Home Blog Page 2681

મણિપુરઃ ‘આજે પહેલી ધરપકડ, અપરાધીઓને મળી શકે છે ફાંસીની સજા’

મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડની ઘટના પર મુખ્યમંત્રી એન બિરેન સિંહે કડક વલણ અપનાવ્યું છે. તેમણે તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. સીએમએ જણાવ્યું કે આ કેસમાં આજે સવારે પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.

 

મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે વીડિયો સામે આવ્યા બાદ તરત જ રાજ્ય સરકારે આ વીડિયો અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મણિપુર પોલીસે કાર્યવાહી કરી અને આજે સવારે પ્રથમ ધરપકડ કરી. હાલ આ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અમે સુનિશ્ચિત કરીશું કે મૃત્યુદંડની શક્યતા સહિત તમામ અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

શાહનો આદેશ

અમિત શાહે ગુરુવારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે વાત કરી હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને 4 મેની ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહે સિંહને આ ઘટનામાં સંડોવાયેલા તમામને પકડવા અને કાયદા મુજબ યોગ્ય પગલાં લેવા માટે તમામ શક્ય પગલાં લેવા જણાવ્યું હતું.


આ કેસ છે

મણિપુર આ દિવસોમાં વંશીય હિંસાની ઝપેટમાં છે, પરંતુ હવે મણિપુરના પર્વતીય વિસ્તારોમાં એક વીડિયોને લઈને તણાવ ફેલાયો છે જેમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, વીડિયો 4 મેનો છે અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે, જ્યારે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી રહેલા પુરૂષો તમામ મૈતી સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મહિલાઓ વિદાય લઈ રહી છે

ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમના જણાવ્યા અનુસાર, આ ઘટના રાજ્યની રાજધાની ઈમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી. તે જ સમયે, આ કેસમાં પોલીસ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પુરુષો રડતી-રડતી લાચાર મહિલાઓની સતત છેડતી કરી રહ્યા છે અને તેમને ત્યાંથી જવા માટે વિનંતી કરી રહ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

 અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદી નામ નોંધણી, સુધારાવધારા કરાવવા કે નામ કમી કરાવવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરાં કરી રહ્યા હોય તેવા યુવા મતદાર તરીકે નોંધણી કરાવી લોકસભા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે.  પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથે મતદાર યાદીને આખરી કરવા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ બૂથ લેવલ ઓફિસર (BLO) દરેક ઘરની મુલાકાત લેશે. આ માટે BLO 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી જેતે વિસ્તારમાં મતદારોની વિગતો એકઠી કરશે.

આ કાર્યક્રમ હેઠળ 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં BLO દ્વારા 179 લાખથી વધુ ઘરોની મુલાકાત લઈ વિગતો એકઠી કરવામાં આવશે. મતદાર યાદીમાં નહીં નોંધાયેલા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં 6 ભરાવીને મેળવવામાં આવશે. અધિકારી મતદારોની વિગતો ચકાસીને સુધારા માટે મતદારો પાસેથી ફોર્મ નં. આઠ મેળવવામાં આવશે.

રાજ્યના 51,781 બૂથ લેવલ  અધિકારીઓ અને આશરે 5000 જેટલા સુપરવાઇઝર્સ મતદાર યાદી સુધારણા અને BLO એપ્લિકેશન અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે. જેથી જે નાગરિકોએ 1-10-2024 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર છે તેવા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે મૃત્યુ પામેલા તથા કાયમી સ્થળાંતર કરનારા મતદારોએ નિયમાનુસર કાર્યવાહી કરવાની રહેશે.

 

 

ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી

અમદાવાદઃ વિશ્વ માટે 20 જુલાઈનું વિશેષ મહત્વ છે. આજના દિવસે 1969એ બપોરે 2.56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો, તેની સાથે બજ આલ્ડ્રિન અને માઇક કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. જોકે આ મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.

આ દિવસને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે ઊજવવા યુએન (UN) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ગુજરાત સાયન્સ સિટીમાં પણ ઉજવણી કરવામાં આવી, જેમાં ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઈ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે. બી. વદર તેમ જ સ્ટાફના અન્ય સભ્યો અને આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઈએ ચંદ્ર દિવસના ઇતિહાસ વિશે તેમ જ ભારતના મિશન મૂન વિશે વિસ્તારથી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે તાજેતરમાં જ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જે 23 ઓગસ્ટ આસપાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે. ચંદ્રયાનને રોકેટ અને પેલોડ અને લેન્ડર દ્વારા કઈ રીતે ચંદ્ર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાં પહોંચ્યા બાદ ચંદ્રયાન કેવા પ્રકારની વિગતો ત્યાંથી મોકલાવશે એ અંગે તેમણે વિસ્તૃતમાં માહિતી આપી. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણીને વધુ રસપ્રદ બનાવવા માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ પણ રાખવામાં આવી હતી.  ગુજરાત સાયન્સ સિટી તરફથી વિદ્યાર્થીઓને જરૂરી કિટ આપવામાં આવી જેના થકી વિદ્યાર્થીઓએ રોકેટની પ્રતિકૃતિઓ બનાવી હતી.

 

 

 

ચંદ્રયાન-3ને અંતરિક્ષમાં લોન્ચ કરનાર રોકેટમાં કયું ઈંધણ વાપરવામાં આવ્યું હતું?

શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ચંદ્ર ગ્રહ પર સંશોધન કરવા માટે ગઈ 14 જુલાઈએ અવકાશમાં મોકલેલું માનવરહિત અવકાશયાન ચંદ્રયાન-3 આંતરિક ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થિર થયું છે. તે હાલ પૃથ્વી ગ્રહની પ્રદક્ષિણ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે આખરે તેની સપાટી પર ઉતરાણ કરશે. આ સમગ્ર મિશન 40 દિવસની સફરમાં પૂર્ણ થવાની ધારણા રખાય છે.

ઘણાને સવાલ થતો હશે કે ચંદ્રયાન-3ને અવકાશમાં મોકલવા માટે વપરાયેલા રોકેટમાં કયું ઈંધણ વાપરવામાં આવ્યું હશે? તો જવાબ છે – સોલિડ અને પ્રવાહી, એમ બંને ઈંધણ. પ્રથમ ચરણમાં સોલિડ ફ્યૂઅલ વપરાય છે જ્યારે બીજા ચરણમાં પ્રવાહી ઈંધણ. આખરી ચરણ માટે, ક્રાયોજિનિક એન્જિનનો ઉપયોગ કરાય છે, જે પ્રવાહી હાઈડ્રોજન અને ઓક્સિજન પર ચાલે છે. રોકેટની ઈંધણ ક્ષમતા 27,000 કિલોગ્રામ કરતાં વધારે હોય છે. રોકેટમાં બે સોલિડ ફ્યૂઅલ બૂસ્ટર હોય છે, જે પ્રારંભમાં રોકેટને આગળની તરફ ધકેલે છે. ત્યારબાદ પ્રવાહી ઈંધણ કામગીરી સંભાળી લે છે. તે રોકેટની ગતિને જાળવી રાખે છે અને રોકેટને તેની ઈચ્છનીય કક્ષા સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ઈંધણને પ્રોપીલન્ટ કહે છે. અવકાશ મિશનોમાં આ આવશ્યક ઘટક ગણાય છે.

CE-2 ક્રાયોજિનિક એન્જિન રોકેટનું હાર્દ ગણાય છે. ઈસરોનાં વિજ્ઞાનીઓએ ચંદ્રયાન-3 માટે આ ખાસ બનાવ્યું છે. એન્જિનમાં અત્યાધુનિક સિસ્ટમ બેસાડવામાં આવેલી હોય છે, જે રોકેટને આગળ ધપાવે છે.

રોકેટ છૂટે એ વખતે તમે જોયું હશે કે પાછળ ઘણો બધો સફેદ ધૂમાડો નીકળતો હોય છે. રોકેટનું ઈંધણ અથવા પ્રોપીલન્ટ બળવાથી તે ધૂમાડો નીકળે છે. ગરમ ગેસ અને ધૂમાડો નીકળવાથી રકેટ ઉપરની તરફ પ્રચંડ ગતિથી આગળ વધે છે. એ વખતે રોકેટ પ્રતિ કલાક 17,800 માઈલની ઝડપે જાય છે.

ચંદ્રયાન-3ની સફળતામાં કેન્દ્ર સરકાર હસ્તકની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) કંપનીએ મોટી ભૂમિકા ભજવી છે. તેના એન્જિનીયરોએ ટાઈટેનિયમ ધાતુના ઉપયોગ સાથે ફ્યૂઅલ ટેન્ક બનાવી છે.

દહીં પાપડનું શાક

ટમેટાં તો આપણા બજેટમાં ન પરવડે એટલા મોંઘા થઈ ગયા છે, શાક પણ નથી મળી રહ્યાં. તો કોઈપણ લીલાં શાક અને ટમેટાં વિના ઘરમાં રોટલી તેમજ ભાત સાથે સ્વાદિષ્ટ પાપડનું શાક બની શકે છે! તો જાણી લો રેસિપી!

સામગ્રીઃ

  • અડદના પાપડ 4-5 નંગ
  • દહીં 1 કપ
  • લીલાં મરચાં 3-4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • હીંગ ચપટી
  • સૂકા લાલ મરચાં 1-2
  • તેલ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1-2 ટી.સ્પૂન
  • હળદર પાવડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1 ટી.સ્પૂન,
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા ધોઈને સમારેલાં 1 ટે.સ્પૂન

રીતઃ 1 કપ દહીંને ફેંટી લેવું અને તેમાં બધા સૂકા મસાલાઃ લાલ મરચાં પાવડર, હળદર પાવડર તેમજ ધાણાજીરૂ અને થોડું મીઠું મેળવી દો. (પાપડમાં મીઠું હોવાથી મીઠું થોડું ઓછું નાખવું.).

પાપડને તવામાં શેકી લેવા.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડાવો. ત્યારબાદ તેમાં હીંગ નાખી લાલ મરચાં નાખી દો. હવે સુધારેલા લીલા મરચાં ઉમેરીને ખમણેલું આદુ મેળવી દો. 2 મિનિટ સાંતળીને તેમાં 1 ટી.સ્પૂન ચણાનો લોટ મેળવીને તરત જ મસાલા મેળવેલું દહીં નાખીને ચમચા વડે તરત ચલાવતા રહો, જેથી દહીં ફાટે નહીં. 4-5 મિનિટ સાંતળી લીધા બાદ તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં 2 કપ જેટલું પાણી મેળવીને ઉકાળો. ત્યારબાદ તેમાં પાપડના 1 ઈંચ જેટલા ટુકડા કરીને મેળવી દો. 2-3 મિનિટ બાદ પાપડ નરમ થવા માંડે એટલે સુધારેલી કોથમીર ભભરાવીને ગેસ બંદ કરી દો. પાપડનું શાક તૈયાર છે.

41 કેસમાં શખસને 93 વર્ષની સજા, હાઇકોર્ટે છોડ્યો

મુંબઈઃ કાયદો કેટલો આંધળો હોય છે, એ વાત બોમ્બે હાઇકોર્ટમાં દાખલ થયેલી રિટ જોઈને સમજી શકાય છે. આ કેસમાં ખંડપીઠ પણ આશ્વર્યચકિત થઈ ગઈ હતી. તેમણે આ વ્યક્તિની અપીલ જોઈ અને પછી તેને છોડી મૂક્યો હતો. 

વાસ્તવમાં મુંબઈની એક જેલમાં છેલ્લાં નવ વર્ષથી બંધ અસલમ સલીમ શેખે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે તેના પર દયા દાખવવામાં આવે. અસલમને ચોરીના 41 કેસોમાં 83 વર્ષની સજાની સાથે રૂ. 1,26,400નો દંડ વિવિદ કોર્ટો ફટકારવામાં આવ્યો હતો. કોર્ટના ચુકાદા મુજબ જો તે દંડ ના ભરે તો તેને કુલ 93 વર્ષની સજા ભોગવવી પડશે. ખાસ વાત એ છે કે અસલમ શેખને આ સજા વિવિધ કેસોમાં આપવામાં આવી હતી, પણ ટ્રાયલ કોર્ટે પોતાના ચુકાદાઓમાં ક્યાં પણ લખ્યું નહોતું કે આ સજા એકસાથે ગણતરી કરવામાં આવશે.

અસલમ શેખે હાઇકોર્ટને અરજ કરી હતી કે તેની સજા એકસાથે ચાલે, તેણે કોર્ટને દંડ પણ માફ કરવાની અરજ કરી હતી, કેમ કે તે બહુ ગરીબ પરિવારમાંથી આવે છે. તે છેલ્લાં નવ વર્ષથી જેલમાં બંધ છે. તેના માટે આ દંડ ભરવો શક્ય નથી કેમ કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. તેણે પહેલી ચોરી 2014માં કરી હતી, જ્યારે તે સગીર વયનો હતો. તેનું કહેવું હતું કે તેને પોલીસ અકારણ ફસાવ્યો હતો. ત્યાર બાદ 38 કેસો તેની સાથે જોડી દેવામાં આવ્યા હતા. તેના કેસ વિવિધ કોર્ટોમાં ચાલ્યા, જ્યાં તેને વિવિધ કોર્ટોએ 83 વર્।ની સજા સાથે સવા લાખનો દંડ ફટકાર્યો હતો.

 

 

 

આઇસી15 ઇન્ડેક્સમાં 584 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ચીનમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ યુઆન પ્રાયોગિક ધોરણે ચલણમાં મુકાયા બાદ અત્યાર સુધીમાં એનાથી આશરે 250 અબજ ડોલર મૂલ્યના વ્યવહારો થઈ ચૂક્યા હોવાનો દાવો ચીનની કેન્દ્રીય બેન્કના ગવર્નરે કર્યો છે. દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – બિટસો અને સ્ટેલરે દક્ષિણ અમેરિકા પ્રદેશમાં સ્ટેબલકોઇન યુએસડીસી મારફતે આંતરરાષ્ટ્રીય પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સહકાર સાધ્યો છે.

અગાઉ, ૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.47 ટકા (584 પોઇન્ટ) વધીને 40,380 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,796 ખૂલીને 40,410ની ઉપલી અને 39,487 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: 5 PI, 3 DCP, JCP, CP તપાસમાં જોડાયા

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે બેફામ કાર ચલાવનાર નબીરા તથ્ય પટેલે એકસાથે 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. આ દરમિયાન હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા પહોંચ્યા છે.

હર્ષ સંઘવીએ આ કેસને લઈની ઝડપી તપાસ કરાવવાની બાહેધરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજ સાંજ પહેલા જ RTOનો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવમાં આવશે. વકીલના નિવેદન લઈને તેમણે કહ્યું કે, મને દુઃખ છે કે આ વ્યક્તિ પાસે વકીલની ડિગ્રી છે, વકીલની ડિગ્રી હોવા છતાં માનવતા નેવે મૂકી છે.

કેવી રીતે સર્જાયો અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત?

  • સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો
  • અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
  • અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી
  • અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી
  • લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા
  • 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી
  • લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા
  • તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી

મેઘરાજાનું રોદ્ર રૂપ, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જળબંબાકાર

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જે આગામી બે ત્રણ દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

આ સમય દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઇને આજે વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે શેત્રુંજી ડેમની સપાટી હાલ 31 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે.

શેત્રુંજી ડેમમાં લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર કરવી નહીં તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું, ડેમ 34 ફૂટે છલકાશે તેથી હવે માત્ર 2 ફૂટ જેટલો જ ડેમ ખાલી છે, આથી હવે ભાવનગર શહેર-જિલ્લામાં વિના વરસાદે પણ જિલ્લાની જીવાદોરી છલક સપાટી એ પહોંચી ચૂકી છે જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતુંએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સતત ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે આજે 3:45 વાગે વહેલી સવારે 8117 ક્યુસેક પાણીની પ્રવાહ આવી રહ્યો છે, સવારે 7 વાગ્યાથી અવિરત 2030 ક્યુસેક પાણી આવક સતત શરૂ છે જેના કારણે ડેમની સપાટી 31 ફુટ 11 ઈંચ જેટલો ભરાય ગયો છે, આમ, સતત ત્રણ-ચાર દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરીત શરૂ રહી છે.

ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે.

જામનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. જેને લઇને નદીઓ બે કાંઠે થઈ છે. આ બાજુ ખેતરો બેટમાં ફેરવાયા છે. જામનગરની જીવા દોરી સમાન રજીતસાગર ડેમ ઓવરફ્લો થયા બાદ આજે સસોઈ ડેમમાં એક ફૂટથી વધુ પાણીની આવક થતાં ઓવરફ્લો થયો છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ટિબલા, પાણિયા, સહિતના ગામોમાં ભારે વરસાદ પડતાં ખેડૂતોને ખેતર જવાના રસ્તાઓ પર નદી માફક પાણી ફરી વળ્યા છે. તો સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા સહિત 6 લોકોની અટકાયત

અમદાવાદ શહેરના S.G હાઈવેના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગંભીર અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે.આ ગોઝારા અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જાણકારી મુજબ મામલે 6 લોકોની અટકાયત કરવામા આવી છે.

 

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે 6 લોકોની અટકાયત

મળતી માહિતી મુજબ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે 6 લોકોની અટકાયત કરવામા આવી છે. જેમાં પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા સહિત 3 યુવતીની પણ પોલીસ કરી અટકાયત છે. આ સાથે પોલીસે આરોપીઓ સામે મનુષ્યવધનો ગુનો સહિતની કલમો લગાવવામાં આવી છે.

પૂછપરછમાં મોટો ખુલાસા થશે

બનાવની તપાસ ચાલુ છે અને આ મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. પંચનામું, એફએસએલની વિઝિટ પણ થઈ ગઈ છે. RTO અને FSLની જોઈન્ટ વિઝિટ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે

હર્ષ સંઘવીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે જેમાં તેઓએ આરોપીને કોઈપણ હાલમાં છોડવામાં નહીં આવે તેવી પણ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આ સાથે હર્ષ સંઘવીએ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે તેમ પણ જણાવ્યું હતું. હાલ પોલીસે 6 આરોપીઓની એટકાયત કરી લીધી છે.