેરી કાળી પટ્ટી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે ગુજરાત સહિત દેશમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ

રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે અનામત એ એકમાત્ર સાધન નથી. અન્ય સાધનો પણ છે.

અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.