ચંદ્રયાન-3ને અંતરિક્ષમાં લોન્ચ કરનાર રોકેટમાં કયું ઈંધણ વાપરવામાં આવ્યું હતું?

શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ચંદ્ર ગ્રહ પર સંશોધન કરવા માટે ગઈ 14 જુલાઈએ અવકાશમાં મોકલેલું માનવરહિત અવકાશયાન ચંદ્રયાન-3 આંતરિક ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થિર થયું છે. તે હાલ પૃથ્વી ગ્રહની પ્રદક્ષિણ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે આખરે તેની સપાટી પર ઉતરાણ કરશે. આ સમગ્ર મિશન 40 દિવસની સફરમાં પૂર્ણ થવાની ધારણા રખાય છે.

ઘણાને સવાલ થતો હશે કે ચંદ્રયાન-3ને અવકાશમાં મોકલવા માટે વપરાયેલા રોકેટમાં કયું ઈંધણ વાપરવામાં આવ્યું હશે? તો જવાબ છે – સોલિડ અને પ્રવાહી, એમ બંને ઈંધણ. પ્રથમ ચરણમાં સોલિડ ફ્યૂઅલ વપરાય છે જ્યારે બીજા ચરણમાં પ્રવાહી ઈંધણ. આખરી ચરણ માટે, ક્રાયોજિનિક એન્જિનનો ઉપયોગ કરાય છે, જે પ્રવાહી હાઈડ્રોજન અને ઓક્સિજન પર ચાલે છે. રોકેટની ઈંધણ ક્ષમતા 27,000 કિલોગ્રામ કરતાં વધારે હોય છે. રોકેટમાં બે સોલિડ ફ્યૂઅલ બૂસ્ટર હોય છે, જે પ્રારંભમાં રોકેટને આગળની તરફ ધકેલે છે. ત્યારબાદ પ્રવાહી ઈંધણ કામગીરી સંભાળી લે છે. તે રોકેટની ગતિને જાળવી રાખે છે અને રોકેટને તેની ઈચ્છનીય કક્ષા સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ઈંધણને પ્રોપીલન્ટ કહે છે. અવકાશ મિશનોમાં આ આવશ્યક ઘટક ગણાય છે.

CE-2 ક્રાયોજિનિક એન્જિન રોકેટનું હાર્દ ગણાય છે. ઈસરોનાં વિજ્ઞાનીઓએ ચંદ્રયાન-3 માટે આ ખાસ બનાવ્યું છે. એન્જિનમાં અત્યાધુનિક સિસ્ટમ બેસાડવામાં આવેલી હોય છે, જે રોકેટને આગળ ધપાવે છે.

રોકેટ છૂટે એ વખતે તમે જોયું હશે કે પાછળ ઘણો બધો સફેદ ધૂમાડો નીકળતો હોય છે. રોકેટનું ઈંધણ અથવા પ્રોપીલન્ટ બળવાથી તે ધૂમાડો નીકળે છે. ગરમ ગેસ અને ધૂમાડો નીકળવાથી રકેટ ઉપરની તરફ પ્રચંડ ગતિથી આગળ વધે છે. એ વખતે રોકેટ પ્રતિ કલાક 17,800 માઈલની ઝડપે જાય છે.

ચંદ્રયાન-3ની સફળતામાં કેન્દ્ર સરકાર હસ્તકની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) કંપનીએ મોટી ભૂમિકા ભજવી છે. તેના એન્જિનીયરોએ ટાઈટેનિયમ ધાતુના ઉપયોગ સાથે ફ્યૂઅલ ટેન્ક બનાવી છે.